ટોક્યો ઑલિમ્પિક : પીવી સિંધુ ઑલિમ્પિકમાં બે મેડલ જિતનારાં પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બન્યાં

  • વંદના
  • ટીવી સંપાદક, ભારતીય ભાષાઓ, બીબીસી
પીવી સિંધુ

ઇમેજ સ્રોત, Lintao Zhang

ઇમેજ કૅપ્શન,

પીવી સિંધુ ભારતનાં એકમાત્ર ભારતીય ખેલાડી બની ગયાં છે જેમણે ઑલિમ્પિકમાં બે મેડલ મેળવ્યા છે

પીવી સિંધુ સતત બે ઑલિમ્પિક મેડલ જિતનારાં ભારતીય મહિલા ખેલાડી બની ગયાં છે.

પીવી સિંધુ ભલે ઑલિમ્પિકમાં ગોલ્ડ મેડલ ન જીતી શક્યાં, પરંતુ તેઓ બ્રૉન્ઝ મેડલ જીતી ગયાં છે.

બ્રૉન્ઝ મેડલ માટેની મૅચમાં પીવી સિંધુએ ચીનનાં શટલર હે બિંગજિઆઓને હરાવ્યાં હતાં.

ટોક્યો જતાં પહેલાં તેમણે બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, "પ્રથમ વખત જ્યારે હું રિયો ઑલિમ્પિક ગઈ હતી ત્યારે બધાને લાગતું હતું કે સિંધુ ગઈ છે પણ આ વખતે ટોક્યો જતા પહેલા લોકોને મેડલની ઘણી બધી આશા છે...વધારે આશા છે પણ મારે દબાણથી દૂર રહીને ગેઇમ પર ફોકસ કરવાનું છે અને મેડલ જિતવાનો પ્રયાસ કરવાનો છે."

રિયો ઑલિમ્પિક અને ટોક્યો ઑલિમ્પિક વચ્ચે પાંચ વર્ષનો ફરક તો છે જ સાથે આ દરમિયાન સિંધુ અને કોચ ગોપીચંદની જાદુઈ જોડી પણ તૂટી ગઈ છે.

પાંચ જુલાઈ 1992ના હૈદરાબાદમાં જન્મેલાં અને લગભગ છ ફૂટનાં પીવી સિંધુની સફળતાની કહાણી કોઈ ખેલાડીની મહેનત, ફોકસ અને ગેઇમ પર મજબૂત પકડની કહાણી છે.

વીડિયો કૅપ્શન,

ઑલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારા પીવી સિંધુ શું આ વખતે ગોલ્ડ મેડલ લઈ આવશે? – India

હૈદરાબાદમાં કોર્ટ પર તેમણે કલાકો સુધી નિહાળવાનો મોકો મળ્યો હતો. કોર્ટ પર ચાર કલાકની પ્રૅક્ટિસમાં એક વખત પણ સિંધુનું ધ્યાન ભટક્યું નહોતું. બસ કોર્ટ પર સતત પ્રૅક્ટિસ.

વિશ્વ ચૅમ્પિનશિપ અને ઑલિમ્પિક મેડલ જિતવાવાળાં સિંધુની કહાણી સફળતાની મિસાલ છે.

પરંતુ આ સફળતા રાતોરાત નથી મળી.

સિંધુએ આઠ વર્ષની ઉંમરથી બૅડમિન્ટન રમવાનું શરૂ કર્યું હતું. ઘરમાં પહેલાથી રમત પ્રત્યે આકર્ષણ હતું કારણ કે પિતા અને માતા બંને વૉલીબૉલ ખેલાડી હતાં.

સિંધુની સફર ત્યારે શરૂ થઈ જ્યારે તેમના પિતા રેલવે ગ્રાઉન્ડ પર વૉલીબૉલ રમવા જતા હતા તો પાસે આવેલા બૅડમિન્ટન કોર્ટમાં સિંધુ રમતાં રહેતાં.

સફળતાની કહાણીની શરૂઆત

વીડિયો કૅપ્શન,

પી. વી. સિંધુ : BBC સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર માટે નામાંકન

મહબૂબ અલી તેમના પ્રથમ કોચ હતા.

10 વર્ષની વયે તેઓ ગોપીચંદ એકૅડમીમાં આવ્યાં હતાં અને અત્યાર સુધી ત્યાં જ છે.

પીવી સિંધુ એક તેજસ્વી ખેલાડી છે. 2009માં સબ જુનિયર એશિયન બૅડમિન્ટન ચૅમ્પિયનશિપમાં કાંસ્યચંદ્રક જીત્યા બાદ સિંધુએ કદી પાછું વળીને જોયું નથી.

18 વર્ષની વયે તો સિંધુ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં કાંસ્યચંદ્રક જીતી ચૂક્યાં હતાં અને એવી સિદ્ધિ મેળવનારાં પહેલા ખેલાડી બન્યાં હતાં. ત્યારથી લઈને અત્યાર સુધીમાં સિંધુ અનેક ખિતાબ જીતી ચૂક્યાં છે.

એ જીતને ભલે ચાર વર્ષ થઈ ગયાં હોય, પણ ઑલિમ્પિક્સની વાત સાંભળતાંની સાથે જ સિંધુનો ચહેરો ખીલી ઊઠે છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, રિયો ઑલિમ્પિક મેડલ મારા માટે હંમેશા ખાસ રહેશે. 2016 ઑલિમ્પિક પહેલા હું ઈજાગ્રસ્ત હતી, છ મહિના માટે બહાર થઈ ગઈ હતી, સમજાતું નહોતું શું કરવાનું છે. હું બસ એટલું વિચારતી હતી કે મારે પહેલા ઑલિમ્પિકમાં બેસ્ટ પ્રદર્શન કરવાનું છે. ફાઇનલમાં પણ મેં 100 ટકા આપ્યું. મેં સિલ્વર મેડલ જિત્યો એ કોઈ સામાન્ય વાત નથી. હું જ્યારે ભારત પાછી ફરી, ગલી-ગલીમાં લોકો મારું સ્વાગત કરી રહ્યા હતા. વિચારીને આજે પણ રુંવાટી ઊભી થઈ જાય છે.

ઇમેજ સ્રોત, Lintao Zhang

ઇમેજ કૅપ્શન,

પીવી સિંધુ, ટોક્યો ઑલિમ્પિકમાં બ્રૉન્ઝ મેડલ જિત્યાં ત્યારે

સિંધુ સાથે વાત કરીને એક વાત સમજાય છે કે સિંધુ એવા લોકોમાં છે જે હંમેશા આશાવન રહે છે- ઇટર્નલ ઑપ્ટિમિસ્ટિક.

જ્યારે મેં સિંધુને પુછ્યૂં કે શું રિયો ઑલિમ્પિક ફાઇનલમાં હારનો અફસોસ થયો છે તો તેઓ કહે છે, જ્યારે હું હારી હતી તો ખરાબ લાગ્યું હતું. પરંતુ હંમેશા બે વખત મોકો મળે છે. હું તો એ વાતથી જ ખુશ છું કે જે મેડલ મેં જિતવાનું વિચાર્યું પણ નહોતું મેં એ જિત્યો પરંતુ વિજયની આ સફર સહેલી નહોતી.

સિંધુએ ગોપીચંદની કોચિંગમાં માત્ર કડક ટ્રેનિંગ જ નહોતી લીધી પરંતુ 21 વર્ષનાં સિંધુનો ફોન પણ તેમનાંથી દૂર કરી દેવાયો હતો. આઇસક્રીમ જેવી નાની-નાની ખુશીઓ પણ તેમનાંથી દૂર હતી.

'મેં જાતને સાબિત કરી'

ઇમેજ સ્રોત, Getty Images

તમારામાંથી ઘણાને એ વાઇરલ વીડિયો યાદ હશે જ્યારે રિયો ઑલિમ્પિકમાં મેડલ જીત્યા બાદ સિંધુ આઇસક્રીમ ખાઈ રહ્યાં હતાં.

આમ તો સિંધુનો દરેક જવાબ એક હાસ્ય પર ખતમ થઈ જાય છે, પછી તે મુશ્કેલીઓ કે નિષ્ફળતાની વાત કેમ ન હોય.

સફળતા પછી પણ સિંધુની ટીકા કરનારા પણ છે, જે મોટી ફાઇનલ મૅચોમાં તેમની હાર પર સવાલ ઉઠાવે છે.

પરંતુ સિંધુ એ લોકોમાં સામેલ નથી જે શબ્દોથી જવાબ આપે છે.

"ઘણા લોકો કહેતા હતા કે આ ફાઇનલમાં કેમ જાય છે, સિંધુને ફાઇનલ ફોબિયા છે. પણ મને લાગ્યું કે હું મારો જવાબ રૅકેટથી આપું. મેં જાતને સાબિત કરી છે."

તેમનો ઇશારો 2019માં વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં જિતેલા ગોલ્ડ તરફ હતો.

અગાઉ તેઓ 2018 અને 2017માં ફાઇનલમાં હાર્યાં હતાં.

જ્યારે ફોર્બ્સની યાદીમાં સામેલ થયાં સિંધુ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ફોર્બ્સે 2018માં સિંધુને દુનિયાનાં સૌથી વધુ કમાણી કરનારાં મહિલા ખેલાડીઓમાં સામેલ કર્યાં હતાં.

સિંધુ ન માત્ર ભારતનાં સૌથી સફળ ભારતીય મહિલાઓ ખેલાડીઓમાં છે, પરંતુ તેમનો સમાવેશ સૌથી વધુ કમાણી કરનારાં ખેલાડીઓમાં થાય છે.

ફોર્બ્સે 2018માં સિંધુને દુનિયાનાં સૌથી વધુ કમાણી કરનારાં મહિલા ખેલાડીઓમાં સામેલ કર્યાં હતાં.

સિંધુ ખુદ એક બ્રાન્ડ બની ચૂક્યાં છે અને બ્રાન્ડનો ચહેરો છે.

2018માં કોર્ટ પર રમતાં સિંધુએ પાંચ લાખ ડૉલરની કમાણી કરી અને જાહેરાતોથી તેમને વધુ 80 લાખ ડૉલર મળ્યા હતા.

એટલે કે દર અઠવાડિયે કમસે કમ એક લાખ 63 હજાર ડૉલરની કમાણી, જે ઘણા ક્રિકેટરોથી પણ વધુ છે.

'બૅડમિન્ટન મારી પૅશન છે'

ઇમેજ સ્રોત, Lintao Zhang

ઇમેજ કૅપ્શન,

પીવી સિંધુ પોતાની રમતને લઈને ખૂબ ફોકસ હોવાનું કહેવાય છે

એક સફળ ખેલાડીથી પર વાતચીત કરતાં સિંધુ એક એવી વ્યક્તિના રૂપમાં ઊભરીને આવે છે, જેમને પોતાની યોગ્યતા પર સંપૂર્ણ ભરોસો છે, જે પોતાના ખભે આશાઓ અને જવાબદારીઓના બોઝને સમજે છે અને દબાણ હોવા છતાં તેમની રમતનો ભરપૂર આનંદ ઉઠાવે છે.

પ્રૅક્ટિસનું ટાઇટ શિડ્યુલ, દુનિયાભરમાં રમવા માટે સતત આવનજાવન, બિઝનેસ, જાહેરાતો... શું આ બધું વધારે નથી?

પોતાની રમતની જેમ સિંધુના વિચારો એકદમ સ્પષ્ટ છે.

"લોકો પૂછે છે કે તમારી તો કોઈ પર્સનલ લાઇફ બચતી જ નહીં હોય. પણ મારા માટે તો ઉત્તમ સમય છે, કેમ કે જરૂરી નથી કે તમે હંમેશાં લાઇમલાઇટમાં રહો. મને ક્યારેય નથી લાગ્યું કે હું જિંદગીમાં કંઈક મિસ કરી રહી છું. બૅડમિન્ટન મારી પૅશન છે."

તો સિંધુની સફળતાનો મંત્ર શું છે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

રમતોની સાથેસાથે સિંધુ ફૅશન આઇકન પણ બની રહ્યાં છે.

"ગમે તે થાય, પોતાના પર ભરોસો રાખો. આ જ મારી તાકત છે, કેમ કે કોઈના માટે નહીં પોતાના માટે રમી રહ્યા છીએ. પોતાને કહો કે તમે કંઈ પણ કરી શકો છો."

સિંધુ એ આત્મવિશ્વાસ સાથે જવાબ આપે છે, જે એક વર્લ્ડ ચૅમ્પિયન પાસે જ હોઈ શકે છે.

પણ જો તમને લાગે કે વિશ્વ ચૅમ્પિયન થવાનો મતલબ માત્ર મહેનત અને કંટાળો છે, તો સિંધુ અહીં પણ બધાને ખોટા સાબિત કરે છે.

રમતોની સાથેસાથે સિંધુ ફૅશન આઇકન પણ બની રહ્યાં છે.

"બિલબોર્ડ પર, જાહેરાતો પર ખુદને જોઈને સારું લાગે છે. મને સારાં કપડાં પહેરવાં, સજવું ગમે છે."

પોતાની આંગળી પર લાગેલી ચમકદાર નેઇલપૉલિશ પણ એ તરફ ઇશારો કરે છે.

અને હૈદરાબાદી હોવાને નાતે તેઓ હૈદરાબાદી બિરયાનીના ફેન તો છે જ. ખાવા, ફૅશન અને પરિવારથી અલગ સિંધુનું પૂરું ધ્યાન ટોક્યો ઑલિમ્પિક પર રહ્યું છે.

જોકે ગત વર્ષે તેમનું પ્રદર્શન સારું નહોતું રહ્યું, તેમ છતાં તેમણે ઇતિહાસ રચી દીધો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો