કેરળ ચૂંટણી : આરએસએસ હજી સુધી કેમ ભાજપને ચૂંટણીમાં જીતાડી શક્યું નથી?

  • ઝુબેર અહમદ
  • બીબીસી સંવાદદાતા, કોચીના પ્રવાસ બાદ વિશેષ અહેવાલ
સાડા ત્રણ કરોડની વસતિના રાજ્યમાં 80 વર્ષથી આરએસએસ સક્રિય છે.
ઇમેજ કૅપ્શન,

સાડા ત્રણ કરોડની વસતિના રાજ્યમાં 80 વર્ષથી આરએસએસ સક્રિય છે.

કેરળમાં રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની 4,500 શાખા રોજ મળે છે. કોઈ પણ રાજ્ય કરતાં શાખાઓની આ સૌથી વધુ સંખ્યા છે.

સાડા ત્રણ કરોડની વસતિના રાજ્યમાં 80 વર્ષથી આરએસએસ સક્રિય છે. લગભગ દરેક શેરી, ગામ અને તાલુકામાં તેની હાજરી છે અને તેના સભ્યોની સંખ્યા વધતી રહી છે.

આમ છતાં સંઘ સાથે જોડાયેલા ભારતીય જનતા પક્ષને હજી સુધી કેરળમાં ચૂંટણીમાં ખાસ કોઈ સફળતા કેમ મળી નથી? આ સવાલ મેં ભાજપ, આરએસએસ, તટસ્થ બુદ્ધિજીવીઓ અને સંઘની વિચારધારાના વિરોધીઓ સૌને પૂછ્યો.

આ સવાલનો જવાબ મેળવવા માટે મેં કોચીમાં સંઘના મુખ્ય કાર્યાલયની પણ મુલાકાત લીધી. તમે એવો સવાલ પણ પૂછી શકો છો કે ભાજપની હારજીતની બાબતમાં સંઘની ભૂમિકા તમે શા માટે શોધી રહ્યા છો?

વાસ્તવિકતા એ છે કે દરેક ચૂંટણી માટે આરએસએસના સ્વંયસેવકો ભાજપ માટે સાનુકૂળ વાતાવરણ ઊભું કરવા માટે ચૂંટણીના કેટલાય સમય પહેલાં શેરીઓ, ગામો અને નગરોમાં ફરી વળે છે. ચૂંટણી આવે ત્યારે પણ સંસ્થાના પદાધિકારીઓ ભાજપના ઉમેદવારોને પ્રચારમાં મદદ કરવા માટે ગોઠવી દેવામાં આવે છે.

આરએસએસની ભૂમિકા

ઇમેજ સ્રોત, Twitter / BJPKERALAM

ઇમેજ કૅપ્શન,

કેરળ વિધાનસભામાં અત્યાર સુધીમાં માત્ર એક જ વાર 2016માં નેમમ બેઠક ભાજપ જીતી શક્યો હતો.

દાખલા તરીકે પલક્કડ વિધાનસભા બેઠક પર ભાજપે ડૉ. ઈ. શ્રીધરનને ઉમેદવાર બનાવ્યા છે. તેમની સાથે પડછાયાની જેમ ફરી રહેલા એડવૉકેટ પપ્પન આરએસએસ તરફથી મોકલવામાં આવ્યા છે.

તેઓ કહે છે, "હું ભાજપનો સભ્ય નથી. હું પૂર્ણકાલીન આરએસએસ સ્વંયસેવક છું અને વ્યવસાયે વકીલ છું. મને ચૂંટણી માટે શ્રીધરન સાથે રહેવાની જવાબદારી સોંપવામાં આવી છે."

મેં જોયું કે તેઓ પત્રકારોને સંભાળવાનું કામ કરવા ઉપરાંત હાઉસિંગ સોસાયટીના હોદ્દેદારો, સંસ્થાઓના પ્રતિનિધિઓ અને જુદા જુદા લોકો સાથે શ્રીધરનની મુલાકાત કરાવતા રહે છે.

શ્રીધરન 88 વર્ષના છે અને તેમને દાદર ચડતી ઉતરતી વખતે ઊંચા બાંધાના પપ્પન હાથનો ટેકો આપીને સંભાળે છે.

જાણકારો કહે છે કે છેલ્લા છ વર્ષોમાં બિહાર, હરિયાણા, ગુજરાત અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં ભાજપને ચૂંટણીમાં સારી સફળતા મળી છે તેનું ઘણો શ્રેય સંઘને જાય છે.

સંઘના સ્વંયસેવકો

ઇમેજ સ્રોત, Twitter / BJPKERALAM

ઇમેજ કૅપ્શન,

સંઘના કેટલાક સ્વંયસેવકોને જ લાગે છે કે હજી સુધી કેરળમાં ભાજપને ચૂંટણીમાં ફાયદો કરાવવામાં આરએસએસ ધારી સફળતા મેળવી શક્યો નથી.

સંઘના સ્વંયસેવકો પૂરી પ્રતિબદ્ધતા સાથે કામ કરવામાં લાગી જાય છે અને ચૂંટણીનું પરિણામ ના આવે ત્યાં સુધી પરત જતા નથી.

જોકે સંઘના કેટલાક સ્વંયસેવકોને જ લાગે છે કે હજી સુધી કેરળમાં ભાજપને ચૂંટણીમાં ફાયદો કરાવવામાં આરએસએસ ધારી સફળતા મેળવી શક્યો નથી.

કેરળ વિધાનસભામાં અત્યાર સુધીમાં માત્ર એક જ વાર 2016માં નેમમ બેઠક ભાજપ જીતી શક્યો હતો.

કેરળની 140 બેઠકો માટે 6 એપ્રિલે મતદાન યોજાવાનું છે. શું આ વખતે આરએસએસની મહેનત ભાજપને ફળશે ખરી?

નેમમ બેઠક પરથી પ્રથમ વાર જીતેલા ભાજપના ઉમેદવાર ઓ. રાજગોપાલને મેં પૂછ્યું કે શા માટે આરએસએસ બીજી કોઈ બેઠક પર ભાજપને જીત અપાવી શક્યો નથી. તેમણે નિખાલસતાથી પણ ચોંકાવનારો જવાબ આપ્યો.

વાસ્તવિકતા

ઇમેજ કૅપ્શન,

ઓ રાજગોપાલ કહે છે, "ઐતિહાસિક કારણોથી (અમે જીતી શકતા નથી)."

રાજગોપાલ કહે છે, "ઐતિહાસિક કારણોથી (અમે જીતી શકતા નથી). અહીં લાંબા સમયથી સામ્યવાદીઓનું વર્ચસ્વ રહ્યું છે. અહીંના લોકો શિક્ષિત છે. અશિક્ષિત લોકો હોય તેવા વિસ્તારમાં આંખ મીંચીને અમને મત આપી દે તેવું અહીં થાય નહીં. અહીંના લોકો રોજ ચારથી પાંચ અખબારો વાંચે છે. શું ચાલી રહ્યું છે તેની તેમને જાણકારી હોય છે. તેથી લોકો વહેંચાયેલા છે."

ભાજપના નેતાઓને ના ગમે તેવી આ વાસ્તવિકતા રાજગોપાલે જણાવી. જોકે વાસ્તવિકતા એ પણ છે કે ભલે ચૂંટણીમાં સફળતા ના મળતી હોય, કેરળમાં આરએસએસની અસર દેખાઈ રહી છે અને હિન્દુત્વની વિચારધારા ફેલાવા લાગી છે.

ભાજપ અને આરએસએસના નેતાઓ એટલો આત્મસંતોષ લઈ શકે છે કે છેલ્લા 10 વર્ષથી તેમને મળતા મતોની સંખ્યા સતત વધી રહી છે.

આ પણ એક વક્રતા છે કે જે રાજ્યમાં ડાબેરી વિચારધારાના મૂળિયા હોય અને હજી પણ સત્તામાં બેઠા હોય ત્યાં જમણેરી હિન્દુત્વ વિચારધારા મજબૂત થઈ રહી છે.

આ વખતે ભાજપની ગણતરી એટલી બેઠકો મેળવવાની છે કે જેના આધારે તે કિંગમેકર સાબિત થઈ શકે. સરકાર બનાવવામાં પોતાની ભૂમિકા મહત્ત્વની બને તેવી તેની મહત્ત્વાકાંક્ષા છે.

આરએસએસ એક સામાજિક સંસ્થા

જોકે એશિયા ન્યૂઝ નેટવર્કના સંપાદક એમ.જી. રાધાકૃષ્ણન માને છે કે આરએસએસના પ્રયાસો છતાં ભાજપને આ વખતે પણ ચૂંટણીમાં ખાસ ફાયદો નહીં થાય.

તેઓ કહે છે કે આરએસએસ કેમ ચૂંટણીમાં સફળતા નથી અપાવી શકતું તે સમજવા માટે કેરળની વસતિની રચના સમજવી પડે. રાજ્યમાં 45 ટકા વસતિ મુસ્લિમો અને ખ્રિસ્તીઓની છે અને હિન્દુ વસતિ માત્ર 55 ટકા છે. હિન્દુઓ જુદી જુદી વિચારધારામાં વહેંચાયેલા છે. બહુમતી હિન્દુઓ ડાબેરી પક્ષોને ટેકો આપતા આવ્યા છે.

રાધાકૃષ્ણન કહે છે, "તેઓ વસતિની આ સામાજિક-રાજકીય સમીકરણને તોડી નહીં શકે ત્યાં સુધી સફળતા મળશે નહીં. થોડી સફળતા મળી શકે છે ખરી. હાલના વર્ષોમાં કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના કેટલાક મતદારોને આકર્ષવામાં ભાજપને સફળતા મળી છે. પણ તે સંખ્યા હજી ઓછી છે. તેથી કહી શકીએ કે આ મોટી સફળતા છતાં ભાજપને કેરળમાં ચૂંટણીમાં ફાયદો મળ્યો નથી."

રાજકીય વિશ્લેષક ડૉ. જે. પ્રભાષ માને છે કે આરએસએસને એક રાજકીય તાકાત તરીકે જોવાનો કોઈ અર્થ નથી. તેઓ કહે છે, "કેરળમાં આરએસએસ એક સામાજિક તાકાત છે. ભારતમાં સૌથી વધુ રોજિંદી શાખાઓ કેરળમાં મળે છે. આમ છતાં સંઘ રાજ્યના રાજકારણમાં સીધી દખલ કરતો નથી. કેરળની જનતા પણ તેને માત્ર સંસ્થા તરીકે જ જુએ છે."

આરએસએસ સાથે જોડાયેલી શૈક્ષણિક સંસ્થાઓ અખિલ ભારતીય શિક્ષા સંસ્થાન, વિદ્યા ભારતી વગેરે કેરળમાં શાળાઓ પણ ચલાવે છે. પછાત જ્ઞાતિઓ તથા આદિવાસી વિસ્તારમાં તેમની ઘણી શાળાઓ છે.

કોચીમાં સંઘના મુખ્ય કાર્યાલયની અંદર જ એક વિશાળ ઇમારતમાં વિદ્યા ભારતીય શાળા ચાલે છે. કોઈ પણ આધુનિક સંસ્થાને ટક્કર મારે તેવી આ શૈક્ષણિક સંસ્થા છે.

મુખ્ય કાર્યાલયમાં બેઠેલા એક અધિકારીએ મને જણાવ્યું કે શાળામાં આધુનિક શિક્ષણ ઉપરાંત ચારિત્ર્ય નિર્માણ પર ભાર મૂકવામાં આવે છે અને એક આદર્શ નાગરિક તૈયાર કરવામાં આવે છે.

હું કાર્યાલયને મુલાકાતે ગયો ત્યારે લગભગ ખાલી હતું. તેનું કારણ મને અધિકારીએ એવું આપ્યું કે બધા હોદ્દેદારો જિલ્લા અને વિધાનસભા બેઠકોમાં ચૂંટણી પ્રચાર માટે નીકળી ગયા છે. તે સૌ ભાજપના ઉમેદવારોને પ્રચારમાં સહાયરૂપ થઈ રહ્યા છે.

ઈ. શ્રીધરન સાથે કામ કરી રહેલા સંઘના સ્વંયસેવક એડવોકેટ પપ્પનના જણાવ્યા અનુસાર સંસ્થાની સફળતાને કેટલી બેઠકો મળી તેના આધારે ગણવી જોઈએ નહીં.

પપ્પન કહે છે, "અમારું પ્રભુત્વ વધી રહ્યું છે. અમારી વિચારધારા ફેલાઈ રહી છે. શિક્ષણ ક્ષેત્રમાં ઘણું કામ થઈ રહ્યું છે. હું પણ આરએસએસની એક સ્કૂલમાંથી જ ભણ્યો છું."

શું છે રણનીતિ?

ઇમેજ સ્રોત, Twitter / BJPKERALAM

ઇમેજ કૅપ્શન,

કેરળના મુસ્લિમ અને ખ્રિસ્તી મતો પરંપરાગત રીતે કોંગ્રેસની આગેવાની હેઠળના યુડીએફ મોરચાને મળતા રહ્યા છે.

રાજકીય વિશ્લેષક જી. પ્રમોદ કુમાર કહે છે કે હિન્દુ બહુમતીના મતો મળવા લાગશે ત્યારે કેરળમાં ભાજપને સફળતા મળશે. હિન્દુ મતોનું ધ્રુવીકરણ કરીને જ તે સંભવ છે.

તેઓ કહે છે, "પક્ષ કેરળમાં ધ્રુવીકરણ કરી શક્યો નથી. તેથી હવે તેની પાસે એક જ વિકલ્પ છે અને તે છે મુસ્લિમો અને ખ્રિસ્તી મતદારોને પણ આકર્ષવા. મુસ્લિમ મતો તેને મળે નહીં. એક બે મુસ્લિમો જોડાયા છે ખરા. ખ્રિસ્તીઓમાં કેરળમાં સિરિયન ક્રિશ્ચિયનની બહુમતી છે. તેઓ પોતાને ઊંચી જ્ઞાતિના માને છે. તે સમાજમાં થોડું ધ્રુવીકરણ થયું છે. તેનું કારણ ખ્રિસ્તીઓમાં થયેલું વિભાજન છે. તેમાં કેટલાય ફાંટા પડેલા છે. દરેક સંપ્રદાય એ પક્ષને જ મત આપવા માગે છે, જે તેમના હિતોનું રક્ષણ કરે. જેકોબાઇટ સંપ્રદાય ભાજપની નજીક દોરાયો હતો, પણ હજી કંઈ જામ્યું નથી."

કેરળના મુસ્લિમ અને ખ્રિસ્તી મતો પરંપરાગત રીતે કોંગ્રેસની આગેવાની હેઠળના યુડીએફ મોરચાને મળતા રહ્યા છે.

જોકે ખ્રિસ્તી સમુદાયમાં એવી ફરિયાદ છે કે યુડીએફમાં મુસ્લિમ લીગનું પ્રભુત્વ રહે છે. તેના કારણે તેમાંના કેટલાક સંપ્રદાયમાં ભાજપ તરફ વલણ જોવા મળી શકે છે.

આ ઉપરાંત આરએસએસના ટોચના નેતાઓ ચર્ચના લીડર્સને મળ્યા છે અને તેમને ભાજપને જીતાડવાની અપીલ પણ કરી છે.

જી. પ્રમોદ કુમાર કહે છે કે આ વખતે ખ્રિસ્તીઓના અમુક ટકા મતો ભાજપને મળે તેવી શક્યતા છે. જોકે સંઘના સ્વંયસેવક કેતન મેનન કહે છે કે સમર્થન મેળવવા માટે હિન્દુ સમાજમાં પણ આવા જ પ્રયાસો કરવા પડે તેમ છે.

તેઓ કહે છે, "કેરળમાં આજે હિન્દુઓ એલડીએફ મોરચાને મત આપે છે. એક દિવસ આવશે કે આ સમુદાય ભાજપને મતો આપતો થશે."

કેરળમાં હિન્દુઓ સૌથી વધુ ડાબેરી મોરચાને કેમ પસંદ કરે છે?

જે. પ્રભાષ તેનો જવાબ આપતા કહે છે, "કેરળના ઇતિહાસમાં સુધારા માટેના બધા જ આંદોલન ડાબેરી મોરચાઓ ચલાવ્યા છે. આવા આંદોલનોથી જ આજનો હિન્દુ સમાજ બન્યો છે. તેથી પરંપરાગત રીતે તેના મતો ડાબેરી મોરચાને જાય છે."

રાધાકૃષ્ણન પણ સ્વીકારે છે કે રાજ્યમાં આરએસએસનું જોર વધી રહ્યું છે. તેઓ કહે છે, "તેનું મહત્ત્વ વધી રહ્યું છે. 15 વર્ષોની સરખામણીએ આ વખતે ભાજપ ત્રીજો મોરચો બનીને આગળ આવે તેવી શક્યતા છે."

સંઘના લોકો કહે છે કે 1980માં ભાજપ પાસે માત્ર બે જ સાંસદો હતા. ત્યાંથી આગળ વધીને આજે સૌથી મોટો પક્ષ બન્યો છે. તેમને આશા છે કે તેમની મહેનત રંગ લાવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો