સૌરાષ્ટ્રમાં ચર્ચાસ્પદ બનેલી હત્યાનો મામલો શો છે?
- ભાર્ગવ પરીખ
- બીબીસી ગુજરાતી માટે

ઇમેજ સ્રોત, Haresh Bhaliya
મૃતકનાં માતાપિતા
ગુજરાતના રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાની નજીક આવેલું નાનકડું ગામ જેતલસર હાલ ચર્ચામાં છે. ગામમાં ધોળે દિવસે કરાયેલી હત્યાનો મામલો આજકાલ ભારે ચગ્યો છે. કથિત રીતે એક તરફી પ્રેમીએ આ હત્યા કરી હોવાનું જણાવાયું છે.
આરોપીએ 16 વર્ષની સગીરાને ચાકુના 39 ઘા મારીને હત્યા કરી છે અને ઘટનાને પગલે ગામ અને આસપાસના વિસ્તારોમાં ભારે આક્રોશ છે. પીડિતાને ન્યાય અપાવવા ગામમાં કૅન્ડલ માર્ચ પણ કાઢવામાં આવી છે અને આ કેસ સોશિયલ મીડિયા પર પણ ચર્ચાઈ રહ્યો છે.
પાટીદારોની વસતી ધરાવતા આ ગામનો સીધો સંપર્ક જેતપુર, રાજકોટ અને ઉપલેટા સહિત સૌરાષ્ટ્રનાં સંખ્યાબંધ ગામોના પાટીદારો સાથે છે.
નાના એવા આ ગામમાં ખેતી ઉપરાંત બારી-બારણાની બારસાખ બનાવવાનું કામ કરાય છે. જેને પગલે સૌરાષ્ટ્રના નાના-મોટા વેપારીઓ અને બિલ્ડરો પણ ગામના સીધા સંપર્કમાં છે. જેને લીધે આ ઘટના પર સોશિયલ મીડિયા પર ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
આ દરમિયાન ભાજપ, કૉંગ્રેસ અને એનસીપી જેવા રાજકીય પક્ષોએ પણ પરિવારની મુલાકાત લીધી છે.
હત્યાકેસ શું છે?
ઘટનાની વાત કરવામાં આવે તો 16 વર્ષનાં મૃતક ભણવામાં હોશિયાર હતાં અને દસમા ધોરણમાં સારા ગુણ આવતાં પરિવારે તેમને ભણવા માટે જેતપુરની ગર્લ્સ હાઇસ્કૂલમાં મુક્યાં હતાં.
મૃતકનાં મોટા ભાઈ સાવન રૈયાણીએ જણાવ્યું "મારા કાકા કિશોરભાઈ ફોઈની વાડીમાં ખેતીકામ કરતા હતા. એમણે અમારા ગામના દરબાર સમુદાયનાં શીતલબહેન સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. મૃતક એમની મોટી દીકરી અને હર્ષ નાનો દીકરો"
"મારાં કાકીના દૂરના સગામાં જયેશ સરવૈયા નામનો છોકરો હતો, એ મારા કાકાને ત્યાં આવતો. મૃતક એને મામા કહીને બોલાવતી હતી."
"મૃતક જ્યારે બસમાં બેસીને સ્કૂલે જાય ત્યારે એ એને પરેશાન કરવા માટે બસમાં જતો. બસની અંદર એની જ સીટની બાજુમાં બેસી જતો અને અશ્લીલ વાતો પણ કરતો."
"એના ડરને લીધે મૃતક કંઈ બોલતી નહીં પણ જ્યારે એ જયેશની હેરાનગતિથી કંટાળી ગઈ ત્યારે તેણે ઘરે આવીને મારા કાકા કિશોરભાઈને ફરિયાદ કરી હતી."
મૃતકના પિતા કિશોરભાઈએ જણાવ્યું "મેં શીતલ સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં અને શીતલનો આ ભાઈ હતો. એણે ભૂતકાળમાં ગામમાં એક વાળંદ પર છરીના ઘા કર્યા હતા, જેના કારણે એના પિતા ગિરધરભાઈએ એને ઘરમાંથી કાઢી મુક્યો હતો."
"મારી પત્નીનો એ દૂરનો સગો થતો હોવાથી મને દયા આવી અને જયેશ સરવૈયાને મેં સીધી લાઇન પર લાવવા સમજાવ્યો અને અમારી વાડીએ કામ પર રાખ્યો."
"આ માટે હું એને પૈસા પણ આપતો હતો. જયેશ જરૂર પડે ત્યારે કડિયાકામ પણ કરતો હતો. અમને લાગ્યું કે એ ધીમેધીમે સુધરી રહ્યો છે એટલે એને ઘણી વખત પૈસા પણ વાપરવા આપતો."
"પત્નીનો દૂરનો સગો હોવાથી ઘરે એની અવરજવર પણ રહેતી અને ક્યારેક ઘરે જમતો પણ હતો. મારાં બંને બાળકો એને મામા કહેતાં એટલે અમને એ વાતની કલ્પના પણ નહોતી કે એ અમારા ઘર પર જ નજર બગાડશે."
કિશોરભાઈ વધુમાં કહે છે, "એ મારી સાથે સીધી રીતે વર્તતો હતો પણ દીકરી સ્કૂલે જાય તો એનો પીછો કરતો."
"જયેશ સરવૈયાની હરકતોથી કંટાળીને એક દીવસ એણે મને ફરિયાદ કરી હતી. મેં જયેશના પિતા ગિરધરભાઈના ઘરે જઈને જયેશનાં આવાં અપલખણોની વાત કરી તો એમણે નફ્ફટાઇથી કહ્યું કે, તમે આશરો આપ્યો છે તો તમે ભોગવો."
"એ બાદ અમે એનો ઘરે પ્રવેશ બંધ કરાવી દીધો. કામ બંધ થતાં એ કડિયાકામ કરવા માંડ્યો પણ એણે પીછો ન છોડ્યો."
'છોકરો શેરી સુધી પહોંચતાં જ બેભાન થઈ ગયો'
ઇમેજ સ્રોત, Haresh Bhaliya
મૃતક સગીરાના પિતા કિશોરભાઈ
કિશોરભાઈ ઉમેરે છે, "16મી તારીખે હું અને મારી પત્ની ખેતરે ગયાં હતાં, તે સમયે બપોરે દીકરી અને મારો નાનો દીકરો હર્ષ ઘરે એકલાં હતાં."
"અમારે મોડું થાય એમ હતું એટલે અમે બંને બાળકોને કહ્યું કે તમે ઘરની ડેલી અંદરથી બંધ કરીને જમીને સુઈ જજો."
"એ લોકોએ ડેલી બંધ કરી દીધી. બંને ભાઈબહેન જમવાનું શરૂ કરે તે પહેલાં અચાનક અમારા ઘરની ડેલીનો દરવાજો જોરથી ખટખટાવાયો પણ મારી દીકરીએ દરવાજો ના ખોલ્યો."
"પછી બહાર દરવાજો ખટખટાવનાર જયેશને અમારા ઘરની તમામ બાબતો ખબર હતી એટલે એ વંડી કૂદીને ઘરમાં ઘુસ્યો."
"મારી દીકરીનો હાથ પકડી એણે કહ્યું કે, મારા પિતાને ફરિયાદ કેમ કરી? હવે તો હું તારી સાથે જ લગ્ન કરીશ. આ દરમિયાન મારો નાનો દીકરો હર્ષ એની બહેનને બચાવવા વચ્ચે પડ્યો તો, એનાં શરીર અને માથા પર ચાકુના ઘા માર્યા."
"ભાઈને બચાવવા મરણિયો પ્રયાસ કરનારી બહેને ઘરની ડેલીનો દરવાજો ખોલી નાના ભાઈને ભગાડી દીધો. લોહી નીતરતી હાલતે મારો છોકરો માંડ શેરી સુધી પહોંચ્યો હશે કે બેભાન થઈ ગયો."
"મારી દીકરી પણ દોડીને બહાર નીકળીને ભાગવા જતી હતી પણ એક તરફી પ્રેમમાં પાગલ જયેશે એને પકડીને પીઠ, છાતી અને શરીરના અન્ય ભાગોમાં આડેધડ છરીના 39 ઘા ઝીંકી દીધા."
"મારી દીકરી ત્યાં જ મોતને ઘાટ ઊતરી ગઈ.એની બૂમોને કારણે અમારી શેરીના લોકો દોડી આવ્યા અને જયેશ ત્યાંથી નાસી છુટ્યો. પછી અમે વાડીએથી દોડતા ઘરે આવ્યા."
"અમે પોલીસ ફરિયાદ કરી અને મારી સાથે આખુંય ગામ ઊભું રહ્યું. કારણ કે દીકરી મારી જ નહીં મારા આખા ગામની પણ લાડકી હતી."
"જયેશ જ્યાં સુધી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો અમે ઇન્કાર કરી દીધો અને આ દરમિયાન ગામમાં મોટી રેલી પણ યોજી. બીજા દિવસે બંધ પણ પાળ્યો અને સાજે કૅન્ડલ માર્ચ પણ કાઢી."
હત્યા અને રાજકારણ
ઇમેજ સ્રોત, Haresh Bhaliya
મૃતક સગીરાના પિતરાઈ ભાઈ સાવન રૈયાણી
મૃતકના પિતરાઈ ભાઈ સાવન રૈયાણી કહે છે, "ગામના યુવાન છોકરાઓએ પહેલીવાર આવી નિર્મમ હત્યા જોઈ હતી. આ છોકરો ગામમાં પહેલાંથી માથાભારે જ હતો. ગામની તમામ જ્ઞાતિઓના લોકોએ કૅન્ડલ માર્ચ કાઢી અને બંધ પાળ્યો."
"ગામના લોકોની એકતા અને સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી અમારી અપીલ જોઈને પોલીસે સક્રિય થઈને એની તાત્કાલિક ધરપકડ કરી લીધી."
રૈયાણી કહે છે, "માત્ર જેતલસર જ નહીં, આજુબાજુનાં તમામ ગામના લોકો અમારી સાથે જોડાયા. છ દિવસ બાદ સરકાર પણ દબાણ આવ્યું અને મંત્રી જયેશ રાદડિયાએ કડક હાથે કામગીરી કરવા ગાંધીનગરમાં દબાણ કર્યું."
આ વિસ્તારના અગ્રણી અને પુરવઠામંત્રી જયેશ રાદડિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "આ ઘટના અત્યંત ઘૃણાસ્પદ છે. મેં મુખ્ય મંત્રી અને ગૃહમંત્રીને આ અંગે ફાસ્ટટ્રૅક કોર્ટમાં કેસ ચલાવી આરોપીને ઝડપીને કડક સજા થાય એ માટે રજૂઆત કરી છે અને સરકારે આ વાતને માન્ય રાખી છે."
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે પણ આ પરિવારની મુલાકાત લઈને કેસ ફાસ્ટટ્રૅક કોર્ટમાં ચલાવવા અને ઝડપી તપાસની ખાતરી આપી છે.
ફાસ્ટટ્રૅક કોર્ટમાં કેસ ચલાવવાની તૈયારી
ઇમેજ સ્રોત, Haresh Bhaliya
મૃતકને ન્યાય અપાવવા માટે ગામમાં મોટી રેલી યોજાઈ અને બીજા દિવસે બંધ પણ પળાયો
બીજી તરફ કૉંગ્રેસના પ્રદેશ નેતા અને પાટીદાર આંદોલનના આગેવાન હાર્દિક પટેલે પણ પીડિત પરિવારની મુલાકાત લીધી છે.
હાર્દિકે ભાજપ સરકાર પર મહિલાઓની સુરક્ષા કરવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો છે.
તેમણે કહ્યું, "આ કેસને ફાસ્ટટ્રૅક કોર્ટમાં ચલાવી 35 દિવસમાં નિકાલ લાવવામાં આવે તો જ આ મૃતક બાળાને ન્યાય મળશે."
એક સમયનાં પાટીદાર આંદોલનનાં નેતા અને હાલ એનસીપીમાં જોડાયેલાં રેશમા પટેલે પણ પરિવારની મુલાકાત લઈ ઝડપી ન્યાયની માગ કરી છે.
કેસની ગંભીરતાને ધ્યાને લેતાં રાજકોટના રેન્જ આઈજી સંદીપસિંહે ખુદ આખો મામલો હાથમાં લીધો છે.
સંદીપસિંહે જણાવ્યું, "આ કેસમાં પોલીસ તરફથી તપાસમાં કોઈ ખામી ન રહે એની પૂરી કાળજી રાખીશું. એટલે જ અમે આ કેસની તપાસ માટે વિશેષ ટીમ બનાવી છે, જેમાં રાજકોટ ગ્રામ્યના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ, જેતપુરના આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ દરરોજ તપાસ કરીને દરરોજ રિપોર્ટ સોંપશે."
"લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને પણ કોઈ પુરાવો છૂટી ના જાય એ માટેની તમામ કામગીરી કરવાનો આદેશ આપી દેવાયો છે."
ઇમેજ સ્રોત, Haresh Bhaliya
પાટીદારોની વસતી ધરાવતા આ ગામનો સીધો સંપર્ક જેતપુર, રાજકોટ અને ઉપલેટા સહિત સૌરાષ્ટ્રના સંખ્યાબંધ ગામોના પાટીદારો સાથે છે
આ ઘટના બાદ આરોપીનો પરિવાર ગામ છોડીને જતો રહ્યો હોવાનું રેન્જ આઈજી સંદીપસિંહે જણાવ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર આરોપી રિમાન્ડ પર છે અને હત્યામાં મદદ કરનાર, ચાકુ લાવી આપનારથી માંડીને આરોપી પકડાયો ત્યાં સુધીમાં એને આશરો આપ્યો એ તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
આ કેસમાં જે રીતે હૅન્ડલ કરાઈ રહ્યો છે એ અંગે વાત કરતાં 'તાલીમ-રિસર્ચ ફાઉન્ડેશન'ના ડિરેક્ટર ડૉ. એમ. આઈ. ખાન કહે છે, "આ પટેલ અને એમાંય વળી સૌરાષ્ટ્રનો મામલો છે. વર્ષ 2015 અને 2017માં ભાજપથી વિમુખ થયેલા પટેલ મતદારો માંડમાંડ ભાજપ તરફ વળ્યા છે, ત્યારે આ સમાજને નારાજ કરવો સરકારને પોસાય એમ નથી."
"આ ઉપરાંત સગીરાના ધોળા દિવસે હત્યાની દેશના અન્ય ભાગો પર પણ અસર પડી શકે એમ છે અને નજીકના દિવસોમાં ત્રણ રાજ્યોમાં જે ચૂંટણી આવી રહી છે એનો ફાયદો કૉંગ્રેસ ના ઉઠાવે અને ગુજરાતમાં પાટીદાર વોટ બૅન્ક જળવાઈ રહે એ માટે સરકાર કવાયત કરી રહી છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો