ફોર્બ્સ લિસ્ટ 2021 : કોરોનાકાળમાં પણ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી દેશમાં સૌથી ધનિક વ્યક્તિ બન્યા, સંપત્તિમાં ધરખમ વધારો

મુકેશ અંબાણીની આવકમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 48 બિલિયન ડૉલરનો ઉમેરો થયો છે. તેની સાથે જ તેઓ એશિયાના સૌથી મોટા અબજપતિ બન્યા છે.

ઇમેજ સ્રોત, MANPREET ROMANA/AFP via Getty Images

ઇમેજ કૅપ્શન,

મુકેશ અંબાણીની આવકમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 48 બિલિયન ડૉલરનો ઉમેરો થયો છે. તેની સાથે જ તેઓ એશિયાના સૌથી મોટા અબજપતિ બન્યા છે.

વિશ્વભરમાં કોરોના વાઇરસની વિનાશક અસર હોવા છતાં છેલ્લા એક વર્ષમાં નવા અબજોપતિઓની સંખ્યામાં વધારો થયો છે.

ફોર્બ્સે મંગળવારે દુનિયાના સૌથી વધુ ધનિકોની સૂચિ જાહેર કરી હતી, જેમાં એલન મસ્કની હરણફાળ અને કિમ કાર્દાશિયનની ઍન્ટ્રી પણ સામેલ છે.

તો આ યાદીમાં ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને વિશ્વમાં દસમું અને ભારતમાં પ્રથમ સ્થાન મળ્યું છે.

ભારતીયોમાં મુકેશ અંબાણી બાદ બીજા નંબરે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનો સમાવેશ થાય છે.

ફોર્બ્સના એડિટર કેરી એ. ડોલને કહ્યું કે "મહામારી હોવા છતાં આ વર્ષમાં દુનિયામાં ધનિકોની સંપત્તિ મામલે રેકૉર્ડ થયા છે, જેમાં સંપત્તિમાં પાંચ ટ્રિલિયન ડૉલરની વૃદ્ધિ થઈ છે અને નવા ધનિકોની અબજોપતિની સંખ્યા પણ અભૂતપૂર્વ હતી."

અહીં ધનિકોની સૂચિની હાઇલાઇટ્સ દર્શાવવામાં આવી છે.

ધનિકોની અભૂતપૂર્વ સંખ્યા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ઍલન મસ્ક વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં બીજા સ્થાને છે

ફોર્બ્સની વાર્ષિક સૂચિમાં એક બિલિયન ડૉલર અથવા તેથી વધુની સંપત્તિ ધરાવતા લોકોની સંખ્યા અભૂતપૂર્વ રીતે વધી છે. 2021ની યાદીમાં 2,755 લોકોનો સમાવેશ થયો છે.

તેમાંના 86 % ધનિકોએ કોરોના વાઇરસ કટોકટી વચ્ચે તેમની આર્થિક સ્થિતિમાં સુધારો કર્યો છે.

ફોર્બ્સ ભારપૂર્વક જણાવે છે કે તેની 2021ની સૂચિમાં 493 નવાં નામ છે, જેમાં ચીનમાંથી 210 અને યુનાઇટેડ સ્ટેટ્સના 98 લોકોનો સમાવેશ થાય છે.

જેફ બેઝોસ સતત ચૌથી વાર નંબર-1

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

એમેઝોનના સંસ્થાપક જેફ બેઝોસ સતત ચોથી વાર દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે

એમેઝોનના સંસ્થાપક જેફ બેજોસ સતત ચોથી વાર દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે, જેમની સંપત્તિ અંદાજે 177 બિલિયન ડૉલર છે.

વિશ્વની સૌથી ધનિક વ્યક્તિઓમાં બીજા સ્થાને છે ઍલન મસ્ક, તેઓ 2020માં 31મા સ્થાને હતા અને 2021માં બીજા નંબરે આવી ગયા છે.

ટેસ્લાના શૅરોમાં 705%ની વૃદ્ધિ સાથે ઍલન મસ્કની સંપત્તિ 151 બિલિયન ડૉલરની થઈ છે.

બર્નાર્ડ આર્નોલ્ટ ત્રીજા સ્થાને છે. એક વર્ષ પહેલાં ફ્રાન્સના લક્ઝરી સામાનના ટાઇકૂન ગણાતા બર્નાર્ડ આર્નોલ્ટ પાસે 76 બિલિયન ડૉલરની સંપત્તિ હતી જે આ વર્ષે 150 બિલિયન ડૉલરે પહોંચી છે.

તો બીજી તરફ માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ ચોથા સ્થાને છે.

બિલ ગેટ્સ પાસે 124 બિલિયન ડૉલરની કુલ સંપત્તિ છે. બિલ ગેટ્સ દુનિયાના એ ચાર લોકોમાંથી છે, જેમની પાસે 100 બિલિયન ડૉલરથી વધુ સંપત્તિ છે.

તેમજ પાંચમા નંબરે ફેસબુકના માર્ક ઝકરબર્ગ રહ્યા છે. માર્ક ઝકરબર્ગની સંપત્તિમાં આ વર્ષે 80% વધારો નોંધાયો છે. તેમની સંપત્તિ 42.3 બિલિયન ડૉલરથી 97 બિલિયન ડૉલર પર પહોંચી છે.

મુકેશ અંબાણી એશિયામાં સૌથી વધુ ધનવાન

કોરોના વાઇરસ મહામારીના સમયમાં પણ ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી એશિયાના સૌથી મોટા અબજોપતિ બન્યા છે.

ફોર્બ્સના વિશ્વના ધનિકોની સૂચિમાં રિલાયન્સ ઇન્ડ્રસ્ટીના મુકેશ અંબાણીનું સ્થાન દસમું છે.

મુકેશ અંબાણીની આવકમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 48 બિલિયન ડૉલરનો ઉમેરો થયો છે. તેની સાથે જ તેઓ એશિયાના સૌથી મોટા અબજપતિ બન્યા છે.

હાલ મુકેશ અંબાણીની સંપત્તિ 84.5 બિલિયન ડૉલર આંકવામાં આવી છે.

ભારતીય ધનિકોની યાદીમાં મુકેશ અંબાણી પછી બીજા સ્થાને છે ગૌતમ અદાણી.

ઇમેજ સ્રોત, SAM PANTHAKY/AFP/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન,

ગૌતમ અદાણી ભારતીય ધનિકોમાં બીજા સ્થાને અને હાલ તેમની નેટ વર્થ 50.5 બિલિયન ડૉલર છે

ગત સપ્ટેમ્બર મહિનામાં ગૌતમ અદાણીએ મુંબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટનો 74% સ્ટેક મેળવ્યો હતો. હાલ તેમની નેટ વર્થ 50.5 બિલિયન ડૉલર છે.

ત્રીજા સ્થાને શિવ નાદાર છે, શિવ નાદાર HCL ટેકનૉલૉજીના ચેરમૅન હતા અને ગયા વર્ષે જુલાઈ મહિનામાં તેમણે પોતાનું પદ છોડીને દીકરી રોશની નાદાર મલ્હોત્રાને સોંપ્યું હતું. હાલ તેમની નેટ વર્થ 23.5 બિલિયન ડૉલર છે.

ચોથા સ્થાન છે રાધાકિશન દામાણી. દેશમાં આશરે 221 ડી-માર્ટના સ્ટોર ધરાવતા રાધાકિશન દામાણીની નેટ વર્થ 16.5 બિલિયન ડૉલર છે.

અને પાંચમા સ્થાને છે ઉદય કોટક. દેશની ટૉપ 4 બૅન્કમાંથી એક કોટક મહિન્દ્રા બૅન્કના ફાઉન્ડર ઉદય કોટકની નેટ વર્થ 15.9 બિલિયન ડૉલર છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો