કોરોના વૅક્સિન : રાજકોટનાં કેટલાંક ગામોમાં રસીકરણનો વિરોધ કેમ થઈ રહ્યો છે?

  • હરિતા કાંડપાલ
  • બીબીસી ગુજરાતી
રાજકોટ જિલ્લાના ગામોમાં કોરોનાની રસીનો ડર અને ગેરસમજ દૂર કરવા હજારો કર્મીઓ કામે લગાડાયા

ઇમેજ સ્રોત, Rajkot Health Department

ઇમેજ કૅપ્શન,

રાજકોટ જિલ્લાના ગામોમાં કોરોનાની રસીનો ડર અને ગેરસમજ દૂર કરવા હજારો કર્મીઓ કામે લગાડાયા

ગુજરાતના રાજકોટ જિલ્લામાં કોરોના રસીકરણને લઈને કેટલાંક ગામોમાં ફેલાયેલા ડરને દૂર કરવા માટે હજારો કર્મચારીઓની ફોજ ઉતારવી પડી છે.

રાજકોટ જિલ્લામાં કેટલાંક ગામોના સરપંચોએ જિલ્લાના આરોગ્યઅધિકારીને પત્ર લખીને કહ્યું હતું કે તેમના ગામમાં કોરોનાના રસીકરણ માટે આરોગ્યકર્મીઓને મોકલવામાં ન આવે.

રાજકોટના જિલ્લા આરોગ્ય અધિકારી નીલેશ શાહે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે કેટલાંક ગામોમાં લોકો કોરોનાની રસી લેતા ડરે છે. જેનું કારણ લોકોમાં રહેલો ભય અને ગેરસમજ છે, જેને દૂર કરવા માટે આરોગ્યકર્મીઓને ઉતારવામાં આવ્યા છે.

આ પહેલા મીડિયામાં આવેલા અહેવાલ અનુસાર રાજકોટ જિલ્લાનાં 50 ગામોમાં કોરોનાની રસી લેવાનો વિરોધ થઈ રહ્યો છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયા ના એક રિપોર્ટ પ્રમાણે લોકોનું માનવું છે કે 'સ્થાનિક દેવતાના આશીર્વાદ'થી કોઈ પણ કોરોનાથી સંક્રમિત નથી થયું અને લોકો બધાને સ્વસ્થ રાખવા માટે ગામદેવીને પ્રસાદ ધરાવશે.

અખબારના અહેવાલ મુજબ ગામલોકોએ આરોગ્યઅધિકારીઓને એમ કહીને ગામમાં પ્રવેશ ન કરવા દીધો કે 'તેનાથી દેવી કોપાયમાન' થશે.

જોકે નીલેશ શાહ કહે છે કે પાંચ કે છ ગામોના સરપંચોએ પત્ર લખીને આ અંગે રજૂઆત કરી હતી કે તેમના ગામમાં કોરોના સંક્રમણના એટલા કેસ નથી એટલે તેમને ત્યાં કોરોનાની રસી મૂકવા માટે આરોગ્યકર્મીઓને મોકલવામાં ન આવે.

પરંતુ અધિકારીઓ મુજબ આની પાછળ ડર, ગેરસમજ અને જાગરૂકતાની કમી જેવાં અનેક કારણો છે.

ગુજરાતના આરોગ્યવિભાગ મુજબ 23 માર્ચ સાંજ સુધી રાજ્યમાં કોરોના રસીકરણ અંતર્ગત 34, 94, 277 લોકોને પ્રથમ ડોઝ અને 6,09,464 લોકોને બીજો ડોઝ આપી દેવાયો છે.

23 માર્ચ સુધી ગુજરાતમાં કુલ 41, 03, 741 લોકોને રસી મૂકવામાં આવી છે.

જોકે દેશનાં અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે ત્યારે મંગળવારે રાજ્યમાં એક દિવસનો સૌથી વધુ કેસોનો આંકડો નોંધાયો.

રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં 23 માર્ચે 23 નવા કેસ નોંધાયા હતા અને 9 હજારથી વધુ લોકોને રસી મૂકવામાં આવી હતી.

કોરોનાની રસીને લઈને ગામલોકોમાં શું ડર છે?

બીબીસી ગુજરાતીના સહયોગી બિપિન ટંકારિયા સાથે વાત કરતાં વિછિયા ગામનાં સરપંચ લીલાબહેનના પતિ ચતુરભાઈ રાજપરા કહે છે, "અમારા ગામમાં કોરોનાના નવ કેસ આવેલા, જેમાં પ્રથમ ત્રણ કેસ બહારથી આવેલા હતા અને તેમાંથી બાકીના છ લોકોને ચેપ લાગ્યો હતો. ગામમાં કોરોનાને કારણે પાંચ લોકોનાં મૃત્યુ પણ થયાં છે જેને લઈને લોકો ગભરાઈ ગયા છે."

તેમનું કહેવું છે કે 25 હજારની વસ્તી ધરાવતા વિછિયા ગામમાં કોરોનાની રસીને લઈને લોકોમાં ભય છે. જોકે જિલ્લા આરોગ્યવિભાગ તરફથી ડૉક્ટરોની ટીમે લોકોને સમજાવવાની કાર્યવાહી હાથ ધરી હતી.

બિપિન ટંકારિયા જણાવે છે કે વિછિયા ગામની આસપાસનાં નાના ગામના લોકો અહીં બજારમાં ખરીદી કરવા આવતા હોય છે.

લોકોમાં અનેક પ્રકારની ધારણાઓ બંધાયેલી છે, જેમકે બારવડા ગામના સરપંચ ભગવાનજી સાકરિયા કહે છે કે તેમના ગામના લોકોમાં એવો ડર છે કે રસી લેવાથી હૉસ્પિટલમાં દાખલ થવું પડે.

રસીને કારણે મૃત્યુ થવાનો પણ તેમને ભય છે.

ઇમેજ સ્રોત, Bipin Tankaria

ઇમેજ કૅપ્શન,

મેસવડા ગામના સરપંચે રાજકોટ જિલ્લા પંચાયત અધિકારીને લેખિતમાં અરજી કરી હતી કે તેમના ગામમાં લોકો કોરોનાની રસી લેવા માગતા નથી

રાજકોટ જિલ્લામાં આવેલા બારવડા ગામના સરપંચ ભગવાનજી સાકરિયાએ બિપિન ટંકારિયા સાથે વાત કરતા જણાવ્યું, "અમે આરોગ્યઅધિકારીને પાંચ દિવસ પહેલાં એક પત્ર લખીને જણાવ્યું હતું કે ગામમાં કોઈને કોરોનાની રસી મુકાવવાના નથી."

"મેં ગામ લોકો સાથે વાત કરી હતી જેમાં તેમણે કોરોનાની રસી લેવાનો ઇન્કાર કર્યો હતો."

તેમનું કહેવું છે કે બારવડાની આસપાસનાં ગામોમાં પણ આવો જ માહોલ છે, કોરોનાની રસી નહીં મુકાવવાની વાત કરતા લોકોને જોતાં તેમના ગામના લોકો પણ રસી લેવાથી ડરી ગયા છે.

બારવડા ગામમાં એક હજાર 600 લોકો રહે છે. ગામમાં ગરીબ અને બીપીએલ કાર્ડધારક પરિવારોની સંખ્યા નોંધપાત્ર છે.

ગામલોકોનું માનવું છે કે લોકો ખેતી કરતા હોવાથી અને શુદ્ધ ખાણીપીણી લેતા હોવાથી લોકો કોરોના સંક્રમણથી બચેલા રહેશે.

બીબીસી ગુજરાતીના સહયોગી બિપિન ટંકારિયાએ આ અંગે જ્યારે મેસવડા ગામના સરપંચ હસમુખ લિંબાસિયા સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે ગામના લોકોને રસીથી એટલી બીક લાગે છે કે આરોગ્યઅધિકારીઓ ગામમાં રસીકરણ માટે આવે તો લોકો વાડીએ જતા રહે છે અને આખું ગામ ખાલી થઈ જાય છે.

તેઓ આગળ જણાવે છે કે ખાલી ગામ જોઈ આરોગ્યઅધિકારીઓએ પણ પાછા ફરવું પડે છે.

હસમુખ લિંબાસીયા મુજબ 1350ની વસતી ધરાવતા આ ગામમાં કોઈ પણ ફેરિયાને પ્રવેશ કરવાની મનાઈ છે.

તેમણે જ રાજકોટ જિલ્લા પંચાયતના અધિકારીને લેખિતમાં અરજી કરી હતી કે તેમના ગામમાં લોકોના કોરોનાની રસીને લઈને અલગઅલગ વિચારો છે.

લોકો માને છે કે રસીને લીધે તેમને અન્ય રોગ લાગી જશે. લોકો કહે છે કે ગામમાં કોરોનાના દર્દી નથી તો પછી રસી લેવાની શું જરૂર?

કોરોના રસીકરણનો દૂર કરવા માટે શું કરી રહ્યું પ્રશાસન?

ગુજરાતનાં અન્ય શહેરોની સાથેસાથે રાજકોટમાં પણ કોરોના સંક્રમણમાં વધારો થયો છે.

રાજકોટ જિલ્લામાં 45થી 59 વર્ષની ઉંમરના 10325 અને 60 વર્ષથી વધારે ઉંમરના 55725 લોકોને અત્યાર સુધી રસી આપી દેવામાં આવી છે.

જોકે, જિલ્લાનાં ગામડાંમાં ગેરસમજ અને ભ્રમણાને કારણે રસીકરણમાં મુશ્કેલીઓ આવી રહી છે.

ગ્રામ્ય વિસ્તારમાં આશા વર્કર, મહિલા આરોગ્યકર્મીઓ અને મલ્ટીપર્પઝ આરોગ્યકર્મીઓને કાઉન્સેલિંગ માટે ઘરેઘરે મોકલવામાં આવી રહ્યાં છે.

પ્રશાસને રાજકોટ જિલ્લા આરોગ્યવિભાગના બે હજાર જેટલા કર્મચારીઓને લોકોની ગેરસમજ દૂર કરવા અને રસીકરણને લઈને શંકાને દૂર કરવા માટે જોતરવા પડ્યા છે.

રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી નીલેશ શાહે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે જે લોકો રસી નથી મુકાવી રહ્યા. તેમની પાસેથી કારણ જાણીને તેમની શંકા દૂર કરવાનો પ્રયત્ન પ્રશાસન કરી રહ્યું છે.

રાજકોટ જિલ્લામાં રસીકરણનાં 300થી વધારે કેન્દ્રો બનાવવામાં આવ્યાં છે.

તેમનું કહેવું છે કે, "એવાં ગામ બહુ ઓછાં છે જે આખેઆખાં ગામ જ રસી લેવા માટે તૈયાર હોય. અનેક ગામોમાં એક-બે સમુદાય અથવા અમુક વિસ્તારના લોકો રસી મૂકાવવા માટે તૈયાર નથી."

"જેમકે એક ગામમાં ઠાકોર સમુદાયના લોકોએ રસી લેવાની ના પાડી તો એમને જોતાં બીજા સમુદાયના લોકોએ રસી લેવાની ના પાડી."

નીલેશ શાહ કહે છે કે "એવું પણ નથી કે માત્ર લઘુમતી સમુદાયના લોકો જ રસી મૂકાવવા માટે તૈયાર નથી. તેમાં હિંદુ-મુસ્લિમ દરેક પ્રકારના લોકો આવી જાય છે. ધાર્મિક કારણોસર જ આ લોકો ના પાડે છે એવું કહેવું યોગ્ય નથી કારણ કે તેમનામાં અનેક ગેરસમજ અને ભય છે."

"લોકો માને છે કે તેમના ગામમાં કોરોના સંક્રમણના બહુ કેસ નથી અને જેમને થયો એ દર્દીઓ બહુ ગંભીર ન થયા એટલે આ બીમારીથી કંઈ થતું નથી."

રાજકોટ જિલ્લામાં 12 કમ્યુનિટી હેલ્થ સેન્ટર, 54 પ્રાથમિક આરોગ્યકેન્દ્ર અને 143 જેટલાં સબ હેલ્થ સેન્ટરના કર્મચારીઓ રસીકરણ કાર્યક્રમમાં જાગરૂકતા ફેલાવી રહ્યા છે.

નીલેશ શાહ કહે છે, "રાજકોટમાં 600થી વધારે ગામડાં છે અને અનેક ગામોમાં રસીકરણનું કામ ચાલુ છે. અમુક ગામો જ્યાં લોકો ભારે હઠ લઈને બેઠા છે ત્યાં પણ અમે સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ."

કોરોનાની રસીને લઈને ભ્રણાઓને લઈને શું કહે છે નિષ્ણાતો?

ઇમેજ સ્રોત, Getty Images

વિશ્વભરમાં કોરોનાનું રસીકરણ ચાલી રહ્યું છે. દેશમાં પણ ખૂણેખૂણે કોરોનાની રસી મૂકવામાં આવી રહી છે.

રસીકરણને લઈને અનેક પ્રકારની ગેરસમજ અને ભય માત્ર રાજકોટ જ નહીં અનેક દેશોમાં ફેલાવવામાં આવી રહ્યો હોવાના અહેવાલો છે. ત્યારે જાણો કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન આ અંગે શું કહે છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ કોવિડ19ની રસી રોગ સામે રક્ષણ આપે છે અને સાર્સ-કોવ-2 વાઇરસ સામે પ્રતિકારકક્ષમતા વિકસાવે છે.

રસી મૂકવાથી રોગપ્રતિકારકક્ષમતા વિકસે છે અને તેનાથી કોરોનાનું સંક્રમણ થવાની શક્યતા ઘટી જાય છે.

રસી લેવાથી આસપાસના લોકોને પણ રક્ષણ મળી શકે છે કારણકે જો રસી મુકાવીને તમે રક્ષણ મેળવો છો તો તમે અન્ય લોકોમાં આ સંક્રમણ ફેલાવો તેની શક્યતા ઘટી જાય છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ જે લોકોને ગંભીર રીતે બીમાર થાવાનો ખતરો હોય તેમને કોવિડ-19થી રક્ષણ આપવામાં આ રસી મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે, જેમકે આરોગ્યકર્મીઓ, વૃદ્ધો અને બીમાર લોકો.

ભારતમાં 24 માર્ચ સવાર સુધી 5,08,41,286 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

માર્ચ મહિનામાં દેશમાં કોરોના સંક્રમણમાં વધારો થયો છે. હાલ ભારતમાં કોરોના સંક્રમણના કુલ કેસો (ઍક્ટિવ કેસની સંખ્યા 368457) માં 81.65 ટકા કેસ મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ અને ગુજરાતમાં છે.

કોવિડ-19ની બે રસી જે ભારતમાં આપવામાં આવી રહી છે તેમાં કોવિશિલ્ડ અને કોવૅક્સિન છે.

ભારતના આરોગ્ય મંત્રાલય મુજબ કોવિશિલ્ડ રસીની આડઅસરમાં ઇન્જેક્શનની જગ્યાએ દુખાવો, માથાનો દુખાવો, અસ્વસ્થતા, પાયરેક્સિયા અને સાંધાનો દુખાવો થઈ શકે છે.

એ સિવાય કોવાક્સિનની આછી આડઅસરમાં તાવ, થાક, શરીરમાં કળતર અને પેટનો દુખાવો, ઊલટી કે ચક્કર આવવાં જેવાં લક્ષણો દેખાઈ શકે છે.

( આ સ્ટોરી માટે રાજકોટથી બિપિન ટંકારિયાના ઇનપુટ્સ મળેલા છે)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો