પશ્ચિમ બંગાળ ચૂંટણી : 'વડા પ્રધાન મોદી' સામે કઈ રીતે ટક્કર લઈ રહ્યાં છે ‘બંગાળનાં દીકરી’ મમતા બેનરજી?

  • સૌતિક બિસ્વાસ
  • બીબીસી ભારત સંવાદદાતા
પ્રાદેશિક પક્ષ તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનરજી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રાદેશિક પક્ષ તૃણમૂલ કોંગ્રેસનાં નેતા મમતા બેનરજી

પશ્ચિમ બંગાળના કોલકાતા શહેરથી દક્ષિણે અંદાજે 160 કિલોમિટર દૂર આવેલા સ્થળે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બળબળતી બપોરે એક જાહેરસભાને સંબોધન કરી રહ્યા હતા.

મોદી સભામાં કહી રહ્યા હતા, "તમે એ મહિલાને 10 વર્ષ સુધી કામ કરવાની તક આપી છે. હવે અમને એક તક આપો."

વડાપ્રધાન જે મહિલાની વાત કરી રહ્યા છે એ છે મમતા બેનરજી, જેઓ પશ્ચિમ બંગાળમાં એક દાયકાથી શાસન કરતા પ્રાદેશિક પક્ષ તૃણમૂલ કૉંગ્રેસ(ટીએમસી)નાં આક્રમક નેતા છે.

લોકોમાં પ્રભાવ ધરાવતા વક્તા મોદી, એ પછી કેટલાંક વાક્યો બંગાળી ભાષામાં બોલે છે.

તેનાથી સભામાંના ઘણા લોકો હસી પડે છે. પછી વડા પ્રધાન બંગાળમાં "દીદી" નાં હુલામણા નામે ઓળખાતા મમતા બેનરજી પર શાબ્દિક હુમલો શરૂ કરે છે.

મોદી કહે છે, "દીદી, ઓ મમતાદીદી. તમે કહો છો અમે બહારના લોકો છીએ, પણ બંગાળની ભૂમિ કોઈને બહારના ગણતી નથી. અહીં કોઈ બહારનું નથી."

મમતા બેનરજીએ નરેન્દ્ર મોદીની હિંદુ રાષ્ટ્રવાદી ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ને હંફાવવા માટે ઘરના (બંગાળીઓ) અને બહારના (મહદઅંશે હિંદીભાષી ભાજપી) એવો પ્રચાર ચલાવ્યો છે.

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન,

બીજેપી પશ્ચિમ બંગાળમાં નરેન્દ્ર મોદીની પ્રતિભાના જોરે ચૂંટણી લડી રહી છે

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સના પ્રોફેસર દ્વૈપાયન ભટ્ટાચાર્ય જણાવે છે કે 66 વર્ષનાં મમતા બેનરજી પ્રાદેશિક લાગણીને પંપાળી રહ્યાં છે.

કેન્દ્રની શક્તિશાળી ભાજપનું 'બહારના હોવું' ભારતમાં ચૂંટણીના પ્રાદેશિક રાજકારણની પીઠિકા છે.

ભાજપ બંગાળમાં 'સંકુચિત, ભેદભાવયુક્ત અને વિભાજનકારી રાજકારણ' લાવવાનો પ્રયાસ કરતી હોવાનો આક્ષેપ પણ મમતા બેનરજીએ કર્યો છે.

આ રાજકીય લવારાબાજીને બાજુ પર મૂકીએ તો બંગાળમાં ખરાખરીનો ચૂંટણીજંગ ખેલાવાનો છે.

અહીં ચાર સપ્તાહમાં આઠ તબક્કામાં મતદાન થવાનું છે. (ચૂંટણીનું પરિણામ પશ્ચિમ બંગાળના પાડોશી આસામ સહિતના ચાર રાજ્યોની ચૂંટણીના પરિણામ સાથે બીજી મેએ જાહેર થશે)

ભારતમાં રાજ્ય વિધાનસભાઓની તાજેતરની ચૂંટણીઓમાં આ ચૂંટણી સૌથી વધુ અર્થસૂચક પણ છે.

9.2 કરોડની વસતી ધરાવતા પશ્ચિમ બંગાળમાં મોદીના પક્ષે ક્યારેય શાસન કર્યું નથી.

રાજ્યમાં 34 વર્ષથી શાસન કરતી સામ્યવાદીઓના વડપણ હેઠળની સરકારને ઉખેડીને 2011માં મમતા બેનરજી સત્તા પર આવ્યાં હતાં.

એ પછી દાયકાથી તેમનો પક્ષ જ રાજ્યમાં સતત શાસન કરતો રહ્યો છે. વિધાનસભાની ગત ચૂંટણીમાં ટીએમસીએ કૂલ 295 પૈકીની 211 બેઠકો જીતી હતી.

ટીએમસી શિસ્તબદ્ધ પક્ષ નથી. તેની કોઈ ચોક્કસ વિચારધારા પણ નથી.

ભારતમાંના મોટાભાગના પ્રાદેશિક પક્ષોની માફક ટીએમસી પણ મોહક વ્યક્તિત્વ ધરાવતા નેતા પર આધારિત પક્ષ છે.

ટીએમસીના ટેકેદારો મમતા બેનરજીને 'અગ્નિદેવી' કહે છે

ઇમેજ સ્રોત, SANJAU DAS

ઇમેજ કૅપ્શન,

મમતા બેનરજીને ચૂંટણીપ્રચારમાં "બંગાળની દીકરી" ગણાવવામાં આવી રહ્યાં છે

વિધાનસભાની 2016ની ચૂંટણીમાં બીજેપીને માત્ર ત્રણ બેઠકો મળી હતી.

2019ની સંસદીય ચૂંટણીમાં ભાજપે વ્યાપક પ્રચાર કર્યો હતો અને રાજ્યની 42 સંસદીય બેઠકોમાંથી 18 બેઠકો પર વિજય મેળવ્યો હતો તથા 40 ટકા મત મેળવ્યા હતા.

એ ચૂંટણીમાં ટીએમસીની માઠી હાલત થઈ હતી. તેને 2014ની સંસદીય ચૂંટણીમાં મળેલી બેઠકો કરતાં એક ડઝન ઓછી એટલે કે 22 બેઠકો 2019માં મળી હતી.

રાજકીય વિશ્લેષક રજત રે કહે છે, "મમતા બેનરજી માટે એ ચેતવણી હતી. 2021માં તેઓ અસ્તિત્વની લડાઈ લડી રહ્યાં છે."

પશ્ચિમ બંગાળમાંનો વિજય ભાજપ માટે જોરદાર જોમવર્ધક પૂરવાર થશે.

નરેન્દ્ર મોદી ભારતના સૌથી વધુ લોકપ્રિય નેતા છે, પણ તેમનો પક્ષ રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં સંઘર્ષ કરી રહ્યો છે.

એ ઉપરાંત જે રાજ્યમાં કૂલ પૈકીના 33 ટકા મતદારો મુસ્લિમ છે ત્યાં હિંદુ રાષ્ટ્રવાદી પક્ષનો વિજય વ્યાપક રીતે અર્થસૂચક હશે.

આ ચૂંટણીમાં ભાજપનો વિજય થશે તો 2024ની સંસદીય ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના સુસજ્જ પક્ષને ટક્કર આપવાની હાલ વેરવિખેર વિરોધ પક્ષની રહીસહી આશા મરી પરવારશે.

પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં મમતા બેનરજીને મદદ કરી રહેલા રાજકીય વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર કહે છે, "આ ચૂંટણી ભારતીય લોકશાહી માટેનું યુદ્ધ છે. ભાજપ જીતશે તો લોકશાહીના છેલ્લા ગઢ બંગાળમાં પણ હિંદુ બહુમતવાદી રાજકારણનો પ્રવેશ થશે."

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન,

મમતા બેનરજી પશ્ચિમ બંગાળમાં પ્રતિભાવંત નેતાની ઈમેજ ધરાવે છે

દિલ્હીસ્થિત સેન્ટર ફૉર પૉલિસી રિસર્ચના સીનિયર વિઝિટિંગ ફેલો નીલાંજન સરકારના જણાવ્યા મુજબ, ''આ ચૂંટણીમાં ટીએમસી જીતશે તો મમતા બેનરજી રાષ્ટ્રીય નેતા તરીકે ઉભરે એવી શક્યતા છે, કારણ કે તેમણે શક્તિશાળી રાષ્ટ્રીય પક્ષને પરાજિત કર્યો હશે.''

''મમતા બેનરજી ભાજપને ટક્કર આપવા માટે વિરોધ પક્ષના સર્વસંમત નેતા તરીકે ઉભરી આવે એ પણ શક્ય છે. વિરોધ પક્ષનો એકેય નેતા નરેન્દ્ર મોદી સામે સફળ આક્રમણ કરી શક્યો નથી અને ટીએમસી જીતશે તો મમતા તેમનો જવાબ બનશે.''

જોકે, ટીએમસી માટે જીતવું આસાન નથી. પશ્ચિમ બંગાળમાં દરેક વિસ્તારમાં લોકો ફરિયાદ કરે છે કે કલ્યાણ યોજનાઓનો લાભ મેળવવા માટે તેમણે ટીએમસીના સ્થાનિક નેતાઓ તથા કાર્યકરોને લાંચ આપવી પડે છે.

વીડિયો કૅપ્શન,

મહુઆ મોહિત્રાએ અમિત શાહના ‘જય શ્રી રામ’ના નારા પર શું કહ્યું?

એક વ્યક્તિએ તો એવું કહ્યું હતું કે બૅન્ક ખાતામાં જમા થયેલા કલ્યાણ યોજનાના નાણાં લઈને બૅન્કમાંથી બહાર નીકળતા લોકો પાસેથી લાંચ લેવા ટીએમસીના કાર્યકરો રાહ જોતા હોય છે.

એક રાજકીય વિશ્લેષકે મને કહ્યું હતું કે પશ્ચિમ બંગાળની સમસ્યા "સરકારમાં ઘૂસેલા રાજકારણ"ની છે.

લોકો રાજકીય પ્રતિસ્પર્ધીઓ સામેની હિંસાની અને ટીએમસીના કાર્યકરોની ઉદ્ધતાઈની વાતો પણ કરે છે.

રાજ્યમાં ભાજપના આર્થિક વિભાગના વડા ધનપતરામ અગ્રવાલે કહ્યું હતું કે વધારે ગંભીર બાબત "રાજકારણનું ગુનાખોરીકરણ" છે, જેમાં પ્રતિસ્પર્ધીઓ પર "હુમલા અને તેમની સતામણી કરવામાં આવે છે."

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન,

કૉંગ્રેસ અને ડાબેરી પક્ષો પણ એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે.

આમ છતાં લોકોને મમતા બેનરજી પર કોઈ રોષ હોય એવું લાગતું નથી.

મમતા બેનરજીને અંગત રીતે નિષ્કલંક અને સહાનુભૂતિપૂર્ણ નેતા ગણવામાં આવે છે.

મમતા બેનરજીની આસપાસનો ઉન્માદ 10 વર્ષના શાસનમાં શમી ગયો હશે, પણ દમદાર નેતા તરીકેની તેમની છબી યથાવત્ રહી છે અને તેમના પ્રત્યેનો લોકોનો ગુસ્સો અપ્રગટ રહ્યો છે.

આ સ્થિતિને એક રાજકીય વિશ્લેષક "શાસનવિરોધી લાગણીનો વિરોધાભાસ" ગણાવે છે.

પ્રશાંત કિશોર કબૂલે છે કે, "સ્થાનિક નેતાગીરી અને પક્ષ સામે ગુસ્સો છે, પણ મમતા બેનરજીએ મોટી બહેન તરીકેની તેમની ઈમેજને જાળવી રાખી છે."

પ્રશાંત કિશોર કહે છે, "મમતાની ઈમેજ શાસનવિરોધી લાગણીને ખાળવામાં મદદરૂપ થશે. તેમને કોઈ ધિક્કારતું નથી અને ભાજપના લાખ પ્રયાસ છતાં ટીએમસી તેની કોઈ ચાલમાં ફસાઈ નથી."

આગલાં વર્ષોમાં જે ગૂમાવ્યું હતું એ પૈકીનું થોડુંક પાછું મેળવવાનાં પ્રયાસ મમતા બેનરજીએ છેલ્લા 18 મહિનામાં કર્યાં છે.

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન,

લોકોને મમતા બેનરજી પર કોઈ રોષ હોય એવું લાગતું નથી.

લોકોની ફરિયાદ નોંધવા માટે મમતા બેનરજીએ શરૂ કરેલી હેલ્પલાઈનનો 70 લાખથી વધુ લોકોએ સંપર્ક સાધ્યો હતો.

ડઝનેક કલ્યાણ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવાના ટીએમસી સરકારના ઉપક્રમનો લાભ અંદાજે 30 લાખ લોકોએ લીધો છે.

રાજ્ય સરકારનો એવો પણ દાવો છે કે સામુદાયિક યોજનાઓ સંબંધી 10,000 ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે.

ગ્રામ્ય રસ્તાઓનું યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવ્યું છે.

વિદ્યાર્થીઓ માટે સાયકલ તથા સ્કૉલરશિપો, વિદ્યાર્થિનીઓને અભ્યાસ ચાલુ રાખવા માટે કૅશ ટ્રાન્સફર અને આરોગ્ય વીમા સહિતની સંખ્યાબંધ કલ્યાણકારી યોજનાઓએ મમતા બેનરજીની લોકપ્રિયતા જાળવી રાખવામાં મદદ કરી છે.

મહિલા મતદારોમાં મમતા બેનરજીની લોકપ્રિયતા યથાવત રહી છે. ટીએમસીના કૂલ પૈકીના 17 ટકા ઉમેદવારો મહિલા છે.

ટીએમસીના અનેક નેતાઓ ભાજપમાં સામેલ થયાં છે

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન,

બીજેપીના કૂલ 282 ઉમેદવારો પૈકીના 45થી વધારે પક્ષપલટુઓ છે. એ પૈકીના 34 ટીએમસીના છે.

પક્ષને ઝડપભેર વિસ્તારવા અને મમતા બેનરજીનો સામનો કરવા માટે ભાજપ પશ્ચિમ બંગાળમાં ટીએમસીના અનેક નેતાઓને પક્ષમાં લાવી છે.

ભાજુના કૂલ 282 ઉમેદવારો પૈકીના 45થી વધારે પક્ષપલટુઓ છે. એ પૈકીના 34 ટીએમસીના છે.

એ 34માં મોટાભાગના ટિકીટ મેળવવાથી વંચિત રહેલા અસંતુષ્ટ સ્થાનિક નેતાઓ છે. ભાજપનું સંગઠન મજબૂત નથી.

મમતા બેનરજીનો સામનો કરી શકે તેવો મજબૂત નેતા ભાજપ પાસે નથી.

ઘણા કહે છે કે ભાજપ પાસે ટીએમસીની ટીકા અને 'સોનાર બાંગ્લા'ના વચન સિવાયનો કોઈ મુદ્દો નથી.

ભાજપના મોટાભાગના ટેકેદારો ટીએમસીથી નારાજ મતદારો છે અને તેમાં નીચલા વર્ગના લોકોનો પણ સમાવેશ થાય છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પશ્ચિમ બંગાળ જીતવા માટે કોઈ પણ પક્ષે 45 ટકા મત મેળવવા પડશે.

મુખ્ય પ્રતિસ્પર્ધીઓના મત તોડવા માટે નિર્બળ સામ્યવાદીઓએ મુસ્લિમ મૌલાનાઓ તથા કમજોર કૉંગ્રેસ સાથે જોડાણ કર્યું હોવા છતાં પશ્ચિમ બંગાળની ચૂંટણી નિશ્ચિત રીતે બે પક્ષ વચ્ચે જ લડાઈ રહી છે.

પશ્ચિમ બંગાળ જીતવા માટે કોઈ પણ પક્ષે 45 ટકા મત મેળવવા પડશે.

મોટાભાગના લોકો માને છે કે આ ચૂંટણી ખરાખરીનો જંગ હશે. મમતા દીદીને પણ તેમની ઈમેજ બદલવાની ફરજ પડી છે.

કોલકાતા મમતાને "બંગાળની દીકરી" ગણાવતાં, તેમના હસતા ચહેરા સાથેનાં બિલબોર્ડ્ઝથી છલકાઈ રહ્યું છે.

અહીં એક મહિલા પોકારી રહી છે કે બહારના લોકોએ તેને ઘેરી લીધી છે.

પ્રશાંત કિશોર કહે છે, "અહીં મતદારોને એ જણાવવાનો આશય છે કે મહત્વની આ લડાઈમાં મમતા બેનરજીને તમારા ટેકાની જરૂર છે."

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.