લોથલ : ધોળાવીરા બાદ ચર્ચામાં આવેલું ગુજરાતનું પ્રાચીન 'સ્માર્ટ પૉર્ટ સિટી'

લોથલ પણ હડપ્પા સભ્યતાનાં સૌથી વિકસિત નગરોમાંથી એક હતું, જે વેપારીમથક અને બંદરશહેર હતું.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

લોથલ પણ હડપ્પા સભ્યતાનાં સૌથી વિકસિત નગરોમાંથી એક હતું, જે વેપારીમથક અને બંદરશહેર હતું

યુનેસ્કો દ્વારા કચ્છમાં આવેલા ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. પાંચ હજાર વર્ષ જૂનું આ શહેર એ સમય પ્રમાણે, 'સ્માર્ટ સિટી'થી ઊતરતું ન હતું.

ધોળાવીરાની જેમ જ લોથલ પણ હડપ્પા સભ્યતાનાં સૌથી વિકસિત નગરોમાંથી એક હતું, જે વેપારીમથક અને બંદરશહેર હતું.

મોટી હોડીઓ અંદર સુધી આવી શકે તે માટે નગરજનોએ નહેર જેવી વ્યવસ્થા પણ કરી હતી. જ્યારે શહેરની બાંધણી આધુનિક શહેરની 'કૉલોની' જેવી હતી.

યુનેસ્કો દ્વારા તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નૉમિનેટ કરવામાં આવ્યું છે, તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવાના ભારત સરકારના પ્રયાસ ચાલુ છે.

આ સિવાય પુરાતત્ત્વીય સાઇટને પર્યટનસ્થળ તરીકે વિકસાવવા તથા તેના વારસાને જાળવવા માટે રૂ. ત્રણ હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

લોથલની નગરવ્યવસ્થા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

લોથલનું સમકાલીન શહેર ધોળાવીરા

અમદાવાદથી લગભગ 80 કિલોમીટરના અંતરે ધોળકા તાલુકામાં સરગવાલા નદીની સીમ ખાતે સાબરમતી અને ભોગાવો નદીની વચ્ચે એક વિસ્તાર આવેલો છે. જેને સ્થાનિકો 'લોથલ' તરીકે ઓળખતા, 'લોથ' એટલે મૃતદેહ તથા લોથલ એટલે 'મૃતદેહોનો ઢગલો' એવો અર્થ થાય છે.

1955 આસપાસ એએસઆઈ (આર્કિયૉલૉજિકલ સરવે ઑફ ઇન્ડિયા)ના અધિકારી ડૉ. શિકારીપુરા રંગનાથ રાવે આ વિસ્તારમાં ખોદકામ કરાવ્યું હતું, જેમાં પ્રાચીન નગરવ્યવસ્થા અને તેના અવશેષ મળી આવ્યા હતા.

લોથલનો સમયગાળો ઈસ પૂર્વે 2440થી ઈસ પૂર્વે 1900 હોવાનું અનુમાન છે. હાલમાં પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલું મોહેં-જો-દડો એ સિંધુ ઘાટી સંસ્કૃતિનું એક મહત્ત્વપૂર્ણ શહેર છે, જેની શોધ 1920ના દાયકામાં થઈ હતી. મોહેં-જો-દડો શબ્દનો મતલબ 'લાશોનો ઢગલો' એવો થાય છે.

લોથલનું નગર ઉપર અને નીચે ભાગ એમ બે ખંડમાં વહેંચાયેલું જોવા મળે છે. ઊંચાણવાળો વિસ્તાર લગભગ ચાર મીટર ઊંચો છે અને તેને માટીની ઇંટોથી તૈયાર કરવામાં આવ્યો છે.

નીચાણવાળો ભાગ બે વિભાગમાં છે, જ્યાં ખોદકામ દરમિયાન મળી આવેલાં સાધનો તથા અન્ય પુરાવાના આધારે તાંબાનું કામ કરનારા, મણકાનું કામ કરનારા તથા સોનીઓની દુકાનો આવેલી હોવાનું માનવામાં આવે છે.

શહેરની રચના આજના સમયની કૉલોની વ્યવસ્થા જેવી છે, આયોજનબદ્ધ રીતે નિર્મિત ઘરમાં બાથરૂમ તથા ગંદાં પાણીના નિકાલ માટે ગટરવ્યવસ્થા હતી. આ સિવાય મોટી જાહેર ઇમારતો મળી આવી છે, જે સભાગૃહ કે મંદિર હશે એવું અનુમાન છે.

શહેરમાં બે મુખ્ય માર્ગો જોવા મળે છે. એક ઉત્તરથી દક્ષિણ તરફ લંબાય છે, જ્યારે બીજો પૂર્વથી પશ્ચિમ તરફ લંબાય છે. તેમને સમાંતર નાની-નાની શેરીઓ છે, જે એકબીજાને જોડે છે. માર્ગો અને શેરીઓ એકબીજાને કાટખૂણે કાપે છે.

આવી જ રીતે નાની ગટર મોટી ગટરને મળતી હતી અને તેનો છેડો નદીમાં મળતો હતો. ઓટ સમયે કચરો વહી જાય તે માટે આવી વ્યવસ્થા કરવામાં આવી હતી.

શહેરને દરિયાની ભરતીના પાણીથી બચાવવા માટે 12થી 21 મીટર પહોળી દીવાલ બનાવવામાં આવી હતી.

ભારતમાં ધોળાવીરા અને લોથલ ઉપરાંત કાલિબંગાન (રાજસ્થાન), રંગપુર (સુરેન્દ્રનગર ) તથા રાખીગઢી ખાતેથી સિંધુ ઘાટીની સભ્યતાના અવશેષો મળી આવ્યા છે.

ખોદકામ દરમિયાન હળ અને રમકડાં સ્વરૂપનું બે પૈડાંવાળું બળદગાડું મળી આવ્યું છે, જેના આધારે એવું અનુમાન કરવામાં આવે છે કે તેઓ ખેતીકામ અને પશુપાલન કરતાં, જ્યારે માલની હેરફેર માટે તેનો ઉપયોગ કરવામાં આવતો, પરિવહનની આ વ્યવસ્થા 21મી સદીમાં પણ ગ્રામ્ય ભારતમાં પ્રચલિત છે.

વીડિયો કૅપ્શન,

ધોળાવીરા : એ પાકિસ્તાની કલાકાર જે મોંહે-જો-દડોની સંસ્કૃતિ પરથી જ્વેલરી બનાવે છે

દરિયાથી દૂર, છતાં બંદરશહેર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

જહાજ કે બોટને અંદર આવવા માટેનો ધક્કો

સિંધુ ખીણની સભ્યતામાં લોથલ શોધી કઢાયેલું હોય એવું એકમાત્ર બંદરશહેર છે. નદી મારફત જહાજ ખાડીથી શહેર તરફ આવે, અહીં ધક્કામાં ઉત્તર બાજુએથી પાણીના પ્રવેશ તથા દક્ષિણેથી નિર્ગમનની વ્યવસ્થા કરવામાં આવી છે. પાણીની અવરજવર માટે બંને બાજુએ ગાળા રાખવામાં આવ્યા છે.

લાકડાનાં પાટિયાં ગોઠવીને પાણીના નિકાલના માર્ગ બંધ કરી દેવામાં આવતા, જેથી જહાજ માટે જરૂરી પાણીનો જથ્થો જાળવી શકાતો હતો. ધક્કાની અંદરની દીવાલો સૂર્યપ્રકાશમાં સુકાવીને બનાવવામાં આવેલી પાક્કી ઇંટોથી બનેલી છે.

શહેરમાં જહાજોને લાંગરવા તથા માલના ચઢાવ-ઉતાર માટે એક ગોદીનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું. શહેરના ઉપરના ભાગેથી વેપારીઓ અને શ્રીમંતો ગોદીમાં થતી પ્રવૃત્તિ પર નજર રાખી શકતા.

અલ્લાહબાદ મ્યુઝિયમના ડાયરેક્ટર ડૉ. સુનીલ ગુપ્તાએ બીબીસી ગુજરાતીના પ્રતિનિધિ જયદીપ વસંત સાથે વાત કરતા જણાવ્યું, "લોથલ એ દરિયાની ખાડીઓની નજીક આવેલો છે. હડપ્પા સંસ્કૃતિનાં જહાજ કે મોટી બોટનું તળિયું સપાટ હતું અને તેમને ભરતી દરમિયાન લોથલ સુધી લાવવામાં આવતાં."

"લોથલવાસીઓ ભારતના અન્ય પ્રદેશો સાથે અને જહાજમાર્ગે મૅસેપોટેમિયાના લોકો સાથે પણ વેપાર કરતા."

"ઉત્ખનન દરમિયાન મૅસોપોટેમિયન સભ્યતાના મળી આવેલા અવશેષોમાંથી મળી આવેલી ચીજોથી આ બાબત ફલિત થાય છે."

"એ સમયે આ વિસ્તારમાં ઉચ્ચ ગુણવત્તાવાળા અકીકના મણકા અને માળાઓનું કામ થતું, તેની તથા કપાસની નિકાસ કરવામાં આવતી. તેમનો વેપાર રાતા સમુદ્ર સુધી ફેલાયેલો હતો. હડપ્પા સંસ્કૃતિ પછી પણ દરિયાઈમાર્ગે વેપાર ચાલુ રહેવા પામ્યો હતો."

ડૉ. ગુપ્તા ઉમેરે છે કે, પૂર્વ અને પશ્ચિમની વચ્ચે જેને મેરિટાઇમ સિલ્કરૂટ કહેવામાં આવે છે, તે વાસ્તવમાં સ્પાઇસ રૂટ હતો, કારણ કે સિલ્ક પહેલાંથી જ આ માર્ગે તેજાનાનો વેપાર થતો.

તેઓ છેલ્લાં પચ્ચીસેક વર્ષથી 'જર્નલ ઑફ ઇન્ડિયન ઑશન આર્કિયૉલૉજી'નું સંપાદન કરે છે અને લોથલ ખાતે મેરિટાઇમ મ્યુઝિયમ ઊભું કરવાની પ્રવૃત્તિમાં પરામર્શક તરીકે સેવા આપી છે.

સંશોધકોએ સેટેલાઇટ તસવીરોની મદદથી શોધી કાઢ્યું છે કે હાલમાં સુકાઈ ગયેલી નદી મારફત ભરતી દરમિયાન જહાજો અરબી સમુદ્રમાંથી ખાડીમાં અને પછી શહેર સુધી આવતાં હતાં.

ગોદીની પાસે જ એક ગોદામ જેવી સંરચના મળી આવી છે, જ્યાં આયાત થયેલા માલને ઉતારવામાં આવતો હશે તથા નિકાસ કરવાના માલને સંગ્રહવામાં આવતો હશે. દરિયાના પાણીને કારણે ગોદી નાશ પામી હોવાના પુરાવા સંશોધકોને સાંપડે છે.

મૃત્યુ પછી

ઇમેજ સ્રોત, Getty Images

લોથલ ઍન્સિયન્ટ મૉન્યુમૅન્ટ ઍન્ડ સાઇટ્સ રિમૅન્સ ઍક્ટ, 1958 હેઠળ સંરક્ષિત સ્થળ છે. એએસઆઈ દ્વારા અહીં એક મ્યુઝિયમનું સંચાલન કરવામાં આવે છે.

ખોદકામ દરમિયાન મળી આવેલી ચીજો તથા તેમની રૅપ્લિકાને સંરક્ષિત કરીને રાખવામાં આવ્યાં છે. જેમાં મણકા, ટેરાકોટાનાં ઘરેણાં, હાથીદાંતની માપપટ્ટી, તાંબા અને કાંસાની ચીજવસ્તુઓ અને ઘડા વગેરે રાખવામાં આવ્યાં છે, જે માટીકામ, સોનીકામ તથા તાંબાના કામમાં લોથલવાસીઓ કેટલા સમૃદ્ધ હતા તેની સાક્ષી પૂરે છે.

પથ્થરનાં લંગર, મુદ્રાઓ તથા કોચલાના આધારે એવું અનુમાન કરવામાં આવે છે કે ઈરાન અને ઇરાકના લોકો સાથે તેમના વેપારીસંબંધ હતા.

લોથલમાં એક કરતાં વધુ લોકોને દફનાવવામાં આવ્યા હોય અને તેમની પાસે ચીજવસ્તુઓ મૂકવામાં આવી હોય તેવા પુરાવા મળે છે. જેના આધારે એવું માનવામાં આવે છે કે લોથલવાસીઓ મૃત્યુ પછીના જીવનમાં માન્યતા ધરાવતા હશે.

શહેરની વસતી અને દફનાવાયેલા લોકોની સંખ્યાને જોતાં એવું અનુમાન કરવામાં આવે છે કે એ સમયે મૃતકોને દફનાવવા ઉપરાંત તેમના દાહસંસ્કાર કરવાનું પણ ચલણ રહ્યું હશે.

હડપ્પીય સભ્યતાનો અંત, ધરતીકંપ, પૂર, રોગચાળા કે બાહ્યા આક્રમણને કારણે થયો હશે, એવું માનવામાં આવે છે, પરંતુ આના વિશે પૂર્વ અને પશ્ચિમના વિજ્ઞાનીઓ એકમત નથી.

લોથલનું ભવિષ્ય

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

લોથલની ફરતેનો રણવિસ્તાર

લોથલ પર ચડી ગયેલી ધૂળ ધીમે-ધીમે ખંખેરાતી હોય તેમ જણાય છે. યુનેસ્કો દ્વારા તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ માટે વર્ષ 2014માં નૉમિનેટ કરવામાં આવી છે.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના પ્રથમ પૂર્ણકાલીન બજેટ દરમિયાન ફેબ્રુઆરી-2020માં નાણામંત્રી નિર્મલા સિતારમણે લોથલ ખાતે મૅરિટાઇમ મ્યુઝિયમ ઊભું કરવા માટે રૂપિયા ત્રણ હજાર 150 કરોડની ફાળવણીની જાહેરાત કરી હતી.

આ મ્યુઝિયમ પૉર્ટુગલના લિસ્બન ખાતે આવેલા મ્યુઝિયમની તર્જ પર નિર્મિત કરવામાં આવશે. લિસ્બનના મ્યુઝિયમમાં પોર્ટુગલના નૌકાદળની પણ ભૂમિકા છે, એવી જ રીતે લોથલ ખાતેના મ્યુઝિયમમાં ભારતીય નેવીની ભૂમિકા હશે એવી ચર્ચા છે.

શિપિંગ મંત્રાલય દ્વારા સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ તેને ઊભું કરવામાં આવશે. આ પ્રોજેક્ટના અન્ય હિતધારકોમાં ભારતીય પુરાતત્ત્વ વિભાગ અને રાજ્ય સરકાર છે.

મળતી માહિતી પ્રમાણે, આધુનિક સુવિધા સાથે અહીં પ્રાચીન ભારતની સાત સમંદર ખેડવાની સિદ્ધિને નિર્દેશિત કરવાનો હેતુ છે. પ્રોજેક્ટ ડાયરેક્ટર દરજ્જાની વ્યક્તિ દ્વારા આ કામને પાર પાડવામાં આવશે.

આ કરાર અંતર્ગત પરિસરમાં સંગ્રહાલય ઉપરાંત દરિયાઈ થીમ પાર્ક, પ્રકૃતિ સંરક્ષણ પાર્ક, દરિયાઈ શોધસંસ્થાન, પ્રદર્શનસ્થળ અને ગૅલરીને વિકસિત કરવામાં કેન્દ્રીય કલ્ચર મિનિસ્ટ્રીની સાંસ્કૃતિક વિરાસત સંરક્ષણ વિશેષજ્ઞતાનો સહયોગ મળશે.

2018માં લોથલથી માત્ર ત્રણ કિલોમીટર દૂર કચરાના નિકાલ માટેની લૅન્ડફિલિંગ સાઇટ પસંદ કરવામાં આવી હતી, જેનો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો