જાણો ગુજરાતમાં કોરોનાની કેવી સ્થિતિ છે અને સરકારે શું નવો નિર્ણય જાહેર કર્યો?- BBC TOP NEWS

મહિલા

ઇમેજ સ્રોત, RVIMAGES

ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારાનો સિલસિલો શનિવારે પણ જળવાયો હતો. ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર શનિવારે રાજ્યમાં કોરોનાના નવા 2815 કેસો નોંધાયા હતા.

નોંધનીય છે કે શુક્રવારની સરખામણીએ શનિવારે કોરોનાના લગભગ સાત ટકા વધુ કેસો સામે આવ્યા હતા.

ગુજરાતમાં સૌથી વધુ 687 કેસ સુરતમાં મળી આવ્યા હતા. ત્યાર બાદ બીજા ક્રમે 659 કેસો સાથે અમદાવાદ હતું. જ્યારે વડોદરા અને રાજકોટમાં અનુક્રમે 384 અને 277 નવા કેસો સામે આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસોને પગલે તાજેતરમાં જ રાજ્ય સરકારે પાંચમી એપ્રિલથી આગામી જાહેરાત સુધી ધોરણ એકથી નવમાં પ્રત્યક્ષ શાળાકીય શિક્ષણકાર્ય મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે.

Please wait while it's loading...

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરાયેલી માહિતી અનુસાર શનિવારની પરિસ્થિતિ પ્રમાણે ગુજરાતમાં હાલ 13,298 ઍક્ટિવ કેસો છે. જે પૈકી 161 દર્દીઓ વૅન્ટિલેટર પર હતા.

ગુજરાતમાં પ્રસરી રહેલા કોરોનાવાઇરસના પ્રકોપથી આમ અને ખાસ કોઈ સુરક્ષિત રહ્યું નથી તેવું કહેવામાં કોઈ અતિશયોક્ત ન કહી શકાય. કારણ કે શનિવારે સાંજે રાજ્યના ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાને કોરોનાવાઇરસનો ચેપ લાગ્યો હોવાની વાત સામે આવી હતી.

નોંધનીય છે કે આ અગાઉ સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણીઓ વખતે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી કોરોના પૉઝિટિવ મળી આવ્યા હતા. જોકે, સારવાર બાદ તેમને કોરોના વાઇરસને હરાવવામાં સફળ પણ રહ્યા હતા.

જાણો ગુજરાતમાં કોરોનાને લીધે ધોરણ 1થી 9ની શાળાઓ મામલે સરકારે શું નવો નિર્ણય કર્યો?

ઇમેજ સ્રોત, Getty Images

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ દરેક પસાર થતા દિવસની સાથે વણસતી જઈ રહી છે. ત્યારે રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં આગામી સૂચના ન અપાય ત્યાં સુધી આગામી સોમવાર એટલે કે પાંચ એપ્રિલથી ધોરણ એકથી નવનું પ્રત્યક્ષ શાળાકીય શિક્ષણકાર્ય મોકૂફ રાખવાની જાહેરાત કરી છે.

બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખે આ જાહેરાત અંગે પુષ્ટિ કરી હતી.

નોંધનીય છે કે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં સતત વકરી રહેલા કોરોનાના પ્રસારને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ જાહેરાત પ્રમાણે રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓએ આ સૂચનાની અમલવારી કરવાની રહેશે.પ્રાપ્ત સૂચના અનુસાર ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં આ નિર્ણય લીધો હોવાનું કહેવાઈ રહ્યું છે.

અહીં નોંધનીય છે કે ગુજરાતમાં પાછલા ઘણા દિવસોથી કોરોનાના નવા કેસોની સંખ્યા બાબતે નવા કીર્તિમાન સ્થપાતા જઈ રહ્યા છે.

તેમજ રાજ્યમાં પાછલા અમુક દિવસોમાં મોટી સંખ્યામાં શાળાનાં બાળકો કોરોના પૉઝિટિવ મળી આવ્યાં હોવાના સમાચારો જોવા મળ્યા છે. જે કારણે વાલીઓમાં ચિંતા પ્રસરી જવા પામી હતી.

રાજ્યમાં વકરી રહેલા કોરોનાની રોકથામ માટે ગુજરાતમાં અગાઉ રાજ્યનાં મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટની શાળા-કૉલેજોમાં દસ એપ્રિલ સુધી ઑફલાઇન શિક્ષણકાર્ય મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ હતી.

નોંધનીય છે કે અગાઉ ગુજરાતનાં મહાનગરોમાં રાત્રિના નવ વાગ્યાથી માંડીને સવારના છ વાગ્યા સુધી કર્ફ્યુ લાદવાની જાહેરાત કરાઈ હતી. જેમાં પાછળથી 15 એપ્રિલ સુધીનો વધારો કરી દેવાયો હતો.

ગુજરાત : ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા કોરોના પૉઝિટિવ

ઇમેજ સ્રોત, PRADIPSINH JADEJA@FB

ગુજરાત સરકારમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા કોરોના સંક્રમિત થયા છે. તેમણે ટ્વીટર પર જાહેરાત કરી કે તેઓ કોરોના સંક્રમિત થયા છે.

તેમણે ટ્વીટર પર લખ્યું, "મને કોરોનાનાં સામાન્ય લક્ષણો જણાતા ટેસ્ટ કરાવેલ જેનો રિપોર્ટ પૉઝિટિવ આવેલ છે. ડૉક્ટરોની સલાહ પર હું હૉસ્પિટલમાં દાખલ થઈ રહ્યો છું. મારી આપ સૌને આગ્રહભરી વિનંતી છે કે હાલમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકો પોતે સ્વસ્થ છે તેની કાળજી લે."

બાંગ્લાદેશમાં એક અઠવાડિયા માટે લૉકડાઉન લાગશે?

ઇમેજ સ્રોત, EPA

બાંગ્લાદેશમાં કોરોના સંક્રમણમાં ઉછાળો આવતા સરકાર દેશમાં એક અઠવાડિયાનું લૉકડાઉન લગાવવા જઈ રહી છે.

બાંગ્લાદેશ સરકારમાં રાજ્યમંત્રી ફરહાદ હુસૈને બીબીસીને કહ્યું કે એક અઠવાડિયાનું લૉકાઉન સોમવાર અથવા મંગળવારથી શરૂ થઈ શકે છે.

ફરહાદ હુસૈને કહ્યું કે લૉકડાઉનની ઔપચારિક જાહેરાત કરતી વખતે લોકોને તૈયારી કરવાનો સમય આપવામાં આવશે.

એક અન્ય મંત્રીના હવાલાથી બાંગ્લાદેશના સ્થાનિક મીડિયા કહી રહ્યું છે કે લૉકડાઉન સોમવારથી શરૂ થઈ રહ્યું છે.

ઇમેજ સ્રોત, Getty Images

બાંગ્લાદેશમાં આ વખતે લૉકડાઉન કેટલું કડક હશે અને કેવી રીતે લાગુ થશે, આ વિશે કોઈ માહિતી નથી.

જોતે, ફરહાદ હુસૈને કહ્યું કે આપાતકાલીન સેવાઓને આમાંથી મુક્ત રાખવામાં આવશે.

બાંગ્લાદેશમાં છેલ્લા એક અઠવાડિયાની અંદર કોરોનાના દરદીઓની સંખ્યા સખત વધી રહી છે.

અધિકારીઓ પ્રમાણે બાંગ્લાદેશમાં કોરોના સંક્રમણનો દર 20 ટકાથી વધારે થઈ ગયો છે.

કહેવામાં આવી રહ્યું છે કે શુક્રવારે લગભગ 30 હજાર સૅમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી 6,600 લોકો કોરોના સંક્રમિત મળ્યા.

ગત 24 કલાકમાં બાંગ્લાદેશમાં કોવિડ-19થી 50 લોકોનું મૃત્યુ થયું છે.

કોરોનાને કારણે ગત વર્ષે લગભગ ત્રણ મહિના સુધી બાંગ્લાદેશમાં લૉકડાઉન રહ્યું હતું, જેની શરૂઆત એપ્રિલ 2020માં થઈ હતી.

આસામમાં ભાજપના ઉમેદવારની ગાડીમાંથી EVM મળતા વિવાદ, ચાર અધિકારીઓ સસ્પેન્ડ

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન,

આ ઘટના બરાક ઘાટીના કરીમગંજના કાનીસેલ વિસ્તારની છે

આસામ વિધાનસભાની ચૂંટણીમાં ઈવીએમ મશીનને લઈને એક મોટો વિવાદ ઊભો થયો છે.

ગુવાહાટીથી બીબીસી હિન્દી માટે લખતા દિલીપકુમાર શર્માએ જણાવ્યું કે આસામ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ગુરુવારે મતદાન સમયે હિંસક ઘટનાઓ સામે આવી હતી. પણ 'ભાજપના ધારાસભ્યના ખાનગી વાહન'માં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન મળતા વિવાદ થયો છે.

ઈવીએમ મળતા ચૂંટણીપંચે ચાર મતદાન અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.

તેમજ રાતાબડી સીટના એક મતદાનકેન્દ્ર પર નવેસરથી મતદાન કરવાનો આદેશ આપ્યો છે.

આ ઘટના બરાક ઘાટીના કરીમગંજના કાનીસેલ વિસ્તારની છે. સ્થાનિક લોકોએ ગુરુવારે રાતે એક સફેદ બોલેરો કાર જોઈ, જેમાં કથિત રીતે ઈવીએમ મશીન હતું.

એક એપ્રિલે 39 સીટ પર મતદાન સમાપ્ત થયા બાદ સોશિયલ મીડિયામાં એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં એક પ્રાઇવેટ કારમાં ઈવીએમ લઈ જતા જોઈ શકાતું હતું.

આસામના વરિષ્ઠ પત્રકાર અતાનુ ભુયાંએ એક બ્રેકિંગ ટ્વીટ સાથે આ વીડિયો શૅર કરીને લખ્યું કે "પથારકાંદીમાં ભાજપના ઉમેદવાર કૃષ્ણેન્દુ પૉલની કારમાં ઈવીએમ મળતા સ્થિતિ તણાવપૂર્ણ છે."

આ મામલે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીએ પણ સવાલો ઉપસ્થિત કર્યા હતા.

ચૂંટણીપંચે આ ઘટના અંગે નિવેદન આપ્યું જેમાં ખરાબ હવામાનમાં ગાડી બગડી જતા અધિકારીઓએ ભૂલ કરી હોવાનું કહેવામાં આવ્યું છે.

કરીમગંજ જિલ્લામાં થયેલી ઈવીએમની ઘટના સંબંધે એક વિસ્તૃત રિપોર્ટમાં ચૂંટણીપંચે કહ્યું કે એક એપ્રિલે રાતે નવ વાગ્યાની આસપાસ પૉલિંગ પાર્ટીનું વાહન ખરાબ થઈ ગયું હતું.

તેઓએ કહ્યું, "જ્યારે સેક્ટર અધિકારી એક વૈકલ્પિક વાહનની વ્યવસ્થા કરતા હતા ત્યારે પૉલિંગ પાર્ટીએ સ્વયં એક વાહનની વ્યવસ્થા કરવાનો નિર્ણય કર્યો, જેથી તેઓ સામગ્રી પ્રાપ્ત કરનારા કેન્દ્ર સુધી ઝડપથી પહોંચી શકે, કેમ કે તેમની પાસે ઈવીએમ મશીનો હતા."

આ રિપોર્ટમાં કહેવાયું કે ત્યાં એક પાસિંગ વાહન ઊભું હતું, જેના માલિકની તપાસ કર્યા વિના અધિકારી તેમાં સવાર થઈ ગયા હતા.

દિલ્હીમાં કોરોનાના 3583 નવા કેસ

ઇમેજ સ્રોત, PTI

ઇમેજ કૅપ્શન,

અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં હાલમાં લૉકડાઉનની કોઈ જરૂર નથી

દેશમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે રાજધાની દિલ્હીમાં પણ કેસમાં ધરખમ વધારો થયો છે.

કેજરીવાલે કહ્યું કે "રાજધાની દિલ્હી કોરોના સંક્રમણની ચોથી લહેરનો સામનો કરી રહી છે."

તેઓએ કહ્યું કે "છેલ્લા કેટલાક સમયથી દિલ્હીમાં કોવિડ-19ના કેસમાં વધારો થયો છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 3583 નવા કેસની જાણકારી સામે આવી છે. કેસ વધતા આ ચોથી લહેર છે."

જોકે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે "દિલ્હીમાં હાલમાં લૉકડાઉનની કોઈ જરૂર નથી. જો જરૂર પડશે તો આ અંગે દિલ્હીના લોકોની સલાહ લઈને નિર્ણય કરાશે."

કેજરીવાલે જણાવ્યું કે તેમનું ધ્યાન રસીકરણ પર છે અને ગુરુવારે પણ 71 હજાર લોકોને રસી અપાઈ હતી.

ભાજપે હુમલો કર્યો- ખેડૂતનેતા રાકેશ ટિકૈતનો આરોપ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ખેડૂતનેતા રાકેશ ટિકૈતે આરોપ લગાવ્યો કે ભાજપના સમર્થકોએ તેમની પર હુમલો કર્યો છે

ખેડૂતનેતા રાકેશ ટિકૈતે આરોપ લગાવ્યો કે ભાજપના સમર્થકોએ તેમની પર હુમલો કર્યો છે.

ટિકૈત અનુસાર આ હુમલો રાજસ્થાનના અલવર જિલ્લામાં થયો છે. તેઓએ ટ્વીટ કરીને એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો.

ટિકૈતે જાણકારી આપી કે તેમના પર જિલ્લાના બાનસૂર રોડ પર હુમલો થયો છે.

રાકેશ ટિકૈત કૃષિકાયદા સામે ચાલી રહેલા આંદોલનનો મુખ્ય ચહેરો છે. તેઓ દેશના અલગઅલગ વિસ્તારમાં પંચાયતો કરી રહ્યા છે.

છેલ્લાં 2 વર્ષમાં નર્મદા કૅનાલ 100 વાર તૂટી- ગુજરાત સરકાર

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, કૉંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત દ્વારા પુછાયેલા સવાલના જવાબમાં ગુજરાત સરકારે કહ્યું કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં બે વર્ષમાં નર્મદા કૅનાલ 100 વાર તૂટી છે.

વર્ષ 2019થી 2020 દરમિયાન જિલ્લામાં કૅનાલ તૂટવાની ઘટનાઓમાં 43 ટકાનો વધારો થયો છે.

ગુજરાત સરકારે લેખિત જવાબમાં જણાવ્યું કે 2019માં નર્મદા કૅનાલ તૂટવાની 41 ઘટનાઓ બની હતી અને 2020માં કૅનાલ તૂટવાની 59 ઘટનાઓ બની હતી.

કૉંગ્રેસના ધારાસભ્ય ઋત્વિક મકવાણા દ્વારા નર્મદા નહેરના બાંધકામ અંગે પુછાયેલા સવાલના જવાબમાં સરકારે કહ્યું હતું કે 7,729 કિલોમીટર નહેરનું બાંધકામ હજુ બાકી છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો