મહારાષ્ટ્ર વરસાદ : ભૂસ્ખલન તથા ઇમારત પડવાથી 70 કરતાં વધુનાં મૃત્યુ

  • ટીમ બીબીસી ગુજરાતી
  • નવી દિલ્હી
મહારાષ્ટ્રમાં વરસાદથી ભારે તારાજી

ઇમેજ સ્રોત, Defense PRO

ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં જનજીવન ઠપ થઈ ગયું છે. કુદરતી હોનારતને કારણે લગભગ 70 કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયા છે, જ્યારે 40 કરતાં વધુ લોકો લાપતા છે.

રાયગઢ જિલ્લામાં ભૂસ્ખલનને કારણે 40 લોકોનાં મૃત્યુ થયા હોવાના અહેવાલ છે. આ સિવાય કોલ્હાપુરમાં 45-50 લોકોનાં મૃત્યુની વાત રાજ્ય સરકારના પ્રધાને કહી છે.

ભારે વરસાદ તથા પાણી ભરાવાને કારણે આઈટી સિટી પુના તથા આઈટી હબ બેંગ્લુરુ (કર્ણાટક) વચ્ચેનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે હાઈવે ઉપર વાહનોની લાઇનો લાગી છે.

હવામાન ખાતાએ આગામી મંગળવાર સુધી પુના, સત્તારા, કોલ્હાપુર તથા કોંકણ વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

કેન્દ્ર સરકાર દ્વારા સેના, નૌકાદળ તથા એનડીઆરએફની ટુકડીઓને સ્થાનિક વહીવટીતંત્રની સહાય માટે અલગ-અલગ સ્થળોએ રવાના કરવામાં આવી છે.

રાયગઢમાં ભૂસ્ખલન

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મહાડ તાલુકા હેઠળ આવતાં તલિયે ગામ ખાતે ભૂસ્ખલન થવાથી 36 લોકોનાં મૃત્યુ થયા છે, જ્યારે 30-40 લોકો ફસાયેલા હોવાનું માનવામાં આવે છે. શિલા તથા કાદવ ધસી પડવાને કારણે 30-35 મકાન સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગયા છે. અન્ય એક ગામમાં ચાર લોકોનાં મૃત્યુ થયા છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતી વખતે રાયગઢ જિલ્લાના કલેક્ટર નિધિ ચૌધરીએ તલિયેની ઘટનાની પુષ્ટિ કરી હતી. રાયગઢના પ્રભારી પ્રધાન અદિતી તટકરેએ ખાનગી ન્યૂઝ ચેનલ એબીપી માઝા સાથે વાત કરતા જણાવ્યું :

"તલિયે ખાતે 30થી 32 મૃતદેહ મળ્યા છે. ભારે વરસાદને કારણે ત્યાં ભારે હાલાકી પડી રહી છે. ત્યાં કાદવ અને કળણ છે. તમામ મૃતદેહને બહાર કાઢી લેવામાં આવ્યા છે. કારણ કે સાંજે પાંચ-છ વાગ્યા પછી અંધારું થયા બાદ મુશ્કેલી સર્જાઈ હોત."

એનડીઆરએફ (નેશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફૉર્સ) તથા અન્ય રાહત અને બચાવ એજન્સીઓ ઘટનાસ્થળે ધસી ગઈ છે. રાયગઢ જિલ્લાની જ અન્ય એક ઘટનામા સુતારવાડી વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે ચાર લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે વધુ ચાર લોકો દબાયેલા હોવાની પુષ્ટિ થઈ છે, જેમને બહાર કાઢવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

રાયગઢ અને રત્નાગિરિમાં પ્રવર્તમાન સ્થિતિને પહોંચી વળવા માટે મહારાષ્ટ્ર સરકારે ભારતીય નૌકાદળની ટીમોને વિનંતી કરી હતી, જેને ધ્યાને લઈને સાત ટીમો પૂરગ્રસ્ત વિસ્તારોમાં રવાના કરવામાં આવી છે. આ સિવાય સેનાની પણ મદદ માગવામાં આવી છે.

રૂ. બે-બે લાખની સહાય

મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ લોકોને બહાર કાઢીને સલામત સ્થળે ખસેડવા માટે સ્થાનિક વહીવટીતંત્રને નિર્દેશ આપ્યા છે. આ સિવાય જે વિસ્તારોમાં ભૂસ્ખલન થવાની આશંકા હોય, ત્યાંથી પણ લોકોને સલામત સ્થળે ખસેડવાના નિર્દેશ આપ્યા છે.

તેમણે સ્થાનિક વહીવટીતંત્રને સહયોગ આપવા નાગરિકોને અપીલ કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાયગઢના ભૂસ્ખલનમાં મૃત્યુ પામનારાના પરિવારજનોને રૂ. બે-બે લાખ તથા ઇજાગ્રસ્તોને રૂ. 50-50 હજાર આપવાની જાહેરાત કરી છે. આ રકમ વડા પ્રધાન રાહત ભંડોળમાંથી આપવામાં આવશે. આ જાહેરાત વડા પ્રધાનના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી કરવામાં આવી હતી.

ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે તથા એનડીઆરએફના ડાયરેક્ટર જનરલ એસએન પ્રધાન સાથે વાત કરી હતી અને સ્થિતિ વિશે માહિતી મેળવી હતી તથા કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યને શક્ય તમામ સહાય આપવાની ખાતરી આપી હતી.

આ પહેલાં ગુરૂવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી હતી અને કેન્દ્રના સહયોગની ખાતરી આપી હતી.

વરસાદથી વકરતી સ્થિતિ

મહારાષ્ટ્રના રાહત અને પુનર્વસન પ્રધાન વિજય વાડ્ડેતિવારના કહેવા પ્રમાણે, કોલ્હાપુરમાં પંચગંગા નદીનું જળસ્તર ઝડપભેર વધી રહ્યું છે, જેણે ચિંતાજનક સ્થિતિ ઊભી કરી છે. તેમણે 45થી 50થી લોકોનાં મૃત્યુની વાત કરી હતી.

વાડ્ડેતિવારના કહેવા પ્રમાણે, રાજ્ય સરકાર દ્વારા સહાય મોકલવામાં આવી છે. એનડીઆરએફની બે ટુકડી પહોંચી ગઈ છે, જ્યારે વધુ એક ટુકડી પહોંચશે. મળતી માહિતી પ્રમાણે પંચગંગા નદી 53 ફૂટની સપાટીએ વહી રહી છે.

સેનાની ટૂકડી મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લાના ચિપલૂન પહોંચી છે અને સ્થાનિક વહીવટીતંત્ર સાથે મળીને રાહત અને બચાવકાર્ય હાથ ધરવા માટે તજવીજ હાથ ધરી છે.

સ્થાનિકોનું કહેવું છે કે પૂર જેવી પરિસ્થિતિમાંથી ઉગરી ગયા બાદ જે સ્થિતિ ઊભી થઈ છે, તેને પહોંચી વળવા તથા રોજબરોજની ચીજવસ્તુઓ માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કેટલાક ઘરોમાં પાણી ભરાઈ ગયા હોવાથી લોકોને બહાર જ રહેવાની ફરજ પડી છે.

વીજપુરવઠો ખોરવાઈ ગયો છે તથા કેટલાક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલાં છે. રસ્તા અને પુલ પર પાણી ભરાયેલા હોવાથી રાહત અને બચાવકાર્યમાં અવરોધ ઊભા થઈ રહ્યા છે તથા કેટલાક ગામ સંપર્કવિહોણા થઈ ગયા છે.

રેલવેએ પણ ચિપલૂન તથા કામથે સ્ટેશન વિસ્તારમાં વધી ગયેલા જળસ્તરને કારણે હંગામી ધોરણે રેલસેવા બંધ કરી દીધી છે. ધારાસભ્ય ભાસ્કર જાધવના કહેવા પ્રમાણે, આ અત્યારસુધીનું સૌથી ભયાનક પૂર છે.

સતારા જિલ્લામાં વરસાદને કારણે આઠ લોકોનાં મૃત્યુ થવાની તથા બે લોકોના ગુમ થવાની પુષ્ટિ ન્યૂઝ એજન્સી એએનઆઈને કરી હતી. અહીં ભારે વરસાદને કારણે કોયના નદી જોખમી સપાટીથી ઉપર વહી રહી છે.

જળસપાટીને જાળવી રાખવા માટે કોયના, વિસર્ગ, ખડોશી તથા રાજારામ ડૅમમાંથી નિયમિત રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે. જિલ્લાના પાટણ તાલુકા હેઠળ આવતા કમ સે કમ ચાર સ્થળોએ ભૂસ્ખલનની ઘટના નોંધાઈ છે, જેના કારણે કેટલાક લોકો ગુમ થઈ ગયા છે.

લાપત્તા લોકોનો ચોક્કસ આંકડો મેળવવા માટે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આકલન હાથ ધરવામાં આવ્યું છે.

પુનામાં પણ શુક્રવારે મધ્યમથી ભારે વરસાદ પડ્યો હતો, જેની અસર સામાન્ય જનજીવન ઉપર જોવા મળી હતી. હવામાન ખાતાએ આગાહી કરી છે કે આવતા મંગળવાર (તા. 27 જુલાઈ) સુધી શહેરનું વાતાવરણ વાદળછાયું રહેશે અને મધ્યમ વરસાદ પડી શકે છે.

જળભરાવને કારણે પુના-બેંગ્લુરુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વાહનોની અવરજવર માટે બંધ કરી દેવાયો છે. યમગારિણી તથા નિપાણી નદીમાં પૂરને કારણે આમ કરવાની ફરજ પડી હતી.

શિવસેનાના સંસદસભ્ય અરવિંદ સાવંતે રાજ્યકક્ષાના ગૃહ મંત્રી નિત્યાનંદ રાયને પત્ર લખીને વિનંતી કરી છે કે મહારાષ્ટ્રના રત્નગિરિ તથા કોલ્હાપુરમાં રાહત તથા બચાવકાર્ય હાથ ધરવા માટે એનડીઆરએફની પૂરક ટુકડીઓ મોકલવામાં આવે.

પૂર અને રાજકારણ

ઇમેજ સ્રોત, @CMOMAHARASHTRA

વિધાન પરિષદમાં વિપક્ષના નેતા પ્રવીણ દારેકરે રત્નાગિરિ જિલ્લામાં ભારે વરસાદ અને પૂરની આગાહી હોવા છતાં પૂરતી તૈયારી નહીં કરવાનો આરોપ તંત્ર અને સરકાર ઉપર મૂક્યો હતો.

રત્નાગિરિ તથા રાયગઢ જિલ્લા વરસાદ અને ભૂસ્ખલનથી પ્રભાવિત થયા છે, જે કોંકણ પ્રાંત હેઠળ આવે છે. આ વિસ્તારમાં ભાજપના દિગ્ગજ નેતા તથા કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રને નેતાની જરૂર છે, જે રાજ્યના નાગરિકોના હિતોની રક્ષા કરી શકે, ડ્રાઇવરની નહીં.

તેમણે વરસાદ અને પૂરની પરિસ્થિતિમાં રાજ્ય સરકારની તૈયારીઓ ઉપર પણ સવાલ ઉઠાવ્યા હતા.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો