અમરેલી : સાવરકુંડલામાં મધરાતે ઝૂંપડીમાં સૂતેલા આઠ મજૂરો પર ટ્રક કાળ બનીને ત્રાટકી

ઇમેજ સ્રોત, Farukh Kadari
આ ગમખ્વાર અકસ્માત વહેલી સવારે 2.30થી 3 વાગ્યાની આસપાસ બન્યો હતો.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામ પાસે વહેલી સવારે થયેલા અકસ્માતમાં આઠ લોકો મૃત્યુ પામ્યાં છે.
રોડ પાસે ઝૂપડાંમાં સૂઈ રહેલા શ્રમિક પરિવારોને બેકાબૂ બનેલી ટ્રકે ઝપેટમાં લઈ લીધા હતા. ટ્રકથી કચડાઈ જવાથી આઠ લોકો ઘટનાસ્થળે મૃત્યુ પામ્યાં છે.
આ દુર્ઘટનામાં બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે અને 12 લોકોને નાની મોટી ઈજા થઈ છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે સાવરકુંડલાની સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
દુર્ઘટના બાદ ઉચ્ચ અધિકારીઓ તથા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
બીબીસીના સહયોગી સ્થાનિક પત્રકાર ફારુક કાદરી જણાવે છે કે ટ્રક મહુવા બાજુ જઈ રહી હતી ત્યારે ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં ટ્રક વળાંકવાળા રોડ પરથી નીચે ઊતરી ગઈ હતી અને ઝૂંપડાં પર ફરી વળી હતી.
આ અકસ્માતમાં ઝૂંપડાંમાં સૂતેલા આઠ લોકોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો છે.
મુખ્ય મંત્રીની 4 લાખની સહાયની જાહેરાત
ઇમેજ સ્રોત, Farukh Kadari
આ દુર્ઘટનામાં બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે અને 12 લોકોને નાની મોટી ઈજા થઈ છે.
અમરેલીમાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ શોક વ્યક્ત કર્યો છે.
તેમણે મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાય જાહેર કરી છે.
તેમણે શોક વ્યક્ત કરતાં ટ્વીટ કર્યું, "અમરેલી જિલ્લાના સાવરકુંડલાના બાઢડા ગામ નજીક થયેલા ગમખ્વાર અકસ્માતની ઘટનાથી શોકગ્રસ્ત છું."
"અકસ્માતનો ભોગ બનેલા લોકોને ત્વરિત અને યોગ્ય મદદ માટે તંત્રને સૂચનાઓ આપી છે. રાજ્ય સરકાર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાય આપશે."
આ કમનસીબ ઘટનાની તાત્કાલિક તપાસ કરીને અહેવાલ મોકલવા અમરેલી કલેકટરને આદેશ પણ આપવામાં આપ્યા છે.
અહેવાલો અનુસાર આ ગમખ્વાર અકસ્માત વહેલી સવારે 2.30થી 3 વાગ્યાની આસપાસ બન્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો