યાસ વાવાઝોડું : 26મીએ ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ત્રાટકશે, સેના તહેનાત

યાસ વાવાઝોડું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

તૌકતે બાદ ભારત પર વધુ એક વાવાઝોડા યાસની આફત

હાલમાં જ કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાતમાં તૌકતે ચક્રવાતે તારાજી સર્જી હતી. અને હવે પશ્ચિમ બંગાળ અને ઓડિશાને ધમરોળવા માટે યાસ ચક્રવાત ગતિમાન થયું છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર વાવાઝોડું 26મી તારીખે સાંજે ઓડિશાના પારાદીપ અને બંગાળના દક્ષિણી 24 પરગણાના વચ્ચે લૅન્ડફોલ થશે. જે 155થી 165 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનો સાથે ત્રાટકી શકે છે.

જેને પગલે આર્મી, નેવી, ઍરફૉર્સની ટીમો પણ સ્ટેન્ડ-બાય કરી દેવાઈ છે. એનડીઆરએફની ટીમો રવાના થઈ ગઈ છે. બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશમાં આવી કૂલ 99 ટીમો રવાના કરાઈ છે.

જહાજ, વિમાનો, હેલિકૉપ્ટર્સ સહિતના સાધનો પણ તહેનાત કરાયાં છે. વડા પ્રધાન મોદી અને ગૃહ મંત્રી સહિતનાએ સ્થિતિની સમીક્ષા માટે બેઠકો કરી છે.

બીજી તરફ મુખ્ય મંત્રી મમતા બેનરજીએ કહ્યું કે, યાસ વાવાઝોડાની સ્થિતિનું તેઓ ખુદ મૉનિટરિંગ કરશે.

ઉપરાંત રેલવે દ્વારા આ રૂટ પરની કેટલીક ટ્રેનો પણ રદ કરવામાં આવી છે.

24 પરગણા સહિતના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવાનું ચાલુ કરી દેવાયું હોવાના રિપોર્ટ્સ પણ છે.

સાથે જ બિહાર અને ઝારખંડમાં ભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગ અનુસાર ચક્રવાત આગામી 24 કલાકમાં શક્તિશાળી ચક્રવાતમાં ફેરવાશે અને ત્યાર પછીના 24 કલાકમાં તે અતિશય શક્તિશાળી ચક્રવાતમાં ફેરવાઈ જશે. જેથી 185 કિલોમિટરની ઝડપે ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.

ઓડિશાના કાંઠા વિસ્તારમાં રહીશોમાં ચિંતા અને ભય પ્રવર્તી રહ્યો હોવાના પણ રિપોર્ટ્સ નોંધાયા છે.

સ્થાનિક વહીવટી તંત્ર અને કેન્દ્રીય એજન્સીઓ રાહત-બચાવની કામગીરી માટે તૈયારીઓમાં છે.

વળી બીજી તરફ બાંગ્લાદેશના વડાં પ્રધાન શેખ હસીનાએ પણ બાંગ્લાદેશને યાસ વાવાઝોડા માટે તૈયાર રહેવા જણાવ્યું છે. બાંગ્લાદેશ પણ આ મામલે પૂર્વ અગમચેતીના પગલાંઓ લઈ રહ્યું છે.

બંગાળની ખાડીમાં સર્જાનારું યાસ વાવાઝોડું હાલ પોર્ટ બ્લેરથી 600 કિલોમિટર દૂર છે.

વાવાઝોડાની ચેતવણીને કારણે પશ્ચિમ બંગાળના માછીમારોને આગામી જાણ ન થાય ત્યાં સુધી સમુદ્રમાં ન જવાની સલાહ અપાઈ છે.

સમાચાર એજન્સી ANI પ્રમાણે વાવાઝોડાના કારણે ભારતીય સેનાએ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં પોતાની ટીમો તહેનાત કરી દીધી છે.

યાસ વાવાઝોડાનું નામ કોણે આપ્યું અને શું છે અર્થ?

ઇમેજ સ્રોત, Getty Images

ડીએનએ ડોટકૉમના એક અહેવાલ અનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલા આ વાવાઝોડું નામકરણ ઓમાને કર્યું છે.

નોંધનીય છે કે એક સ્થાપિત કરેલી પ્રક્રિયા અનુસાર પૅનલમાં સામેલ સભ્ય દેશો દ્વારા વારાફરતી વાવાઝોડાનું નામકરણ કરવામાં આવે છે.

અહેવાલ પ્રમાણે કહેવાય છે કે 'યાસ' એ ફારસી ભાષાનો શબ્દ છે. જેનો અંગ્રેજીમાં અર્થ થાય છે જાસ્મિન. તેમજ 'યાસ'ના અર્થને એક સારી ખુશ્બુ ધરાવતા ઝાડ તરીકે પણ દર્શાવવામાં આવે છે.

ઘણા લોકો 'યાસ' વાવાઝોડાને 'યાશ' તરીકે સ્પેલ કરી રહ્યા છે. પરંતુ 'યાસ' એ લખવાની અને બોલવાની રીતે સાચું નામ છે.

ગત વર્ષોમાં સર્જાયેલાં વાવાઝોડાં

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

હવામાન વિભાગનું અનુમાન છે કે યાસ વાવાઝોડું ભારે ગતિ સાથે પૂર્વ ભારતમાં ટકરાશે

ગત વર્ષ એટલે કે વર્ષ 2020ની વાત કરીએ તો ભારતના દરિયાકાંઠાના વિસ્તારો પર કુલ પાંચ વાવાઝોડાં ત્રાટક્યા હતાં

વર્ષ 2020માં બંગાળની ખાડીમાં અંફન વાવાઝોડું સર્જાયું હતું. જે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે લૅન્ડફૉલ થયું હતું. લૅન્ડફૉલ સમયે હવાની ઝડપ 240 કિમી પ્રતિ કલાક નોંધાઈ હતી.

અંફન સુપર સાયક્લૉન બન્યું હતું. જે પશ્ચિમ બંગાળના બખ્ખાલી વિસ્તારમાં ત્રાટક્યું હતું. 16થી 20 મે, 2020 દરમિયાન ત્રાટકેલા વાવાઝોડાંના કારણે ગત વર્ષે ચાલી રહેલી કોરોનાની કામગીરીમાં પણ અવરોધ ઊભા કર્યા હોવાના અહેવાલ જોવા મળ્યા હતા.

આ પહેલાં વર્ષ 2019માં આવો જ એક સુપર સાયક્લોન ક્યાર સર્જાયો હતો. પરંતુ તે અરબ સાગરના વિસ્તારો પર ત્રાટક્યો હતો.

આ સિવાય વર્ષ 2019માં 'વાયુ' વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ત્રાટક્યું હતું.

અંફન બાદ નિસર્ગ વાવાઝોડાની આફત ભારતના પશ્ચિમી દરિયાકાંઠે આવી હતી.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પૂર્વ કાંઠનાં રાજ્યોમાં યાસ વાવાઝોડું ભારે નુકસાન કરશે તેવું અનુમાન કરાઈ રહ્યું છે

જૂન, 2020માં ત્રાટકેલ આ વાવાઝોડાનું લૅન્ડફૉલ મહારાષ્ટ્રમાં થયું હતું. લૅન્ડફૉલ સમયે હવાની ઝડપ 110 કિલોમિટર પ્રતિ કલાક હતી.

ત્યાર બાદ ભારતની આસપાસના સમુદ્રી વિસ્તારોમાં ગતિ, નીવાર અને બુરેવી વાવાઝોડાં સર્જાયાં હતાં. જે પૈકી ગતિ અરબ સાગરનાં ક્ષેત્રોમાં સર્જાયું હતું. જ્યારે બાકીનાં વાવાઝોડાં પૂર્વ કાંઠે સર્જાયાં હતાં.

અરબ સાગરના વિસ્તારોમાં સર્જાયેલ ગતિ વાવાઝોડાથી બચવામાં ગુજરાત અને અન્ય પશ્ચિમ કાંઠાનાં રાજ્યો સૌભાગ્યશાળી સાબિત થયાં હતાં.

કારણ કે આ વાવાઝોડું વિકરાળ સ્વરૂપ ધારણ કરી 165 કિલોમિટર પ્રતિકલાકની ઝડપે સોમાલીયાના હાફુન ખાતે ટકરાયું હતું.

23 નવેમ્બરથી 27 નવેમ્બર, 2020 દરમિયાન બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડા નીવારની ઉત્પત્તિ સમયે તેને ખૂબ જ ઘાતક વાવાઝોડું મનાઈ રહ્યું હતું.

પરંતુ સદ્નસીબે જ્યારે તે ભારતના પૂર્વ કાંઠાના વિસ્તારો પર ત્રાટક્યું ત્યારે તેની તીવ્રતા ઘટી ચૂકી હતી. નીવાર વાવાઝોડું પુડુચેરીના કરાઈકલ અને મામલ્લપુરમ વચ્ચે ત્રાટક્યું હતું.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો