તામિલનાડુ વિધાનસભા ચૂંટણી : ભાજપનું કાસ્ટ કાર્ડ શું છે અને કેટલું સફળ થશે?

  • મુરલીધરન કાશીવિશ્વનાથન
  • બીબીસી સંવાદદાતા
હવે ભાજપ દક્ષિણ તમિલનાડુની અનુસૂચિત જાતિઓને આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

હવે ભાજપ દક્ષિણ તમિલનાડુની અનુસૂચિત જાતિઓને આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

તામિલનાડુમાં મતદાનની તારીખ નજીક આવી રહી છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે એક કાયદો પસાર કરીને તામિલનાડુની સાત અનુસૂચિત જાતિઓને 'દેવેન્દ્ર કૂલા વેલ્લાલુર' નામ આપીને એકજૂથ કરી છે.

શું જાતિઓને આ રીતે એકજૂથ કરવાથી ભાજપને ફાયદો થશે?

એવું માનવામાં આવે છે કે કન્યાકુમારી અને તામિલનાડુના પશ્ચિમી જિલ્લાઓમાં ભાજપ મજબૂત બની રહ્યો છે.

એવી દલીલ પણ કરવામાં આવે છે કે કન્યાકુમારીમાં નાદર સમુદાય અને પશ્ચિમી જિલ્લામાં ગૌંડર સમુદાયને નજીક લાવીને ભાજપ મજબૂત થઈ રહ્યો છે.

હવે ભાજપ દક્ષિણ તામિલનાડુની અનુસૂચિત જાતિઓને આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેના જ ભાગરૂપે જાતિઓને 'દેવેન્દ્ર કૂલા વેલ્લાલુર' નામ અપાયું છે.

પરંતુ શું ભાજપને બીજા જિલ્લામાં પણ આ જાતિ આધારિત સમીકરણથી મદદ મળી છે?

માઉન્ટ કાર્મેલ કૉલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર અરુણ કુમાર જણાવે છે, "શક્ય છે કે હિંદુત્વવાદી સંગઠનોને કન્યાકુમારીમાં જાતિને આધારે લોકોને એકજૂથ કરવામાં મદદ મળી હોય. પરંતુ બીજા જિલ્લાઓમાં આ રણનીતિ અસરકારક રહી નથી. ત્યાં રણનીતિ શા માટે નિષ્ફળ રહી તે સમજવા માટે આપણે એ જોવું પડશે કે કન્યાકુમારીમાં હિંદુ સંગઠનોએ કઈ રીતે પોતાના મૂળિયા મજબૂત બનાવ્યા છે. અહીં આ રણનીતિ અસરકારક રહી અને સમર્થન મતમાં પરિણમ્યું હતું."

પ્રોફેસર અરુણ કુમારે કન્યાકુમારી ક્ષેત્રમાં હિંદુ સંગઠનો કઈ રીતે મજબૂત થયા તેના વિશે વિસ્તૃત સંશોધન કર્યું છે.

કન્યાકુમારીમાં હિંદુ સંગઠનો ક રીતે મજબૂત થયાં?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

કન્યાકુમારી તામિલનાડુમાં સામેલ થયું તે અગાઉથી અહીં હિંદુત્વવાદી સંગઠનોએ ફેલાવો શરૂ કર્યો હતો.

ભારતની આઝાદી પછી 1956 સુધી કન્યાકુમારી એ કેરળનો ભાગ હતું.

કન્યાકુમારી તામિલનાડુમાં સામેલ થયું તે અગાઉથી અહીં હિંદુત્વવાદી સંગઠનોએ ફેલાવો શરૂ કર્યો હતો.

પ્રોફેસર કુમાર જણાવે છે કે, "કન્યાકુમારી જિલ્લામાં આરએસએસની પહેલી શાખા 1948માં પદ્મનાબાપુરમ મહલમાં શરૂ થઈ હતી. 1963માં અહીં કોમી તોફાનો થયા જેનાથી હિંદુત્વવાદી સંગઠનોને મજબૂતી મળી. વિવેકાનંદ મેમોરિયલ બન્યું તે પહેલાં જ ત્યાં મા. પો શિવગનનમે તે જગ્યાને વિવેકાનંદ ખડકનું નામ આપીને તકતી લગાવી દીધી હતી."

ત્યાંના ખ્રિસ્તી લોકોએ આ જગ્યાને ઝેવિયર રોક ગણાવીને ઉગ્ર વિરોધ કર્યો હતો. તે તકતી તોડી નાખવામાં આવી ત્યારે કોમી તોફાનો ફાટી નીકળ્યા. ત્યાર પછી ત્યાં વિવેકાનંદ મેમોરિયલ બન્યું. પરંતુ બંને સમુદાયના મનમાં તે તોફાનોની કડવાશ યથાવત રહી."

ધર્મનો પ્રભાવ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન,

કન્યાકુમારીમાં 80 ટકા વસતી નાદર સમુદાયની છે.

આ જિલ્લામાં દ્રવિડ વિચારધારા ધરાવતા પક્ષોની ગતિવિધિઓની પણ કોઈ ખાસ અસર નહોતી થઈ.

કન્યાકુમારીમાં 80 ટકા વસતી નાદર સમુદાયની છે. તેમાં હિંદુ નાદર અને ખ્રિસ્તી નાદર બંને સામેલ છે. અય્યા સમુદાય પણ તેમાંથી બન્યો છે.

આર્થિક રીતે જોવામાં આવે તો ખ્રિસ્તી નાદરોની સ્થિતિ વધુ સારી હતી. ત્યાર પછી અય્યા સમૂહ અને તેમની પાછળ હિંદુ નાદર ત્રીજા ક્રમે હતા.

આવામાં આર્થિક સ્થિતિમાં તફાવતના કારણે હિંદુ નાદરોને ધર્મના આધારે એકજૂથ કરવાનું કામ આસાન હતું.

કામરાજ હતા ત્યાં સુધી આ તફાવત બહુ મોટો ન હતો. પરંતુ 1982માં થયેલા એક રમખાણ પછી ધાનુલિંગા નાદરે કોંગ્રેસ છોડી દીધી અને હિંદુવાદી ફ્રન્ટમાં સામેલ થઈ ગયા.

ત્યાર પછી અહીં હિંદુવાદી સંગઠનો મજબૂત બનતા ગયા. આ સંગઠનોએ આર્થિક સ્થિતિમાં રહેલા અંતરને સામાજિક ભેદભાવ તરીકે રજુ કર્યું અને લોકોને ધીમે ધીમે સંગઠિત કરતા ગયા.

પ્રોફેસર અરુણ કુમાર જણાવે છે, "1982ના તોફાનો પછી હિંદુ નાદરોમાં એક મોટી હિંદુવાદી લહેર સર્જાઈ. 1984માં પદ્મનાભપુરમ સીટ પરથી હિંદુ ફ્રન્ટના ઉમેદવાર જીતી ગયા. કોઈ હિંદુ સંગઠનના ઉમેદવારને તામિલનાડુમાં વિજય મળ્યો હોય એવી આ પ્રથમ ઘટના હતી. આ વિજય પછી કન્યાકુમારીમાં ઘણી શાખાઓ સ્થાપિત થઈ."

પરિસ્થિતિ કેવી રીતે બદલાઈ?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

માર્શલ નેસામણી અને કામરાજના નિધન પછી હિંદુ નાદરોએ હિંદુ સંગઠનોની નજીક જવાનું શરૂ કરી દીધું.

કન્યાકુમારી જિલ્લામાં સામાન્ય રીતે રાષ્ટ્રીય પક્ષો મજબૂત રહ્યા છે. પરંતુ 2009ની ચૂંટણીમાં અહીં ડીએમકેના હેલેન ડેવિડસન જીતી ગયા હતા.

ત્યાં સુધી કન્યાકુમારીમાં કોઈ પ્રાદેશિક પક્ષનો વિજય થયો ન હતો. સ્વતંત્રતા પછી અને કન્યાકુમારી તામિલનાડુમાં સામેલ થયું તે દરમિયાન પણ કૉંગ્રેસ માટે અહીં રાષ્ટ્રવાદી વિચારધારા ફાયદાકારક સાબિત થતી હતી.

જોકે, માર્શલ નેસામણી અને કામરાજના નિધન પછી હિંદુ નાદરોએ હિંદુ સંગઠનોની નજીક જવાનું શરૂ કરી દીધું.

અરુણ કુમાર જણાવે છે કે "આ બધાની વચ્ચે ભાજપ અહીં હિંદુ નાદરો ઉપરાંત બીજી જાતિઓને આકર્ષવાનો પ્રયાસ પણ કરતો હતો. ભાજપ પદ્મનાભપુરમમાં રહેતી એક ખાસ જાતિ કૃષ્ણાવગાઈને આકર્ષિત કરવામાં રસ લઈ રહ્યો હતો."

"ભાજપ બીજી જગ્યાઓ પર પણ આવી જાતિ આધારિત એકજૂથતા બનાવવા લાગ્યો. પરંતુ ભાજપના આવા પ્રયાસોને કન્યાકુમારી બહાર બીજા જિલ્લામાં એટલી સફળતા મળી ન હતી."

વીડિયો કૅપ્શન,

તામિલનાડુ : એ વિસ્તાર જ્યાં સિમેન્ટના કારખાનાં ભરખી ગયા લોકોનાં ઘર, ખેતર અને પાણી

મદુરાઈના એક સંશોધનકર્તાએ નામ જાહેર ન કરવાની શરતે કહ્યું કે, "બાહ્ય રીતે જોવામાં આવે તો ભાજપ એક ધાર્મિક પક્ષ લાગે છે, પરંતુ તે જાતિ પર વધારે ધ્યાન આપે છે."

તેઓ કહે છે, "ભાજપે આ જાતિઓના જન્મની કહાનીઓનો સહર્ષ સ્વીકાર કરી લીધો. ઉદાહરણ તરીકે દેવેન્દ્ર કૂલા વેલ્લાલુર લોકો પોતાને ઇન્દ્ર સાથે જોડે છે. ભાજપ અહીં ચૂંટણીના ચોપાનિયામાં નંદાનારની તસવીરનો ઉપયોગ કરે છે. આ ચોપાનિયાં એવા વિસ્તારોમાં વહેંચવામાં આવે છે જ્યાં તેમની પૂજા થાય છે. આ પ્રકારની પ્રવૃત્તિ ઓછી સંખ્યામાં પણ યોગ્ય લોકોનું ધ્યાન આકર્ષિત કરવામાં સફળ થશે."

દલિતો અંગે સંશોધન કરનારા રઘુપતિ જણાવે છે, "ભાજપ પહેલેથી આવું કરતો આવ્યો છે. અગાઉની લોકસભાની ચૂંટણી હોય કે આ વખતની વિધાનસભા ચૂંટણી. ભાજપની આ જ પદ્ધતિ છે. તે જાતિઓ અને પુરાણોમાં વણાયેલી વાર્તાઓને સ્વીકારે છે. તે પોતાની રાજકીય ગતિવિધિઓ પણ આ બિંદુથી શરૂ કરે છે."

પશ્ચિમી જિલ્લાઓમાં જાતિગત એકીકરણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

દક્ષિણી જિલ્લામાં નાદરો અને દેવેન્દ્ર કૂલા વેલ્લાલુર લોકોની સાથે મળીને કામ કર્યા બાદ ભાજપે પશ્ચિમી જિલ્લામાં પણ આવા જ જાતિગત આધાર પર એકીકરણ કરવાનો પ્રયાસ કર્યો છે.

દક્ષિણી જિલ્લામાં નાદરો અને દેવેન્દ્ર કૂલા વેલ્લાલુર લોકોની સાથે મળીને કામ કર્યા બાદ ભાજપે પશ્ચિમી જિલ્લામાં પણ આવા જ જાતિગત આધાર પર એકીકરણ કરવાનો પ્રયાસ કર્યો છે.

90ના દાયકામાં પણ પાર્ટીએ અરુણદતિયારો અને ગૌંડરોની સાથે પણ આમ જ કરવાનો પ્રયાસ કર્યો હતો.

ભાજપે જ્યારે પશ્ચિમી જિલ્લામાં કામ શરૂ કર્યું ત્યારે સૌથી પહેલાં સૌથી પછાત લોકોની સાથે આમ કર્યું હતું.

''1990ના દાયકાથી અગાઉ પશ્ચિમી જિલ્લાઓમાં ભાજપને એક ખાસ પીડિત જાતિ સાથે સાંકળીને જોવામાં આવતો હતો. 1991માં અર્જુન સંપથ અહીં પક્ષના જિલ્લા મહાસચિવ હતા. તેઓ પણ એક શોષિત જાતિના હતા. ત્યાર પછી 1993માં ભાજપે ગૌડર જાતિ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું.''

''આ એ સમય હતો જ્યારે દ્રવિડ મૂળના પક્ષથી નારાજ લોકો ભાજપ સાથે જોડાઈ રહ્યા હતા. ઉદ્યોગપતિ પોલ્લાચ્ચી મહાલિંગમ જેવા લોકોના સમર્થને તેમાં મદદ કરી. તેનું કારણ એ પણ હતું કે કોઇમ્બતૂરમાં મોટા ભાગની દુકાનોના માલિક મુસ્લિમ હતા. હિંદુવાદી સંગઠનો ગૌંડર સમુદાયને આ બહાને એકજૂથ કરતા હતા ત્યારે જ કોઇમ્બતૂરમાં એક વિસ્ફોટ થયો. ત્યાર પછી ત્યાં રમખાણો થયા અને ભાજપની સ્થિતિ સુધરી ગઈ.''

ભાજપની રણનીતિ

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન,

ભાજપને આજે પણ કન્યાકુમારીમાં ભરપૂર સમર્થન મળી રહ્યો છે.

"આવું શા માટે થાય છે? દ્રવિડ પક્ષો જાતિવિષયક મતભેદોને બહુ મહત્ત્વ નથી આપતા અને તેને ચાલુ રહેવા દે છે. આવામાં જે લઘુમતી સમૂહની દ્રવિડ પક્ષો દ્વારા ઉપેક્ષા કરવામાં આવી છે, તેઓ પોતાની અલગ ઓળખ અને સમર્થન ઇચ્છે છે. તેઓ આવી સ્થિતિમાં ભાજપ તરફ જાય છે."

"પશ્ચિમી જિલ્લાઓમાં કન્નડભાષી લોકોને એકજૂથ કરવા માટે ભાજપે વર્ષ 2014-16 દરમિયાન ઘણી નાની નાની બેઠકો કરી હતી. આ બેઠકોમાં પી એસ યેદિયુરપ્પા જેવા નેતાઓ પણ સામેલ થતા હતા. આ ઉપરાંત ભાજપ આ જાતિઓના પ્રશ્નોને ઉકેલવાનો પણ પ્રયાસ કરી રહ્યો છે."

અરુણ કુમાર કહે છે, "ભાજપે ડિનોટિફાઈડ ટ્રાઇબ (નામાંકિત જનજાતિ)ની કેટલીક જાતિઓને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાનું પણ વચન આપ્યું છે. હિંદુ સંગઠનોની કચેરીઓ પર આ અંગે ચર્ચા અને બેઠકો ચાલી રહી છે. આ જાતિઓને આ દરજ્જો મળી જશે તો તે ભાજપની વોટ બેન્ક બની શકે છે."

શું ભાજપ આ રીતે જાતિગત એકીકરણ કરતો રહેશે અને શું તેનો રાજકીય ફાયદો મળતો રહેશે?

વાસ્તવમાં દ્રવિડ પાર્ટીઓએ જાતિગત ભેદભાવને ટકી રહેવા દીધો છે અને ભાજપ આ વાતનો ફાયદો ઉઠાવી રહ્યો છે.

અરુણ કુમાર જણાવે છે, "આનો ફાયદો થશે કે નહીં તે આપણે ચોક્કસપણે ન કહી શકીએ. લોકો જ્યારે જાતિના આધારે સંગઠિત થશે ત્યારે હિંદુ ઓળખ મજબૂતીથી સ્થાપિત નહીં થઈ શકે. આ કારણથી જ ભાજપને કન્યાકુમારી અને કોઇમ્બતૂરમાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો. કોઇમ્બતૂરમાં તોફાનો પછી 1998 અને 1999માં ભાજપના સી. પી. રાધાકૃષ્ણનન અહીં જીત્યા હતા. પરંતુ જીતનો તે સિલસિલો ટક્યો નહીં. જાતિઓ વચ્ચે ઊંડા મતભેદ છે અને તેઓ હિંદુ ઓળખની સાથે સંગઠિત નથી થઈ શકતા"

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

મદુરાઈમાં પાર્ટી સૌરાષ્ટ્ર સમુદાયને પોતાની સાથે લેવાનો પ્રયત્ન કરી રહી છે

રઘુપતિ જણાવે છે, "ભાજપે ભલે દેવેન્દ્ર કૂલા વેલ્લાલૂરની ઓળખ સ્થાપિત કરવામાં ઘણી મહેનત કરી હોય, પરંતુ અત્યારે પક્ષને તેનો તાત્કાલિક ફાયદો નહીં મળે. કારણ કે સામાન્ય રીતે આ લોકો ડાબેરીઓના પ્રભાવમાં હોય છે.એવામાં તેનાથી ભાજપને વોટ મળશે તેમ લાગતું નથી.

"આવી પ્રવૃત્તિઓથી વોટ મળતા હોત તો પછી જોન પંડિયમ એગમોરથી શા માટે લડી રહ્યા છે? ભાજપની હિંદુવાદી વિચારધારા દેવેન્દ્ર કૂલા વેલ્લાલૂર અને નાદર સમુદાયની વિરુદ્ધ જ છે. મૂળ મુદ્દાને ઉકેલ્યા વગર આ રણનીતિ બહુ આગળ નહીં વધી શકે."

પરંતુ ભાજપને આજે પણ કન્યાકુમારીમાં ભરપૂર સમર્થન મળી રહ્યું છે.

2019ની લોકસભા ચૂંટણીમાં ભલે અહીં કૉંગ્રેસના ઉમેદવાર એચ વસંથકુમારે વિજય મેળવ્યો હોય, પરંતુ હજુ પણ અહીં એક વર્ગ ભાજપને સમર્થન આપે છે.

વીડિયો કૅપ્શન,

તામિલનાડુમાં જયલલિતા અને કરુણાનિધિ વિનાનું પૉલિટિક્સ કઈ રીતે અલગ છે?

ઉદાહરણ તરીકે ભાજપે જ્યારે હિંદુ વિદ્યાર્થીઓ માટે સ્ટાઇપેન્ડની માંગણી કરીને પ્રદર્શન યોજ્યું ત્યારે એક લાખથી વધુ લોકો એકઠાં થયાં હતાં.

કન્યાકુમારી અને પશ્ચિમી જિલ્લાઓમાં પણ ભાજપની આવી જ રણનીતિ છે જેમાં કોઇમ્બતૂર પણ સામેલ છે. તે એવા સમુદાયોને પોતાની સાથે લેવાનો પ્રયાસ કરે છે જેમની બીજા પક્ષો ઉપેક્ષા કરે છે.

ઉદાહરણ તરીકે મદુરાઈમાં પાર્ટી સૌરાષ્ટ્ર સમુદાયને પોતાની સાથે લેવાનો પ્રયત્ન કરી રહી છે. તેમનું સમર્થન કરીને ભાજપ એવી વોટબેન્ક બનાવવા માંગે છે જે લાંબા સમય સુધી તેની સાથે રહે.

પરંતુ આવી રણનીતિથી કોઇ મત મળશે કે નહીં તેનો આધાર માત્ર ભાજપની પ્રવૃત્તિઓ પર નહીં પરંતુ દ્રવિડ પક્ષો સહિતના બીજા પક્ષો કેવો પ્રતિભાવ આપે છે તેના પર પણ રહેશે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો