દિલ્હીમાં મુસલમાનો વિરુદ્ધ ઉશ્કેરણીજનક નારેબાજીમાં પોલીસે શું પગલાં ભર્યાં?

નારા પોકારનારા લોકોએ એક પત્રકાર પર જેહાદી હોવાનો આરોપ લગાવ્યો હતો.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

નારા પોકારનારા લોકોએ એક પત્રકાર પર જેહાદી હોવાનો આરોપ લગાવ્યો હતો.

રાજધાની દિલ્હીમાં જંતર-મંતર ખાતે મુસલમાનો વિરુદ્ધ હિંસક ઉશ્કેરણીની નારેબાજી કરવાના કેસમાં મંગળવારે દિલ્હી પોલીસે દિલ્હી ભાજપના પૂર્વ પ્રવક્તા અને આયોજક અશ્વિની ઉપાધ્યાય સહિત છ લોકોની ધરપકડ કરી લીધી છે.

દિલ્હી પોલીસના પ્રવક્તા ચિન્મય બિસ્વાલે બીબીસીને કહ્યું કે, આ મામલે પ્રદર્શનના આયોજક અશ્વિની ઉપાધ્યાય સહિત છ લોકોની પ્રથમ અટકાયત કરવામાં આવી હતી અને પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે.

આ કેસમાં સુપ્રીમ કોર્ટના વકીલ અને દિલ્હી ભાજપના પૂર્વ પ્રવકતા અશ્વિની ઉપાધ્યાય, વિનોદ શર્મા, દીપકસિંહ, વિનીત ક્રાંતિ, પ્રીતસિંહની ઉશ્કેરણીજનક નારેબાજીના કેસમાં ધરપકડ કરાઈ છે.

અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસના અનુસાર દીપકસિંહ પોતાને હિંદુ ફોર્સ નામના એક સંગઠનના અધ્યક્ષ ગણાવે છે.

ઉલ્લેખનીય છે કે રવિવારે સંસદ નજીક જંતર-મંતર ખાતે બ્રિટિશકાળના સંસ્થાનવાદી કાયદાઓ વિરુદ્ધ પોલીસની પરવાનગી વિના એક કાર્યક્રમ યોજાયો હતો, જેનું આયોજન દિલ્હી ભાજપના પૂર્વ પ્રવક્તા અશ્વિની ઉપાધ્યાયે કર્યું હતું અને એ કાર્યક્રમમાં આ કથિત નારેબાજી થઈ હતી.

આ મામલે ઢીલી કાર્યવાહી બદલ સોમવારે અનેક લોકોએ સોશિયલ મીડિયામાં દિલ્હી પોલીસની ટીકા કરી હતી.

એ બાદ પોલીસે વીડિયો ફૂટેજના આધારે ચાર લોકોની ઓળખ કરી છે.

ઉલ્લેખનીય છે કે જંતર-મંતરના આ કાર્યક્રમની પરવાનગી ન હતી અને પોલીસે આઈપીસીની કલમ 153-એ (કોમી ઉશ્કેરણી) અને 188 (લોકસેવકના આદેશની અવગણના)નો મામલો નોંધ્યો છે.

આ ઉપરાંત કોરોના મહામારીની ગાઇડલાઇનના ભંગનો પણ ગુનો નોંધવામાં આવ્યો છે. પહેલાં પોલીસે અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધી હતી.

આયોજકનો ઇન્કાર અને પત્રકારની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

આયોજક અશ્વિની ઉપાધ્યાયે કહ્યું કે, જો આ વીડિયો સાચો હોય તો એમાં સામેલ લોકો સામે કઠોર કાર્યવાહી થવી જોઈએ અને જો એ ખોટો હોય તો એને શૅર કરનારા સામે કઠોર કાર્યવાહી થવી જોઈએ.

આ કાર્યક્રમનું આયોજન કરનાર અશ્વિની ઉપાધ્યાયે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે તેઓ નારેબાજી કરનારને ઓળખતા નથી.

એમણે કહ્યું છે કે, "સોશિયલ મીડિયામાં અમુક લોકો મને બદનામ કરવા માટે વાઇરલ વીડિયોનો ફેલાવી રહ્યાં છે, પણ હું એ નારેબાજી કરનાર લોકોને ન તો ઓળખું છું ન તો એમને બોલાવવામાં આવ્યા હતા."

આયોજક અશ્વિની ઉપાધ્યાયે કહ્યું કે, "જો આ વીડિયો સાચો હોય તો એમાં સામેલ લોકો સામે કઠોર કાર્યવાહી થવી જોઈએ અને જો એ ખોટો હોય તો એને શૅર કરનારા સામે કઠોર કાર્યવાહી થવી જોઈએ."

આ પ્રદર્શનમાં સામેલ થનાર એક હિંદુવાદી નેતાએ બીબીસીને નામ નહીં આપવાની શરતે કહ્યું કે, "પ્રદર્શન દરમિયાન અનેક સમૂહો નારેબાજી કરી રહ્યા હતા અને ઉત્તેજક નારેબાજી પણ થઈ હતી."

એમણે કહ્યું કે, "યુવાઓનું જે દળ નારેબાજી કરતું દેખાઈ રહ્યું છે એમને હું મળ્યો હતો. એ ગાઝિયાબાદના લોનીથી આવ્યા હતા. એમણે નારેબાજી કરી એ વખતે હું ત્યાં હાજર ન હતો. હું હોત તો હું પણ વીડિયોમાં દેખાત અને મારી ધરપકડ થાત."

આ દરમિયાન પ્રદર્શન કવર કરવા ગયેલા નેશનલ દસ્તકના પત્રકાર અનમોલ પ્રીતમને ધમકાવ્યા હતા અને એમની પાસે જબરદસ્તી "જયશ્રી રામ"ના નારા પોકારવાની કોશિશ કરી હતી. અનમોલે એ વીડિયો ટ્વીટ કર્યો છે.

અનમોલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "મારો કૅમેરામૅન મારી અગાઉ પહોંચ્યો હતો અને એણે ઉત્તેજક નારેબાજીની રૅકર્ડ કરી હતી. એ પછી હું પહોંચ્યો."

"મેં મારા કૅમેરામૅને શૂટ કરેલો વીડિયો જોયો. જેમાં નાની વયના યુવાઓ નારા પોકારી રહ્યા હતા... મુ....કાટે જાયેંગે, રામ રામ ચિલ્લાયેંગે. આ સિવાય 'હિંદુસ્તાન મેં રહના હોગા તો જય શ્રીરામ કહના હોગા'ના નારાઓ પણ પોકાર્યા હતા, જેમાં અનેક લોકો સામેલ હતા."

અનમોલે એમ પણ કહ્યું કે "મને આ નારેબાજી ખતરનાક લાગી. પ્રદર્શનોમાં હોય છે એ મુજબ પોલીસ ત્યાં હતી પણ કોઈ કંઈ બોલી નહોતું રહ્યું."

'મને લાગ્યું એ લોકો મને મારી નાખશે'

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

દિલ્હી પોલીસે જણાવ્યું કે આયોજકોને આ કાર્યક્રમ કરવાની મંજૂરી નહોતી અપાઈ- પ્રતીકાત્મક તસવીર

અનમોલે કહ્યું, "મેં નારેબાજી કરનારા લોકો સાથે વાત કરવાની કોશિશ કરી કે એમના મુદ્દાઓ શું છે. તો એમણે સિવિલ કોડ, વસતિનિયંત્રણ બિલ અને આઈપીસીની બે ધારાને બદલવાની વાત કરી. પછી એ લોકો રોહિંગ્યા શરણાર્થીઓને દેશની અસલી સમસ્યા જણાવવા લાગ્યા."

પ્રીતમ કહે છે કે "જ્યારે તેઓ સમસ્યા જણાવી રહ્યા હતા ત્યારે મેં એમને પૂછ્યું કે સાત વર્ષથી હિંદુવાદી સરકાર છે તો મુદ્દાઓ કેમ નથી ઉકેલાઈ રહ્યા. હું વાત કરી જ રહ્યો હતો કે એક યુવક આવ્યો કહેવા લાગ્યો કે આ જેહાદી ચેનલ છે આ જય શ્રીરામ નથી બોલતા."

આ દરમિયાન અમુક યુવાનો અનમોલ પ્રીતમ પર જય શ્રીરામના નારા પોકારવા માટે દબાણ કરવા લાગ્યા. જોકે, પ્રીતમે નારા ન પોકાર્યાઅને ત્યાંથી નીકળી ગયા.

પ્રીતમ કહે છે "એ ખૂબ ભયાનક હતું. સો-દોઢસો લોકો હતા જે વારંવાર કહી રહ્યા હતા કે તું જેહાદી છે. જયશ્રી રામનો નારો કેમ નથી પોકારતો. એક સમયે મને લાગ્યું કે સ્થિતિ કાબૂ બહાર જઈ શકે છે અને મારી સાથે હિંસા થઈ શકે છે."

ઉલ્લેખનીય છે આ હિંસક નારેબાજી મામલે લઘુમતી પંચે સ્વસંજ્ઞાન લઈ દિલ્હી પોલીસ પાસે જવાબ માગ્યો છે.

મુસલમાનોના ધાર્મિક સંગઠન જમાત-ઉલેમા-એ-હિંદે દિલ્હી પોલીસ કમિશનરની મુલાકાત લઈ કાર્યવાહી કરવા અપીલ કરી છે અને કહ્યું છે કે "આનાથી મુસલમાનો અને તમામ શાંતિપ્રિય લોકોમાં ભયનો માહોલ પેદા થયો છે."

શું છે આખો મામલો?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

રવિવારે દિલ્હીના જંતરમંતર પર ભારતીય સંસદથી થોડે દૂર એક માર્ચ દરમિયાન કથિત રીતે મુસ્લિમવિરોધી અને તેમની વિરુદ્ધ હિંસા ભડકાવનારા નારા પોકારવામાં આવ્યા હતા

દેશમાં બ્રિટિશરાજના 'સંસ્થાનવાદી યુગના કાયદા સામે' રવિવારે દિલ્હીના જંતરમંતર પર ભારતીય સંસદથી થોડે દૂર એક માર્ચ દરમિયાન કથિત રીતે મુસ્લિમવિરોધી અને તેમની વિરુદ્ધ હિંસા ભડકાવનારા નારા પોકારવામાં આવ્યા હતા.

અંગ્રેજી અખબાર 'ઇન્ડિયન એક્સપ્રેસ' દિલ્હી પોલીસને ટાંકીને લખે છે કે આયોજકોને આ કાર્યક્રમ કરવાની મંજૂરી નહોતી અપાઈ.

તો સમાચાર એજન્સી એએનઆઈએ દિલ્હી પોલીસનાં સૂત્રોથી ટાંક્યું કે જંતરમંતરનો વીડિયો વાઇરલ થયા બાદ પોલીસે અજાણ્યા લોકો સામે એફઆઈઆર નોંધી હતી.

આ રેલીનું આયોજન સુપ્રીમ કોર્ટના વકીલ અને દિલ્હી પ્રદેશ ભાજપના પૂર્વ પ્રવક્તા અશ્વિની ઉપાધ્યાયે કર્યું હતું, જેમાં 100થી વધુ લોકો સામેલ થયા હતા.

સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહેલા વીડિયોમાં લોકો નારા પોકારી રહ્યા હતા અને મુસલમાનોને નુકસાન પહોંચાડવાની ધમકી અપાઈ રહી હતી.

અશ્વિની ઉપાધ્યાયે ગત મહિને સુપ્રીમ કોર્ટમાં ભારતીય દંડસંહિતા વિરુદ્ધ એક જનહિતની અરજી દાખલ કરીને 'વ્યાપક' અને 'કઠોર' દંડસંહિતાની માગ કરી હતી, જે દેશમાં સમાનતાથી કાયદાનું શાસન સ્થાપિત કરે.

'ભારત જોડો આંદોલન'નાં મીડિયા ઇન્ચાર્જ શિપ્રા શ્રીવાસ્તવે કહ્યું, "સંસ્થાનવાસી કાયદા સામેનું આ પ્રદર્શન હતું, જે બ્રિટિશ સરકાર દ્વારા ભારતીયોને દબાવવા માટે ઘડવામાં આવ્યા હતા."

"અમે ત્યાં એ કાયદાની વિરુદ્ધ અને સમાન નાગરિકસંહિતાના સમર્થનમાં પ્રદર્શન કરતાં હતાં, કેમ કે અમારી માગ હતી કે દેશમાં સમાન નિયમ હોવા જોઈએ."

તેમણે કહ્યું કે "મારી જાણકારી પ્રમાણે ત્યાં કોઈ એવા (ઉશ્કેરણીજનક) નારા નહોતા પોકારાયા. ત્યાં 5000 લોકો હતા અને તેમાંથી પાંચ-છ લોકોએ કોઈ ખૂણામાં એવા નારા પોકાર્યા હોય તો અમે તેને સમર્થન આપતાં નથી."

નવી દિલ્હી જિલ્લાના એક વરિષ્ઠ પોલીસ અધિકારીને જ્યારે અખબારે આ અંગે પૂછ્યું તો તેમણે કહ્યું, "DDMA દિશાનિર્દેશો (જે કોવિડ પ્રોટોકૉલ દરમિયાન ભીડ એકત્ર થવાની મંજૂરી આપતાં નથી) હેઠળ અમે મંજૂરી નહોતી આપી અને બાદમાં અમને ખબર પડી કે અશ્વિની ઉપાધ્યાય ઇનડોરમાં આ કાર્યક્રમ કરવા માગે છે."

"પોલીસ એ જગ્યાએ ગઈ હતી, કેમ કે અમને લાગ્યું કે ત્યાં અંદાજે 50 લોકો હશે, પણ એકાએક ત્યાં નાનાં સમૂહમાં લોકો ભેગા થવા લાગ્યા. તેઓ શાંતિપૂર્ણ પ્રદર્શન કરતા હતા, પરંતુ જ્યારે તેઓ જવા લાગ્યા ત્યારે નારા પોકારવા લાગ્યા."

કથિત નારાવાળા વીડિયો અંગે જ્યારે ડીસીપી (નવી દિલ્હી જિલ્લો) દીપક યાદવને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, "અમે બધી વીડિયો ક્લિપને વેરિફાઈ કરી રહ્યા છીએ."

જોકે, જંતરમંતર પર આટલી મોટી સંખ્યામાં ભીડ એકત્ર થવા પર તેમણે કોઈ ટિપ્પણી કરી નહોતી.

ગત મહિને જંતરમંતર પર ઘણી ચર્ચા અને બેઠકો બાદ 200 ખેડૂતોને દિલ્હી પોલીસે પ્રદર્શનની મંજૂરી આપી હતી.

પ્રદર્શન માટે વિશેષ મંજૂરી દિલ્હીના ઉપરાજ્યપાલે આપી હતી જે DDMAના ચૅરપર્સન પણ છે.

ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયામાં આ ઘટના સામે પગલાં લેવાની માગ થઈ રહી છે અને દિલ્હી પોલીસની આકરી ટીકા પણ થઈ રહી છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો