બળાત્કારના કેસમાં જ્યારે અદાલતમાં મહિલા સામે જ ચીંધાય છે આંગળીઓ

  • દિવ્યા આર્ય
  • બીબીસી સંવાદદાતા
પ્રતીકાત્મક તસવીર

કોઈ તમારું ખિસ્સું કાતરી જાય ત્યારે કોઈ એવું નથી કહેતું કે તમારો પણ કંઈક વાંક હશે, પરંતુ મામલો બળાત્કારનો હોય તો સવાલ પુછાતો હોય છે કે તમારો પણ કંઈક વાંક હશે. કાયદામાં આવો સવાલ પૂછવાનું ગેરકાયદે ઠરાવાયું છે, છતાં આ સવાલ પુછાતો રહ્યો છે.

તહલકા સામયિકના ભૂતપૂર્વ તંત્રી તરુણ તેજપાલને બળાત્કારના આરોપોમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા ત્યારે તે ચુકાદા પછી આ સવાલની ચર્ચાની ગુંજ સંભળાઈ રહી છે.

સવાલ એ હતો કે નવેમ્બર 2013માં બે રાત્રે તરુણ તેજપાલે પોતાની જુનિયર સ્ટાફની સભ્ય સાથે લિફ્ટમાં બળાત્કાર કર્યો હતો કે નહીં?

જવાબ મેળવવા માટે સવાલો પીડિતાને જ પૂછવામાં આવ્યા હતા.

સવાલ પુછાયો કે આ પહેલાં તેણે ક્યારે કોની કોની સાથે યૌનસંબંધ રાખ્યા, કોને ઈમેલ કર્યા, કોને મૅસેજ મોકલીને ફ્લર્ટિંગ કર્યું હતું - તેને સેક્સમાં આટલી બધી રુચિ હોય તો પછી તે બે રાત્રે પણ શું તેની સહમતી પણ નહોતી?

કથિત બળાત્કાર પછી પણ તે હસતી રહી હતી અને સારા મૂડમાં દેખાઈ હતી. ઑફિસના કામકાજમાં સામેલ થઈ હતી - જો તે આટલી ખુશ થઈને કામ કરી હોય તો પછી શું તેને ખરેખર બળાત્કાર પીડિત કહી શકાય ખરી?

વીડિયો કૅપ્શન,

બનાસકાંઠાનું એ ગામ જ્યાં મહિલાઓ હીરાઘસું બની કરી રહી છે પગભર થવાની કોશિશ

તરુણ તેજપાલની જાંઘ જમીનના કયા એંગલ પર હતી? પીડિતાના શિફૉન ડ્રેસની લાઇનિંગ ઘૂંટણથી ઉપર હતી કે નીચે? તેજપાલે આંગળીઓથી સ્પર્શ કર્યો હતો કે પીડિતાના શરીરમાં દાખલ કરી હતી - જો પીડિતાને આ બધી વાતો બરાબર યાદ નથી તો પછી તે સાચું બોલી રહી છે કે કેમ?

527 પાનાંના આ ચુકાદામાં બળાત્કારના આરોપને ખોટો જાહેર કરાયો અને આરોપીને છોડી મુકાયો.

આ કંઈ માત્ર અપવાદરૂપ નથી. ભારતમાં છેલ્લાં 35 વર્ષમાં થયેલા અલગઅલગ અભ્યાસો દર્શાવે છે કે બળાત્કારનો ભોગ બનેલી પીડિતા જો સમાજની દૃષ્ટિએ 'યોગ્ય' ગણાય તેવું વર્તન ના કરતી હોય તો પછી તેવા કેસમાં આરોપીને ઓછી સજા મળે છે અથવા નિર્દોષ જાહેર કરવામાં આવે છે.

બળાત્કારના આરોપની સુનાવણીમાં પીડિતાના વર્તન પર ધ્યાન આપવાની રીતને કાયદામાં અયોગ્ય ગણવામાં આવી છે. આમ છતાં ઘણા જજ આવી રીતે જ વિચાર કરીને જ ચુકાદો આપે છે. આવો તેનાં કેટલાંક ઉદાહરણો જોઈએ.

એ સ્ત્રી જેણે બળાત્કાર પૂર્વે અનેક વાર યૌનસંબંધ બાંધ્યા હોય

નેશનલ લૉ સ્કૂલ ઑફ ઇન્ડિયા યુનિવર્સિટીના કાયદાના પ્રોફેસર મૃણાલ સતીશે 1984થી 2009 સુધીના સુપ્રીમ કોર્ટ અને દેશની બધી હાઈકોર્ટે આપેલા બળાત્કારના ચુકાદાનો અભ્યાસ કર્યો છે.

તેમણે જોયું કે આ 25 વર્ષમાં આપવામાં આવેલા ચુકાદામાં અગાઉ ક્યારેય યૌનસંબંધ ના બાંધ્યો હોય તેવી સ્ત્રી પર બળાત્કારના કેસમાં મોટા ભાગે સૌથી વધુ સજા આપવામાં આવી હતી.

બળાત્કારનો આરોપ મૂકનારી સ્ત્રીએ લગ્ન પહેલાં કે લગ્ન બહાર યૌનસંબંધો બાંધ્યા હોય, તેવા કિસ્સામાં ઓછી સજા આપવામાં આવી હતી.

આ પ્રકારની સ્ત્રીઓ સામે કડક વલણ રાખવાનું વલણ સમાજની એ વિચારસરણી છે કે સ્ત્રી લગ્ન પહેલાં યૌનસંબંધ બાંધે તે નીચાજોણું કર્યા જેવું કામ કહેવાય.

'કુંવારાપણા'ને આપવામાં આવતું મહત્ત્વ એ દર્શાવે છે કે યૌનસંબંધ બાંધનારી સ્ત્રીને ઇજ્જતદાર ગણવામાં નથી આવતી, કેમ કે તેને ઇજ્જત જવાનો ડર રહ્યો નથી.

શારીરિક હિંસા વખતે તેને વધારે તકલીફ પણ નહીં થઈ હોય.

આ બધી ધારણાઓ પાછળનો નિષ્કર્ષ એ હોય છે કે લગ્ન પહેલાં જ સ્ત્રીએ યૌનસંબંધ બાંધ્યા હોય તો તે બળાત્કારનો ખોટો આરોપ લગાવી શકે છે. અથવા આ કિસ્સો સહમતીથી થયેલા યૌનસંબંધનો પણ હોઈ શકે.

દાખલા તરીકે 1984માં 'પ્રેમચંદ વિરુદ્ધ હરિયાણા રાજ્ય' મુકદ્દમામાં રવિશંકર નામના પુરુષ પર એક સ્ત્રીનું અપહરણ અને બળાત્કાર કરવાનો આરોપ હતો. સ્ત્રીના જણાવ્યા અનુસાર તે ફરિયાદ કરવા માટે પોલીસમાં ગઈ તો ત્યાં પોલીસવાળાઓએ પણ તેના પર બળાત્કાર કર્યો હતો.

નીચલી અદાલતમાં ત્રણ આરોપોને દોષી ઠરાવાયા હતા, પરંતુ રવિશંકરે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં અપીલ કરી તો તેને નિર્દોષ જાહેર કરાયો હતો. આ માટેના ચુકાદામાં જણાવાયું હતું કેઃ

ફરિયાદી પક્ષ એ સાબિત કરી શક્યો નથી કે પીડિતા 18 વર્ષથી નાની ઉંમરની હતી. બીજું કે તે રવિશંકર સાથે ફરતી હતી અને તેમની વચ્ચે સહમતીથી ઘણી વાર યૌનસંબંધો થયા હતા.

બંને પોલીસ કર્મચારીઓને હાઈકોર્ટમાંથી રાહત ના મળી એથી 1989માં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટે પણ તેમને નિર્દોષ ન છોડ્યા, પરંતુ તેમની સજા 10 વર્ષથી ઘટાડીને 5 વર્ષ કરી દેવામાં આવી હતી. આ માટેના ચુકાદામાં કહેવાયું હતું કેઃ

આ સ્ત્રીનું ચારિત્ર્ય કંઈ ઠીક લાગતું નથી. તે સરળતાથી યૌનસંબંધ બાંધનારી અને કામુક વર્તન કરનારી છે. તેણે નિવેદન નોંધાવતા પહેલાં પોલીસ સ્ટેશનમાં બનેલા બનાવ વિશે લોકો સાથે ચર્ચા કરી હતી. તે દર્શાવે છે કે તેનું નિવેદન ભરોસો કરી શકાય તેવું નથી.

સમય વીતતા કાયદાની દૃષ્ટિએ બળાત્કારના મામલામાં સુનાવણી વખતે પીડિતાના યૌનસંબંધો અને ચારિત્ર્ય વિશેની આવી તપાસને ખોટી ગણવાનું વલણ શરૂ થયું હતું.

2003માં ભારતના લૉ કમિશન અને રાષ્ટ્રીય મહિલા આયોગે આ મુદ્દાની સમીક્ષા કરીને જણાવ્યું હતું કે, "એવું જોવા મળ્યું છે કે સ્ત્રીના જૂના યૌનસંબંધોની માહિતીનો ઉપયોગ કરીને બળાત્કારમાં તેની સહમતી હશે તેવું સાબિત કરવાની કોશિશ થાય છે અને તેના કારણે તેની ગરિમા અને પ્રતિષ્ઠાને ઠેસ પહોંચે છે."

આ બંને સંસ્થાઓની ભલામણને આધારે તે વર્ષે જ 'ઇન્ડિયન એવિડન્સ ઍક્ટ, 1872'માં સુધારો કરવામાં આવ્યો અને સુનાવણી વખતે પીડિત મહિલાના યૌનાચાર વિશે સવાલ-જવાબ કરીને કે તેની જાણકારી મેળવીને બળાત્કાર નહીં, પણ સહમતીથી યૌનસંબંધ હતો તેવું સિદ્ધ કરવાની રીત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

આ સુધારા છતાં તેનું ચલણ ચાલતું રહ્યું છે. એટલે કે 2014માં દાખલ થયેલા 'સ્ટેટ વિરુદ્ધ હવાલદાર'ના મુકદ્દમાનો ચુકાદો 2015 આવ્યો ત્યારે તેમાં જણાવાયું હતું કેઃ

પીડિતાએ કહ્યું કે બળાત્કાર પછી તેણે ગુપ્તાંગને ધોવું પડ્યું હતું કેમ કે તેને ખંજવાળ આવી રહી હતી. આ સ્ત્રી પરણેલી હતી અને તેને ત્રણ સંતાન હતાં, તેથી તેને યૌનસંબંધોની આદત હતી. એવું નહોતું કે જિંદગીમાં પ્રથમ વાર યૌનસંબંધ બાંધી રહી હોય. તેથી કથિત હિંસા બાદ ગુપ્તાંગમાં ખંજવાળ આવવાની વાત સમજમાં આવતી નથી. દેખીતી રીતે તેણે ગુપ્તાંગને એટલા માટે ધોઈ નાખ્યું કે જેથી આરોપી સાથેના યૌનસંબંધોના પુરાવા ના રહે. તેણે સહમતીથી આ યૌનસંબંધ બાંધ્યો હતો અને પોતાનો ભાઈ આના વિશે જાણી ના જાય એવી તેની ઇચ્છા હતી.

દિલ્હીની દ્વારકા ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચાલ્યો તેમાં આરોપીને છોડી મુકાયો હતો.

એવી સ્ત્રી જેની યોનિમાં બે આંગળી દાખલ થઈ શકે

બળાત્કારના મામલામાં સ્ત્રીના યૌનાચારને સાબિત કરવા માટે સવાલ-જવાબ ઉપરાંત મેડિકલ તપાસ પણ કરવામાં આવે છે અને તેમાં ટૂ-ફિંગર ટેસ્ટ કરાવાતો હોય છે.

આ ટેસ્ટમાં ડૉક્ટર પીડિતાની યોનિમાં બે આંગળી નાખીને તપાસ કરતાં હોય છે કે તેમાં લચકપણું કેટલું છે.

આ રીતે તપાસ કરવાનો ઇરાદો એ સાબિત કરવાનો હોય છે કે બળાત્કારની કથિત ઘટનામાં 'પેનિટ્રેશન' થયું હતું કે નહીં.

બે આંગળી સરળતાથી અંદર જતી રહે તેને એ વાતનું સૂચક માનવામાં આવે છે કે આ સ્ત્રી યૌનસંબંધોની ટેવ ધરાવે છે.

2013માં દિલ્હીના નિર્ભયા બળાત્કાર કેસ બહુ ચગ્યો હતો તે પછી બળાત્કારના કાયદાની પણ ચર્ચાઓ જાગી હતી અને તેમાં ટૂ-ફિંગર ટેસ્ટ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.

સ્વાસ્થ્ય મંત્રાલયના 'ડિપાર્ટમેન્ટ ઑફ હેલ્થ રિસર્ચ' દ્વારા યૌનહિંસાના કેસમાં પીડિતાની કેવી રીતે ફૉરેન્સિક તપાસ થવી જોઈએ તેની માર્ગદર્શિકા જાહેર કરી હતી.

તેમાં જણાવાયું છે કે, "ટૂ-ફિંગર ટેસ્ટ હવે ગેરકાનૂની ગણાશે, કેમ કે તે વૈજ્ઞાનિક નથી અને તેનો ઉપયોગ થવો જોઈએ નહીં. મેડિકલની રીતે આ રીત નકામી છે અને તે સ્ત્રી માટે અપમાનજનક છે."

યૌનહિંસા વિરુદ્ધના કાયદાની સમીક્ષા કરવા માટે બનાવાયેલી વર્મા સમિતિએ પણ સ્પષ્ટ કહ્યું છે કે, "બળાત્કાર થયો છે કે નહીં તે એક કાનૂની તપાસ છે, તે મેડિકલ આકલન નથી".

એ જ વર્ષે 2013માં 'સેન્ટર ફૉર લૉ ઍન્ડ પૉલિસી રિસર્ચ'માં કર્ણાટકમાં યૌનહિંસાના કિસ્સાની સુનાવણી માટે બનાવાયેલી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આવેલા ચુકાદાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

20 ટકાથી વધુ ચુકાદામાં ટૂ-ફિંગર ટેસ્ટનો સ્પષ્ટ ઉલ્લેખ હતો અને પીડિતાના અગાઉના યૌનાચાર વિશે ટિપ્પણીઓ હતી.

એ જ વર્ષે ગુજરાત હાઈકોર્ટમાં 'રમેશભાઈ છનાભાઈ સોલંકી વિરુદ્ધ ગુજરાત રાજ્ય'ના કેસમાં એક સગીરાના બળાત્કારના આરોપીને છોડી મુકાયો હતો.

નીચલી અદાલતે 2005માં થયેલી આ ઘટનામાં આરોપીને દોષી ઠરાવ્યો હતો. પરંતુ તેની અપીલ થઈ ત્યારે હાઈકોર્ટે ચુકાદામાં કહ્યું કેઃ

બંને ડૉક્ટરોનાં નિવેદન (જેમાંથી એક ગાયનેકૉલૉજિસ્ટ છે) સ્પષ્ટ જણાવે છે કે પીડિતાના ગુપ્તાંગમાં કોઈ ઈજા થઈ નથી અને મેડિકલ સર્ટિફિકેટથી સ્પષ્ટ થાય છે કે તે યૌનસંબંધ બાંધવા ટેવાયેલી હતી.

એ સ્ત્રી જેને બળાત્કારમાં કોઈ ઈજા થઈ નહોતી

બળાત્કાર સાબિત કરવા માટે સૌથી જરૂરી એ હોય છે કે સ્ત્રીની સહમતી નહોતી તે સાબિત કરવું પડે. યૌનસંબંધ કે બળાત્કાર બંને વચ્ચેનો ફરક સહમતીને કારણે નક્કી થાય છે.

સ્ત્રીના ગુપ્તાંગ પર ઈજા, આરોપીને રોકવા માટેની કોશિશના કારણે તેના શરીરે થયેલા ઉઝરડા કે નિશાની, કપડાં ફાટી જવા વગેરે બાબતોને સહમતી નહોતી તે દર્શાવવા માટે પુરાવા તરીકે લેવામાં આવે છે.

પરંતુ તેનાથી વિપરીત સ્થિતિમાં સહમતી માની લેવાય છે. સ્ત્રીએ સંઘર્ષ નહોતો કર્યો તેવી નિશાની હોય ત્યારે તેને સહમતીની સાબિતી માની લેવામાં આવે છે.

મૃણાલ સતીશના અભ્યાસમાં જોવા મળ્યું છે કે લેખિતમાં ભલે અદાલતો ના જણાવતી હોય, પરંતુ ઈજા ના થઈ હોય તેને સહમતી માની લેવામાં આવે છે. જે કિસ્સાઓમાં સ્ત્રીના શરીર પર ઈજાનાં નિશાન નહોતાં મળ્યાં તેમાં ઓછી સજા થઈ હતી.

કેટલીક અદાલતોએ આ વાતને નોંધવામાં પણ સંકોચ રાખ્યો નહોતો અને નોંધ્યું હતું કે ઈજાની નિશાનીઓ નથી તે સહમતીનો પુરાવો છે.

વીડિયો કૅપ્શન,

ધોળાવીરા : એ પાકિસ્તાની કલાકાર જે મોંહે-જો-દડોની સંસ્કૃતિ પરથી જ્વેલરી બનાવે છે

દાખલા તરીકે 2014માં કર્ણાટકના બેલગાવીની ફાસ્ટ ટ્રેક કોર્ટે 'શિવાનંદ મહાદેવપ્પા મુરગી વિરુદ્ધ કર્ણાટક રાજ્ય'ના મુકદ્દમમાં આરોપીને છોડી દીધો હતો. તેના ચુકાદામાં લખાયું હતું કેઃ

આ ઘટના થઈ તો તે પીડિતાની સહમતીથી થઈ હશે, કેમ કે કોઈ એવા પુરાવા નથી મળ્યા, જેમ કે કપડાં ફાટ્યાં હોય, પીડિતાના શરીર પર ઈજા થઈ હોય, મેડિકલ અને ફૉરેન્સિક પુરાવા પણ પીડિતાના આરોપોને ટેકો આપતા નથી.

એ જ વર્ષે 2014માં સુપ્રીમ કોર્ટ 'કૃષ્ણ વિરુદ્ધ હરિયાણા રાજ્ય'ના મુકદ્દમામાં સ્પષ્ટ કહ્યું હતું કે બળાત્કાર સાબિત કરવા માટે પીડિતાના શરીર પર ઈજાની નિશાનીઓ હોવી જરૂરી નથી.

તેના 30 વર્ષ પહેલાં 1984માં 'ઇન્ડિયન એવિડન્સ ઍક્ટ, 1872'માં સુધારો કરવામાં આવ્યો હતો, જે અનુસાર યૌનહિંસાના કિસ્સામાં એવું સાબિત થઈ જાય કે યૌનસંબંધ થયો હતો, તો પછી સ્ત્રીની સહમતી તેના નિવેદનના આધારે માનવામાં આવશે.

એટલે કે સ્ત્રી અદાલતમાં એવું કે તેની સહમતી હતી અને તે નિવેદન ભરોસાપાત્ર લાગતું હોય તો તેને સાચું માની લેવાશે.

આ સુધારો 'તુકારામ વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય'ના મુકદ્દમા પછી કરવામાં આવ્યો હતો, જેને મથુરા બળાત્કાર કેસ તરીકે પણ ઓળખવામાં આવે છે.

1972માં આ કેસમાં બે પોલીસકર્મી પર પોલીસ સ્ટેશનમાં જ એક આદિવાસી સગીરા પર બળાત્કારનો આરોપ હતો. નીચલી અદાલતે તેમને દોષી ઠરાવ્યા હતા અને તેની સામે બૉમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચમાં અપીલ કરાઈ હતી. છેલ્લે સુપ્રીમ કોર્ટમાં કેસ પહોંચ્યો ત્યારે 1978માં આરોપીને છોડી મૂકતા ચુકાદામાં કહેવાયું હતું કેઃ

આ ઘટના પછી છોકરીના શરીર પર ઘાવનાં કોઈ નિશાન નહોતાં. તે દર્શાવે છે કે શાંતિથી તે ઘટના થઈ હતી અને છોકરીએ વિરોધ કર્યાની વાત ઉપજાવી કાઢેલી છે. પોલીસ સ્ટેશનમાં તેની સાથે તેનો ભાઈ, કાકી અને પ્રેમી આવ્યા હતા તેને કશું કહ્યા વિના તે ચુપચાપ આરોપીઓ સાથે જતી રહી હતી.

સુપ્રીમ કોર્ટના આ ચુકાદાની બહુ ટીકા થઈ હતી અને ચાર પ્રોફેસરોએ સુપ્રીમ કોર્ટને ખુલ્લો પત્ર લખ્યો હતો. તેના કારણે જાગેલી ચર્ચા બાદ 1983-84માં યૌનહિંસા વિરુદ્ધના કાયદામાં ફેરફારો કરાયા હતા.

એ સ્ત્રી જેણે બળાત્કાર પછી પીડિતા જેવું વર્તન કર્યું નહોતું

આ ચર્ચા પરથી એ ખ્યાલ આવે છે કે ભારતમાં યૌનહિંસા વિરુદ્ધના કાયદા પ્રગતિશીલ છે અને છેલ્લા દાયકાઓ દરમિયાન મહિલા આંદોલન અને જનતાની માગને આધારે ફેરફારો થતા રહ્યા છે. પીડિતાનાં હિતોને સર્વોપરી રાખીને સુધારા કરવામાં આવ્યા છે.

આમ છતાં 2019માં રાષ્ટ્રીય અપરાધ સંખ્યા બ્યૂરોના આંકડા જોઈએ તો ખ્યાલ આવે છે કે બળાત્કારના કેસો જલદી સાબિત થતા નથી. આઈપીસી હેઠળ નોંધવામાં આવતા તમામ ગુનાઓમાં ગુનો સાબિત થવાની રાષ્ટ્રીય સરેરાશ - 50.4 ટકા છે, જેની સામે બળાત્કારના કેસમાં 27.8 ટકા જ ગુના સાબિત થાય છે.

આનાં ઘણાં કારણો છે અને તેનું મુખ્ય કારણ એક સામાજિક વલણમાંથી ઊભું થયેલું જણાય છે.

સંશોધક પ્રીતિ પ્રતિશ્રુતિ દાસે 'ઇન્ડિયન લૉ રિવ્યૂ' માટે દિલ્હીની નીચલી અદાલતોના 2013થી 2018 સુધીના બળાત્કારના કેસમાં અપાયેલા 1635 ચુકાદાઓનો અભ્યાસ કર્યો હતો.

તેમણે જોયું કે આરોપીને નિર્દોષ જાહેર કરાયા હોય તેવા કેસમાં 25 ટકામાં પીડિતાના નિવેદનને વિશ્વાસપાત્ર ગણાયું નહોતું. તેનું એક મુખ્ય કારણ બળાત્કાર પહેલાં અને તે પછીનું તેનું વર્તન હતું.

દાખલા તરીકે 2009માં દાખલ થયેલા 'નરેશ દહિયા અને અન્યો વિરુદ્ધ સ્ટેટ'ના કેસમાં દિલ્હીની તીસ હજારી કોર્ટે આરોપીને છોડી મૂકતા કહ્યું હતું કેઃ

કથિત બળાત્કાર થયા બાદ, પીડિતાએ શોરબકોર કરવાના બદલે, આરોપીની સાથે હોટલથી સબલોક ક્લિનિક પાસે આવેલા ખૂમચા પર ગઈ હતી અને ત્યાં પાણીપુરી ખાધી હતી. એક બળાત્કાર પીડિતાનું આવું વર્તન તેના નિવેદનની ખરાઈ વિશે શંકા પેદા કરે છે.

વીડિયો કૅપ્શન,

પિરિયડ્સને લઈને લોકોમાં કેવી ખોટી માન્યતાઓ પ્રવર્તે છે?

અભ્યાસમાં જણાયા મુજબ પીડિતાના નિવેદન પર વિશ્વાસ ના મૂકવાનાં બીજાં કારણોમાં બળાત્કાર પછી તરત જ પરિવારને કે મિત્રોને જાણ નહોતી કરી તેને ગણવામાં આવ્યું હતું. પોલીસમાં મોડેથી ફરિયાદ થઈ તેને ધ્યાનમાં લેવાયું હતું.

ભારતીય કાયદા અનુસાર બળાત્કારની પીડિતા અપરાધ થયા પછી ગમે ત્યારે ફરિયાદ કરી શકે છે.

મોડેથી કરવામાં આવેલી ફરિયાદમાં મેડિકલ અને ફૉરેન્સિક પુરાવા મેળવવામાં મુશ્કેલી આવે છે. પરંતુ તેના કારણે પીડિતાનું નિવેદન ખોટું છે તેનું કારણ માની શકાય નહીં.

આમ છતાં 2017માં 'શ્યામ મિશ્રા વિરુદ્ધ રાજ્ય'ના મુકદ્દમામાં આવું જ થયું હતું. દિલ્હીની તીસ હજારી કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યા અને 2019માં દિલ્હી હાઈકોર્ટ પણ ચુકાદાને માન્ય રાખ્યો હતો.

પોલીસમાં બળાત્કારની ફરિયાદ મોડેથી થઈ હતી તે વિશે કોર્ટે લખ્યું હતું કેઃ

દિવસે પત્નીના બળાત્કાર વિશે પતિને સાંજે મોડેથી ખબર પડી હતી. તે પછી પણ બેમાંથી એકેય પોલીસ સ્ટેશને નહોતાં ગયાં, 100 નંબર પર ફોન નહોતો કર્યો કે પડોશીઓને પણ જણાવ્યું નહોતું. પોલીસ પાસે જવામાં કેમ મોડું થયું તેનો કોઈ ખુલાસો આપવામાં આવ્યો નહોતો.

યૌનહિંસા સિવાય ભાગ્યે જ બીજો કોઈ એવો ગુનો હશે, જેમાં પીડિતને આટલા બધા સવાલો કરવામાં આવતા હોય, તેના આચરણ સામે આંગળી ચીંધવામાં આવતી હોય, કે તેની વાતો પર વિશ્વાસ કરવાનું મુશ્કેલ કરવામાં આવતું હોય.

એક સંઘર્ષ કાયદામાં ફેરફારો માટેનો છે, જેમાં સફળતા મળી છે, પરંતુ તેનાથીય મોટો પડકાર સામાજિક વિચારસરણી સામે લડવાનો છે.

પુરુષ અને સ્ત્રી વચ્ચેના અસમાન સંબંધો, સમાજમાં ઊંચનીચના વિચારો અને સ્ત્રીના ખભે મુકાયેલો ઇજ્જતનો બોજ - આ બધામાં પરિવર્તન નહીં થાય અને સમાનતા માટેની કોશિશો વધારે ઝડપી અને વ્યાપક નહીં થાય ત્યાં સુધી ન્યાય માટેની લડાઈ મુશ્કેલ જ રહેવાની છે.

(ઇલસ્ટ્રેશન્સ- ગોપાલ શૂન્ય)

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો