સુરત : ડબલ મ્યુટેન્ટ કોરોના વાઇરસે શહેરમાં પરિસ્થિતિ આટલી ખરાબ કઈ રીતે કરી?
- જયદીપ વસંત
- બીબીસી ગુજરાતી માટે

આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, કોરોનાના 'નવા સ્ટ્રેન'ને કારણે સુરતમાં સ્થિતિ વિકરાળ બની રહી છે
કોરોનાને કારણે સુરતમાં સ્થિતિ દિવસે અને દિવસે કથળી રહી છે. શહેરમાં પ્રવર્તમાન સ્થિતિનો અંદાજ એ વાત ઉપરથી લગાવી શકાય કે મંગળવારે ખુદ મુખ્ય મંત્રી વિજય રૂપાણી સાથી પ્રધાનો અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ધસી આવ્યા હતા.
રૂપાણીએ સુરત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી અને પ્રવર્તમાન સ્થિતિ અંગે જાતમાહિતી મેળવી.
સિવિલ હૉસ્પિટલ પરિસરમાં આવેલી કિડની હૉસ્પિટલની બેડ તાત્કાલિક અસરથી કોવિડની કામગીરી માટે ફાળવવામાં આવી છે.
આરોગ્ય-નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, કોરોનાના 'નવા સ્ટ્રેન'ને કારણે સુરતમાં સ્થિતિ વિકરાળ બની રહી છે. જેના લક્ષણ અગાઉ કરતાં અલગ છે, આ સિવાય લોકોમાં બેદરકારીનું પ્રમાણ પણ વધ્યું છે.
મહાનગરપાલિકાના હદવિસ્તારમાં હાલના કુલ ઍક્ટિવ કેસોમાંથી 43 ટકા કેસ 40 વર્ષથી ઓછી ઉંમરના છે. તેમનામાં મૃત્યુનું પ્રમાણ પાંચ ટકા જેટલું છે, પરંતુ તે ચિંતાજનક રીતે વધી રહ્યું છે.
મંગળવારે (સાંજ સુધીમાં) 24 કલાક દરમિયાન રાજ્યમાં 17 લોકોનાં મૃત્યુ થયાં હતાં, જેમાં સૌથી વધુ સાત-સાત મૃત્યુ સુરત અને અમદાવાદમાં નોંધાયાં હતાં.
સુરતમાં નવા સ્ટ્રેને મુસીબત સર્જી?
ઇમેજ સ્રોત, Getty Images
જો આ ઝડપે નવા કેસ નોંધાતા રહ્યા તો આગામી ત્રણ-ચાર દિવસમાં જૂની સિવિલ હૉસ્પિટલમાં પણ પથારીઓ ઉપલબ્ધ નહીં રહે.
સુરત સિવિલ હૉસ્પિટલમાં કોવિડ સંબંધિત કામગીરીના નૉડલ અધિકારી ડૉ. નિમેષ વર્માના કહેવા પ્રમાણે :
"કોરોનાનો નવો સ્ટ્રેન (સ્વરુપપરિવર્તન) વધારે ચેપી છે અને એ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અગાઉ કોરોનાગ્રસ્ત દરદીના સંપર્કમાં આવનારી વ્યક્તિને કોરોના જોવા ન મળે એવું પણ બનતું. પરંતુ નવો સ્ટ્રેન વધુ ચેપી છે."
"અગાઉ બહુ થોડા લોકોને ન્યુમોનિયા થતો અથવા તો મોડે-મોડેથી થતો હતો, પરંતુ હવે ઝડપભેર ફેલાઈ જાય છે."
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, વાઇરસ હંમેશાં બદલાતા રહેતા હોય છે, જેથી તે નવા અલગ સ્વરૂપે કે નવા વાઇરસ તરીકે સામે આવી શકે છે.
સામાન્ય રીતે નવું સ્વરૂપ વાઇરસની કાર્યપ્રણાલી ઉપર અસર નથી કરતું, પરંતુ તે ભિન્ન રીતે વર્તે છે.
આરોગ્યવિભાગ સાથે સંકળાયેલા લોકોના કહેવા પ્રમાણે, સોમવારે સાંજે સુરતની નવી સિવિલ હૉસ્પિટલમાં લગભગ તમામ બેડ ભરાઈ ગઈ હતી અને નવા દરદીઓને જૂની સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા હતા.
જો આ ઝડપે નવા કેસ નોંધાતા રહ્યા તો આગામી ત્રણ-ચાર દિવસમાં જૂની સિવિલ હૉસ્પિટલમાં પણ પથારીઓ ઉપલબ્ધ નહીં રહે. આ સિવાય મૅનપાવરની પણ અછત ઊભી થશે.
નવા સ્ટ્રેનનાં લક્ષણો કેવાં છે?
ઇમેજ સ્રોત, Getty Images
સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ નોકરીદાતાઓને અપીલ કરી છે કે શક્ય હોય ત્યાર સુધી કર્મચારીઓ પાસે વર્ક-ફ્રૉમ-હોમ કરાવવું.
સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનના આરોગ્ય અધિકારી ડૉ. પ્રદીપ ઉમરીગરના કહેવા પ્રમાણે, "અગાઉ કોરોનાના દરદીઓમાં તાવ, ખાંસી, ગળામાં બળતરા, ગભરામણ થવી કે શ્વાસ ફૂલાવો જેવાં લક્ષણો જોવાં મળતાં હતાં, પરંતુ પ્રકારના સ્ટ્રેનમાં પેટમાં દુખાવો, ઝાડા કે શરીરમાં કળતર, ભોજન પ્રત્યે અરૂચી, માથામાં દુખાવો જેવાં લક્ષણો પણ જોવાં મળી રહ્યાં છે."
"આ લક્ષણો ખૂબ જ સામાન્ય હોય તેની અવગણના કરવામાં આવે છે, વાસ્તવમાં આવી અસિમ્પ્ટોમૅટિક કે હળવા લક્ષણો ધરાવનારી વ્યક્તિ કોરોના પૉઝિટિવ હોઈ શકે છે. જેના કારણે તે સંક્રમણ ફેલાવાની શક્યતા વધી જાય છે."
"અગાઉ પરિવારમાં એકાદને કોરોના થતો તથા અન્યોને ચેપ ન લાગ્યો હોય એવું બનતું, પરંતુ હવે નજીક રહેતા ત્રણ-ચાર લોકો કે પરિવારજનોમાં કોરોનાના ત્રણ-ચાર કેસ સામાન્ય બની રહ્યા છે."
અમુક કિસ્સામાં ચામડી ઉપર ચકામા, પગ કે આંગળીના અંગૂઠાનો રંગ ઊડી જવાના ઉદાહરણ પણ નોંધાયાં છે.
કૉર્પોરેશન દ્વારા સંકડાશમાં કામ કરવા માટે પંકાયેલા સુરતના હીરા તથા ટેક્સ્ટાઇલઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં 45 વર્ષથી વધુ ઉંમરના હોય તો રસી ફરજિયાત મુકાવેલી હોવી જોઈએ તથા ઓછી ઉંમરના લોકોનો કોરોના રિપોર્ટ નૅગેટિવ હોવો જોઈએ એવાં પગલાંની જાહેરાત કરી છે.
ઇમેજ સ્રોત, Getty Images
નિષ્ણાતોનું માનવું છે કે હજી સરકારી તંત્રે વધુ વધારે ઝડપથી કામ કરવું પડશે.
આ સિવાય જાહેરમાં માસ્ક નહીં પહેરનારને રૂપિયા એક હજારનો દંડ કરવામાં આવી રહ્યો છે.
જોકે કોરોનાએ ફરી માથું ઊંચક્યું તેની પાછળ ક્યાંક કૉર્પોરેશનની કામગીરીમાં રહી ગયેલી કચાશને પણ જવાબદાર માનવામાં આવે છે.
સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનના એક અધિકારીના કહેવા પ્રમાણે, "સરકારી હૉસ્પિટલોમાં વૃદ્ધો અને કો-મૉર્બિટી (સહબીમારી) વાળા દરદીઓને જ દાખલ કરવામાં આવે છે તથા હળવાં લક્ષણવાળા દરદીઓને ઘરે જ આઇસૉલૅસનમાં રહેવા જણાવવામાં આવે છે."
"અમુક કિસ્સામાં દરદી પોતે ઘરે હાજર ન હોય એવું પણ બનતું, છતાં કડકાઈપૂર્વક કાર્યવાહી કરવામાં નહોતી આવી. જેથી લોકોમાં લાપરવાહી વધવા પામી."
"અગાઉ જે રીતે કન્ટેન્મેન્ટ ઝોન, નૉન-કન્ટેન્મેન્ટ ઝોન તથા માઇક્રો-કન્ટેન્મેન્ટ ઝોનમાં વિભાજન થતું અને તેનો અસરકારક અમલ થતો હતો, એમાં ઢીલ આવી હતી."
સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનના કર્મચારીઓની 30મી એપ્રિલ સુધીની તમામ રજાઓ રદ કરી દેવામાં આવી છે, જેથી કરીને કોરોનાસંબંધિત કામગીરીમાં અડચણ ન આવે.
સુરતમાં સ્ટ્રેનની સિકલ
છઠ્ઠી માર્ચે સુરત જિલ્લામાં 134 નવા કેસ નોંધાયા હતા અને 85 દરદીઓને રજા આપવામાં આવી હતી. જે 20મી માર્ચે 484 પર પહોંચી ગયા હતા જ્યારે 298ને રજા આપવામાં આવી હતી.
છઠ્ઠી એપ્રિલની સ્થિતિ પ્રમાણે, સુરત જિલ્લામાં 811 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 732 દરદીઓને રજા આપવામાં આવી હતી.
સોમવારની સ્થિતિ પ્રમાણે, સુરતમાં ત્રણ હજાર 965 ઍક્ટિવ કેસ છે. જિલ્લામાં 30 હજાર જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સુરતમાં 38 હજાર 568 લોકો હોમ ક્વોરૅન્ટીન છે.
કેસોની ટકાવારીની દૃષ્ટિએ અઠવા ઝોન (20.8 ટકા), રાંદેર ઝોન (16 ટકા) તથા કતારગામ (14.6 ટકા) શહેરના અરધોઅરધ કેસ ધરાવે છે. જ્યારે લિંબાયત (10.4%), પૂર્વ-અ (10.3%), સૅન્ટ્રલ ઝોન (9.7%), -પૂર્વ-બી ઝોન (9.2%) અને દક્ષિણ ઝોન (9%) કેસ ધરાવે છે.
ઍપિડેમિક ડિસીઝ ઍક્ટ -1897 હેઠળ સુરત મહાનગરપાલિકા દ્વારા (સોમવાર સાંજની સ્થિતિ પ્રમાણે) સૅન્ટ્રલ ઝોનમાં ચાર હજાર 718 ઘર તથા 12 હજાર 457 લોકો, લિંબાયત ઝોનમાં 23 હજાર 409 ઘર, એક લાખ 16 હજાર 572 લોકો, ઇસ્ટ ઝોન-'અ'માં બે હજાર 216 ઘર, નવ હજાર 315 લોકો, અઠવા લેન્સ ઝોનમાં બે હજાર 508 ઘર, આઠ હજાર 594 લોકો, રાંદેર ઝોનમાં 347 ઘર, એક હજાર 490 લોકો, ઉધના ઝોનમાં બે હજાર 246 ઘર, છ હજાર 433 લોકો, કતારગામમાં ત્રણ હજાર 413 ઘર, 15 હજાર 222 લોકો, ઇસ્ટ ઝોન-'બી' 10 હજાર 930 ઘર, 41 હજાર 659 લોકોને કન્ટેન્મેન્ટ કે માઇક્રો-કન્ટેન્મેન્ટ ઝોન હેઠળ મૂકવામાં આવ્યા છે.
બીમારીનો ભોગ બનનારામાં 69 ટકા પુરુષ, 30.9 ટકા મહિલા તથા 0.1 ટકા અન્ય છે. 43.08 ટકા કેસ 40 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં જોવા મળી રહ્યાં છે. જ્યારે મૃત્યુ પામનારા લોકોમાંથી લગભગ 95 ટકા 40 વર્ષથી વધુ ઉંમરના હતા.
મંગળવારે સ્થિતિ પ્રમાણે, રાજ્યમાં કુલ 17 હજાર 348 ઍક્ટિવ કેસ છે, જેમાંથી 167ને વૅન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે. 34 હજાર 637 ડોઝ સાથે રસીકરણની બાબતમાં સુરત જિલ્લો રાજ્યમાં ટોચ ઉપર રહ્યો હતો.
સુરતમાં સરકાર સક્રિય
સુરતમાં પ્રવર્તમાન સ્થિતિ અંગે ગુજરાત સરકારે પણ ગંભીર નોંધ લેતા મુખ્ય મંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી તથા આરોગ્યમંત્રી નીતિન પટેલ, મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન, આરોગ્યસચિવ જયંતી રવિ, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સુરતમાં સમિક્ષાબેઠક યોજી હતી.
જેમાં સરકારી હૉસ્પિટલોના ઉચ્ચ અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનર, કલેકટર તથા પોલીસ કમિશનર સાથે સ્થિતિ અંગે સમીક્ષા કરાઈ હતી અને નિયંત્રણ માટે ચર્ચા થઈ હતી.
વિજય રૂપાણીએ કહ્યું હતું કે સ્થિતિને જોતાં કોરોનાના કેસ હજુ પણ વધી શકે છે, પરંતુ તેનાથી ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેત રહેવાની જરૂર છે.
બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા રૂપાણીએ જણાવ્યું, "સુરત સહિત ગુજરાતભરમાં નાના નર્સિંગ હોમને માઇલ્ડ અને અસિમ્પ્ટોમૅટિક દરદીઓની સારવાર કરવાની છૂટ આપવા છે."
"જેથી જે હૉસ્પિટલોમાં વૅન્ટિલેટર તથા આઈસીયુ (ઇન્ટેન્સિવ કેર યુનિટ) જેવી સુવિધાઓ છે, ત્યાં પથારીઓ રોકાય નહીં અને જે દરદીઓને વધુ સઘન સારવારની જરૂર છે, તેમના માટે પથારીઓ ઉપલબ્ધ રહે."
રૂપાણીએ સુરતની કિડની હૉસ્પિટલના 800 બેડને કોવિડની કામગીરી માટે ઉપલબ્ધ કરાવવાની, વધુ 300 વૅન્ટિલેટર ફાળવવાની, સંજિવનીરથની સંખ્યા 50થી વધારીને 100 કરવાની, રાજ્યભરમાંથી રેમડેસિવરની અછતને દૂર કરવા માટે ત્રણ લાખ ઇન્જેક્શનના ઑર્ડર આપવાની જાહેરાત કરી હતી.
સરકારી હૉસ્પિટલમાં 'સ્વિપરથી માંડીને ડૉક્ટર' સુધી જરૂરી ભરતીઓ કરવાની છૂટ પણ આપવામાં આવી છે.
આસપાસની કૉલેજોના તબીબી તથા અર્ધતબીબી સ્ટાફને પણ કોરોનાસંબંધિત કામગીરીમાં જોડવાની ચર્ચા કરવામાં આવી હતી.
ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રિટમેન્ટ
ઇમેજ સ્રોત, Getty Images
સુરત અને મહારાષ્ટ્રના અનેક શહેરો વચ્ચે વેપારીસંબંધ પ્રવર્તમાન છે.
અન્ય શહેરોની જેમ જ સુરતમાં પણ ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે. સોમવાર સાંજની સ્થિતિ પ્રમાણે, સુરત (જિલ્લા)માં 30 હજાર જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
જો કોઈ પેશન્ટ પૉઝિટિવ જણાય તો ગત 48 કલાકમાં તેમના સંપર્કમાં આવેલા લોકોનાં પણ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે, જેથી કરીને સંભવિત પ્રસારને અટકાવી શકાય.
સુરત અને મહારાષ્ટ્રનાં અનેક શહેરો વચ્ચે વેપારીસંબંધ પ્રવર્તમાન છે. મહારાષ્ટ્રમાં આંશિક લૉકડાઉન તથા નિષેધાત્મક આદેશોને કારણે ત્યાં કામ કરી રહેલા ગુજરાતીઓ પરત ફરી રહ્યા છે.
સુરતમાં ઍરપૉર્ટ, રેલવે સ્ટેશન, બસસ્ટેશન ઉપરાંત ટોલનાકા ઉપર બહારથી આવનારા લોકોના ટેસ્ટ કરવાની કામગીરી અસરકારક રીતે નથી થઈ રહી. જેના કારણે 'ચેપચક્ર' ચાલુ રહે છે.
આ સિવાય રેપિડ ટેસ્ટમાં કોરોના નૅગેટિવ આવ્યો હોવા છતાં, દરદીને કોરોના હોય તેવા કિસ્સા નોંધાઈ રહ્યા છે, જે આરટી-પીસીઆર ટેસ્ટથી જ બહાર આવી રહ્યા છે. જે ચિંતાજનક દૃશ્ય ઊભું કરે છે.
મહારાષ્ટ્ર, મ્યુટેન્ટ અને મુશ્કેલી
ઇમેજ સ્રોત, Getty Images
અમુક વખત વાઇરસ ઉપર પ્રવર્તમાન રસી અસર કરતી હોય છે, તો કેટલીક વખત અલગ સ્ટ્રેન માટે 'બુસ્ટર ડોઝ' આપવો પડે છે.
ગુજરાતમાં આ મ્યુટેન્ટ વૅરિએન્ટની સ્થિતિ અંગે ડૉ. મહેશ્વરીએ બીબીસીને જણાવ્યું, ''સુરતમાં કોરોનાના કેસોમાં જોવા મળેલો ઉછાળો મુંબઈ તરફ થતી અવર-જવરના કારણે આવી એની પૂરેપૂરી શક્યતાઓ છે. હાલ એક ટકાથી પણ ઓછું જિનોમિક સિક્વન્સિંગ થઈ રહ્યું છે. જો આ ટકાવારી વધારવામાં આવે તો હજી વધારે વૅરિએન્ટ મળવાની શક્યતા છે."
"આ પહેલાં વડા પ્રધાન મોદીએ પણ કહ્યું હતું કે આપણે પાંચ ટકા જેટલું જિનોમિક સિક્વન્સિંગ કરવું જોઈએ. આ વર્ષે જાન્યુઆરીથી માર્ચ મહિના દરમિયાન એક ટકાથી પણ ઓછું સિક્વન્સિંગ થયું છે."
"આરટી-પીસીઆર ટેસ્ટ પણ ઓછામાં ઓછા 70 ટકા થાય તે જરૂરી છે, જેથી વધું માહિતી મેળવી શકાય."
ડૉ. મહેશ્વરીએ ઉમેર્યું હતું, "હાલ ડબલ મ્યુટેશનના બે વૅરિએન્ટ જોવા મળ્યા છે. આવા દર્દી આઇસોલેટ કરી વૅરિએન્ટની વધારે તપાસ કરવી જરૂરી છે. તેની અસરકારકતા કેટલી વધારે છે, તે કેટલો વધારે જોખમી છે, તેના પર રસી કેટલી અસરકારક છે, આ બધાં પાસાં પર તપાસ થવી જરૂરી છે."
અમુક વખત વાઇરસ ઉપર પ્રવર્તમાન રસી અસર કરતી હોય છે, તો કેટલીક વખત અલગ સ્ટ્રેન માટે 'બુસ્ટર ડોઝ' આપવો પડે છે. જેમ કે, ફાઇઝરની રસી યુકે. સ્ટ્રેન સામે અસરકારક છે, પરંતુ આફ્રિકાના સ્ટ્રેન સામે રક્ષણ આપવા માટે જરૂર પડ્યે 'બુસ્ટર ડોઝ' આપવા વિશે સંશોધન ચાલી રહ્યાં છે.
શું કરવું, શું ન કરવું?
ઇમેજ સ્રોત, Getty Images
જો બહાર નીકળવાની જરૂર પડે તો બાળકો અને વૃદ્ધોને અસહજ લાગે તો પણ તેમને નાક ઢંકાય તે રીતે માસ્ક પહેરાવવાની તાકિદ કરવામાં આવી છે.
નવા સ્ટ્રેનને કાબૂમાં લેવા તથા પ્રસારને અટકાવવા માટે કોરોનાસંબંધિત મૂળભૂત પરેજી અને માર્ગદર્શિકાના અનુસરવી જરૂરી છે.
ડૉ. વર્માના કહેવા પ્રમાણે, "યુવાનો કામ સિવાય બિનજરૂરી રીતે હરવાફરવા માટે બહાર ન નીકળે તે ઇચ્છનીય છે. ઘણી વખત તેઓ અજાણતાં જ પરિવારનાં વૃદ્ધોને કોરોનો ચેપ આપીને તેમના જીવને જોખમમાં મૂકી દેતા હોય છે."
"યુવાનો બહાર જાય એટલે તેમણે કોરોનાસંબંધિત માર્ગદર્શિકાનું (સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવું અને સાબુ કે સૅનિટાઇઝરથી હાથને સાફ રાખવા) પાલન કરવું જોઈએ. યુવાનો બહારથી ઘરે આવે એટલે સાબુથી સ્નાન કરીને કપડાં બદલાવીને જ પરિવારના વડીલોને મળવું જોઈએ."
"અગાઉ આપણે ત્યાં બહારથી આવેલી વ્યક્તિ આંગણામાં હાથ-મોં ધોઈને જ ઘરમાં પ્રવેશે તેવી પ્રથા હતી, જેને આપણે ભૂલી ગયા હતા. જેને કોરોનાએ ફરી યાદ અપાવી છે."
આ સિવાય મોં તથા આંખોને સ્પર્શ કરાવું, ભીડભાડવાળા વિસ્તારોમાં જવાનું તથા લોકોને મળતી વખતે મિલાવવાનું ટાળવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ સિવાય લિફ્ટ-હેન્ડલ વગેરેને સ્પર્શતી વખતે સાવધાની રાખવાની ભલામણ કરવામાં આવે છે.
વૃદ્ધ, સગર્ભા, બાળકો, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ કે અન્ય કોઈ બીમારી ધરાવનારા આરોગ્યની દૃષ્ટિએ સંવેદનશીલ લોકોને બિજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા તાકિદ કરવામાં આવી છે.
જો બહાર નીકળવાની જરૂર પડે તો બાળકો અને વૃદ્ધોને અસહજ લાગે તો પણ તેમને નાક ઢંકાય તે રીતે માસ્ક પહેરાવવાની તાકિદ કરવામાં આવી છે.
જો કોરોનાના કોઈ લક્ષણ જણાય તો સરકારી હેલ્પલાઇન નંબર 104નો સંપર્ક કરવો અને કોરોનાનું ટેસ્ટિંગ કરાવવું.
ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો