ચીને કહ્યું, "પાકિસ્તાન સાથેની અમારી મિત્રતા ઝિંદાબાદ" TOP NEWS

ચીન-પાકિસ્તાન સંબંધો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ચીન અને પાકિસ્તાન વચ્ચે રાજદ્વારી સંબંધોની 70મી વર્ષગાંઠ

શુક્રવારે ચીન અને પાકિસ્તાન વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 70મી વર્ષગાંઠ હતી.

ચીન અને પાકિસ્તાન હંમેશાં એકબીજાના સહયોગી અને સહભાગીની ભૂમિકામાં રહ્યાં છે.

આ પ્રસંગે ચીનના વિદેશમંત્રાલયના પ્રવક્તા ચાઓ લિજિયાને ચીન-પાકિસ્તાન સંબંધો પર ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા.

શિન્હુઆ ન્યૂઝે શુક્રવેરે ચીનના વિદેશમંત્રાલયની પત્રકારપરિષદમાં પુછ્યું, "તમે ઘણાં વર્ષો સુધી પાકિસ્તાનમાં કામ કર્યું. આજે જ્યારે બંને દેશ એકમેક વચ્ચેના રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 70મી વર્ષગાંઠ ઊજવી રહ્યા છે ત્યારે આપ બંને દેશોના સંબંધોના વિકાસ પર કંઈક કહેવા માગશો? ચીન-પાકિસ્તાના સહયોગ પર ચીન શું વિચારે છે?"

દરેક પ્રશ્નનો જવાબ આપતાં ચાઓએ કહ્યું, આજે ચીન-પાકિસ્તાન વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 70મી વર્ષગાંઠ છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડા પ્રધાન લી કેચિયાંગ અને વિદેશ મંત્રીએ પાકિસ્તાનમાં પોતપોતાના સમકક્ષોને અભિનંદન પાઠવ્યાં છે.

બંને પક્ષો તરફથી એકબીજાને અભિનંદન પાઠવવામાં આવ્યાં છે.

સાંજે બંને દેશો ક્રમશ: બીજિંગ અને ઇસ્લામાબાદમાં ઉજવણીનું આયોજન કરશે, જેમાં બંને દેશના નેતા પણ સામેલ હશે.

બંને દેશોની સરકારોએ સમગ્ર વર્ષ દરમિયાન સંયુક્તપણે આયોજિત રાજકીય, રાજદ્વારી, આર્થિક, ઉપ-રાષ્ટ્રીય, વૈજ્ઞાનિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સ્વાસ્થ્ય ક્ષેત્રો સાથે જોડાયેલા 120 કરતાં વધુ સમારોહ કરવા અંગે સમંતિ વ્યક્ત કરી છે. આનાથી બંને દેશો વચ્ચેના સૌહાર્દપૂર્ણ સંબંધોને વધુ વેગ મળશે.

પાછલાં 70 વર્ષોમાં રાજદ્વારી સંબંધોની સ્થાપના બાદથી ચીન અને પાકિસ્તાને એકબીજા પર દરેક પ્રકારે ભરોસો કર્યો છે, એકબીજાનું સન્માન કર્યું છે અને સમર્થન કર્યું છે. સાથે જ, અમે એક અત્યંત મજબૂત મિત્રતા કાયમ કરી છે અને આવી રણનીતિગત ભાગીદારી જાળવી છે જે હંમેશાં કાયમ રહે છે.

તેમણે કહ્યું કે અમે પાકિસ્તાન સાથે પોતાની મિત્રતા આગળ વધારવા, સહયોગમાં વધારો કરવા માટે પણ બધાનું સ્વાગત કરીએ છીએ.

ચીન-પાકિસ્તાનની મિત્રતા કાયમ રહે.

ચીન-પાકિસ્તાન મિત્રતા ઝિંદાબાદ!.

PM મોદી ભાષણો-સલાહો આપવાને બદલે મહામારીને રોકવા માટે નક્કર પગલાં લે : કૉંગ્રેસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

કોરોનાને લઈને ફરીથી કૉંગ્રેસના PM મોદી પર આકરા પ્રહાર

ધ ઇકૉનૉમિક ટાઇમ્સના એક અહેવાલ પ્રમાણે કૉંગ્રેસે ફરી એક વાર વડા પ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે.

રાહુલ ગાંધી સહિત કૉંગ્રેસના ઘણા નેતાઓએ PM મોદીને 'આત્મગ્લાનિનાં આંસુ' સારવાના બદલે દયા અને સારવારની જરૂર હોવાનો મત વ્યક્ત કર્યો છે.

નોંધનીય છે કે શુક્રવારે નરેન્દ્ર મોદી તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીના ડૉક્ટરો, પેરામેડિકલ સ્ટાફ અને અન્ય ફ્રન્ટલાઇન વર્કરો સાથે એક વર્ય્યુઅલ મિટિંગ દરમિયાન કોરોના વાઇરસના કારણે મૃત્યુ પામનારાઓને શ્રદ્ધાંજલિ પાઠવતી વખતે ભાવુક થઈ ગયા હતા.

આ બનાવ અંગે કૉંગ્રેસમાંથી જુદીજુદી પ્રતિક્રિયાઓ આવી હતી.

રાહુલ ગાંધીએ આ બનાવ બાદ ટ્વિટર પર લખ્યું હતું કે, "મોદીજી વૅક્સિન આપો, ટાળો નહીં."

આ ટ્વીટ સાથે તેમણે એક રિપોર્ટ પણ શૅર કર્યો જેમાં દાવો કરાયો હતો કે 70 ટકા જિલ્લામાં દર 100માંથી 20 લોકોને જ વૅક્સિન મળી શકી છે.

કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું, "ભારતને આત્મગ્લાનિનાં આંસુની નહીં, પરંતુ દયા અને સારવારની જરૂર છે. ભારતને સુશાસન થકી કોરોનાની મહામારીને હરાવવાની જરૂર છે."

આ સિવાય કૉંગ્રેસના સામાન્ય સચિવ (વ્યવસ્થાતંત્ર) કે. સી. વેણુગોપાલે કહ્યું કે, "ભાષણો કે સલાહો આપવાના સ્થાને હવે સમય પાકી ગયો છે કે વડા પ્રધાન નક્કર પગલાં લે"

કોરોના : સતત આઠમા દિવસે ગુજરાતમાં દસ હજાર કરતાં ઓછા કેસ નોંધાયા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો છે

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ પ્રમાણે શુક્રવારે સમગ્ર રાજ્યમાં કોરોનાના નવા 4,251 કેસ સામે આવ્યા હતા.

અમદાવાદમાં પણ પાછલા 43 દિવસ બાદ કોરોનના એક હજાર કરતાં ઓછા કેસો સામે આવ્યા હતા.

પાછલા સાત દિવસમાં ગુજરાતમાં કોરોનાના કેસોમાં 36 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે.

આટલું જ નહીં રાજ્યમાં મૃ્ત્યુદર પણ ઘટ્યો હતો.

આઠ મહાનગરપાલિકઓમાં પણ નવા કેસોની સંખ્યમાં ઘટાડો જોવા મળ્યો છે.

રસીકરણ કાર્યક્રમમમાં અવરોધ પેદા કરવા માટે વિપક્ષે તમામ પ્રયાસ કર્યા : જે. પી. નડ્ડા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

જે. પી. નડ્ડાનો વિપક્ષ પર રસીકરણ કાર્યક્રમમાં અવરોધ પેદા કરવાના આરોપ

ટાઇમ્સ ઑફ ઇન્ડિયા ડોટકૉમના એક અહેવાલ અનુસાર ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડાએ શુક્રવારે વિપક્ષ પર ભારતનો રસીકરણ કાર્યક્રમ અટકાવવા માટે શક્ય તમામ પ્રયાસ કર્યા હોવાનો આરોપ મુક્યો હતો.

તેમણે આરોપ મુક્યો હતો કે વિપક્ષે બંને ભારતીય રસીઓની સુરક્ષા પર સવાલ પેદા કરીને લોકોનાં મનમાં ભયનો માહોલ પેદા કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ સાથે જ તેમણે ખાતરી આપી હતી કે ભારતમાં તમામને સમયસર રસી મળી જશે.

તેમજ તેમણે નોંધ્યું કે હાલ દેશમાં કોરોનાના કેસોની સંખ્યા ઘટાડા પર છે જ્યારે રિકવરી રેટ વધી રહ્યો છે. આ વાતને તેમણે ભારતની કોરોનાને હરાવવા તરફ આગેકૂચ તરીકે ગણાવી હતી.

નોંધનીય છે કે જે. પી. નડ્ડા ભાજપના કિસાન મોરચા દ્વારા સ્થાપવામાં આવેલા કોવિડ હેલ્પ ડેસ્કના ઉદ્ઘટાન નિમિત્તે સંબોધન કરી રહ્યા હતા. જે દરમિયાન તેમણે આ વાત કરી હતી.

'ભારત સાથે પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકા પણ કોરોનાનો માર વેઠી રહ્યાં છે'

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ભારત સહિત પાડોશી રાષ્ટ્રોમાં પણ કોરોનાનો કેર?

જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીએ હાલમાં જ ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરની સ્થિતિને લઈને એક પબ્લિક સેમિનારનું આયોજન કર્યું હતું.

આ દરમિયાન જૉન્સ હૉપકિન્સ મેટર્નલ ઍન્ડ ચાઇલ્ડ હેલ્થ સેન્ટર ઇન્ડિયાનાં નિદેશક ડૉક્ટર અનીતા શેઠે કહ્યું કે એવું નથી કે માત્ર ભારત જ કોરોના મહામારીની ઘાતક લહેરનો સામનો કરી રહ્યું છે.

તેમણે કહ્યું કે, "નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા પણ કંઈક આવી જ સ્થિતિનો સામનો કરી રહ્યાં છે. આપણે હાલની પરિસ્થિતિને નકારવોનો ખતરો ન ઉઠાવી શકીએ."

ડૉક્ટર અનીતા શેઠે ચેતવણી આપી કે, "ભારતમાં જે કાંઈ થઈ રહ્યું છે તે ગમે ત્યાં થઈ શકે છે. આપણે વધારે સતર્ક રહેવાની જરૂર છે. એ જોઈને દુ:ખ થાય છે કે લોકોનાં મૃત્યુ ઇલાજ વગર જ થઈ રહ્યાં છે."

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો