ટૂલકિટ વિવાદ : સંબિત પાત્રાએ 'નકલી દસ્તાવેજ' શૅર કરીને કૉંગ્રેસ પર આરોપ મૂક્યો?

  • કીર્તિ દુબે
  • બીબીસી સંવાદદાતા
સંબિત પાત્રા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ટ્વિટરે સંબિત પાત્રાના ટ્વીટને મેનિપુલેટેડ મીડિયાની શ્રેણીમાં મુક્યો છે

સંબિત પાત્રા ભાજપના પહેલા એવા રાષ્ટ્રીય પ્રવક્તા બની ગયા છે જેમના ટ્વીટને ટ્વિટરે 'મેનિપુલેટેડ મીડિયા'ની શ્રેણીમાં મૂક્યું છે.

મેનિપુલેટેડ મીડિયાનો અર્થ એવી તસવીર, વીડિયો કે સ્ક્રીનશૉટ જે મારફતે કરાઈ રહેલા દાવાની પ્રામાણિકતાને લઈને શંકા હોય અને તેને મૂળપણે એડિટ કરવામાં આવ્યો હોય કે પછી તેની સાથે છેડછાડ કરેલ હોય.

આ બધું થયું ભાજપના એક દાવાને લઈને જેમાં સંબિત પાત્રા સહિત ભાજપના ઘણા નેતાઓએ વિપક્ષ કૉંગ્રેસ પાર્ટી પર કોવિડ-19 મહામારીને લઈને ટૂલકિટ દ્વારા મોદી સરકારની છબિ બગાડવાનો આરોપ લગાવ્યો છે.

આ સમગ્ર મામલાને સમજવા માટે પહેલાં જાણીએ કે આખરે ત્રણ દિવસ પહેલાં શું થયું હતું?

18 મેના રોજ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા અને ભાજપના મહાસચિવ બી. એલ. સંતોષે ચાર-ચાર પૅજના બે અલગ અલગ દસ્તાવેજના સ્ક્રીનશૉટ ટ્વીટ કર્યા.

તેમાંથી એક ડૉક્યુમેન્ટ કોવિડ-19ને અંગેનો હતો અને બીજો સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંગેનો હતો.

આ ટ્વીટમાં દાવો કરાયો હતો કે કૉંગ્રેસની ટૂલકિટ છે અને કૉંગ્રેસે દેશમાં કોરોના મહામારીને લઈને મોદી સરકારને બદનામ કરવા માટે આ ટૂલકિટ તૈયાર કરાઈ છે.

આરોપ લગાવવામાં આવ્યો કે આ ટૂલકિટ દ્વારા પાર્ટીએ પોતાના વૉલિટિયરોને કહ્યું કે મોદી સરકારને બદનામ કરવા માટે તેમણે ધર્મવિશેષને ટાર્ગેટ કરીને 'સુપર સ્પ્રેડર કુંભ' અને વાઇરસના મ્યુટેન્ટ સ્ટ્રેન માટે 'મોદી સ્ટ્રેન' જેવા શબ્દોનો ઉપયોગ સોશિયલ મીડિયા પર કરો, પરંતુ ઈદને 'હેપી સોશિયલ ગેધરિંગ' તરીકે રજૂ કરો.

કૉંગ્રેસ પર મોદીની છબિ બગાડવાનો આરોપ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની છબિ બગાડવા માટે ટૂલકિટ કોણે વહેતી કરી હતી?

ભાજપના નેતાએ કૉંગ્રેસ પર એવો પણ આરોપ મુક્યો કે પાર્ટીએ પોતાના કાર્યકર્તાઓને સોશિયલ મીડિયા પર મદદ માગી રહેલા લોકોનો સંપર્ક કરીને તેમને કૉંગ્રેસના હૅન્ડલને ટૅગ કરવા માટે કહ્યું છે અને જો આવું થાય તો જ મદદ કરવાનું કહેવાયું છે.

દાવા અનુસાર આ પ્રકારની અન્ય પણ ઘણી વાતો આ ચાર પૅજના દસ્તાવેજમાં લખવામાં આવી છે.

આ ટ્વીટ અને સ્ક્રીનશૉટને #CongressToolkitExposed હૅશટૅગ સાથે સંબિત પાત્રા સહિત ઘણા ભાજપના નેતાઓ અને પાર્ટી સમર્થકોએ ટ્વીટ કર્યાં.

આટલું જ નહીં ભાજપનાં ઘણાં કેન્દ્રીય નેતા જેમ કે સ્મૃતિ ઈરાની, ડૉ. હર્ષવર્ધન, પીયૂષ ગોયલ, કિરણ રિજિજૂએ પણ આ હૅશટૅગ સાથે 18 મેના રોજ જ ટ્વીટ કર્યાં

સંબિત પાત્રા અને બી. એલ. સંતોષે કૉંગ્રેસની ગણાવીને જે 'કોવિડ-19 મિસમૅનેજમેન્ટ ટૂલકિટ' ટ્વીટ કરી હતી તેને ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટી (AICC) રિસર્ચ ડિપાર્ટમેન્ટના લેટરહેડ પર તૈયાર કરાઈ હતી.

18 મેના રોજ કૉંગ્રેસ રિસર્ચ ડિપાર્ટમેન્ટના પ્રમુખ રાજીવ ગૌડાએ ટ્વીટ કર્યું અને કહ્યું, "ભાજપ 'કોવિડ-19 મિસમૅનેજમેન્ટ'ને લઈને ફૅક 'ટૂલકિટ' કૉંગ્રેસ રિસર્ચ ડિપાર્ટમેન્ટના નામથી ફેલાઈ રહી છે."

"અમે આ દગાખોરી પર ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડા અને સંબિત પાત્રા વિરુદ્ધ FIR દાખલ કરી રહ્યા છીએ."

કૉંગ્રેસે સંબિત પાત્રા, બી. એલ. સંતોષ, જે. પી. નડ્ડા, સ્મૃતિ ઈરાની અને અન્ય ભાજપના નેતાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે.

આ વાતના એક દિવસ બાદ 19 મેના રોજ સંબિત પાત્રાએ એક પત્રકારપરિષદમાં કહ્યું કે આ ડૉક્યુમેન્ટ બનાવનારાં સૌમ્યા વર્મા છે. તેમણે પ્રશ્ન કર્યો કે, "કૉંગ્રેસ જણાવે કે સૌમ્યા વર્મા કોણ છે?"

સૌમ્યા વર્મા કૉંગ્રેસ સાથે કામ કરે છે એવું બતાવવા સંબિત પાત્રાએ સેન્ટ્રલ વિસ્ટાવાળા ડૉક્યુમેન્ટનો મેટાડેટા સોશિયલ મીડિયા પર શૅર કર્યો. જેમાં ડૉક્યુમેન્ટના ઑથરના નામના સ્થાને સૌમ્યા વર્માનું નામ છે.

ત્યાર બાદ તેમણે રાજીવ ગૌડા અને રાહુલ ગાંધી સાથે લેવાયેલી સૌમ્યા વર્માની તસવીરો અને તેમનું લિંક્ડઇન ઍકાઉન્ટ શૅર કર્યું.

આ એકાઉન્ટના બાયોમાં એવી જાણકારી અપાઈ હતી કે સૌમ્યા રાજીવ દેવગૌડા માટે કામ કરે છે.

કોવિડ ટૂલકિટ અમે નથી બનાવી : કૉંગ્રેસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

વડા પ્રધાને અને ભાજપની અપકીર્તિ થાય એ માટે કૉંગ્રેસે પોતે ટૂલકિટ ન બનાવી હોવાનો દાવો કર્યો છે

આ મુદ્દે બીબીસીએ કૉંગ્રેસ રિસર્ચ ડિપાર્ટમેન્ટના પ્રમુખ રાજીવ ગૌડા સાથે વાત કરી.

તેમણે કહ્યું કે, "સેન્ટ્રલ વિસ્ટા પર જે ડૉક્યુમેન્ટની વાત થઈ રહી છે તે અમારી ટીમે બનાવ્યું છે લીક થઈને ભાજપ સુધી પહોંચ્યો છે. પરંતુ કોવિડ-19ને લઈને જે ટૂલકિટ તૈયાર થઈ છે તે સંપૂર્ણપણે નકલી છે."

"અમે ક્યારેય આવો કોઈ દસ્તાવેજ બનાવ્યો જ નથી. જ્યારે દેશ પર આટલું મોટું સંકટ છે અને આટલું બધું કરી શકાય એવું છે ત્યારે ભાજપ એ ના કરીને યૂથ કૉંગ્રેસના કરાયેલાં કામને બદનામ કરવામાં લાગેલો છે."

"અને લોકોનું ધ્યાન સાચા મુદ્દાથી હઠાવવાના પ્રયત્નો કરી રહ્યો છે."

તેમણે કહ્યું કે, "સૌમ્યા વર્મા અમારી ટીમનો એક ભાગ છે અને તેમણે સેન્ટ્રલ વિસ્ટા પર રિસર્ચ ડૉક્યુમેન્ટ બનાવ્યો છે જેનો ઉલ્લેખ સંબિત પાત્રાએ પોતાના ટ્વીટમાં કર્યો છે."

"પરંતુ કોવિડ-19ને લઈને ટૂલકિટ બનાવવાનો જે આરોપ તેમણે લગાવ્યો છે તે બિલકુલ ગલત છે. તે કૉંગ્રેસની નથી."

રાજીવ ગૌડાએ બીબીસી સાથે સેન્ટ્રલ વિસ્ટા પર કૉંગ્રેસ દ્વારા તૈયાર કરાયેલ દસ્તાવેજ શૅર કર્યો."

"ડૉક્યુમેન્ટ હાથમાં આવતાં ખબર પડી કે તે ચાર નહીં પરંતુ છ પાનાંનો છે, પરંતુ ભાજપના નેતાઓએ તેનાં ચાર જ પૅજ શૅર કર્યાં છે.

તેનો મેટાડેટા કાઢવા પર અમને પણ એ જ જાણકારી મળી જે સંબિત પાત્રાએ શૅર કરી હતી. આ ડૉક્યુમેન્ટને બનાવનારાં સૌમ્યા વર્મા છે અને આ દસ્તાવેજ સાત મે, 2021ના રોજ બનાવાયો છે.

પરંતુ ધ્યાન આપવા જેવી બાબત તો એ છે કે સંબિત પાત્રાએ પણ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની જાણકારીમાં જ સૌમ્યા વર્માના નામનો ઉલ્લેખ કર્યો છે.

સોશિયલ મીડિયા પર કોવિડ-19 ટૂલકિટની ચર્ચા સૌથી વધુ થઈ રહી છે ખરી પરંતુ ભાજપ કે સંબિત પાત્રાએ અત્યાર સુધી તેની કોઈ જાણકારી નથી આપી.

એટલે કે સૌમ્યા વર્મા નામની વ્યક્તિને સેન્ટ્રલ વિસ્ટા પર ડૉ્યુમેન્ટ બનાવ્યો છે પરંતુ 'કોવિડ મિસમૅનેજમેન્ટ ટૂલકિટ' કોણે બનાવી છે એ હજુ સુધી ખબર પડી નથી.

તો શું ભાજપે શૅર કરી નકલી ટૂલકિટ?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ખરેખર કોણે બનાવી ટૂલકિટ?

બીજી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે સેન્ટ્રલ વિસ્ટા પર જે ડૉક્યુમેન્ટ ટૂલકિટ ગણાવાઈને શૅર કરાઈ રહી છે તે ખરેખર ટૂલકિટ નથી પરંતુ એક રિસર્ચ ડૉક્યુમેન્ટ છે જેમાં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના કારણે થનાર નુકસાનની વાત કરાઈ છે.

જ્યારે ટૂલકિટ ખરેખર એ ડૉક્યુમેન્ટ હોય છે જેમાં ઍક્શન પૉઇન્ટ આપવામાં આવેલા હોય છે, કે કેવી રીતે અમુકે મુદ્દે આગળ વધવાનું છે.

વધુ એક વાત જે ભાજપ દ્વાર શૅર કરાયેલ ટૂલકિટને નકલી ગણાવે છે તે એ કે ભાજપે ચાર-ચાર સ્ક્રીનશૉટ સાથે બે ડૉક્યુમેન્ટ શૅર કર્યા જેમાં એકનું શીર્ષક છે - સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ ને બીજાનું શીર્ષક છે કૉર્નરિંગ મોદી ઍન્ડ BJP ઑન કોવિડ મિસમૅનેજમેન્ટ.

બંને ડૉક્યુમેન્ટ ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીના રિસર્ચ ડિપાર્ટમેન્ટના લેટરહેડ પર તૈયાર કરાયા છે.

પરંતુ આ લેટરહેડને કૉંગ્રેસ દ્વારા અપાયેલા ડૉક્યુમેન્ટ લેટરહેડથી મેળવીને જોતાં સેન્ટ્રલ વિસ્ટા ડૉક્યુમેન્ટ લેટરહેડ તો તેની સાથે મળતો આવે ચે પરંતુ કોવિડ મિસમૅનેજમેન્ટની ટૂલકિટ પર જે લેટરહેડના ફૉન્ટ છે તે અસલી લેટરહેડ કરતાં ઘણા અલગ છે.

એ જોઈને ખબર પડે છે કે તેની સાથે ચેડાં કરવામાં આવ્યાં છે.

વધુ એક મહત્ત્વની વાત એ પણ છે કે સંબિત પાત્રા અને ભાજપના નેતાઓએ કૉંગ્રેસની બનાવેલી ટૂલકિટ ગણાવીને જે ડૉક્યુમેન્ટ શૅર કર્યા છે, તેના માત્ર સ્ક્રીનશૉટ શૅર કર્યા છે, તેની PDF કે વર્ડ ફાઇલ નહીં.

આવી પરિસ્થિતિમાં તેનો મેટાડેટા ન કાઢી શકાય અને ઑથરની ખબર ન પડી શકે.

આવી પરિસ્થિતિમાં ભાજપે કોવિડ-19 મિસમૅનેજમેન્ટને લઈને જે ડૉક્યુમેન્ટ સોશિયલ મીડિયા પર શૅર કર્યો છે તે ઘણા પ્રકારે નકલી સાબિત થાય છે.

પરંતુ તે ખરેખર કોણે તૈયાર કર્યો છે તેનો યોગ્ય જવાબ હજુ સુધી નથી મળી શક્યો.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો