કોરોના વાઇરસ : શું ગુજરાતમાં યુવાનોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે?

  • જયદીપ વસંત
  • બીબીસી ગુજરાતી માટે
જાણકારોના કહેવા પ્રમાણે, યુવાનો મારફત કોરોનાનો વધુ મોટો પ્રસાર આગામી દિવસોમાં જોવા મળી શકે છે.

ઇમેજ સ્રોત, Naveen Sharma/SOPA Images/LightRocket via Getty Im

ઇમેજ કૅપ્શન,

જાણકારોના કહેવા પ્રમાણે, યુવાનો મારફત કોરોનાનો વધુ મોટો પ્રસાર આગામી દિવસોમાં જોવા મળી શકે છે.

ગુજરાતમાં લગભગ ત્રણ મહિનાના ગાળા બાદ કોરોનાના કેસોમાં ફરીથી ઉછાળો જોવા મળી રહ્યો છે. ગુરૂવારે જાહેર થયેલાં આંકડા મુજબ રાજ્યમાં કોરોનાના લગભગ 13 હજાર દરદીઓ સારવાર હેઠળ છે.

આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા લોકોના કહેવા પ્રમાણે, પહેલી લહેર દરમિયાન વૃદ્ધો તથા અન્ય બીમારી ધરાવનારી વ્યક્તિઓ કોરોનાની ઝપેટમાં આવી રહી હતી, જ્યારે બીજી લહેરમાં યુવા વધુ સપડાઈ રહ્યાં છે.

રાજકીયકાર્યક્રમો, ખેલકાર્યક્રમો તથા જાહેર મેળાવડાને કારણે આ ફેલાવો વધી રહ્યો હોવાનું માનવામાં આવે છે.

ગુજરાતમાં ચાર મહાનગરોમાં રાત્રે નવ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધીનો કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે.

જાણકારોના કહેવા પ્રમાણે, યુવાનો મારફત કોરોનાનો વધુ મોટો પ્રસાર આગામી દિવસોમાં જોવા મળી શકે છે.

આઉટડૉર ઍક્ટિવિટીમાં વધારો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

તાવ, ઉધરસ કે પેટસંબંધિત બીમારી ધરાવનારી વ્યક્તિએ વિશેષ સતર્કતા વર્તવી એવી ભલામણ નિષ્ણાતો દ્વારા કરવામાં આવે છે.

ગાંધીનગરસ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હૅલ્થના ડાયરેક્ટર ડૉ. દિલીપ માળવંકરના મતે : "તાજેતરમાં આઉટડૉર પ્રવૃત્તિઓ વધી છે. લોકો રેસ્ટોરાં, પૉલિટિકલ રેલીઓ, અને લગ્નો અને ભીડમાં ગયા, જેના કારણે તેમનામાં વધુ ફેલાયો હોઈ શકે છે."

"બહાર જનારા લોકોને કોરોના પહેલાં થાય, પરંતુ બીજા તબક્કામાં તેમના પરિવારના વૃદ્ધોમાં આગામી એક મહિનામાં તેની અસર જોવા મળી શકે છે. જે ગંભીર સ્થિતિ ઊભી થઈ શકે છે."

ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સના ડૉ. રણદીપ ગુલેરિયા લોકોને સાવચેત રહેવાની અને ઢીલાશ નહીં વર્તવાની સલાહ આપે છે. તેમના લૉકડાઉનની નહીં, પરંતુ લોકલ-લૉકડાઉનની જરૂર છે.

ડૉ. ગુલેરિયાના કહેવા પ્રમાણે, "રોગને ફેલાતો અટકાવવા માટે ટેસ્ટિંગ, ટ્રૅકિંગ અને ટ્રિટમૅન્ટ તથા માઇક્રૉ-કન્ટેઇન્મૅન્ટ ઝોનના અસરકારક અમલની જરૂર છે."

તાવ, ઉધરસ કે પેટસંબંધિત બીમારી ધરાવનારી વ્યક્તિએ વિશેષ સતર્કતા વર્તવી એવી ભલામણ નિષ્ણાતો દ્વારા કરવામાં આવે છે.

અમદાવાદમાં ઉછાળો કેમ આવ્યો?

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, "માર્ચ મહિનાની શરૂઆતમાં કૉર્પોરેશનના હદવિસ્તારમાં સરેરાશ 100થી ઓછા કેસ નોંધાતા હતા. એ પછી 24મી ફેબ્રુઆરીની ઇવેન્ટની અસર દેખાવા માંડી અને કેસોની સંખ્યામાં સરેરાશ 30 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો."

"ત્યારબાદ 12મી માર્ચથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ટી-20 મૅચો શરૂ થઈ, જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં અમદાવાદ જ નહીં, ગુજરાતભરમાંથી યુવાનો ઉમટી પડ્યા હતા."

"સ્ટેડિયમમાં સોશિયલ ડિસ્ટન્સિંગ તથા કોરોનાસંબંધિત ગાઇડલાઇન્સનું પાલન ન થતું હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. એટલે આ ખેલ મેળાવડા દરમિયાન મોટી સંખ્યામાં યુવાનો કોરોનાની ઝપેટમાં આવ્યા હોઈ શકે છે."

24 ફેબ્રુઆરીની ઇવેન્ટના સંદર્ભમાં તેમનો ઇશારો મોટેરા સ્ટેડિયમના નામકરણ તરફ હતો. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમને પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના નામ સાથે જોડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યભરથી સરકારી કર્મચારીઓ અને ભાજપના કાર્યકરો તથા નેતા જોડાયા હતા.

1 માર્ચે અમદાવાદ કૉર્પોરેશન હદવિસ્તારમાં કોરોનાના 96 કેસ નોંધાયા હતા, તા. 12મી માર્ચે 131 કેસ નોંધાયા હતા. તા. પહેલી એપ્રિલે આ આંકડો 613 ઉપર પહોંચી ગયો હતો.

અધિકારી સ્વીકારે છે કે તેમનું 'અવલોકન' છે અને આ વિશે કોઈ સત્તાવાર સરવે કે અભ્યાસ હાથ ધરવામાં નથી આવ્યો.

આ સિવાય ફેબ્રુઆરી મહિના દરમિયાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન રાજકીયપક્ષો દ્વારા કોવિડ-19 સંબંધિત માર્ગદર્શિકાઓનો ભંગ થયો હોવાની અનેક ઘટના સોશિયલ મીડિયા તથા પ્રસારમાધ્યમોમાં બહાર આવી હતી.

અમદાવાદમાં IIMનું ઉદાહરણ

અમદાવાદસ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમૅન્ટના કોવિડ-19 કેસો સંબંધિત માહિતી આપતા ડેશબોર્ડની વિગતો પ્રમાણે સપ્ટેમ્બર-20થી પહેલી એપ્રિલ દરમિયાન કૅમ્પસમાં 'છૂટાછવાયા' કેસ નોંધાયા હતા, પરંતુ 12મી માર્ચ પછી તેમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો.

આ કેસોનો સીધો સંબંધ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આયોજિત ટી-20 મૅચો સાથે જોવા મળ્યો હતો. કૅમ્પસના વિદ્યાર્થીઓ આ મૅચો જોવા માટે ગયા હતા. બાદમાં તે અન્ય વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો તથા કૅમ્પસમાં કામ કરતા બહારના લોકોમાં પણ જોવા મળ્યો હતો.

ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની પાંચ મૅચોની ટી-20 શ્રેણી આ સ્ટેડિયમમાં રમાઈ હતી. પ્રથમ મૅચ તા. 12મી માર્ચના યોજાઈ હતી. બીજી મૅચ તા. 14મી તથા ત્રીજી મૅચ તા. 16મી માર્ચના યોજાઈ હતી.

50 ટકા બેઠકક્ષમતા સાથે કોવિડ-19ને લગતી માર્ગદર્શિકાઓનું પાલન કરીને ગુજરાત ક્રિકેટ ઍસોસિયશને પ્રેક્ષકોને પ્રવેશ આપ્યો હતો. જેમાં મૅચોને નિહાળવા માટે સુરત, વડોદરા સહિત અન્ય શહેરોમાંથી ક્રિકેટરસિકો અમદાવાદ આવ્યા હતા.

સ્ટેડિયમમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થતું ન હોવાની વ્યાપક ફરિયાદ, વિપક્ષના વિરોધ અને બહાર આવેલાં કેસોનું સ્ટેડિયમ સાથેનું કનૅક્શન બહાર આવતાં જીસીએએ પીછેહઠ કરી હતી અને બાકીની બે મૅચ (તા.18મી માર્ચ અને 20મી માર્ચ) ખાલી સ્ટેડિયમમાં રમાડવાની તથા ટિકિટ લેનારને રિફંડ આપવાની જાહેરાત કરી હતી. ભારતે આ શ્રેણી 3-2થી જીતી હતી.

સંયમ, શિસ્ત અને સ્નાન

આરોગ્યક્ષેત્રના નિષ્ણાતો કોરોનાને ફેલાતો અટકાવવા માટે 'બૅક-ટુ-બૅઝિક્સ'ની ભલામણ કરે છે. સુરતની સરકારી હૉસ્પિટલમાં કોવિડ-19ના નૉડલ ઓફિસર ડૉ.નિમેષ વર્માના કહેવા પ્રમાણે :

"યુવાનો કામ સિવાય બિનજરૂરી રીતે હરવાફરવા માટે બહાર ન નીકળે તે ઇચ્છનીય છે. ઘણીવખત તેઓ અજાણતાં જ પરિવારનાં વૃદ્ધોને કોરોનો ચેપ આપીને તેમના જીવને જોખમમાં મૂકી દેતા હોય છે."

"યુવાનો બહાર જાય એટલે તેમણે કોરોનાસંબંધિત માર્ગદર્શિકાનું (સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવું અને સાબુ કે સૅનિટાઇઝરથી હાથને સાફ રાખવા) પાલન કરવું જોઈએ. યુવાનો બહારથી ઘરે આવે એટલે સાબુથી સ્નાન કરીને કપડાં બદલાવીને જ પરિવારના વડીલોને મળવું જોઈએ."

"અગાઉ આપણે ત્યાં બહારથી આવેલી વ્યક્તિ આંગણામાં હાથ-મોં ધોઈને જ ઘરમાં પ્રવેશે તેવી પ્રથા હતી, જેને આપણે ભૂલી ગયા હતા. જેને કોરોનાએ ફરી યાદ અપાવી છે."

અસિમ્પ્ટોમૅટિક યુવા દર્દીઓ દ્વારા વૃદ્ધોને ચેપ લાગી શકે છે, પરંતુ વૃદ્ધોની સરખામણીમાં યુવાનોમાં આ રોગનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું હોવાની વાતને નકારે છે.

ડૉ. માવળંકર આંકડાકીય દૃષ્ટિએ ચિંતાજનક સ્થિતિ ધરાવતા ગુજરાતના ચાર શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં તમામને રસી આપવાની અને બાદમાં બાદમાં રસીની પ્રાપ્યતાના આધારે અન્ય જિલ્લાઓમાં વ્યાપ વધારવાની હિમાયત કરે છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ફાઇઝરે જાહેરાત કરી તે પહેલાં મૉર્ડના અને ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાએ બાળકો પર વૅક્સિનની પરીક્ષણ કરવાની શરુઆત કરી નાખી છે.

ડૉ. દિલીપ માવળંકરના કહેવા પ્રમાણે, "ભારત ખૂબ જ વિશાળ અને વૈવિધ્યસભર દેશ છે. અહીં વૅક્સિનેશન માટે 'એક દેશ, એક નીતિ' ન ચાલી શકે. હાલમાં સરકાર દ્વારા વૅક્સિનનું ઉત્પાદન થાય તે મુજબ સમગ્ર દેશના તમામ જિલ્લામાં તેનું વિતરણ કરે છે."

"જ્યાં કેસોની મોટી સંખ્યામાં જોવા મળી રહ્યાં છે તેવા જિલ્લા અને જે વિસ્તારોમાં કોરોનાનો ઓછો ફેલાવો છે, ત્યાં સમાન પ્રમાણમાં ફાળવણી કરવામાં આવી રહી છે. આમ કરવાથી 'હર્ડ ઇમ્યૂનિટી' આવવામાં સમય લાગી જશે."

"આને બદલે કોરોનાના કેસની સંખ્યાની દૃષ્ટિએ જે 50 જિલ્લામાં સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ પ્રવર્તમાન છે, ત્યાં સૌ પહેલાં અબાલવૃદ્ધનું વ્યાપક રસીકરણ હાથ ધરવું જોઈએ. એ પછી ક્રમવાર રીતે જિલ્લાને આવરી લેવા જોઈએ. આ રીતે ઝડપથી હર્ડ ઇમ્યુનિટી આવશે."

ગુજરાત સરકારે પહેલી એપ્રિલથી તા. 45 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને કોરોનાવિરોધી રસી આપવાની કામગીરી હાથ ધરી છે. આ પહેલાં ફ્રન્ટલાઇન વર્કર્સ, 60 વર્ષથી વધુ ઉંમરનાં વૃદ્ધો તથા 45 વર્ષથી વધુ ઉંમર ધરાવતા બીમારોને (ડાયાબિટીશ, બ્લડપ્રેશર, ડિપ્રેશન વગેરે) આવરી લેવામાં આવ્યા હતા.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો