રાકેશ ટિકૈતે કહ્યું 'દેશમાં ભાજપનું નહીં, કંપનીનું રાજ છે અને નરેન્દ્ર મોદી કંપનીના માણસ છે`

  • મેહુલ મકવાણા
  • બીબીસી સંવાદદાતા, ગાઝીપુર બૉર્ડરથી
રાકેશ ટિકૈત

ઇમેજ સ્રોત, SAKIB ALI/HINDUSTAN TIMES VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન,

રાકેશ ટિકૈત કૃષિકાયદા સામે ચાલતા આંદોલનનો મુખ્ય ચહેરો છે

દેશમાં કેન્દ્ર સરકારના નવા ત્રણ કૃષિકાયદાઓ સામે હજુ પણ ખેડૂતો દિલ્હીની સરહદો પર આંદોલન કરી રહ્યા છે અને ખેડૂતો તેમની માગ પર અડગ છે.

ખેડૂત આંદોલનના મુખ્ય ચહેરો એવા ખેડૂતનેતા રાકેશ ટિકૈત 4 અને 5 એપ્રિલે ગુજરાતની યાત્રાએ આવી રહ્યા છે.

રાકેશ ટિકૈત આવતી કાલે (4 એપ્રિલ) ગુજરાતના અંબાજીધામથી તેમની યાત્રા શરૂ કરવાના છે.

રાજેશ ટિકૈતે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે તેઓ ગુજરાતમાં આવીને 'ગુજરાતના ખેડૂતોને આઝાદ' કરશે.

ઉલ્લેખનીય છે કે દિલ્હીની સરહદે ચાલતાં આંદોલનમાં ભાગ લેવા માટે અગાઉ ગુજરાતથી પણ ખેડૂતો આવ્યા હતા અને એ ખેડૂતોનું કહેવું હતું કે તેમને સરકાર દ્વારા રોકવાની કોશિશ થઈ હતી, તો કેટલાક ખેડૂતોને ગુજરાતમાં જ રોકી દેવામાં આવ્યા હતા.

ખેડૂત આંદોલનને 100 દિવસથી વધુ સમય થઈ ગયો છે. કેન્દ્ર સરકાર કહે છે કે નવા કૃષિકાયદાઓ ખેડૂતોનાં હિતમાં છે, પણ ખેડૂતોને ભય છે કે આ કાયદાઓથી તેઓ પાયમાલ થઈ જશે. ખેડૂતો મોદી સરકારે પસાર કરેલા કાયદાઓને કાળા કાયદાઓ ગણાવે છે અને તેને પાછા લેવાની તથા પાકની એમએસપીને કાયદેસર કરવાની માગ કરે છે.

'દેશમાં કંપનીની સરકાર છે અને નરેન્દ્ર મોદી કંપનીના માણસ'

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન,

રાકેશ ટિકૈતનું કહેવું છે કે દેશમાં કંપનીની સરકાર છે અને નરેન્દ્ર મોદી કંપનીના માણસ છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ રાજ્યસભામાં એમએસપી પર કહ્યું હતું કે "એમએસપી પહેલાં પણ હતું, હાલ પણ છે અને આગળ પણ રહેશે. સસ્તી કિંમતે ગરીબોને રૅશન મળતું રહેશે. મંડીઓમાં આધુનિકીકરણ કરવામાં આવશે."

રાકેશ ટિકૈતનું કહેવું છે કે હાલમાં જે ચાલી રહેલી સરકાર ભાજપની નથી, પણ કંપનીની છે.

તેઓ કહે છે કે "દેશની 26 મોટી સંસ્થાઓ વેચાઈ રહી છે. એવું શું થયું કે તેને વેચવામાં આવી રહી છે."

વીડિયો કૅપ્શન,

રાકેશ ટિકૈતે કહ્યું, ‘ગુજરાત હજુ આઝાદ નથી, હું ગુજરાત આવીશ’

મોદીના વચન બાબતે ટિકૈત કહે છે કે, "કોઈ પાર્ટની દેશમાં સરકાર નથી, દેશમાં કંપનીની સરકાર છે અને કંપનીઓની સરકારને દેશમાંથી જવું પડશે."

"જે વિકાસના નામે, શિક્ષણના નામે, રોજગારના નામે સરકાર આવે એ પાર્ટીની સરકાર ચાલશે."

ઉલ્લેખનીય છે કે કંપની સરકાર શબ્દ ભારતમાં જ્યારે ઇસ્ટ ઇન્ડિયા કંપનીની આણ હતી ત્યારે તેના માટે અને એ પછી બહુધા બ્રિટિશ શાસનકાળ માટે વપરાતો રહ્યો છે.

રાકેશ ટિકૈતનો આરોપ છે કે, સત્તાધારી પાર્ટી ભાજપ નથી, પણ અદાણી-અંબાણી છે. તેમણે કહ્યું, "કોણે કહ્યું કે દેશમાં ભાજપની સરકાર છે? બધા કહે છે કે મોદીની સરકાર છે. આ ભાજપની સરકાર નથી, આ કંપનીની સરકાર છે અને નરેન્દ્ર મોદી કંપનીના માણસ છે."

'સંસદ બહેરી-મૂંગી છે સડક બોલશે'

ઇમેજ સ્રોત, BHARAT BHUSHAN/HINDUSTAN TIMES VIA GETTY IMAGES

રાકેશ ટિકૈત કહે છે કે "જ્યારે સંસદમાં અવાજ ન ઊઠે. સંસદ બહેરી અને મુંગી થઈ છે ત્યારે રસ્તા (જનઆંદોલન) પરનો અવાજ સંભળાય છે. સંસદ ભલે ન બોલે, પણ રસ્તો તો બોલશે."

એમએસપી પરના વચનને લઈને તેઓ કહે છે, "હવે જોઈએ કે કેટલી ખરીદી થઈ રહી છે." ઉલ્લેખનીય છે કે હાલ કાપણીની સિઝન છે અને ટિકૈતનો ઇશારો હાલ કેટલી ખરીદી મોદી સરકાર કયા ભાવે કરે છે તેના પર છે.

નરેન્દ્ર મોદી સરકારે ગમે ત્યાં વેચોની વાત કરી હતી તેને ટાંકીને તેઓ કહે છે કે, "અમે નવી મંડી શોધી લીધી છે."

"હવે પોલીસ સ્ટેશન, ડીએમ, ડીસીની ઑફિસ મંડી હશે, પાર્લામેન્ટ, વિધાનસભા મંડી હશે. વડા પ્રધાને કહ્યું કે મંડીની બહાર કોઈ પણ જગ્યાએ માલ વેચી શકો છો. તો ત્યાં કાઉન્ટર ખૂલી જશે. ખરીદી થશે."

રાકેશ ટિકૈત હાલમાં કૃષિકાયદાઓ સામે વિરોધ-આંદોલન ચલાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેઓ આવનારા સમયમાં અન્ય મુદ્દાઓને લઈને પણ આંદોલન ચલાવશે.

તેમના કહેવા અનુસાર, તેમની માગમાં કોઈ પરિવર્તન નહીં થાય અને આંદોલન જેટલું લાંબું ચાલશે એટલા મુદ્દાઓ વધતા જશે.

ગુજરાતના ખેડૂતો અંગે રાકેશ ટિકૈત શું બોલ્યા?

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES

ઇમેજ કૅપ્શન,

રાકેશ ટિકૈત આગામી સમયમાં ગુજરાત આવી રહ્યા છે

રાકેશ ટિકૈત હાલમાં દેશના અલગઅલગ ભાગોમાં પંચાયતો યોજી રહ્યા છે. રાજસ્થાન બાદ તેઓ ગુજરાતમાં આવી રહ્યા છે.

જોકે ગુજરાતમાં કૃષિકાયદાઓ સામે વિરોધનો સૂર ઓછો સંભળાઈ રહ્યો છે.

ગુજરાતના ખેડૂતોએ 'કિસાન સંઘર્ષ મંચ' તૈયાર કર્યો છે. વિવિધ ખેડૂત સંગઠનોએ એક મંચ પર આવીને આ પ્લૅટફૉર્મ લૉન્ચ કર્યું છે. સુરેન્દ્રનગરના મેરા ગામમાં તેની પહેલી બેઠક મળી હતી.

આ નવા સંગઠિત મંચના સભ્યોનું કહેવું છે કે "હવે રાજ્યમાં તેઓ ખેડૂતોને સંગઠિત કરશે અને નવા કૃષિકાયદાનો વિરોધ કરશે તથા સરકારની અવાજ દબાવવાની કોશિશોની સામે લડત ચલાવશે."

રાકેશ ટિકૈતે કહ્યું કે હું "ગુજરાતને આઝાદ કરવા" માટે જઈ રહ્યો છું. ત્યાંના ખેડૂતો, અધિકારીઓને આઝાદ કરવાના છે. ઘણા લોકો ગુજરાતમાં બંધનમાં છે.

પણ ગુજરાતમાં આંદોલનની ખાસ અસર નથી તો ગુજરાતના ખેડૂતો તેમને શું કામ સાથ આપશે એ સવાલના જવાબમાં તેઓ કહે છે, ગુજરાતના લોકો પણ તેમને સાથ આપશે. શું તેમને પાકની કિંમત નથી જોઈતી?

તેઓ આરોપ મૂકે છે કે છે, "ગુજરાતથી જે કોઈ લોકો આવે છે એ છુપાઈને અહીં (આંદોલનસ્થળે) આવે છે. જો તેઓ આવે તો તેમને જેલમાં બંધ કરવામાં આવે છે."

તો અગાઉ ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય મહાસચિવ યુદ્ધવીર સિંહ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. તેઓ પત્રકારપરિષદ યોજી રહ્યા હતા અને એ સમયે તેમની અટકાયત કરાઈ હતી.

પોલીસનું કહેવું હતું કે પત્રકારપરિષદ માટેની પરવાનગી નહોતી લેવાઈ.

ગુજરાતમાં વર્તમાન સમયમાં એમએસપીને લઈને ખાસ હલચલ નથી પણ રાકેશ ટિકૈતને લાગે છે કે તેઓ ત્યાં (ગુજરાત) જશે એટલે હલચલ મચી જશે, કેમ કે તેમને (ગુજરાતના ખેડૂતો) કોઈ કિંમત મળી નથી.

'જરૂર પડ્યે ખેડૂતો આંદોલનમાં આવી જશે'

ઇમેજ સ્રોત, REUTERS/ADNAN ABIDI

ઇમેજ કૅપ્શન,

રાકેશ ટિકૈત કહે છે કે પ્રેસ (મીડિયા)ને પણ આઝાદી અપાવાની છે, કૅમેરા અને કલમ પર બંદૂકનો પહેરો છે

કૃષિકાયદાના વિરોધમાં ચાલતા આંદોલન દરમિયાન એક કરતાં વધુ વાર ખેડૂતનેતા અને સરકારના પ્રતિનિધિઓ સાથે વાતચીત પણ થઈ ચૂકી છે, પણ આંદોલનનો હજુ કોઈ અંત આવ્યો નથી.

રાકેશ ટિકૈત કહે છે કે આ દેશમાં જેટલી પણ યાત્રાઓ થઈ છે, એને પુનર્જીવિત કરવાની છે.

"મહાત્મા ગાંધીની દાંડીયાત્રા થઈ હતી, તો એ યાત્રા પણ કરીશું. મંદિરમાં પણ જશું, શું અમને કોઈ હક નથી. શું ભાજપવાળાના મંદિરમાં કોઈ ટૅન્ડર ચાલે છે? શું સુપ્રીમ કોર્ટમાંથી તેમણે કોઈ આદેશ મેળવી લીધો છે કે મંદિરમાં તેમના સિવાય કોઈ અન્ય નહીં જાય."

તેઓ કહે છે, "પ્રેસ (મીડિયા)ને પણ આઝાદી અપાવવાની છે, તેઓ પણ કેદમાં છે. કૅમેરા અને કલમ પર બંદૂકનો પહેરો (વોચ) છે."

વીડિયો કૅપ્શન,

વડા પ્રધાન મોદી ખેડૂત આંદોલન વિશે બોલતી વખતે કૉંગ્રેસ નેતા પર ગુસ્સે કેમ થયા?

"આગામી સમયમાં પ્રેસમુક્તિ અભિયાન ચાલશે, કિસાનમુક્તિ અભિયાન ચાલશે, નેતામુક્તિ અભિયાન ચાલશે, વૃક્ષમુક્તિ અભિયાન ચાલશે."

બીબીસીએ જ્યારે ગાઝીપુર સરહદની મુલાકાત લીધી તો લોકોની સંખ્યા પાંખી હતી. અહીં ખેડૂતો કેમ નથી દેખાતા એ સવાલના જવાબમાં તેઓ કહે છે કે, "જ્યારે સરકાર અહીં નથી તો ખેડૂતો પણ તેમનાં ખેતરમાં કામ કરી રહ્યા છે. ક્લાઇમેન્ટ ઝોનના હિસાબે હાલમાં પાકની કાપણી ચાલી રહી છે, ખેડૂતો આવી રહ્યા છે."

રાકેશ ટિકૈતનું કહેવું છે કે, અઢી કલાકના કૉલ પર ખેડૂતો હાજર છે, જ્યારે જરૂર પડશે ત્યારે તમામ ખેડૂતો અહીં આવી જશે.

રાકેશ ટિકૈતે અગાઉ સંસદ ઘેરવામાં આવશે એવી વાત પણ કરી હતી જેને અન્ય ખેડૂત નેતાઓએ પ્રસ્તાવ ગણાવ્યો હતો અને આ અંગે આખરી નિર્ણય લેવાયો નથી એમ કહ્યું હતું. આ અંગે રાકેશ ટિકૈતનું કહેવું છે કે સંસદને ઘેરવા અંગે એક મહિનામાં નિર્ણય લેવાશે.

રાકેશ ટિકૈનો ગુજરાત કાર્યક્રમ શું છે?

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન,

લોકોને સંબોધતા રાકેશ ટિકૈતની પ્રતીકાત્મક તસવીર

ખેડૂતનેતા રાકેશ ટિકૈત બે દિવસ ચાર અને પાંચ એપ્રિલે ગુજરાત આવવાના છે. તેઓ અંબાજી મંદિરે દર્શન કરીને તેમની યાત્રાનો પ્રારંભ કરશે.

અંબાજીમાં કિસાન અભિવાદન કાર્યક્રમમાં હાજરી આપશે અને બાદમાં પાલનપુરમાં ખેડૂતો સાથે સંવાદ કરશે.

બાદમાં રાકેશ ટિકૈત ઊંઝામાં ઉમિયા મંદિરમાં પણ દર્શન કરવા જશે.

બીજા દિવસે તેઓ અમદાવાદના ગાંધીઆશ્રમમાં પહોંચશે, તેમજ કરમસદમાં સરદાર નિવાસસ્થાનની પણ મુલાકાત લેશે.

બાદમાં રાકેશ ટિકૈત વડોદરામાં ગુરુદ્વારાનાં દર્શન જશે અને બપોરે બારડોલીમાં સ્વરાજ આશ્રમ ખાતે ખેડૂતો સાથે સંવાદ કરશે.

રાકેશ ટિકૈતના આ કાર્યક્રમને ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાએ રીટ્વીટ કર્યું હતું.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો