વિજય રૂપાણી અને નીતિન પટેલની સરકારનાં પાંચ વર્ષની ઉજવણીની જાહેરાત પર લોકોએ શું કહ્યું?

વિજય રૂપાણી

ઇમેજ સ્રોત, Facebook/VijayRupani

ઇમેજ કૅપ્શન,

વિજય રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાને લઈ ઉજવણી કરાશે

મુખ્ય મંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલના નેતૃત્વવાળી સરકારના ઑગસ્ટ મહિનામાં પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે, સમગ્ર રાજ્યમાં સુશાસનદિવસ ઉજવવામાં આવશે.

ગુજરાત માહિતી ખાતાની પ્રેસનોટ અનુસાર 'પાંચ વર્ષ આપણી સરકારના - સૌના સાથ, સૌન વિકાસના... 'અંતર્ગત પહેલી ઑગસ્ટથી લઇને નવ ઑગસ્ટ સુધી રાજ્ય સરકાર વિવિધ કાર્યક્રમો દ્વારા સુશાસનદિવસની ઉજવણી કરશે

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે જનભાગીદારી દ્વારા વિવિધ લોકોપયોગી કાર્યક્રમનું અયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમો દ્વારા જન-ઉપયોગી સેવાઓને વધુ સઘન બનાવવામાં આવશે અને વિવિધ ફ્લૅગશિપ યોજનાનો વ્યાપ વધારવામાં આવશે.

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પાંચ વર્ષ પૂર્ણ થવાને લઈને ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું, "પાંચ વર્ષ, આપણી સરકારના - સૌના સાથ, સૌના વિકાસના." સાથે જ ટ્વીટમાં શેર કરાયેલી તસવીરમાં વિવિધ દિવસો ઉજવવાની જાણકારી પણ સામેલ હતી.

રાજ્ય સરકાર દ્વારા અલગ-અલગ દિવસે અલગ-અલગ ઉજવણી કરવામાં આવશે.

પહેલી ઑગસ્ટનો દિવસ જ્ઞાનશક્તિદિવસ તરીકે ઉજવાશે, જે અંતર્ગત શિક્ષણને લગતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

બીજી ઑગસ્ટના રોજ સંવેદનાદિવસ અંતર્ગત વિવિધ જનહિતકારી યોજનાઓના દસ્તાવેજો નાગરિકોને સરળતાથી મળી રહે તે પ્રકારના કાર્યક્રમો કરાશે.

4 ઑગસ્ટે નારી ગૌરવ દિવસે મહિલાઓ સાથે સંકળાયેલા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે.

વીડિયો કૅપ્શન,

'કૉંગ્રેસે હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ તરીકે પૂરતા પાવર આપ્યા નથી' - નિખિલ સવાણી

કિસાન સૂર્યોદય યોજના - સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજીને 5 ઑગસ્ટે "કિસાન સન્માન દિવસ"ની ઉજવણી કરવામાં આવશે.

"રોજગારદિવસ"ની ઉજવણી અંતર્ગત 6 ઑગસ્ટે રોજગારીની તકો અંગેના કાર્યકમો યોજાશે.

7 ઑગસ્ટે "વિકાસદિવસ"ની ઉજવણી કરવામાં આવશે, જેમાં વિકાસ કામો વિશે વાત કરવામાં આવશે.

આઠ ઑગસ્ટે "શહેરી જન સુખાકારી દિવસ" તરીકે ઉજવણી કરાશે અને નવમી ઓગસ્ટે "વિશ્વ આદિવાસી દિવસ" નિમિત્તે રાજ્યના આદિવાસી વિસ્તારોમાં અનેક વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો યોજવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના ટ્વીટને લઈને ઘણાં યુઝર્સે વિવિધ પ્રતિક્રિયાઓ આપી હતી.

જેમાં મોટાભાગના યુઝર્સે પ્રતિક્રિયા આપતા સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો તો અમુકે સરકારની તરફેણમાં રહી શુભેચ્છા પાઠવી હતી.

કોણે શું કહ્યું?

અક્કિસિંહ ગોહિલ નામના યુઝરે લખ્યું કે "નેતાઓનો વિકાસ થયો છે, બાકી કિસાન દેશદ્રોહી, દૈનિક ભાસ્કર દેશદ્રોહી, પૅટ્રોલ ડીઝલના ભાવનો વિરોધ કરનાર દેશદ્રોહી, રોજગાર માગનાર દેશદ્રોહી. તમે 182 સારાસભ્યો છો, બાકી બધા દેશદ્રોહી."

અન્ય એક યુઝર એઝાઝે લખ્યું કે, "અરે સૌનો સાથ સૌનો વિકાસવાળી સરકાર ગૅસ સિલિન્ડરના 800 કરતાં વધારે, એમાં પણ સબસિડી બંધ કરી. પાંચ વર્ષની વાત કરીએ તો ડબલ પેટ્રોલ-ડીઝલ 98 રૂપિયા લિટર. આ પણ વિકાસ જ છે. લૉકડાઉનમાં વીજ બિલની માફી, આર્થિક સહાયના જુઠ્ઠા વાયદાઓ. આ પણ વિકાસ જ છે. બેરોજગારી અને મોંઘવારીનો પણ વિકાસ કર્યો."

સચિન પ્રણામીએ લખ્યું કે, "પાંચ વર્ષ તમારી સરકારનો તમારી સાથે, તમારો વિકાસ(MLA), બાકી પ્રજાનું તો બધાને ખબર જ છે."

જ્યારે પિરાજી પરમારે લખ્યું હતું કે, "ઉત્સવો અને મેળાઓ અને જમાવટોવાળી સરકાર છે. કોરોનાકાળમાં લોકોને બેજવાબદારીવાળુ-બેદરકારીવાળુ-માનવવધવાળુ-માનવ હત્યાઓવાળુ શાસન ગુજરાત અને કેન્દ્ર સરકારે જે જનતાને આપ્યું છે તે ઇતિહાસમાં પ્રથમ નંબરે રહેશે."

અનિકેતે લખ્યું કે, "ચૂંટણીઓના તાયફાઓ કરી કોરોનાની બીજી વેવને નોતરી હવે વિકાસના તાયફાઓ કરી ત્રીજી વેવનો ભોગ બનાવો જનતાને. સામાન્ય માણસને પોતાના પૈસાથી ગુજરાન ચલાવવાનું હોય છે, નેતાઓની જેમ સરકારી પૈસે તાગડધિન્ના નથી થતાં."

ઝાલા દિગ્વિજયસિંહે લખ્યું કે, "શાનો વિકાસ, મોંઘવારીનો વિકાસ? ભાવવધારાનો વિકાસ? લોકોને હેરાન થવાનો વિકાસ? કોરોનામાં મરવાનો વિકાસ? અરે શરમ કરો, લોકો હેરાન થાય છે અને તમે પોતાની પીપુડી વગાડો છો. સાચું તમને પણ ખબર છે. તમે બધા નિષ્ફળ ગયા છો."

જો કે બીજીતરફ કેટલાક યુઝર્સે સરકારની પ્રશંસા પણ કરી હતી.

ગુર્જર હરગોવન મિસ્ત્રીએ લખ્યું કે, "ગુજરાત સરકારે વિકાસમાં સરાહનીય કામગીરી કરી છે, અવિરત વિકાસ અને સલામતી માટે કટિબદ્ધ છે. આવનાર ચૂંટણીનું પરિણામ પણ પૂર્ણ બહુમતી સાથે સર કરશે. 127 બેઠકો મેળવીને ગુજરાતમાં વિજય પતાકા લહેરાવી પ્રતિષ્ઠિત સરકાર પ્રસ્થાપિત થશે. વિજય ધ્વજ તળે રૂપાણી સરકારનું રાજતિલક થશે."

ક્લાઉડ માસ્ટર ગોગોએ મુખ્ય મંત્રી વિજય રૂપાણીને અભિનંદન પાઠવતા લખ્યું કે, "અમે ઇચ્છીએ છીએ કે તમે આગામી ટર્મ માટે આપણા રાજ્યના મુખ્ય મંત્રી તરીકે રહો. વિજય રૂપાણીના પાંચ વર્ષ પૂર્ણ. ભ્રષ્ટાચાર મુક્ત શાસન માટે આભાર."

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો