કોરોના વાઇરસ : નરેન્દ્ર મોદીની મુખ્ય મંત્રીઓ સાથે બેઠકમાં શું થયું?

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન,

નરેન્દ્ર મોદીએ આજે કોરોનાને લઈને રાજ્યોનાં મુખ્ય મંત્રીઓ સાથે બેઠક યોજી હતી.

ગુરુવારે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્ય પ્રધાનો સાથે વર્ચ્યૂઅલ બેઠક કરીને તેમની સાથે કોરોનાને કારણે પ્રવર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. મોદીએ મુખ્ય પ્રધાનોને સતર્ક રહેવા તાકિદ કરી હતી. મોદીએ કહ્યું:

"ફરી એક વખત પડકારજનક પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. કોવિડને કારણે પ્રવર્તમાન સ્થિતિને પહોંચી વળવા માટે હું આપ સર્વેને સૂચનો આપવા માટે વિનંતી કરું છું."

"બીજી લહેરમાં કોરોનાના કેસો મોટી સંખ્યામાં નોંધાઈ રહ્યા છે, જેની સામે આપણે લડવાનું છે. ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ અને છત્તીસગઢમાં પ્રથમ તબક્કાની સર્વોચ્ચ સપાટી કરતાં વધુ કેસ નોંધાઈ રહ્યા છે, જે ચિંતાજનક બાબત છે."

"ઓછામાં ઓછા નાગરિકોનાં અવસાન થાય તે જોવું રહ્યું. સાથે દરદીની બીમારી વિશે સર્વાંગી માહિતી એકત્ર કરવી જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં અન્ય દરદીઓનાં જીવ બચાવી શકાય."

"લોકો બેપરવાહ બન્યા છે અને કેટલાક રાજ્યોમાં સ્થાનિકતંત્ર પણ શિથિલ બની ગયું છે. ફરી એક વખત યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવાની જરૂર છે.અનેક પડકારો ઊભા થવા છતાં આજે કોરોનાની બાબતમાં ભારત અનુભવી બન્યું છે. આપણી પાસે વધુ સારા સંશાધન તથા વૅક્સિન પણ છે."

મોદીએ નાગરિકોને માસ્ક તથા કોરોનાસંબંધિત પ્રોટોકોલ અંગે નાગરિકોને જાગૃત કરવા અભિયાન ચલાવવાની વાત કહી હતી. આ સિવાય તેમણે તા. 11થી 14મી એપ્રિલને 'ટીકા ઉત્સવ' તરીકે ઉજવવાનું પણ સૂચન કર્યું હતું.

આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન, કર્ણાટકના મુખ્ય પ્રધાન બી. એસ. યેદિયુરપ્પા, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને બિહારના મુખ્ય મંત્રી નીતિશ કુમાર સહિત અનેક મુખ્ય મંત્રીઓએ પોત-પોતાના રાજ્યોના ઉચ્ચ અધિકારીઓ સાથે મીટિંગમાં વર્ચ્યૂઅલ હાજરી આપી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો