ગુજરાતમાં કોરોનાને કાબૂમાં લેવા અનેક નવાં પગલાંની જાહેરાત, રાજકારણ ગરમાયું

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

હવે અમુલ પાર્લર, નગરપાલિકા તથા માર્કેટ યાર્ડને માત્ર એક રૂપિયામાં થ્રી-લેયર માસ્ક અપાશે

ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી અને આરોગ્યપ્રધાન નીતિન પટેલે અમદાવાદ સિવિલ હૉસ્પિટલ અને મેડિસિટીની મુલાકાત લીધી હતી. ત્યારે તેમની સાથે મુખ્ય મંત્રીના સલાહકાર કે. કૈલાસનાથન, આરોગ્ય સચિવ ડૉ. જયંતી રવિ પણ હતાં.

નીતિન પટેલના કહેવા પ્રમાણે, "મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને દિલ્હી સહિત દેશભરમાં કોરોનાના દરદીઓની સંખ્યા વધી છે, એમ ગુજરાતમાં પણ વધી છે."

"અમદાવાદની નવનિર્મિત મંજૂશ્રી કિડની (418 બેઠ ઉપલ્બધ, 200થી વધુ ઉમેરાશે) હૉસ્પિટલને કોરોનાની કામગીરી માટે ફેરવવામાં આવી છે. અમદાવાદ સિવિલ સુપરિન્ટેન્ડેન્ટને તેના સંચાલનની કામગીરી સોંપવામાં આવી છે."

"અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા સંચાલિત સરદાર પટેલ હૉસ્પિટલમાં ચાર-પાંચ દિવસમાં તમામ એક હજાર બેડને કોરોના માટે ફેરવી દેવામાં આવશે. હાલમાં માત્ર 500 બેડ કોરોના માટે ફાળવવામાં આવ્યા છે."

તેમણે કહ્યું કે "અમદાવાદની ખાનગી મેડિકલ કૉલેજ એસ.એમ. શાહના 240 બેડ કોરોના માટે ફાળવવામાં આવ્યા છે. કૅન્સર હૉસ્પિટલની 160 પથારી કોરોનાના દરદીઓને માટે ફાળવવામાં આવી છે."

"કૉમ્યુનિટી હૉલ કે વિશાળ જગ્યા હોય ત્યાં મ્યુનિસિપલ કૉર્પોરેશન કે આરોગ્યવિભાગના કર્મચારીઓ દ્વારા નિઃશુલ્ક રેમિડિસિવરનું ઇન્જેક્સન આપવામાં આવશે. તેમને હૉસ્પિટલમાં રાખવાને બદલે ત્રણેક કલાક માટે નજર રાખીને રજા આપી દેવામાં આવશે. આ રીતે દરેક દરદીને પાંચ ડોઝ અપાશે. આ અંગે ગુરુવાર સાંજની બેઠકમાં નિર્ણય લઈ લેવાશે."

ઇમેજ સ્રોત, TWITTER / @NITINBHAI_PATEL

ઇમેજ કૅપ્શન,

નીતિન પટેલના કહેવા પ્રમાણે, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને દિલ્હી સહિત દેશભરમાં કોરોનાના દરદીઓની સંખ્યા વધી છે, એમ ગુજરાતમાં પણ વધી છે

નીતિન પટેલે જણાવ્યું કે "આ સિવાય આઈસીયુ કે વૅન્ટિલેટરની સવલત વગરની નાની ખાનગી હૉસ્પિટલોમાં કોરોનાના અસિમ્પ્ટોમૅટિક કે હળવા લક્ષણવાળાના દરદીઓની સારવાર અપાશે."

અમુલ પાર્લર, નગરપાલિકા તથા માર્કેટ યાર્ડને માત્ર એક રૂપિયામાં થ્રી-લેયર માસ્ક અપાશે.

નીતિન પટેલના કહેવા પ્રમાણે, તેઓ કોઈ 'વ્યક્તિગત કિસ્સા' વિશે ચર્ચા નહીં થાય. તેમણે કહ્યું હતું કે સેંકડો લોકો દરરોજ વૉટ્સઍપ કે અન્ય માધ્યમથી ફૉરવર્ડ કરતા હોય ત્યારે તેની ખરાઈ કરવાનો સમય ન હોય, તેના પર ધ્યાન નહીં આપે.

તેમણે 'યોગ્ય માધ્યમથી યોગ્ય રજૂઆત' આવે તો તેની ઉપર ધ્યાન આપવાની વાત પણ કહી હતી.

નીતિન પટેલે સ્વીકાર્યું હતું કે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત ઉપરાંત મોરબી જેવાં શહેરોમાં પણ કેસોની સંખ્યા વધી છે. અવંતિકા સિંહને કોવિડ સંબંધિત કામગીરીના સંકલનની કામગીરી સોંપવામાં આવી છે. તેમના પુરોગામીને કોરોના થતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

નીતિન પટેલ તથા આરોગ્ય મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ આ પહેલાં સુરત અને વડોદરાની જાતમુલાકાત લઈ ચૂક્યા છે.

અમદાવાદમાં કોરોનાની કામગીરીનું સંકલન કરતા ડૉ. રાજીવ ગુપ્તાના કહેવા પ્રમાણે, ખાનગી હૉસ્પિટલો પાસેથી ફરી કોરોનાના બેડ મેળવવામાં આવી રહ્યાં છે. 18 હૉસ્પિટલમાં 1300થી વધુ બેડ મેળવવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગરથી બીબીસી પ્રતિનિધિ સચીન પીઠવા જણાવે છે કે જિલ્લામાં કુલ 320 નવા બેડ કોરોનાના દરદીઓ માટે ઊભા કરવામાં આવ્યા છે. જેમાં સુરેન્દ્રનગર સિવિલમાં 100, ધ્રાંગધ્રામાં 100, લીંબડીમાં 70 અને પાટડીમાં 50 બેડનો સમાવેશ થાય છે.

રાજકારણનું કારણ કોરોના

ગુજરાત કૉંગ્રેસના નેત શક્તિસિહં ગોહિલે મુખ્ય મંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને માગ કરી છે કે કોરોનાની સારવારમાં અસંવેદનશીલતા કે લાપરવાહીના જે કિસ્સા બહાર આવી રહ્યા છે, તેને રાજકારણ ગણવાના બદલે સકારાત્મકતાથી લેવામાં આવે. પોતાના પત્રમાં તેમણે મોરબી અને ભાવનગરના કિસ્સા પણ ટાંક્યા હતા.

ગોહિલના કહેવા પ્રમાણે, કોરોનાની સારવારમાં લાપરવાહી થઈ રહી હોવાની તેમને રજૂઆતો મળી છે અને બેડ ઉપલબ્ધ ન હોવાની તેમણે જાતમાહિતી પણ મેળવી છે.

શક્તિસિંહે દરેક જિલ્લામાં કોરોના મુદ્દે લોકોને હાલાકી પડતી હોય તો સીધી જ રજૂઆત કરી શકે તે માટે અધિકારીની નિમણૂક કરવાનું સૂચન કર્યું હતું.

ગુજરાત વિધાનસભામાં વિપક્ષના પૂર્વ નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે "ચૂંટણીમાં જીત મેળવવા માટે ભાજપ તથા નરેન્દ્ર મોદીએ જેટલી મહેનત કરી, એટલી મહેનત કોરોનાની સ્થિતિને કાબૂમાં લેવા માટે કરી હોત તો આજે આ સ્થિતિ ઊભી ન થઈ હોત."

તેમણે એવો પણ સવાલ ઉઠાવ્યો હતો કે મોદીજી કોરોના મુદ્દે પહેલી પત્રકારપરિષદ ક્યારે ભરશે.

આ પહેલાં બુધવારે નીતિન પટેલે કહ્યું હતું કે કૉંગ્રેસ કોરોના મુદ્દે રાજકારણ કરી રહી છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો