મ્યાનમાર : સેનાના સત્તાપલટા બાદ ભારત આવેલા લોકો કેવી રીતે જીવન વિતાવે છે?
- રાઘવેન્દ્ર રાવ
- બીબીસી સંવાદદાતા, મોરેહ (મણિપુર), ભારત-મ્યાનમાર સરહદ પરથી

42 વર્ષના મખાઈ પોતાની બહેનો અને દીકરીઓની સાથે પોતાનો જીવ બચાવવા માટે મ્યાનમારના તામૂ જિલ્લામાંથી નીકળીને શરણાર્થી તરીકે ભારતમાં આવી ગયા છે.
"તેઓ રાતના સમયે અમારા ઘરમાં ઘૂસી આવે છે. બળાત્કાર ગુજારે છે અને હત્યા કરે છે. મારી પાસે ત્યાંથી ભાગી જવાની તક હતી. શક્ય છે કે ફરી ક્યારેય તે તક ન મળે." નિરાશામાં ડુબેલી એક વ્યક્તિએ આ વાત જણાવી.
42 વર્ષનાં મખાઈ (નામ બદલ્યું છે)નું વર્તમાન અત્યંત કઠિન છે અને ભવિષ્ય અનિશ્ચિત છે. તેઓ પોતાની બહેનો અને દીકરીઓની સાથે પોતાનો જીવ બચાવવા માટે મ્યાનમારના તામૂ જિલ્લામાંથી નીકળીને શરણાર્થી તરીકે ભારતમાં આવી ગયાં છે. પોતાનો અને પોતાનાં બાળકોનો જીવ બચાવવા માટે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો.
તેઓ કહે છે, "મ્યાનમારમાં જ્યારથી હિંસા શરૂ થઈ છે ત્યારથી અમે પોતાના ઘરોમાં રહેતા ડરીએ છીએ. ઘણી વખત અમે જંગલોમાં છુપાઈને રાત કાઢી છે."
ફેબ્રુઆરીમાં સેનાએ સત્તાપલ્ટો કર્યા પછી ત્યાં વિરોધપ્રદર્શન ફાટી નીકળ્યાં અને તેમાં થયેલી હિંસાને કારણે મખાઈની જેમ ઘણા લોકોએ પોતાનો દેશ છોડીને બીજા દેશમાં શરણાર્થી બનવા માટે મજબૂર થવું પડ્યું છે. મ્યાનમારમાં ભારતની સરહદ નજીક રહેતા લોકો માટે આ સૌથી સારી જગ્યા છે.
ઇમેજ સ્રોત, SAJJAD HUSSAIN/AFP via Getty Images
ભારત-મ્યાનમાર સરહદ. પુલની સામેની તરફ મ્યાનમાર છે.
મહિલાઓ સુરક્ષાની ચિંતાના કારણે ભારતમાં ભાગી આવી છે, પરંતુ તેમનાં પરિવારના પુરુષો હજુ પણ મ્યાનમારમાં છે. તામૂથી પોતાની પુત્રીની સાથે ભાગીને મણિપુરના મોરેહ આવેલાં એક મહિલા વિન્યી (નામ બદલ્યું છે) કહે છે, "જરૂર પડે તો પુરુષો લડી શકે છે. પરંતુ સેનાની અચાનક કાર્યવાહી થાય ત્યારે મહિલાઓ માટે ત્યાંથી બચીને ભાગી નીકળવું બહુ મુશ્કેલ હોય છે."
મખાઈ માટે ભારતમાં શરણ લેવાનો આ ત્રીજો પ્રયાસ છે. અગાઉના બંને પ્રયાસમાં ભારતીય સુરક્ષાદળોએ તેમને મ્યાનમાર પાછાં મોકલી દીધાં હતાં. મખાઈએ જણાવ્યું, "હું જાણું છું કે મારા માટે અહીં રોકાવું બહુ મુશ્કેલ છે. હું બહુ ગભરાયેલી છું. ભારત સરકારના અધિકારીઓ ગમે ત્યારે અમને શોધીને પરત મોકલી શકે છે. પરંતુ અમારે બહાદુર બનવું પડશે."
ભારત અને મણિપુર સરકારની ચિંતા
ભારતની ચિંતા અને ભય અસ્થાને નથી. મ્યાનમારમાંથી મોટી સંખ્યામાં લોકો ગેરકાયદે ભારતમાં ઘૂસી આવે તેવો ડર છે. ગેરકાયદે ઘૂસણખોરી કરનારા લોકોની સમસ્યા પહેલેથી ગંભીર છે.
આ ઉપરાંત ગેરકાયદે ઘૂસણખોરીથી સૌથી વધુ અસર પામેલા રાજ્યો આસામ અને પશ્ચિમ બંગાળમાં અત્યારે ચૂંટણી ચાલે છે. આવામાં મ્યાનમારથી આવેલા લોકોને શરણાર્થી તરીકે અનુમતિ આપવાનું ભારત ક્યારેય પસંદ નહીં કરે.
ભારતે સ્પષ્ટ કહી દીધું છે કે મ્યાનમારના લોકોને રૅશન અથવા દવાઓ પૂરી પાડવામાં આવશે, પરંતુ તેમને અહીં રહેવા આશ્રય નહીં મળે.
મણિપુર સરકાર તો તેનાથી પણ એક કદમ આગળ વધી હતી. તેણે સ્થાનિક વહીવટીતંત્રને ગેરકાયદે લોકો માટે રાહત કેમ્પ ન ખોલવાની સૂચના આપી હતી.
સરકારે સ્પષ્ટ કહ્યું હતું કે મ્યાનમારથી આવેલા લોકો માટે ભોજન કે રહેવાની કોઈ વ્યવસ્થા કરવામાં ન આવે. આ આદેશમાં જણાવાયું હતું કે જેઓ અહીં આવી ગયા હોય તેમને વિનમ્રતાપૂર્વક ના પાડી દેવામાં આવે. આ આદેશ અંગે ભારે વિરોધ થયા પછી સરકારે આદેશ પાછો ખેંચી લીધો હતો. દરમિયાન ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે કે મ્યાનમારથી આવનારા લોકોનું અમે સ્વાગત નથી કરતા.
મખાઈ સાથે રહેતાં બે અન્ય મહિલાઓએ જણાવ્યું કે, મ્યાનમારમાં સ્થિતિ સુધરશે ત્યારે જ તેઓ પાછાં જશે. ત્યાં સુધી તેઓ ભારત અને અહીંના લોકો પર જ નિર્ભર રહેશે. આમ પણ મ્યાનમારના ઘણા લોકો મણિપુરમાં પારિવારિક સંબંધ ધરાવે છે.
ઘાયલોની સારવાર કરી રહેલા મણિપુરના લોકો
મ્યાનમારની મહિલાઓ ભલે સુરક્ષા માટે ભલે ભારત આવી ગઈ હોય તો તેમનાં પરિવારના પુરુષો હજી પણ મ્યાનમારમાં જ છે
મોરેહથી લગભગ સો કિલોમીટર દૂર ઇન્ફાલમાં મ્યાનમારના બે યુવાનો એક સરકારી હૉસ્પિટલમાં પોતાની સારવાર કરાવી રહ્યા છે. આ બંનેને 25 માર્ચની રાતે સેનાવિરોધી પ્રદર્શન દરમિયાન ગોળી વાગી હતી.
તેમાંથી એક યુવાને કહ્યું, "મ્યાનમારની સેના તામૂમાં એક જ્વેલરી શોપને લૂંટવા માંગતી હતી. પરંતુ સ્થાનિક લોકોએ તેનો વિરોધ કર્યો ત્યારે તેમણે ફાયરિંગ કરી દીધું. તે દરમિયાન મને ગોળી વાગી હતી."
આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા એક યુવાને કહ્યું, "અગાઉ પણ પોલીસે વિરોધપ્રદર્શનોને કચડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આવી હિંસા ક્યારેય નથી થઈ. સેનાએ લોકો પર ગોળીબાર શરૂ કર્યો ત્યારે સ્થિતિ બગડી ગઈ."
આ બંને યુવાનોએ જણાવ્યું કે બીજી એક વ્યક્તિની સાથે તેઓ તે રાતે તામૂથી ભાગીને મોરેહ આવી ગયા હતા.
કુકી સ્ટુડન્ટ્સ ઑર્ગેનાઇઝેશન (ઇમ્ફાલ)ના ઉપાધ્યક્ષ જે ખોંગસાઈએ જણાવ્યું કે, "મોરેહમાં આરોગ્ય કેન્દ્ર સારી સ્થિતિમાં નથી. તેથી આ બંનેને ઇમ્ફાલ લાવવા પડ્યા."
તેમણે જણાવ્યા પ્રમાણે આ બંનેને ઇમ્ફાલ લાવવામાં આવ્યા ત્યારે તેઓ ચાલી શકે તેમ પણ ન હતા. ગોળી તેમના શરીરમાં ફસાયેલી હતી. ભૂખ્યાં-તરસ્યાં હોવા છતાં તેઓ જાતે પાણી પણ પી શકે તેમ ન હતા.
આ સંગઠન સાથે સંકળાયેલા લોકો રાતદિવસ આ બંનેની સારવાર કરે છે. તેમને ઘરનું ભોજન પણ આપે છે. જોકે, મ્યાનમારથી ભાગીને ભારત આવેલી મહિલાઓથી વિપરીત આ યુવાનો સાજા થઈને પોતાના દેશ પરત જવા માંગે છે.
ગયા વર્ષથી સત્તાવાર માર્ગ બંધ
ઇમ્ફાલમાં મ્યાનમારના બે યુવકો એક સરકારી હૉસ્પિટલમાં પોતાની સારવાર કરાવી રહ્યા છે. આ બંનેને 25 માર્ચની રાત્રે સેનાની સામે વિરોધપ્રદર્શનમાં ગોળી વાગી હતી
મ્યાનમારમાં ઉથલપાથલ શરૂ થયા બાદ તેની સરહદ નજીક ભારતમાં મોરેહ ખાતે તમામ સત્તાવાર રસ્તા બંધ કરી દેવાયા છે.
ભારત અને મ્યાનમાર વચ્ચે વર્ષોથી એક મુક્ત આવ-જા પ્રણાલિ (એફએમઆર) અસ્તિત્વમાં છે. આ હેઠળ બંને દેશના સ્થાનિક લોકો એક બીજાની સરહદમાં 16 કિમી સુધી જઈ શકે છે અને ત્યાં 14 દિવસ સુધી રોકાણ કરી શકે છે.
કોરોના મહામારી ફેલાયા પછી ગયા વર્ષે માર્ચમાં એફએમઆર સુવિધા બંધ કરવામાં આવી હતી. બંને તરફના લોકોને આશા હતી કે આ વખતે આ સુવિધા ફરીથી શરૂ કરવામાં આવશે. પરંતુ ફેબ્રુઆરીમાં મ્યાનમારમાં સત્તા પલ્ટા પછી તેમની આશાઓ પર પાણી ફરી વળ્યું. આમ છતાં મ્યાનમારના નાગરિકો દરરોજ જોખમ ઉઠાવીને છુપાઈને ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરતા હોય છે.
મ્યાનમારથી દરરોજ ભારત આવીને લગભગ 20 ઘરોમાં દૂધ વેચતા એક વેપારીએ જણાવ્યું, "અમને ભારત આવવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે. મ્યાનમારથી આવતો હોવાના કારણે ભારતીય સુરક્ષાદળો અમને ઘણી વખત અટકાવે છે. આમ છતાં અમે કોઈ પણ રીતે આવી જઈએ છીએ. મ્યાનમારમાં અત્યારે બૉમ્બ ધડાકા અને ગોળીબાર થાય છે. ત્યાં બધું બંધ છે."
સરહદ પર મ્યાનમારની પહેરેદારી ઢીલી પડી
મ્યાનમારની હલચલ પછી તેમની સરહદની પાસે ભારતમાં સ્થિત મોરેહમાં બધા આધિકારિક રસ્તાઓ સીલ કરી દેવામાં આવ્યા છે
મ્યાનમારમાં સત્તાપલ્ટા પછી વિરોધપ્રદર્શન થવાના કારણે ત્યાંની સેના આખા દેશમાં ફેલાઈ ગઈ છે. તેના કારણે ભારત સરહદે મ્યાનમારના જવાનોની સંખ્યા ઘટી ગઈ છે. તેથી મ્યાનમારથી ભારત આવતા લોકોને રાહત મળી છે. હવે તેમણે માત્ર ભારતીય સેનાની નજરથી બચવાનું હોય છે. અને દરેક જગ્યાએ પહેરેદારી કરવી શક્ય નથી.
ભારતમાં પોતાનો સામાન વેચ્યા પછી ઝાડી-ઝાંખરા અને ગંદકીવાળા રસ્તે મ્યાનમારના લોકો પોતાના દેશમાં પરત જતા રહે છે. ઘણી વખત સુરક્ષાદળો પણ તેમની અવગણના કરે છે.
બીજી તરફ મ્યાનમારના કેટલાક લોકો ભારતીય સરહદમાં પ્રવેશવા માટે બિનપરંપરાગત રસ્તા પણ પસંદ કરે છે. બંને દેશોની સરહદ પર "નો મૅન્સ આઇલૅન્ડ"માંથી એક વરસાદી નાળું પસાર થાય છે. આ નાળાથી મોરેહ અને તામૂ જોડાયેલાં છે. તેથી ઘણા લોકો આ નાળા મારફત પણ ભારતમાં ઘૂસી આવે છે.
શરણાર્થીઓ પ્રત્યે મણિપુરના લોકોની સહાનુભૂતિ
બહુ લાંબી અને મુશ્કેલ રસ્તાઓથી ભરેલી સરહદ પર દરેક જગ્યાએ ભારતીય સેના પહેરો નથી ભરતી
ભારત-મ્યાનમાર સરહદ સીલ કરી દેવાઈ છે અને સરકાર કોઈને અહીં આવવા દેવા માંગતી નથી. આવી સ્થિતિમાં મોરેહના લોકો પાસે કંઈ ન હોવા છતાં તેમની સહાનુભૂતિ મ્યાનમારના લોકો પ્રત્યે છે.
મોરેહ યુથ ક્લબના ફિલિપ ખોગસાઈએ જણાવ્યું કે આ ક્લબના ઘણા સભ્યો સરહદે ફસાયેલા મ્યાનમારના લોકોને ખાવા-પીવાનો સામાન પહોંચાડે છે.
મોરેહ યુથ ક્લબના ફિલિપ ખોગસાઈએ જણાવ્યું, "અમે માનવીય આધાર પર તેમનું સ્વાગત અને સેવા કરીશું. સરકાર ભલે અમને તેમની મદદ કરવાની ના પાડતી હોય. પરંતુ અમે અમારું કામ કરીશું અને સરકાર પોતાનું કામ કરે."
આ ક્લબના ઘણા સભ્યો સરહદે ફસાયેલા મ્યાનમારના લોકોને ખાવા-પીવાનો સામાન પહોંચાડે છે.
આગામી સમયમાં મ્યાનમારથી ભારતમાં આવતા શરણાર્થીઓની સંખ્યા વધવાનો અંદાજ છે. કારણ કે ત્યાં સ્થિતિ સતત કથળી રહી છે. મોરેહના ઘણા લોકોને લાગે છે કે આ મુશ્કેલ સમયમાં ભારતે મ્યાનમારના લોકોની પડખે રહેવું જોઈએ.
મ્યાનમારથી ભાગીને ભારત આવેલા લોકો માટે એક વિકલ્પ બહુ આસાન છે. તેઓ વધુ એક દિવસ ભારતમાં રોકાઈ જવા પ્રયત્ન કરે છે, ભલે પછી બીજા દિવસે તેમને બળપૂર્વક મ્યાનમાર પરત મોકલી દેવામાં આવે તેવો ખતરો રહેલો હોય.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો