'માગણીઓ ન સંતોષાય ત્યાં સુધી જીએસટી ન ભરો' - પ્રહલાદ મોદી- Top News

ઑલ ઇન્ડિયા ફૅયર પ્રાઇઝ શૉપ ઍસોસિયેશનના ઉપ-પ્રમુખ પ્રહલાદ મોદી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ છે.
ઇમેજ કૅપ્શન,

ઑલ ઇન્ડિયા ફૅયર પ્રાઇઝ શૉપ ઍસોસિયેશનના ઉપ-પ્રમુખ પ્રહલાદ મોદી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ છે.

ઑલ ઇન્ડિયા ફૅયર પ્રાઇઝ શૉપ ઍસોસિયેશનના ઉપ-પ્રમુખ પ્રહલાદ મોદીએ વેપારીઓને આહ્વાન કર્યું છે કે જ્યાં સુધી પડતર માગણીઓનો ઉકેલ ન આવે ત્યાં સુધી ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ (જીએસટી) ભરવો નહીં.

એનડીટીવીના અહેવાલ અનુસાર મહારાષ્ટ્રના થાણેમાં એક જાહેર કાર્યક્રમમાં પ્રહલાદ મોદીએ જણાવ્યું કે કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર સમક્ષ પોતાની વાત રજૂ કરવા માટે વેપારીઓ આંદોલન કરવું જોઈએ.

"એટલું મોટું આંદોલન કરો કે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી તમારી પાસે આવવાની ફરજ પડે. નરેન્દ્ર મોદી હોય અથવા બીજી કોઈ વ્યક્તિ હોય, તેમને તમારી વાત સાંભળવી પડશે."

"સૌથી પહેલાં તમે મહારાષ્ટ્ર સરકારને પત્ર લખો કે જ્યાં સુધી અમારી માગણી નહીં સંતોષાય અમે જીએસટી નહીં ભરીએ. અમે લોકશાહીમાં જીવી રહ્યાં છીએ અને કોઈના ગુલામ નથી."

પ્રહલાદ મોદી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ છે અને તેઓ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર સામે નિવેદનો કરતા રહે છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી વખતે પ્રહલાદ મોદીનાં પુત્રી સોનલ મોદીએ ભાજપ પાસે ટિકિટની માગણી કરી હતી પરંતુ પક્ષ તરફથી ટિકિટ આપવામાં નહોતી આવી. ત્યારે પણ તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપને લઈને નિવેદન આપ્યું હતું.

વીડિયો કૅપ્શન,

ગુજરાત: ટિકિટ ન મળતાં PM મોદીનાં ભત્રીજી સોનલ મોદીએ સી. આર. પાટિલની નીતિ વિશે શું કહ્યું?

ચીને અરુણાચલ પ્રદેશ અને અકસાઈ ચીનને ભારતનો ભાગ ગણાવતા નકશા કબજે કર્યા

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન,

અરુણાચલ પ્રદેશ અને અકસાઈ ચીનને લઈને ભારત અને ચીન વચ્ચે વિવાદ છે

હિન્દુસ્તાન ટાઇમ્સ અનુસાર ચીનના કસ્ટમ વિભાગે અરુણાચલ પ્રદેશ અને અકસાઈ ચીનને ભારતનો ભાગ ગણાવતા નકશા કબજે કર્યા છે. શાંઘાઈ પુડોંગ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ચેકિંગ વખતે અધિકારીઓને આ નકશા મળી આવ્યા હતા, જે બાદ તેમને કબજામાં લઈને કાર્યવાહી કરવામાં આવી છે.

ચીન અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટના ભાગ ગણે છે. જ્યારે ભારતના રાજકરણીઓ અરુણાચલની મુલાકાત લે ત્યારે ચીન સખત વાંધો લે છે. અકસાઈ ચીનને તે શિનજિયાંગ વીગર ઑટોનોમસ રાજ્યનો ભાગ ગણે છે.

ધ પેપર ડૉટ કૉમની વેબસાઇટને ટાંકીને અખબાર લખે છે કે બૅડ કવર (ચાદરો)ની ઉપર અકસાઈ ચીન અને અરુણાચલ પ્રદેશને ભારતનો ભાગ બતાવતા નકશા છાપવામાં આવ્યા હતા.

ઇઝરાયલનો ઈરાન પર ઑઇલ ટૅન્કર પર ઘાતક હુમલો કરવાનો આરોપ

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન,

ઇઝરાયલના વિદેશ મંત્રી યાએર લાબિડે ઈરાન પર આતંકવાદ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો

ઇઝરાયલે ઈરાન પર લંડનસ્થિત કંપની ઝોડિયેક મૅરિટાઇમ દ્વારા સંચાલિત એક ઑઇલ ટૅન્કર પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે, આ હુમલામાં કથિત રીતે ક્રૂના બે સભ્યોનું મૃત્યુ થયું છે.

એમવી મર્સર સ્ટ્રીટ નામના ઑઇલ ટૅન્કર પર હુમલામાં માર્યા ગયેલા બે ક્રૂ મેમ્બર્સમાં એક બ્રિટિશ અને એક રોમાનિયન નાગરિક હતા.

ગુરુવારે બનેલી આ ઘટના વખતે એમવી મર્સર સ્ટ્રીટ ઑઇલ ટૅન્કર આરબ સાગરમાં ઓમાનના કિનારા નજીક હતું.

ઇઝરાયલના શિપિંગ વેપારી એયલ ઑફેરની માલિકીવાળી આ કંપનીએ કહ્યું છે કે 'આખી ઘટના કેવી રીતે બની એ જાણવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ.'

ઇઝરાયલના વિદેશ મંત્રી યાએર લાપિડે શુક્રવારે 'ઈરાન પર આંકતવાદનો આરોપ લગાવ્યો.'

તેમણે કહ્યું કે ''ઈરાન માત્ર ઇઝરાયલની સમસ્યા નથી, સમગ્ર વિશ્વે ચૂપ ન રહેવું જોઈએ.''

જોકે, યુકે સરકારના પ્રવક્તાએ કહ્યું કે ઘટના વિશે માહિતી મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

યુકે સરકારે કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ શિપ્સ અને ટૅન્કરોને મુક્ત રીતે અવરજવર કરવા દેવી જોઈએ.

આની પહેલાં જાપાનની કંપનીના એક ઑઇલ ટૅન્કર પર હુમલો થયો હતો પરંતુ ઈરાને તેના પર આ હુમલાના આરોપ પર કંઈ સ્પષ્ટતા નથી કરી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો