ગુજરાત : ટાટા નેનો પ્લાન્ટ ‘સિંગુર છોડી સાણંદ’માં સ્થપાયો એનાથી ગુજરાતને શું ફાયદો થયો?

  • અજિત ગઢવી
  • બીબીસી ગુજરાતી માટે
ટાટા મોટર્સનો સાણંદ પ્લાન્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ટાટા મોટર્સનો સાણંદ પ્લાન્ટ

ગુજરાત સરકારે તાજેતરમાં રાજ્યની વિધાનસભામાં જણાવ્યું હતું કે અમદાવાદ નજીક સાણંદ ખાતે ટાટા મોટર્સના પ્લાન્ટમાં વર્ષ 2020માં એક પણ નેનો કારનું ઉત્પાદન થયું ન હતું.

એક જમાનામાં 'લાખેણી કાર' તરીકે રજૂ કરાયેલી ટાટા નેનોને હવે BS-VI ઉત્સર્જન ધોરણો મુજબ બનાવવી પરવડે તેમ ન હોવાથી કંપનીએ તેનું ઉત્પાદન બંધ કરી દીધું છે. 2019માં ટાટાના સાણંદ પ્લાન્ટમાં માત્ર 301 નેનોનું ઉત્પાદન થયું હતું.

નાટ્યાત્મક રાજકીય વળાંકો પછી ટાટા મોટર્સના ચૅરમૅન રતન ટાટાએ 2008માં ગુજરાતમાં નેનો પ્લાન્ટ નાખવાનો નિર્ણય લીધો ત્યારે ઉદ્યોગ જગતની તે સૌથી મોટી ઘટના હતી.

ઉદ્યોગોને પ્રોત્સાહન આપીને જંગી રોકાણ આકર્ષવામાં ગુજરાત કેટલું કુશળ છે અને બ્યૂરોક્રૅટિક અવરોધોને કેટલી ઝડપથી દૂર કરી શકાય છે તે દર્શાવવા નેનોનું ઉદાહરણ અપાતું હતું.

આ પ્રોજેક્ટથી ગુજરાત ઑટો સેક્ટરનું હબ બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. ટાટા પ્રોજેક્ટના આગમનના લગભગ 12 વર્ષ બાદ અત્યારની સ્થિતિ પર નજર નાખતા જણાય છે કે ગુજરાતને જેટલું પ્રાપ્ત થયું છે તેના કરતા હજુ ઘણું મળવાનું બાકી છે.

હિંસક આંદોલન બાદ સિંગુરથી સાણંદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

2008માં ટાટાએ પશ્ચિમ બંગાળમાંથી પ્રોજેક્ટ પડતો મુકી ગુજરાત આવવાનું નક્કી કર્યું હતું.

વર્ષ 2008માં ટાટા જૂથ પશ્ચિમ બંગાળના સિંગુરમાં પ્લાન્ટ નાખવા માંગતું હતું, પરંતુ તૃણમુલ કોંગ્રેસની આગેવાની હેઠળ આ પ્લાન્ટ વિરુદ્ધ હિંસક આંદોલન શરૂ થતા ટાટાએ પોતાની યોજના પડતી મુકવી પડી હતી.

તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ટાટા મોટર્સને નેનો પ્લાન્ટ માટે જમીન ઑફર કરી અને ટાટાએ ઑફર સ્વીકારી હતી.

ઑક્ટોબરમાં 2008માં નરેન્દ્ર મોદીએ રતન ટાટાને એક એસએમએસ મોકલીને આમંત્રિત કર્યા હતા તેમ કહેવાય છે.

આ ઉપરાંત કંપનીને સ્પેશિયલ ઑફર અને બીજા વિશેષાધિકાર પણ આપવામાં આવ્યા હતા.

ટચુકડા કદની નેનો એ ટાટા જૂથના ભૂતપૂર્વ ચૅરમૅન રતન ટાટાનું સ્વપ્ન હતું જેઓ દેશમાં ટુ-વ્હિલર પર પરિવારજનોને લઈને ફરતા મધ્યમવર્ગને એક સુરક્ષિત અને પરવડે તેવી કાર પૂરી પાડવા માંગતા હતા.

પરંતુ પશ્ચિમ બંગાળના નંદીગ્રામમાં ટાટા વિરોધી ખેડૂત આંદોલન વખતે પોલીસ ગોળીબારમાં 14 લોકોનાં મૃત્યુ થયા અને ઑક્ટોબર 2008માં ટાટાએ પશ્ચિમ બંગાળમાંથી પ્રોજેક્ટ પડતો મુકી ગુજરાત આવવાનું નક્કી કર્યું હતું.

શરૂઆતમાં સાણંદમાં પણ જમીન સંપાદન અંગે વિરોધના સૂર ઊઠ્યા હતા પરંતુ રાજ્ય સરકારે કોઈ અવરોધ પેદા થવા દીધો ન હતો. 2010ના મધ્યમાં સાણંદ પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ થઈ ગયું હતું.

ઉદ્યોગને આકર્ષવા પુષ્કળ રાહતો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

1 જાન્યુઆરી 2009થી કંપનીને નેનો કારના ઉત્પાદન માટે ઇન્સેન્ટિવ આપવામાં આવ્યા હતા.

7 ઑક્ટોબર, 2008ના રોજ ગુજરાત સરકાર અને ટાટા મોટર્સ વચ્ચે સ્ટેટ સપોર્ટ ઍગ્રીમેન્ટ હેઠળ સમજૂતી થઈ હતી. જે પ્રમાણે 1 જાન્યુઆરી 2009થી કંપનીને નેનો કારના ઉત્પાદન માટે ઇન્સેન્ટિવ આપવામાં આવ્યા હતા.

ટાઇમ્સ નાઉ ન્યૂઝના અહેવાલ પ્રમાણે 30 માર્ચ 2013ના દિવસે સરકાર અને કંપની વચ્ચે એક લોન ઍગ્રીમેન્ટ થયો હતો.

તેના હેઠળ કંપની જે વેલ્યૂ એડેડ ટૅક્સ (વેટ) અને સેન્ટ્રલ સર્વિસ ટૅક્સ (સીએસટી) ચુકવવાની હતી તેના સમાન પ્રમાણમાં કંપનીને 20 વર્ષ માટે 0.1 ટકાના સાદા વ્યાજદરે લોન અપાઈ હતી.

વર્તમાન બજેટ સત્રમાં અપાયેલી માહિતી પ્રમાણે ટાટા મોટર્સે સરકારને જુલાઈ 2017 સુધીમાં જે ટૅક્સ ચૂકવ્યો તેની સામે તેને રૂ. 587.08 કરોડની લોન આપવામાં આવી હતી.

ટાટાના પ્રોજેક્ટને કોઈ અડચણ ન નડે તે માટે તમામ જરૂરી મંજૂરીઓ ઝડપથી આપવા સરકારે એક ઉચ્ચ સ્તરીય સમિતિ પણ નિયુક્ત કરી હતી.

તે સમયે સાણંદ આસપાસની જમીનોના ભાવમાં રાતોરાત ઉછાળો આવ્યો હતો, ઘણા ખેડૂતોએ કરોડો રૂપિયામાં જમીન વેચીને અન્યત્ર રોકાણ કર્યું હતું તથા લક્ઝરીયસ કાર્સ ખરીદી હતી.

ત્યાર બાદ અહીં રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં પણ વેગ આવ્યો છે અને આસપાસના હાઈવે પર આકાર લઇ રહેલા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ આ વાતની સાબિતી આપે છે.

ટાટા નેનોમાં શરૂઆતમાં ગ્રાહકોએ ભારે રસ દર્શાવ્યા બાદ થોડા જ સમયમાં ઉત્સાહ ઓસરી ગયો હતો અને તેના વેચાણમાં સતત ઘટાડો થયો હતો.

બિઝનેસ ટૂડેના અહેવાલ પ્રમાણે કંપનીએ 2018માં જ જાહેરાત કરી દીધી હતી કે તેઓ ગ્રાહક પાસેથી કન્ફર્મ ઑર્ડર મળે તો જ નેનોનું ઉત્પાદન કરશે.

જૂન 2018માં માત્ર એક નેનોનું ઉત્પાદન થયું હતું અને સ્થાનિક બજારમાં કંપનીએ ફક્ત ત્રણ કાર વેચી હતી. ત્યાર પછી કંપનીએ પોતાની ઉત્પાદન યોજનામાં ફેરફાર કર્યો હતો અને ઇન્સ્ટોલ્ડ ક્ષમતાના માત્ર 10 ટકા દરે કામ કરતા પ્લાન્ટમાં ટિયાગો તથા ટિગોર જેવા સફળ મોડેલનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું અને ઉત્પાદન ક્ષમતા 100 ટકાએ લઈ જવામાં આવી હતી.

વીડિયો કૅપ્શન,

કહાણી સાઇકલની જેના તરફ દુનિયા પરત ફરી રહી છે

હાલમાં ટાટાના સાણંદ પ્લાન્ટમાં ઇલેક્ટ્રિકલ પેસેન્જર વ્હિકલ ટિગોર ઇવીનું પણ ઉત્પાદન થાય છે.

સાણંદ તે સમયે માત્ર એક સામાન્ય નાના શહેરમાંથી વિશ્વના નકશા પર ચમક્યું હતું. સાણંદ, હાંસલપુર અને વિઠલાપુરના લગભગ 130 કિમીના પટ્ટામાં એશિયા-પેસિફિક વિસ્તારના સૌથી મોટા ઑટોમોટિવ ક્લસ્ટરનો વિકાસ થાય તેવા સંજોગો હતા.

ટાટા બાદ આ પટ્ટામાં અમેરિકાની ફોર્ડ મોટર્સ અને જાપાનની હોન્ડા મોટરનું આગમન થયું હતું. અહીં આવેલી ઑટો કંપનીઓની કુલ ઉત્પાદન ક્ષમતા લગભગ 22 લાખ પેસેન્જર વ્હિકલની છે.

ટો એન્સિલરી ઉદ્યોગને વેગ મળ્યો

ઇમેજ કૅપ્શન,

દિલ્હીમાં ટાટા નેનો લૉન્ચ કરતી વખતે ટાટા જૂથનાં તે સમયનાં પ્રમુખ રતન ટાટા

સાણંદમાં ટાટાના પ્લાન્ટથી ગુજરાતમાં ઉદ્યોગોને એકંદરે કેટલો ફાયદો થયો તે વિશે ગુજરાત ચૅમ્બર ઓફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (જીસીસીઆઈ)ના ભૂતપૂર્વ પ્રમુખ શૈલેશ પટવારીએ જણાવ્યું કે "ટાટાના નેનો પ્રોજેક્ટના આગમન પછી ફાયદો એ થયો કે ગુજરાતમાં બીજી ઑટો કંપનીઓ પણ આવી. ટાટા પછી હોન્ડા અને મારુતિ જેવી અગ્રણી ઑટો કંપનીઓએ પણ ગુજરાતમાં પોતાના પ્લાન્ટ સ્થાપ્યા હતા.''

''ઑટો એન્સિલરી ઉદ્યોગની સ્થાપના માટે એક તક મળી. મોટી ઑટો કંપનીઓના આગમન પછી સ્પેરપાર્ટ્સ અને એન્જિનિયરિંગ કંપનીઓની સ્થાપના થઈ." સાણંદ અને આસપાસનું ચિત્ર બદલાયું છે તે વાત તેઓ માને છે.''

જોકે તેઓ એવું સ્વીકારે છે કે ચોક્કસ કારણસર મોટા ઉદ્યોગો મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન કરી શકતા નથી. આ ઉપરાંત ગુજરાતમાં જે રીતે સબસિડી અને ટૅક્સની રાહત મળી તે રીતે બીજા રાજ્યો પણ ઉદ્યોગોને રાહત આપે છે. તેથી ટેસ્લાએ પોતાના પ્લાન્ટ માટે કર્ણાટકને પસંદ કર્યું.

શૈલેશ પટવારી કહે છે કે સાણંદની આસપાસ હજુ ઘણા ઇન્ડસ્ટ્રિયલ પ્લૉટ ખાલી છે પરંતુ ઉદ્યોગો તે લેવા તૈયાર નથી કારણ કે જીઆઇડીસીની નૉન-યુટિલાઈઝેશન પૉલિસીના કારણે તેમનો બોજ વધી જાય છે.

તેઓ કહે છે, ''અત્યારે કોઈ ઉદ્યોગપતિ 15,000 મીટરનો પ્લૉટ ખરીદે ત્યાર પછી તેમાં માટીનું પૂરાણ કરવામાં એક કરોડથી વધુ ખર્ચ થઈ જાય છે. ત્રણ વર્ષમાં ત્યાં ઇન્ડસ્ટ્રી ઉત્પાદન કામ શરૂ ન કરે તો 90 લાખ રૂપિયા જેટલો નૉન-યુટિલાઈઝેશન ચાર્જ લાગે છે. તેના કારણે સાણંદનું ડેવલપમૅન્ટ અટક્યું છે.''

''ગુજરાતમાં અત્યારે મજૂરોની સમસ્યા છે. ગુજરાતના ઉદ્યોગોમાં મોટા ભાગના મજૂરો રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહારના છે. તેનું કારણ એ છે કે ગુજરાતમાં લોકો કોઈ કામ આવડી જાય તો પોતાની રીતે સ્વતંત્ર ધંધો શરૂ કરવાનું વિચારે છે. માઇગ્રેશનના કારણે કોરોના વખતે ઘણી તકલીફ પડી હતી.''

મોટા ઉદ્યોગોને પ્રોત્સાહન, નાના ઉદ્યોગોની ઉપેક્ષા

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન,

જીઆઇડીસીનો વિકાસ ઑટો પ્લાન્ટના કારણે થયો અને એમએસએમઈના નાના યુનિટ્સ સ્થપાયા.

સાણંદ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિયેશનના પ્રમુખ અજિત શાહ માને છે કે નેનો પ્લાન્ટના કારણે યુવાનોને ઑટો સેક્ટરમાં વધારે રોજગારી મળી રહી છે. આ ઉપરાંત બીજા સંલગ્ન ઉદ્યોગોને પણ ફાયદો થાય છે.

તેઓ કહે છે કે એક દાયકા અગાઉની અને અત્યારની સાણંદ જીઆઇડીસીમાં ઘણો તફાવત દેખાય છે. જીઆઇડીસીનો વિકાસ ઑટો પ્લાન્ટના કારણે થયો અને એમએસએમઈના નાના યુનિટ્સ સ્થપાયા.

તેઓ કહે છે, "સાણંદમાં નેનો પ્લાન્ટ આવ્યો તે અગાઉ આ એરિયામાં કોઈ ઔદ્યોગિક વિકાસ જોવા મળતો ન હતો. અમદાવાદથી વિરમગામ રોડ પર માંડ ત્રણ-ચાર ઇન્ડસ્ટ્રી હતી.

અત્યારે એકલા સાણંદ જીઆઇડીસીમાં લગભગ 210થી વધારે એમએસએમઈ (માઇક્રો, સ્મૉલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝિસ) કામ કરે છે.

આ ઉપરાંત આ વિસ્તારમાં કોલગેટ, કોકા કોલા, નિવિયા સહિત લગભગ 40 બહુરાષ્ટ્રીય કંપનીઓ (એમએનસી) પણ છેલ્લા એક દાયકામાં આવી છે."

જોકે, તેઓ સ્વીકારે છે કે ગુજરાતને ઑટો હબ બનાવવાનું જે સ્વપ્ન હતું તે સાકાર થઇ શક્યું નથી. તેનું કારણ છે કે રાજ્ય સરકારે એમએસએમઈને વધારે પ્રાધાન્ય આપ્યું નથી.

તેઓ કહે છે , "ગુજરાતમાં એફડીઆઈનો પ્રવાહ બમણો થયો છે તેવો રાજ્ય સરકારનો દાવો છે. પરંતુ રાજ્યમાં તાજેતરમાં 2800થી વધારે એમએસએમઈ બંધ થઈ ગયા છે. તેમાંથી એકલા સાણંદમાં 600 એમએસએમઈ બંધ થયા છે."

તેઓ કહે છે કે, "ગુજરાતમાં બહારથી આવતા રોકાણને મહત્ત્વ આપવામાં આવે છે પરંતુ નાના ઉદ્યોગપતિઓ 25-30 કરોડ રૂપિયાનું રોકાણ કરતા હોય તો તેમના માટે ફાયદાકારક નીતિનો અભાવ છે. એમએસએમઈ માટે સરકાર ખાસ નીતિ બનાવવાની જાહેરાત કરે છે પરંતુ તેના અમલમાં ખામી છે.''

''અત્યારે ઉદ્યોગો માટે આત્મનિર્ભર નીતિની જાહેરાત કરવામાં આવી છે પરંતુ તેના અર્થઘટનમાં ઘણી મુશ્કેલીઓ પડે છે તેથી તેનો લાભ મેળવવાને પાત્ર હોય તેવા માત્ર 25 ટકા ઉદ્યોગો જ તેનો લાભ લઈ શકે છે.''

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન,

ગુજરાતમાં ઑટો સેક્ટરે ઘણા ચઢાવ-ઉતાર પણ જોયા છે.

"ઇઝ ઓફ ડુઇંગ" બિઝનેસમાં ગુજરાતે હજુ ઘણું કરવાનું છે. એક સમસ્યા ટેકનિકલ માણસો અને લેબરની છે. ગુજરાતમાં શ્રમિકો મોટા ભાગે પડોશી રાજ્યોમાંથી અને યુપી તથા બિહારમાંથી આવે છે. આ ઉપરાંત રાજ્યમાં શિક્ષણનું સ્તર પણ નબળું હોવાથી ટેકનિકલ માણસો બહારથી લાવવા પડે છે.

અર્થશાસ્ત્રી ડો. હેમંત કુમાર શાહે જણાવ્યું કે, "મોટી કંપનીઓને આકર્ષવા માટે જંગી સબસિડી, સસ્તામાં જમીન અને બીજી રાહતો આપવામાં આવે છે. પરંતુ તેની સામે બીજા ઘણા નાના ઔદ્યોગિક એકમો છે જેઓ વધારે પ્રમાણમાં રોજગારી આપી શકે છે છતાં તેમના તરફ ધ્યાન અપાતું નથી."

તેઓ કહે છે કે, "ટાટા નેનો પ્રોજેક્ટ માટે રૂ.33,000 કરોડની સબસિડી આપવામાં આવી તેમ કહેવાય છે. પરંતુ તેની સામે વળતરનું શું? ગુજરાતમાં અત્યારે બેરોજગારી મોટો મુદ્દો છે તેથી જેમાં રોજગારી વધારે મળે તેવા ઉદ્યોગોને પ્રાથમિકતા આપવી જોઈએ. અસંગઠીત ક્ષેત્રની સ્થિતિ વધારે ખરાબ છે તેથી તેના તરફ પણ જોવું જોઈએ."

રાજકોટ એન્જિનિયરિંગ ઍસોસિયેશનના માનદ સેક્રેટરી નરેન્દ્ર પાંચાણીએ જણાવ્યું કે રાજકોટ આસપાસની જે કંપનીઓ ટાટાને સામાન સપ્લાય કરતી હતી તેમને કંપની નજીક આવવાથી ફાયદો થયો. ખાસ કરીને ટિયર-1 અને ટિયર-2ની કંપનીઓ અને નાના ઇન્ડસ્ટ્રિયલ યુનિટને ફાયદો થયો છે. બીજો ફાયદો એ થયો કે મોટી કંપનીને સપ્લાય કરવાથી ક્વૉલિટી કન્ટ્રોલ અને મૅનેજમૅન્ટમાં સુધારો થાય છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

2008માં ટાટા મોટર્સના નેનો કાર પ્લાન્ટને સાણંદ લવાયો હતો

હાલમાં રાજકોટની આસપાસ લગભગ 100 જેટલા યુનિટ ગુજરાતની ઑટો કંપનીઓના સપ્લાયર્સ છે જેમાં ઑટો એન્જિનના પાર્ટ્સ, એન્જિનિયરિંગ ગુડ્સ, એસેસરિઝ, બોડી પાર્ટ્સના સપ્લાયર્સ સામેલ છે.

તેના કારણે કાસ્ટિંગ, ફાઉન્ડ્રી અને ફોર્જિંગ ઉદ્યોગનો પણ વિકાસ થયો છે.

જોકે, રાજકોટના ઉદ્યોગનો ખરો વિકાસ ઉદારીકરણ પછી જ શરૂ થઈ ગયો હતો.

શરૂઆતમાં રાજકોટ ડીઝલ એન્જિનો માટે જાણીતું હતું પરંતુ આ ઉદ્યોગ હવે નામશેષ થવાના આરે છે.

ચીનની સ્પર્ધા અંગે તેમણે કહ્યું કે ડમ્પિંગ વધારે થતું હોય અથવા લો-ઇનવોઈસિંગ હોય તેવી જગ્યાએ ચીન ટક્કર આપી શકે છે.

નીચા ભાવના કારણે ચીન ચોક્કસ સ્પર્ધા કરે છે પરંતુ ક્વૉલિટીના પ્રશ્નો હોય ત્યાં સ્થાનિક માલને વધુ પસંદ કરવામાં આવે છે.

ગુજરાતમાં ઑટો સેક્ટરે ઘણા ચઢાવ-ઉતાર પણ જોયા છે. એપ્રિલ 2017માં જનરલ મોટર્સે તેનો હાલોલ પ્લાન્ટ બંધ કર્યો હતો.

ચીનની ઑટો ઉત્પાદક SAIC જ્યારે જનરલ મોટર્સના પ્લાન્ટને હસ્તગત કરી રહી હતી ત્યારે તેના વિરોધમાં એક મહિના કરતા વધુ સમય સુધી કામદારો હડતાલ પર ઉતર્યાં હતા.

જનરલ મોટર્સ 24 વર્ષ અગાઉ ગુજરાતમાં આવનારી સૌ પ્રથમ ઑટો ઉત્પાદક હતી.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.