કેરળ વિધાનસભા ચૂંટણી : નરેન્દ્ર મોદી અને અમિત શાહ ભાજપને કેટલી બેઠકો અપાવી શકશે?

  • ઝુબૈર અહમદ
  • બીબીસી સંવાદદાતા, તિરુવંનતપુરમ, કેરળ
કેરળ ઘણી જગ્યાએ ભગવા રંગે રંગાઈ ગયેલું દેખાય છે.
ઇમેજ કૅપ્શન,

કેરળ ઘણી જગ્યાએ ભગવા રંગે રંગાઈ ગયેલું દેખાય છે.

આખા કેરળમાં અત્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહની સાથે ભાજપના ઉમેદવારોના મોટાં-મોટાં પોસ્ટર અને કટઆઉટ્સ જોવા મળે છે. દિવાલો પર પણ નેતાઓના ચહેરા પેઇન્ટ કરેલા દેખાય છે. જો ભાજપ માટે આ સારા પ્રદર્શનના સંકેત હોય તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સારો દેખાવ કરવો જોઈએ.

કેરળ ઘણી જગ્યાએ ભગવા રંગે રંગાઈ ગયેલું દેખાય છે. સત્તાધારી લેફ્ટ ડેમૉક્રેટિક ફ્રન્ટ અને કૉંગ્રેસના નેતૃત્વવાળા યુનાઇટેડ ડેમૉક્રેટિક ફ્રન્ટના ઝંડા અને પોસ્ટર ભાજપની તુલનામાં ઓછા જોવા મળે છે. પરંતુ આ બધા વચ્ચે હાલમાં ડાબેરી મોરચો મજબૂત સ્થિતિમાં જણાય છે. ભલે તેમની થોડી બેઠકો ઘટી જાય. સાથે-સાથે એલડીએફ અને યુડીએફ વચ્ચે જ મુકાબલો હોય તેમ લાગે છે.

ભાજપ કેરળ વિધાનસભા ચૂંટણીમાં પોતાનો સિક્કો જમાવવા માટે પૂરી તાકાત લગાવી રહ્યો છે. દિલ્હીના ઘણા વરિષ્ઠ નેતાઓ ચૂંટણીસભાઓમાં હાજરી આપે છે અને સ્થાનિક નેતાઓનો જુસ્સો વધારે છે. પરંતુ રાજ્યમાં પક્ષના નેતાઓ માને છે કે કેરળમાં હાલ પૂરતી ચૂંટણી જીતવી અને સરકાર બનાવવી ભાજપ માટે શક્ય નથી.

નેમમનું પરિણામ પાર્ટીના ભવિષ્ય સાથે સંકળાયેલું છે

ઇમેજ કૅપ્શન,

ઓ રાજગોપાલ કેરળ વિધાનસભામાં ભાજપના અત્યાર સુધીના એકમાત્ર ચૂંટાયેલા ધારાસભ્ય છે.

કૉંગ્રેસના નેતા શશી થરૂર 2019માં તિરુવનંતપુરમથી લોકસભાની ચૂંટણી જીત્યા હતા, આ લોકસભા બેઠકમાં આવતા નેમમ વિધાનસભા મતવિસ્તારમાં શરૂરને તેમના હરીફની સરખામણીમાં 12,000 મત ઓછા મળ્યા હતા.

લગભગ બે લાખ મતદારો ધરાવતા નેમમને કેરળમાં ભાજપનો ગઢ ગણવામાં આવે છે. 2016માં પાર્ટીના વરિષ્ઠ નેતા ઓ રાજગોપાલ અહીંથી વિજયી થયા હતા.

ભાજપના ઇતિહાસમાં તેમનું નામ સુવર્ણ અક્ષરે લખવામાં આવશે કારણ કે કેરળ વિધાનસભાના ઇતિહાસમાં તેઓ ભાજપના અત્યાર સુધીના એકમાત્ર ચૂંટાયેલા ધારાસભ્ય છે.

આ સફળતા મેળવવા માટે ઓ. રાજગોપાલે વર્ષો સુધી રાહ જોવી પડી હતી. તેઓ કહે છે, "રાજનીતિ એ સંભાવનાઓની કળા છે."

ઇમેજ કૅપ્શન,

લગભગ બે લાખ મતદારો ધરાવતા નેમમને કેરળમાં ભાજપનો ગઢ ગણવામાં આવે છે.

મજાકના અંદાજમાં તેમણે કહ્યું કે જનતાએ દયા ખાઈને મને ચૂંટી લીધો. "હું એટલી વખત ચૂંટણી લડ્યો કે લોકોમાં હું પરિચિત થઈ ગયો હતો. તેમણે કહ્યું કે બીચારો સતત ચૂંટણી લડી રહ્યો છે, તો તેમને એક તક આપીએ."

પછી તેઓ ગંભીર થઈને કહે છે, "મોદી પીએમ બન્યા બાદ ભાજપ ખાસ કરીને અહીં આગળ વધી રહ્યો છે."

ઓ. રાજગોપાલ અત્યારે 93 વર્ષના છે અને આ વખતે ચૂંટણી નથી લડી રહ્યા. તેઓ પક્ષના માર્ગદર્શકમંડળમાં સામેલ થવા તૈયાર નથી.

તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે અને પોતાના સાથી તથા નેમમમાં પક્ષના ઉમેદવાર કુમ્મનમ રાજશેખરન માટે રાતદિવસ ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે.

નેમમના એક પબ્લિક પાર્કમાં આવા જ એક પ્રચારમાં મેં જોયું કે બપોરના આકરા તડકામાં તેઓ કુમ્મનમ રાજશેખરન સાથે મંચ પર ઘણા સમય સુધી બેઠા હતા. થોડો સમય તેમણે લોકોને સંબોધિત પણ કર્યા અને પોતાના સાથીદારને મત આપવા માટે તેમને અપીલ કરી.

આ સભામાં સામાન્ય લોકો કરતાં પાર્ટીના કાર્યકરોની સંખ્યા વધારે હતી. પરંતુ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ હતો.

ભાજપના સમર્થકો શું કહે છે?

ઇમેજ કૅપ્શન,

નેમમના પરિણામો પરથી નક્કી થશે કે કેરળમાં ભાજપના વિસ્તરણની શક્યતા કેટલી છે.

રાજુ નામી વ્યવસાયે ડ્રાઇવર છે, તેઓ ભાજપના ટેકેદાર છે. તેઓ કહે છે કે તેઓ ભાજપને ત્રીજી શક્તિ તરીકે ઊભરતો જોવા માંગે છે અને આ કારણથી જ તેઓ ભાજપને ટેકો આપે છે.

તેઓ કહે છે, "મારો આખો પરિવાર આંખો બંધ કરીને એલડીએફને મત આપે છે. કેરળમાં લોકો ભાજપ અને એનડીએને બિલકુલ પસંદ કરતા નથી. પરંતુ હું એલડીએફ અને યુડીએફ બંનેથી કંટાળી ગયો હતો."

"એક વખત એલડીએફ સત્તા પર આવે છે, તો બીજી વખત યુડીએફ સત્તા સંભાળે છે. કોઈ ત્રીજા પક્ષને તક નથી મળતી. હું આ બંનેના શાસનથી ત્રાસી ગયો હતો. તેથી મેં ઘરના લોકોથી વિરુદ્ધ જઈને ભાજપને ટેકો આપવાનું શરૂ કર્યું."

નેમમ વિધાનસભાક્ષેત્ર ગીચ વસતી ધરાવતો શહેરી વિસ્તાર છે અને અહીં સાક્ષરતાનું પ્રમાણ 100 ટકા છે. કેરળમાં હિંદુઓની વસતી 55 ટકા છે, પરંતુ નેમમમાં 66 ટકા હિંદુઓ છે. અહીંના લોકો ભાજપના ઉમેદવાર રાજશેખરનને ઓળખે છે.

રાજશેખરન મિઝોરમના રાજ્યપાલ રહી ચૂક્યા છે અને લોકસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે. ઓ રાજગોપાલ કહે છે, "તેઓ મતદારોમાં લોકપ્રિય છે અને ઘણા અનુભવી પણ છે."

ભાજપના સ્થાનિક નેતાઓ માને છે કે નેમમ બેઠક પર કુમ્મનમ રાજશેખરનનો વિજય થાય અને પક્ષ માટે બેઠક ફરીથી જીતે એ ભાજપના ભવિષ્ય માટે ખૂબ જરૂરી છે. રાજશેખરનના પ્રચાર સાથે સંકળાયેલા એમ. રાધાકૃષ્ણનને આરએસએસમાંથી મોકલવામાં આવ્યા છે.

ઇમેજ કૅપ્શન,

નેમમના પરિણામો પરથી નક્કી થશે કે કેરળમાં ભાજપના વિસ્તરણની શક્યતા કેટલી છે.

તેઓ સ્વીકારે છે કે નેમમની બેઠક આ વખતે ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ રહેશે. એટલું જ નહીં, રાજ્યમાં ભાજપનું ભાવિ પણ આ બેઠક પર આધારિત છે. નેમમનાં પરિણામો પરથી નક્કી થશે કે કેરળમાં ભાજપના વિસ્તરણની શક્યતા કેટલી છે.

તેથી વિરોધ પક્ષો આ વખતે અહીં કમળ ન ખીલે તે માટે પ્રયાસ કરે છે. નેમમના પડોશના ચૂંટણીક્ષેત્ર કોવલમમાં કૉંગ્રેસ પક્ષના ઉમેદવાર અને ધારાસભ્ય એમ. વિન્સેન્ટ કહે છે કે તેમનો પક્ષ નેમમ પર ખાસ ધ્યાન આપી રહ્યો છે.

તેઓ કહે છે, "કૉંગ્રેસના ઉમેદવાર બહુ મજબૂત છે. તેઓ ઘણા લોકપ્રિય નેતા છે અને અમે આ મતદાનક્ષેત્રને ઘણું મહત્ત્વ આપી રહ્યા છીએ. તેથી અમે કે મુરલીધરનને અહીંથી ઊભા રાખ્યા છે અને અમને વિશ્વાસ છે કે અમે જ જીતીશું."

કે. મુરલીધરન રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી કે. કરૂણાકરનના પુત્ર છે અને મેદની એકઠી કરવા માટે જાણીતા છે. કેરળના કૉંગ્રેસમાં તેઓ ઊંચા ગજાના નેતા ગણાય છે.

તેવી જ રીતે સત્તાધારી એલડીએફે પક્ષના મજબૂત નેતા વી. શીવંકુડીને ફરી એક વખત મેદાનમાં ઉતાર્યા છે, જેમણે 2016ની ચૂંટણીમાં ભાજપના રાજગોપાલ સામે હારતા પહેલાં 2011માં નેમમનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

ભાજપની વાસ્તવિક સ્થિતિ

ઇમેજ કૅપ્શન,

140 બેઠકની કેરળ વિધાનસભા માટે 6 એપ્રિલે મતદાન થવાનું છે.

ભાજપે પશ્ચિમ બંગાળની જેમ કેરળમાં પણ વિજય માટે બધું દાવ પર લગાવ્યું છે. ગૃહમંત્રી અમિત શાહે રાજ્યમાં ઘણી ચૂંટણીરેલીઓ કરી છે અને હજુ પણ રેલીઓ યોજવાના છે.

ભાજપના રાષ્ટ્રીય નેતા કેરળમાં ભાજપની જીતનો દાવો કરે છે. જોકે પાર્ટીના રાજ્યસ્તરના નેતાઓ વાસ્તવિકતાથી મોઢું ફેરવી શકે તેમ નથી.

ઓ. રાજગોપાલ કહે છે, "મારા અંદાજ પ્રમાણે અમે બે આંકડામાં પહોંચીશું. 10થી વધુ બેઠકો મળશે. પક્ષ માટે આ બહુ મોટું પ્રોત્સાહન હશે. પક્ષના સમર્થકોનો ભરોસો મળશે કે તેમનો પક્ષ આગળ વધી રહ્યો છે."

વિરોધી પક્ષો કહે છે કે ભાજપ નેમમ બેઠક બચાવી લે તો પણ તેમના માટે બહુ મોટી સિદ્ધિ ગણાશે. પરંતુ નિષ્ણાતો માને છે કે ભાજપને ભલે વધારે બેઠકો ન મળે પરંતુ પક્ષનો વોટ શૅર ચોક્કસ વધશે.

ડૉક્ટર જે. પ્રભાસ કેરળ યુનિવર્સિટીના પૂર્વ પ્રો-વાઇસ ચાન્સેલર છે.

તેઓ કહે છે, "મને નથી લાગતું કે આ વખતે તેમને વિશ્વસનીય પ્રમાણમાં બેઠકો મળે. ભલે અગાઉની વિધાનસભા ચૂંટણી અને 2019ની લોકસભાની ચૂંટણીની સરખામણીમાં મતદાનની ટકાવારી વધી જાય. તેમને કેટલીક બેઠકો મળશે, પણ તે પણ મુશ્કેલ જણાય છે."

ઇમેજ કૅપ્શન,

કોવલામના ધારાસભ્ય અને કૉંગ્રેસ પાર્ટીના ઉમેદવાર એમ વિન્સેન્ટ

140 બેઠકની કેરળ વિધાનસભા માટે 6 એપ્રિલે મતદાન થવાનું છે.

નિષ્ણાતો કહે છે કે "ભાજપ ભલે ગમે તેટલા પ્રયાસ કરતો હોય, અગાઉની ચૂંટણીઓની જેમ આ વખતે પણ પરંપરાગત રીતે ડાબેરી પક્ષોનું નેતૃત્વ ધરાવતા એલડીએફ અને કૉંગ્રેસનું નેતૃત્વ ધરાવતા યુડીએફ વચ્ચે જ સીધી ટક્કર થવાની છે. આ બંને જૂથ વારાફરતી કેરળમાં ચૂંટણી જીતતા આવ્યા છે. અહીં લડાઈ હંમેશાં બે તરફી રહી છે."

નિષ્ણાતો એ પણ સ્વીકારે છે કે ગઈ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 15 ટકાથી વધારે વોટ શૅર મેળવ્યો હતો તે હકીકતને અવગણી શકાય નહીં.

આ ઉપરાંત નવ બેઠકો પર પાર્ટીને 30 ટકાથી વધારે મત મળ્યા હતા. કેટલાક મહિના અગાઉ થયેલી સ્થાનિક ચૂંટણીમાં પણ પક્ષે વધુ સારું પ્રદર્શન કર્યું હતું.

નેમમથી ભાજપના ઉમેદવાર કુમ્મનમ રાજશેખરન જણાવે છે, "અગાઉની સ્થાનિક ચૂંટણીમાં અમે લગભગ 18 પંચાયતોમાં વિજય મેળવ્યો હતો. બે નગરપાલિકાઓમાં અમે શાસન કરીએ છીએ."

"તેથી અમે ગઈ સ્થાનિક ચૂંટણીમાં સારો દેખાવ કર્યો છે. અમારો વોટ શૅર પણ 15 ટકાથી વધીને 18 ટકા થયો છે. આ ચૂંટણીમાં અમે સારું પ્રદર્શન કરીશું અને કેરળમાં એક નિર્ણાયક શક્તિ બનીને ઊભરીશું."

ખ્રિસ્તીઓને પોતાની તરફ આકર્ષવા માટે ભાજપે વડા પ્રધાન અને ગૃહમંત્રીની પણ મદદ લીધી છે.

આરએસએસ અને ભાજપના નેતાઓ ઘણી વખત ખ્રિસ્તી ધાર્મિક નેતાઓને મળ્યા છે, પરંતુ રાજ્યમાં ભાજપ કેટલી પ્રગતિ કરશે તેનો મદાર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો પર રહેશે.

રાજ્યમાં ભાજપનું ભવિષ્ય કૉંગ્રેસ સાથે જોડાયેલું છે?

ઇમેજ કૅપ્શન,

જાણકારો એમ પણ કહે છે કે એલડીએફ આ વખતે પણ રાજ્યમાં સરકાર બનાવી લે તે શક્ય છે.

એશિયાનેટ ન્યૂઝ નેટવર્કના મુખ્ય સંપાદક એમ. જી. રાધાકૃષ્ણન કહે છે કે, "આગામી ચૂંટણી કૉંગ્રેસ માટે ડાબેરીઓ કરતાં પણ વધારે મહત્ત્વની છે."

"કૉંગ્રેસ આ ચૂંટણી હારી જાય અથવા યુડીએફ હારી જશે તો દેશભરમાં અને બીજાં રાજ્યોમાં થાય છે તેમ કેરળમાં પણ આ પાર્ટીના ઘણા નેતાઓ ભાજપમાં જોડાઈ જશે."

"કારણકે કેન્દ્રમાં કૉંગ્રેસ સત્તા પર આવે તેવી કોઈ શક્યતા નથી અને કેરળમાં પણ આવું થાય તો માત્ર પ્રતિબદ્ધ ટેકેદારો જ કૉંગ્રેસમાં રહી જશે. શક્ય છે કે મધ્ય સ્તરના ઘણા નેતાઓ અને વરિષ્ઠ કક્ષાના કેટલાક નેતાઓ સંઘની વિચારધારા સાથે જોડાઈ જાય."

કેરળ યુનિવર્સિટીના પૂર્વ પ્રો-વાઇસ ચાન્સેલર ડૉક્ટર જે. પ્રભાસના મતે કૉંગ્રેસ ચૂંટણીમાં કેવો દેખાવ કરે છે, તેની સાથે કેરળમાં ભાજપનું ભવિષ્ય સંકળાયેલું છે.

તેઓ કહે છે, "ભાજપ અથવા એનડીએ નજીકના ભવિષ્યમાં કેરળની રાજનીતિમાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકશે કે નહીં તેનો આધાર કૉંગ્રેસ ચૂંટણીમાં કેવો દેખાવ કરે છે તેના પર રહેલો છે."

"કૉંગ્રેસ હારી જશે તો પક્ષના ટુકડા થઈ જવાની શક્યતા છે. કારણકે કૉંગ્રેસ સત્તાથી દૂર રહેવાનો આંચકો સહન નહીં કરી શકે."

એવું લાગે છે કે આ ચૂંટણીમાં ભાજપ માત્ર વોટ શૅર વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને પક્ષ એવી આશા રાખશે કે કૉંગ્રેસ હારી જાય.

જાણકારો એમ પણ કહે છે કે એલડીએફ આ વખતે પણ રાજ્યમાં સરકાર બનાવી લે તે શક્ય છે. જોકે ગયા વખતની સરખામણીમાં આ વખતે ઓછી બેઠકો મળી શકે છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો