Jijabai જયંતી 2021 : છત્રપતિ શિવાજી ઔરંગઝેબની કેદમાંથી ભાગીને માતા જિજાબાઈ પાસે કેવી રીતે પહોંચ્યા?

  • રેહાન ફઝલ
  • બીબીસી સંવાદદાતા
છત્રપતિ શિવાજી મહારાજ

ઇમેજ સ્રોત, RANJIT DESAI

ઇમેજ કૅપ્શન,

છત્રપતિ શિવાજી મહારાજ

દક્ષિણમાં ઔરંગઝેબના વાઇસરોય મિર્ઝા રાજા સિંહે બીડું ઝડ્પ્યું કે તેઓ ગમે તેમ કરીને શિવાજીને ઔરંગઝેબના દરબારમાં મોકલવા માટે મનાવી લેશે, પરંતુ તેને અંજામ આપવાનું એટલું સરળ ન હતું.

પુરંદરની સમજૂતીમાં શિવાજીએ સ્પષ્ટ જણાવી દીધું હતું કે તેઓ મુઘલ મનસબદાર મુજબ કામ કરવા અને શાહી દરબારમાં જવા માટે બંધાયેલા નથી. તેનાં કેટલાંક ખાસ કારણો પણ હતાં.

શિવાજીને ઔરંગઝેબના શબ્દો પર જરાય ભરોસો ન હતો. તેઓ માનતા હતા કે ઔરંગઝેબ પોતાના હેતુ સાધવા માટે કોઈ પણ હદે જઈ શકે છે.

વિખ્યાત ઇતિહાસકાર જદુનાથ સરકાર પોતાના પુસ્તક "શિવાજી ઍન્ડ હિઝ ટાઇમ્સ"માં લખે છે, "જય સિંહે શિવાજીને એવી આશા અપાવી કે શક્ય છે કે ઔરંગઝેબ સાથે મુલાકાત બાદ તેઓ તેમને દખ્ખણમાં પોતાના વાઇસરોય બનાવી દે અને બીજાપુર અને ગૌલકુંડાપર કબ્જો મેળવવા માટે તેમના નેતૃત્વમાં એક સેના મોકલે. જોકે, ઔરંગઝેબે આ અંગે કોઈ વચન આપ્યું ન હતું."

ઔરંગઝેબનો શિવાજીને પત્ર

ઇમેજ સ્રોત, PENGUIN BOOKS

ઇમેજ કૅપ્શન,

શિવાજી પોતાના માતા જીજાબાઈને રાજ્યનાં સંરક્ષક બનાવીને 5 માર્ચ, 1666ના રોજ ઔરંગઝેબને મળવા માટે આગ્રા જવા રવાના થયા. તસવીરમાં ઔરંગઝેબ.

શિવાજી મનોમન એવી આશા પણ રાખતા કે ઔરંગઝેબ સાથે તેમની મુલાકાત બાદ તેમને બીજાપુરમાંથી વેરો વસૂલવાની શાહી મંજૂરી પણ મળી જશે.

મરાઠા દરબારમાં જ્યારે આ વિષય પર ચર્ચા થઈ, તો એવું નક્કી કરવામાં આવ્યું કે શિવાજીએ ઔરંગઝેબને મળવા માટે આગ્રા જવું જોઈએ.

શિવાજી પોતાનાં માતા જિજાબાઈને રાજ્યનાં સંરક્ષક બનાવીને 5 માર્ચ, 1666ના રોજ ઔરંગઝેબને મળવા માટે આગ્રા જવા રવાના થયા. જય સિંહે આગ્રામાં હાજર પોતાના પુત્ર કુમાર રામસિંહને શિવાજીની સુરક્ષાની જવાબદારી સોંપી હતી.

આગ્રાના પ્રવાસ દરમિયાન જે ખર્ચ આવે તે માટે ઔરંગઝેબે એક લાખ રૂપિયાની પેશગી મોકલવાની વ્યવસ્થા કરી હતી. રસ્તામાં શિવાજીને ઔરંગઝેબનો એક પત્ર મળ્યો.

જાણીતા ઇતિહાસકાર એસ. એમ. પગાડી પોતાના પુસ્તક 'છત્રપતિ શિવાજી'માં લખે છે, "પત્રનો સાર એવો હતો કે તમે અહીં કોઈ પણ પ્રકારના ભય કે સંકોચ વગર પધારો. પોતાના મનમાં કોઈ ચિંતા ન રાખો."

"મને મળ્યા પછી તમારું શાહી સન્માન કરવામાં આવશે અને પોતાના ઘરે પરત જવા દેવામાં આવશે. આપની સેવામાં એક ખિલત (શાહી પોશાક) પણ મોકલાવી રહ્યો છું."

શિવાજીની ત્રણ સલામ સામે ઔરંગઝેબનો તોછડો વ્યવહાર

ઇમેજ સ્રોત, RANJIT DESAI

ઇમેજ કૅપ્શન,

12 મેના દિવસે તેમની ઔરંગઝેબ સાથે મુલાકાત કરાવાશે એવું નક્કી થયું. દરબારમાં ઊંચા અવાજે જેવી નામની ઘોષણા કરવામાં આવી "શિવાજી રાજા", તે સાથે જ કુમાર રામસિંહે શિવાજી, તેમના પુત્ર સંભાજી અને 10 સાથીદારોને દીવાન-એ-આમમાં ઔરંગઝેબની સામે ઉપસ્થિત કર્યા. તસવીર, શિવાજી ઍન્ડ હિસ ટાઇમ્સ પુસ્તકનું કવર પેજ.

9 મે, 1666ના રોજ શિવાજી આગ્રા શહેરની બહારના વિસ્તારમાં પહોંચી ગયા હતા, જ્યાં તે સમયે ઔરંગઝેબનો દરબાર જામ્યો હતો.

12 મેના દિવસે તેમની ઔરંગઝેબ સાથે મુલાકાત કરાવાશે એવું નક્કી થયું. દરબારમાં ઊંચા અવાજે જેવી નામની ઘોષણા કરવામાં આવી "શિવાજી રાજા", તે સાથે જ કુમાર રામસિંહે શિવાજી, તેમના પુત્ર સંભાજી અને 10 સાથીદારોને દીવાન-એ-આમમાં ઔરંગઝેબની સામે ઉપસ્થિત કર્યા.

મરાઠા પ્રમુખ તરફથી ઔરંગઝેબને સોનાની 2000 મહોર "નજરાણા" તરીકે અને 6000 રૂપિયા "નિસાર" તરીકે રજૂ કરવામાં આવ્યાં. શિવાજી ઔરંગઝેબના સિંહાસન પાસે ગયા અને તેમને ત્રણ વખત સલામ કરી.

એક ક્ષણ માટે દરબારમાં સન્નાટો છવાઈ ગયો. ઔરંગઝેબે માથું હલાવીને શિવાજીએ આપેલી ભેટસોગાદ સ્વીકારી. ત્યાર પછી બાદશાહે પોતાના એક સહાયકના કાનમાં કંઈક કહ્યું. તેઓ તેમને એ જગ્યાએ લઈ ગયા જે ત્રીજા સ્તરના મનસબદારો માટે નિર્ધારિત હતી.

દરબારનું કામકાજ નિયમિત રીતે ચાલવા લાગ્યું. શિવાજીને આશા ન હતી કે તેમની સાથે આવો તોછડો વ્યવહાર કરવામાં આવશે.

...અને શિવાજીનો ગુસ્સો ભડક્યો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

શિવાજીનું પૂતળું

જદુનાથ સરકાર લખે છે કે ઔરંગઝેબે આગ્રા બહાર તેમનું સ્વાગત કરવા માટે રામસિંહ અને મુખલિસ ખાન જેવા મામૂલી અધિકારીઓને મોકલ્યા તે શિવાજીને બિલકુલ ન ગમ્યું.

દરબારમાં માથું નમાવ્યું છતાં શિવાજીને ન તો બિરદાવવામાં આવ્યા કે ન તેમને કોઈ ઉપહાર આપવામાં આવ્યા, તેમને સામાન્ય મનસબદારોની વચ્ચે અનેક હરોળની પાછળ ઊભા રાખવામાં આવ્યા, જ્યાંથી તેઓ ઔરંગઝેબને જોઈ પણ શકતા ન હતા.

ત્યાં સુધીમાં શિવાજીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. તેમણે રામસિંહને પૂછ્યું કે તેમને કોની વચ્ચે ઊભા રાખવામાં આવ્યા છે?

રામસિંહે જ્યારે તેમને જણાવ્યું કે તેઓ પાંચ હજારી મનસબદારોની વચ્ચે ઊભા છે ત્યારે શિવાજીએ ત્રાડ પાડી, ''મારો સાત વર્ષનો પુત્ર અને મારા નોકર નેતાજી પણ પાંચ હજારી છે. બાદશાહની આટલી સેવા કરી અને આટલે દૂર આગ્રા આવ્યો છતાં મને આવા વ્યવહારને લાયક ગણવામાં આવ્યો?''

પછી શિવાજીએ પૂછ્યું, "મારી આગળ કોણ મહાનુભવ ઊભા છે?"

રામસિંહે જ્યારે જણાવ્યું કે તેઓ રાજા રાય સિંહ સિસોદિયા છે, ત્યારે શિવાજી બૂમ પાડીને બોલ્યા, "રાય સિંહ રાજા જય સિંહને આધિન છે. શું મને તેમની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે?"

'જંગલનો સિંહ ગરમીના કારણે બેકાબૂ થઈ ગયો છે'

ઇમેજ સ્રોત, PENGUIN BOOKS

ઇમેજ કૅપ્શન,

ઔરંગઝેબે કહ્યું કે શિવાજીને બાજુના ખંડમાં લઈ જઈને તેમના પર ગુલાબજળનો છંટકાવ કરવામાં આવે. તેઓ બરાબર થઈ જાય ત્યારે દરબાર સમાપ્ત થાય તેની રાહ જોયા વગર તેમને સીધા તેમના નિવાસસ્થાને પહોંચાડી દેવામાં આવે.

ઔરંગઝેબના શરૂઆતનાં 10 વર્ષના શાસન અંગે લખાયેલા પુસ્તક "આલમગીરનામા"માં મોહમ્મદ કાઝિમ લખે છે, "પોતાના અપમાનથી નારાજ થઈને શિવાજી રામસિંહ સાથે ઊંચા સ્વરે વાત કરવા લાગ્યા. દરબારના કાયદા-કાનૂનનું પાલન ન થવાથી પરેશાન રામસિંહે શિવાજીને ચૂપ કરાવવાની ઘણી કોશિશ કરી પરંતુ શિવાજી શાંત ન થયા."

થોડો સમય ઊભા રહ્યા પછી શિવાજી કક્ષમાંથી બહાર નીકળીને એક ખૂણામાં બેસી ગયા.

શિવાજીનો ઊંચો સ્વર સાંભળીને ઔરંગઝેબે પૂછ્યું કે આ ઘોંઘાટ શેનો છે? રામસિંહે કૂટનીતિક જવાબ આપ્યો, ''સિંહ જંગલનું પ્રાણી છે. તે અહીંની ગરમી સહન કરી શકતો નથી અને બીમાર પડી ગયો છે.''

તેમણે ઔરંગઝેબની માફી માગતા કહ્યું કે દખ્ખણથી આવેલા આ મહાનુભવને શાહી દરબારના કાયદા-કાનૂનની જાણકારી નથી.

આ અંગે ઔરંગઝેબે કહ્યું કે શિવાજીને બાજુના ખંડમાં લઈ જઈને તેમના પર ગુલાબજળનો છંટકાવ કરવામાં આવે. તેઓ બરાબર થઈ જાય ત્યારે દરબાર સમાપ્ત થાય તેની રાહ જોયા વગર તેમને સીધા તેમના નિવાસસ્થાને પહોંચાડી દેવામાં આવે.

વીડિયો કૅપ્શન,

કચ્છ : એ મહિલા સરપંચ જેમણે ગટરના પાણીથી 60 હજાર વૃક્ષો વાવવાનું અભિયાન આદર્યું

શિવાજીનું નિવાસસ્થાન મુગલ સૈનિકોએ ઘેરી લીધું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

શિવાજી

રામસિંહને હુકમ કરવામાં આવ્યો કે તેઓ શિવાજીને આગ્રા શહેરની દીવાલોની બહાર જયપુર સરાયમાં ઉતારો આપે.

શિવાજી જેવા જયપુર નિવાસ પહોંચ્યા કે ઘોડેસવારોની એક ટુકડીએ નિવાસને ચારે બાજુથી ઘેરી લીધું. થોડી જ વારમાં પગપાળા સૈનિકો પણ ત્યાં પહોંચી ગયા. તેમણે પોતાની તોપનું મોઢું ભવનના દરેક દરવાજા સામે તાક્યું.

કેટલાક દિવસો વીતી ગયા અને સૈનિકો ચૂપચાપ શિવાજી પર નજર રાખતા રહ્યા, ત્યારે એ સ્પષ્ટ થઈ ગયું કે ઔરંગઝેબનો ઇરાદો શિવાજીને મારી નાખવાનો ન હતો.

ડેનિસ કિંકેડ પોતાના પુસ્તક "શિવાજી ધ ગ્રેટ રૅબલ"માં લખે છે, ''શિવાજીને તેઓ જ્યાં રોકાયા હતા, તે ભવન છોડવાની છૂટ ન હતી. છતાં ઔરંગઝેબ તેમને ક્યારેક વિનમ્ર સંદેશ મોકલતા રહ્યા."

તેમણે તેમના માટે ફળોના કરંડિયા પણ મોકલાવ્યા. શિવાજીએ પ્રધાન વજીર ઉમદાઉલ મુલ્કને સંદેશ મોકલાવ્યો કે બાદશાહે તેમને સલામત પાછા જવા દેવાનું વચન આપ્યું હતું. છતાં આ સંદેશની કોઈ અસર ન થઈ.

ધીમે-ધીમે શિવાજીને સમજાઈ ગયું કે ઔરંગઝેબ તેમને ઉશ્કેરવા માગે છે જેથી તેઓ એવું કંઈક કરી બેસે જેથી ઔરંગઝેબને તેમને મારવાનું બહાનું મળી જાય.

શિવાજીના વ્યવહારમાં અચાનક ફેરફાર

ઇમેજ સ્રોત, DE AGOSTINI PICTURE LIBRARY/Getty Images

ઇમેજ કૅપ્શન,

શિવાજી

ચોકીદારી કરતા સૈનિકોને અચાનક લાગ્યું કે શિવાજીનો વ્યવહાર બદલાઈ ગયો છે. તેઓ ખુશ દેખાતા હતા.

તેઓ તેમની સુરક્ષા કરતા સૈનિકો સાથે હસીને વાત કરતા હતા. તેમણે સૈન્ય અધિકારીઓને ઘણી ભેટ મોકલી. તેમણે એમ પણ કહ્યું કે તેમને આગ્રાની આબોહવા માફક આવી ગઈ છે.

શિવાજીએ એમ પણ કહ્યું કે બાદશાહે તેમની માટે ફળ અને મીઠાઈઓ મોકલાવ્યાં તે બદલ તેઓ તેમના આભારી છે. શાસન સંભાળવાની કડાકૂટથી દૂર આગ્રા જેવા સુસભ્ય શહેરમાં રહેવાની તેમને બહુ મજા આવે છે.

આ દરમિયાન ઔરંગઝેબના જાસૂસો તેમના પર સતત નજર રાખતા હતા. તેમણે બાદશાહને એવી ખબર પણ પહોંચાડી કે શિવાજી બહુ સંતુષ્ટ જણાય છે.

ડેનિસ કિંકેડ લખે છે, "ઔરંગઝેબને આશ્વસ્ત કરવા માટે શિવાજીએ તેમને સંદેશ મોકલાવીને એમ પણ પૂછ્યું કે શું તેમના પત્ની અને માતા તેમની પાસે આવીને રહી શકે છે?"

"ઔરંગઝેબ આ માટે રાજી થઈ ગયા. તેમણે વિચાર્યું કે કોઈ વ્યક્તિ પોતાના ઘરની મહિલાઓને બંધક તરીકે રાખીને નાસી છૂટવાનો વિચાર ક્યારેય નહીં કરે. એ વાત સાચી કે શાહી મંજૂરી મળવા છતાં શિવાજીના પરિવારની મહિલાઓ તેમની પાસે પહોંચી ન હતી.''

તેના માટે એવું કારણ આપવામાં આવ્યું કે કદાચ તે વિસ્તારમાં ભારે વરસાદના કારણે તેઓ આટલો લાંબો પ્રવાસ નથી કરી શકતા.

કેટલાક દિવસો પછી શિવાજીએ દરખાસ્ત કરી કે તેઓ તેમની સાથે આવેલા મરાઠા ઘોડેસવારોને પાછા મોકલી દેવા માંગે છે. બાદશાહ સ્વયં આ સૈનિકોથી પીછો છોડાવવા માગતા હતા. શિવાજીએ સામેથી આ ઇચ્છા પ્રગટ કરી તેથી તેઓ ખુશ થઈ ગયા.

ફળોની ટોકરીમાં સંતાઈને શિવાજી નાસી છૂટ્યા?

ઇમેજ સ્રોત, Getty Images

શિવાજીએ પોતે બીમાર હોવાનો દેખાવ કર્યો. મુગલ પહેરેદારોને તેમનો કણસવાનો અવાજ સંભળાતો હતો. પોતાને સાજા કરવાના પ્રયાસમાં તેઓ પોતાના નિવાસસ્થાનની બહાર બ્રાહ્મણો અને સાધુઓને દરરોજ સાંજે મીઠાઈઓ અને ફળ મોકલવા લાગ્યા.

બહાર તહેનાત સૈનિકોએ થોડા દિવસ તો બહાર જતા સામાનની ચકાસણી કરી, પરંતુ પછી તેમણે તેના પ્રત્યે ધ્યાન આપવાનું બંધ કર્યું.

જદુનાથ સરકાર પોતાના પુસ્તકમાં લખે છે, "19 ઓગસ્ટ, 1666ના દિવસે શિવાજીએ બહાર ચોકીદારી કરતા સૈનિકોને સંદેશ મોકલ્યો કે તેઓ બહુ બીમાર છે અને પથારી પર સૂતા છે. તેમના આરામમાં કોઈ વિક્ષેપ કરવામાં ન આવે અને કોઈને અંદર મોકલવામાં ન આવે."

બીજી તરફ શિવાજીના સાવકા ભાઈ હીરોજી ફરઝાંદનો ચહેરો શિવાજીને મળતો આવતો હતો અને તેઓ તેમનાં કપડાં અને મોતીઓનો હાર પહેરીને તેમના પલંગ પર સૂઈ ગયા.

તેમણે ધાબળો ઓઢીને પોતાનું શરીર ઢાંકી લીધું. તેમનો માત્ર એક હાથ બહાર દેખાતો હતો જેમાં તેમણે શિવાજીના સોનાનાં કડાં પહેર્યાં હતાં.

શિવાજી અને તેમના પુત્ર સંભાજી ફળોની એક ટોકરીમાં બેઠા. મજૂરો આ ટોકરીને વાંસના ટેકે ખભા પર ઉઠાવીને ભવનની બહાર લઈ ગયા. નજર રાખી રહેલા સૈનિકોને આ ટોકરીઓની તલાશી લેવાની જરૂરિયાત ન જણાઈ.

આ ટોકરીઓને શહેરના એકાંતવાળા વિસ્તારમાં લઈ જવામાં આવી. ત્યાંથી મજૂરોને પાછા મોકલી દેવામાં આવ્યા. શિવાજી અને તેમના પુત્ર ટોકરીઓમાંથી નીકળીને આગ્રાથી છ માઇલ દૂર એક ગામમાં પહોંચ્યા જ્યાં તેમના મુખ્ય ન્યાયાધીશ નીરજી રાવજી તેમની રાહ જોઈ રહ્યા હતા.

ઔરંગઝેબ ગભરાઈ ગયા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

શિવાજી નાસી છૂટ્યા છે એ સાંભળતા જ ઔરંગઝેબ સ્તબ્ધ થઈ ગયા. તેમણે બંને હાથોથી પોતાનું માથું પકડી લીધું અને ઘણા સમય સુધી આવી જ સ્થિતિમાં બેઠા રહ્યા.

એસ. એમ. પગાડી પોતાના પુસ્તક છત્રપતિ શિવાજીમાં લખે છે, "શિવાજી ટોકરીમાં બેસીને જ ભાગી છૂટ્યા હશે તેવું માનીને ન ચાલવું જોઈએ. તેઓ એવા પ્રકારની વ્યક્તિ ન હતા કે ટોકરીમાં બેસીને સંપૂર્ણ રીતે અસહાય બની જાય. શિવાજીના નવ વર્ષના પુત્ર સંભાજી જરૂર ટોકરીમાં બેઠા હશે, પરંતુ શિવાજી મજૂરના વેશમાં જાતે ટોકરી ઉઠાવીને બહાર આવ્યા હશે."

આ દરમિયાન હીરોજી આખી રાત અને બીજા દિવસે બપોર સુધી પલંગ પર સૂતા રહ્યા. સૈનિકોએ જ્યારે શિવાજીના ખંડમાં જોયું તો તેઓ એ જોઈને આશ્વસ્ત થયા કે પથારી પર સુતેલી વ્યક્તિના હાથમાં શિવાજીના સોનાના કડા દેખાતા હતા અને જમીન પર બેસેલી એક વ્યક્તિ તેમના પગની માલિશ કરતી હતી.

લગભગ ત્રણ વાગ્યે હીરોજી ચૂપચાપ એક નોકર સાથે ઘરમાંથી બહાર નીકળી ગયા. જતા-જતા તેમણે પહેરેદારોને સૂચના આપી કે તેઓ કોઈ ઘોંઘાટ ન કરે કારણ કે શિવાજી બીમાર છે અને તેમની સારવાર ચાલી રહી છે.

થોડા સમય પછી જ્યારે શિવાજીના ખંડમાંથી કોઈ અવાજ ન આવ્યો ત્યારે સૈનિકોને શંકા ગઈ. તેમણે અંદર જઈને જોયું તો શિવાજીના પલંગ પર કોઈ ન હતું.

તેમણે આ માહિતી પોતાના પ્રમુખ ફલાદ ખાનને આપી. ફલાદ ખાનના હોશકોશ ઊડી ગયા અને તેઓ સીધા ઔરંગઝેબની સામે પહોંચીને પડી ગયા.

તેમના મોઢામાંથી એટલું જ નીકળ્યું, ''જાદુ..જાદુ. શિવાજી ગાયબ થઈ ગયા છે. મને સમજાતું નથી કે તેઓ હવામાં ગુમ થઈ ગયા કે જમીન ગળી ગઈ.''

આ સાંભળતા જ ઔરંગઝેબ સ્તબ્ધ થઈ ગયા. તેમણે બંને હાથોથી પોતાનું માથું પકડી લીધું અને ઘણા સમય સુધી આવી જ સ્થિતિમાં બેઠા રહ્યા.

તેમણે શિવાજીને શોધી કાઢવા માટે દરેક દિશામાં પોતાના સૈનિકો દોડાવ્યા. પરંતુ બધા ખાલી હાથે પાછા આવ્યા.

સંન્યાસીના વેશમાં મા પાસે પહોંચ્યા શિવાજી

શિવાજીએ અત્યંત ચાલાકીપૂર્વક મહારાષ્ટ્ર જવા માટે સાવ અલગ રસ્તો પસંદ કર્યો.

દક્ષિણ પશ્ચિમમાં માળવા અને ખાનદેશ થઈને જવાના બદલે તેમણે પૂર્વનો રસ્તો પસંદ કર્યો. તેઓ મથુરા, અલાહાબાદ, બનારસ અને પુરી થઈને ગોંડવાના અને ગોલકોંડા પાર કરીને પાછા રાજગઢ પહોંચ્યા.

ઔરંગઝેબની કેદમાંથી બહાર નીકળ્યાના છ કલાકની અંદર તેઓ મથુરા પહોંચી ગયા. ત્યાં તેમણે પોતાના માથાના વાળ, દાઢી અને મૂંછો મુંડાવી નાખી અને સંન્યાસીનો વેશ ધારણ કરીને કેસરિયા કપડાં પહેરી લીધાં.

ડિસેમ્બરની એક સવારે શિવાજીનાં માતા જિજાબાઈ પોતાના કક્ષમાં એકલાં બેઠાં હતાં. તેમનો નોકર તેમના માટે એક સંદેશ લઈને આવ્યા કે એક સંન્યાસી તેમને મળવા માગે છે. તેમણે સંન્યાસીને અંદર મોકલવા કહ્યું.

અંદર આવતા જ તે સંન્યાસી જિજાબાઈનાં ચરણોમાં પડી ગયા.

જિજાબાઈએ તેમને પૂછ્યું કે વૈરાગીઓ ક્યારથી બીજાના ચરણસ્પર્શ કરવા લાગ્યા?

તેમણે જ્યારે પોતાનું માથું ઊંચક્યું અને જિજાબાઈની નજર તેમના ચહેરા પર ગઈ. તેઓ જોરથી બોલ્યા - શિવબા.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો