ગુજરાતમાં હવે તમામ સરકારી કર્મચારીઓને પણ ફ્રન્ટલાઇન વર્કરની જેમ કોરોનાની રસી મળશે

ભારતમાં કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન,

ભારતમાં ગત કેટલાંક સપ્તાહોથી કોરોના વાઇરસના કેસમાં ઉછાળો જોવા મળ્યો

ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે રાજ્યમાં દરરોજ ત્રણ લાખ લોકોને કોરોનાની રસી અપાઈ રહી છે. ઉપરાંત ગુજરાત સરકારે જણાવ્યું છે કે રાજ્યના બધા સરકારી કર્મચારીઓને ફ્રન્ટલાઇન વર્કર માનવામાં આવશે અને તેમને કોઈ વયસીમા વગર કોરોનાની રસી મૂકવામાં આવશે.

મીડિયા સાથે વાત કરતા વિજય રૂપાણીએ કહ્યું કે રાજ્ય સરકારના કર્મચારીઓને ફ્રન્ટલાઇન વર્કર માનવામાં આવશે.

તેમણે કહ્યું કે રાજ્યમાં કોરોના રસીકરણ કાર્યક્રમ હેઠળ પ્રતિદિન 2.25 લાખથી વધારીને ત્રણ લાખ લોકોને રસી આપવામાં આવશે.

રાજ્ય સરકારે ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટ એમ 3ટી સ્ટ્રેટેજી પર કામ કરવાનું જણાવ્યું છે.

વિજય રૂપાણીએ કહ્યું, જ્યારે જરૂર પડે છે માઇક્રોકન્ટેનમેન્ટ ઝોન,ધનવંતરી રથ, 104 ફીવર હેલ્પલાઇન અને સંજીવની સેવાનો ઉપયોગ કરવામાં આવે છે. રાજ્યમાં હૉસ્પિટલોમાં 70 ટકા બેડ ખાલી પડ્યા છે.

રૂપાણીએ લોકોને કોવિડ19ને ધ્યાને રાખીને સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવા અને હાથ ધોવાના નિયમોનું પાલન કરવાની વિનંતી કરી હતી.

દરમિયાન, ભારતીય વિદેશ મંત્રાલયના સૂત્રોએ બીબીસીને જણાવ્યું છે કે ભારતે અત્યારે થોડા સમય માટે ઑક્સફર્ડ-ઍસ્ટ્રાઝેનેકા દ્વારા વિકસાવાયેલી કોરોનાની રસી કોવિશિલ્ડની નિકાસ પર રોક લગાવી દીધી છે.

મંત્રાલય અનુસાર ભારતમાં કોરોના વાઇરસના વધી રહેલા કેસોને લીધે આગામી સપ્તાહોમાં રસીની ઘરેલુ માગમાં વધારો થશે અને અહીં રસીની જરૂર પડશે.

જોકે, અધિકારીઓએ આને હંગામી પગલું ગણાવ્યું છે, અલબત્ત, આનાથી એપ્રિલના અંત સુધીમાં રસીની નિકાસ પર અસર પડશે.

'કોવૅક્સ યોજના' હેઠળ આવતાં લગભગ 190 રાષ્ટ્રો પર આ નિર્ણયની અસર પડશે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના નેતૃત્વમાં ચાલી રહેલી 'કોવૅક્સ યોજના'નો ઉદ્દેશ તમામ રાષ્ટ્રોને કોરોના વાઇરસની રસી સુનિશ્ચિત કરાવવાનો છે.

આ દરમિયાન ગુજરાત સહિત છ રાજ્યોમાં 80 ટકા નવા કેસો, દેશમાં 24 કલાકમાં 53 મામલા નોંધાયો

ભારત સરકારને ટાંકીને સમાચાર સંસ્થા એએનઆઈએ જણાવ્યું છે કે મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ, કર્ણાટક, છત્તીસગઢ અને ગુજરાતમાં નોંધાઈ રહેલા કોરોનાના નવા કેસોમાં દરરોજ ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં નોંધાયેલા કુલ નવા કેસોમાંથી 80.63 ટકા કેસો આ રાજ્યોમાં નોંધાયા છે.

ભારતે વિદેશમાં કોરોનાની કેટલી રસી મોકલી?

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન,

કેટલાક જાણકારોના મતે ભારતમાં કોરોના વાઇરસની બીજી લહેર જોવા મળી રહી છે

ભારતે અત્યાર સુધી 76 દેશોમાં કોરોના વાઇરસની રસીના લગભગ છ કરોડ ડોઝ મોકલ્યા છે.

ભારતે દેશમાં એક એપ્રિલથી 45 હજારથી વધારે ઉંમર ધરાવતા લોકોને રસી આપવાનો નિર્ણય કર્યો છે.

આ માટે રસીની માગમાં વધારો થવો સહજ છે.

ભારતીય વિદેશ મંત્રાલયના એક સૂત્રે બીબીસી સંવાદદાતા સૌતિક બિસ્વાસને જણાવ્યું, "નિકાસ પર રોક માત્ર થોડા સમય પૂરતી જ લગાવાઈ છે અને ઘરેલુ માગને પ્રાથમિકતા આપવી પડશે."

સીરમ ઇન્સ્ટિટ્યૂટના નિવેદનનો ઇંતેજાર

ઇમેજ સ્રોત, REUTERS/FRANCIS MASCARENHAS

ઇમેજ કૅપ્શન,

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલા

મંત્રાલયના એક સૂત્રે સમાચાર એજન્સી રૉયટર્સને કહ્યું કે ગુરુવારથી ત્યાં સુધી કોઈ નિકાસ નહીં થાય, જ્યાં સુધી ભારતમાં સ્થિતિ સ્થિર નથી થતી.

જોકે આ નિર્ણય પર હાલ સુધીમાં ભારત સરકાર અથવા વૅક્સિન બનાવાનારી કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા તરફથી કોઈ અધિકૃત નિવેદન આવ્યું નથી.

વૅક્સિન બનાવનારી દુનિયાની સૌથી મોટી કંપની એસઆઈઆઈએ ઍસ્ટ્રાઝેનેકા વૅક્સિનને યુકે, બ્રાઝીલ, સાઉદી અરેબિયા અને મોરક્કો જનારી ખેપને હાલમાં રોકી દીધી છે.

ભારત સરકારે કોરોના વૅક્સિન કાર્યક્રમની શરૂઆત 16 જાન્યુઆરીથી કરી હતી અને અત્યાર સુધી પાંચ કરોડ કરતાં વધારે લોકોને રસી આપી દેવામાં આવી છે. પરંતુ આ વચ્ચે ભારતમાં કોરોનાની બીજી લહેરની આશંકા વધી ગઈ છે.

ભારતના અધિકારી આગામી સાત મહિનામાં 60 કરોડ લોકોને કોરોના વાઇરસની રસી આપવાની આશા સેવી રહ્યા છે.

ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણની સ્થિતિ કેવી છે?

ભારતમાં કોરોના વાઇરસના નવા 53 હજાર કેસ નોંધાયા છે.

સમાચાર સંસ્થા એએનઆઈએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને ટાંકીને જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાઇરસના 53,476 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 251 દરદીનાં મૃત્યુ થયાં છે.

આ સાથે જ દેશમાં અત્યાર સુધી નોંધાયેલા કોરોનાના કુલ ચેપગ્રસ્ત દરદીઓનો આંક 1,17,87,534 થઈ ગયો છે, જ્યારે કુલ મૃતાંક 1,60,692 થયો છે.

આ દરમિયાન દેશમાં અત્યાર સુધી કુલ 5,31,45,709 લોકોને રસી આપવામાં આવી છે.

જો વાત ગુજરાતની કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 1700થી વધુ નવા કેસ નોંધાયા છે. બુધવારે રાજ્યમાં કુલ 1790 નવા કેસ નોંધાયા.

આ સાથે જ અત્યાર સુધી નોંધાયેલા કોરોના વાઇરસના આ સૌથી વધારે કેસ થઈ ગયા છે. આ પહેલાં મંગળવારે રાજ્યમાં કોરોનાના વિક્રમજનક સૌથી વધુ 1730 કેસ નોંધાયા હતા.

આ દરમિયાન 1277 દરદી સાજા થયા છે, જ્યારે વધુ આઠ દરદીનાં મૃત્યુ થયાં છે.

રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કુલ ચેપગ્રસ્ત કેસનો આંક 2,91,169 થયો છે, જેમાંથી 8,828 ઍક્ટિવ કેસ છે.

રાજ્યમાં કોરોના વાઇરસને કારણે નોંધાયેલો કુલ મૃતાંક 4,426 થયો છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો