ચુંદુરુ : એ હત્યાકાંડ જેમાં દલિતોને મારીને નદીમાં વહાવી દેવાયા હતા

  • શંકર વાડિસેટ્ટી
  • બીબીસી માટે
જ્ઞાતિની લડાઈમાં માર્યા ગયેલાનો કપાયેલો હાથ

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન,

જ્ઞાતિની લડાઈમાં માર્યા ગયેલાનો કપાયેલો હાથ

  • 22 જુલાઈ, 1991ના રોજ થિયેટરમાં ફિલ્મ જોતી વખતે રવિ નામના દલિતનો પગ બીજા કોઈને અડી ગયો અને ઝઘડો થયો હતો
  • માલા અને માડિગા જ્ઞાતિના લોકો 40 વર્ષ પહેલાં ચુંદુરુમાંથી હિજરત કરીને અહીં વસ્યા હતા. પોતાની આંખ સામે જ પરિવારના લોકોનો જ્ઞાતિ સામેના દ્વેષને કારણે સામૂહિક હત્યાકાંડ કરવામાં આવ્યો
  • 6 ઑગસ્ટ, 1991ના એ હત્યાકાંડમાં 8 લોકોની સ્થળ પર જ હત્યા કરી દેવામાં આવી હતી
  • ચુંદુરુમાં દલિતો પર હુમલા પછી ચારે બાજુ દેખાવો થવા લાગ્યા હતા. દિલ્હીમાં પણ દેખાવો થયા હતા અને તેમાં પૂર્વ વડા પ્રધાન વી. પી. સિંહ અને રામવિલાસ પાસવાને સંબોધન કર્યું હતું

અંગલકુદુરુ કોટિરત્નમ્ 6 ઑગસ્ટ, 1991ની એ ઘાતકી ઘટનાને યાદ કરતાં કહે છે, "સવારે 9 વાગ્યે કેટલાક લોકો અમારા વિસ્તારમાં આવ્યા અને કહેવા લાગ્યા કે ભાગો, પોલીસ આવી રહી છે. મારો દીકરો પણ મોડુકૂરુ તરફ દોડ્યો. નગરના મધ્યમાં તેને પકડીને મારી નાખવામાં આવ્યો." તે દિવસે થયેલા હત્યાકાંડમાં આ રીતે તેમનો દીકરો પણ માર્યો ગયો હતો.

"બીજા ઘણાની એવી જ હાલત થઈ. બપોરે બે વાગ્યે કેટલાકને જસ્મિન ગાર્ડનમાં લઈ જવાયા અને બીજાની મોડુકૂરુમાં જ હત્યા કરી દેવામાં આવી. સાંજે કોથળામાં ભરીને મૃતદેહોને તુંગભદ્રા નદીમાં નાખી દેવામાં આવ્યા."

"અમે રેડ્ડી અને તેલાગાસ લોકોને ટ્રેક્ટરોમાં ભરીને જતા જોયા હતા. બીજા ગામના રેડ્ડી લોકો પણ તેમના ટેકામાં આવ્યા હતા. ત્રણ દિવસ સુધી મૃતદેહો હાથમાં આવ્યા નહોતા."

"તે પછી જુદીજુદી જગ્યાએ મૃતદેહો બહાર આવવા લાગ્યા. મારા દીકરાનો મૃતદેહ પોલીસ સ્ટેશને લવાયો હતો અને મારી પાસે ઓળખ કરાવાઈ હતી," એમ કોટીરત્નમ આંખમાં આંસુ સાથે કહે છે.

શું હતો હત્યાકાંડ?

ઇમેજ કૅપ્શન,

ચુંદુરુ હત્યાકાંડના માર્યા ગયેલા લોકોનું સ્મારક

આંધ્ર પ્રદેશના ગુન્ટુર જિલ્લાના ચુંદુરુ તાલુકામાં 30 વર્ષ પહેલાં થયેલા આ હત્યાકાંડની તેઓ સાક્ષી છે.

અદાલતમાં પણ હાજરી આપીને તેમણે પુરાવા આપ્યા હતા. આજેય તે ઘટનાના આઘાતમાંથી પોતે બહાર આવી શકી નથી એમ તેઓ કહે છે.

કોટીરત્નમ જ નહીં, આંબેડકરનગર પંચાયત વિસ્તારમાં વસેલા પરિવારો આજેય તે ઘાતકી હત્યાઓને ભૂલી શક્યા નથી.

માલા અને માડિગા જ્ઞાતિના લોકો 40 વર્ષ પહેલાં ચુંદુરુમાંથી હિજરત કરીને અહીં આવીને વસ્યા હતા. પોતાની આંખ સામે જ પરિવારના લોકોનો જ્ઞાતિ સામેના દ્વેષને કારણે સામૂહિક હત્યાકાંડ કરવામાં આવ્યો તે કરુણ ઘટના તેમનાથી ભૂલી શકાય તેમ નથી.

ચુંદુરુમાં થયેલી ઘટનાના પડઘા માત્ર સ્થાનિક ધોરણે નહીં, પણ સમગ્ર દેશમાં પડ્યા હતા. તેના કારણે અનેક જગ્યાએ સામાજિક આંદોલનો જાગ્યાં હતાં.

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન,

ચુંદુરુ હત્યાકાંડમાં માર્યા ગયેલા લોકો

6 ઑગસ્ટ, 1991ના એ હત્યાકાંડમાં 8 લોકોની સ્થળ પર જ હત્યા કરી દેવામાં આવી હતી. બાદમાં પોતાના ભાઈને મૃત હાલતમાં જોઈને આઘાતમાં સરી પડેલા પરિશુધા રાવ હાર્ટઍટેકથી મોત પામ્યા હતા.

ડૉ. રવિ ચંદેરે આ મૃતદેહોનું પોસ્ટમૉર્ટમ કર્યું હતું અને પછી આત્મહત્યા કરી લીધી હતી. નદીના નાળામાં ગુણોમાં ફેંકી દેવાયેલા મૃતદેહો એટલા વિકૃત્ત થઈ ગયા હતા કે તેમને આઘાત લાગ્યો હતો.

દલિતો પર હુમલો કરીને તેમની હત્યા કરી દેવાઈ તે પછી પોતાનાં સગાંના મોતના આઘાતમાં બીજા બે લોકોનાં મોત થયાં હતાં. તેના પરથી જ કેટલી ક્રૂરતા આચરાઈ હશે તેનો અંદાજ આવી શકે છે.

ચુંદુરુમાં દલિતો પર હુમલા પછી ચારે બાજુ દેખાવો થવા લાગ્યા હતા. દિલ્હીમાં પણ દેખાવો થયા હતા અને તેમાં ભૂતપૂર્વ વડા પ્રધાન વી. પી. સિંહ અને રામવિલાસ પાસવાને સંબોધન કર્યું હતું.

દલિતો પર જ્યારે હુમલો થયો

ઇમેજ કૅપ્શન,

ચુંદુરુ પોલીસ સ્ટેશન

આંધ્ર પ્રદેશમાં ઉગ્ર વિરોધપ્રદર્શનો થયાં હતાં. ઠેરઠેર વિરોધ છાવણીઓ નખાઈ હતી અને આરોપીઓની સામે પગલાં લેવાં અને પીડિત પરિવારોને સહાય માટેની માગણી થઈ હતી.

આ વિરોધી દેખાવો સામે પોલીસે ગોળીબાર કર્યો હતો અને તેના કારણે વધુ એક દલિત યુવાન કોપારાલા અનિલકુમારનું મોત થયું હતું.

દિલ્હીનાં પ્રદર્શનમાં ભાગ લેવા જઈ રહેલી એક યુવતીનું પણ અકસ્માતમાં મોત થયું હતું.

ચુંદુરુ ઘટનાને કારણે 1985માં પ્રકાસમ જિલ્લામાં કારમચેડુમાં થયેલા અત્યાચારની ઘટના પણ તાજી થઈ ગઈ હતી.

જ્ઞાતિના ભેદભાવના કારણે કારમચેડુમાં થયેલા અત્યાચારોનાં છ વર્ષ પછી ફરીથી ચુંદુરુમાં દલિતો પર અત્યાચાર થયા. કારમચેડુમાં દલિતોએ તળાવમાંથી પાણી ભર્યું તેના કારણે ઉચ્ચ જ્ઞાતિના લોકોએ હુમલો કરીને હત્યાઓ કરી હતી. એવી જ રીતે અહીં પણ શાળામાં દલિતના વિદ્યાર્થીઓને જુદા બેસાડવાના મુદ્દે બબાલ થઈ હતી અને તેના કારણે હત્યાકાંડ થયો હતો.

ઇમેજ કૅપ્શન,

આ નાળામાં ગુણોમાં ભરીને મૃતદેહોને ફેંકી દેવાયા હતા

22 જુલાઈ, 1991ના રોજ થિયેટરમાં ફિલ્મ જોતી વખતે રવિ નામના દલિતનો પગ બીજા કોઈને અડી ગયો તેના કારણે ઝઘડો થયો હતો. રવિ પર હુમલો કરવામાં આવ્યો ત્યારે દલિતોએ સામનો કર્યો હતો. આના કારણે ચુંદુરુના રેડ્ડી અને તેલાગા જ્ઞાતિના લોકો ઉશ્કેરાયા હતા અને દલિતોને પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતું.

દલિતના યુવાનો સામા થયા તે વાતને સહન કરવામાં ન આવી અને દલિતોનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો. આ બાબતની ફરિયાદ દલિતોએ પોલીસને કરી ત્યારે કાને ધરવામાં આવી નહોતી.

આ મામલાને ઉકેલવા માટે શાંતિસમિતિની રચના કરવામાં આવી હતી, પણ રેડ્ડી લોકો તેમાં ભાગ લેવા માગતા નહોતા અને તેના કારણે ઉગ્રતા વધી હતી.

ચુંદુરુ તાલુકા મથક હતું અને ગામમાં માલા અને માડિગા દલિતોની વસતી પણ ઘણી હતી.

જોકે ખેતીની જમીનની માલિકી રેડ્ડી અને તેલાગા લોકોની હતી. સિંચાઈની સુવિધા વધી તે સાથે ખેતીમાં આવક પણ વધી હતી અને સમૃદ્ધ થયેલા ખેડૂતો ગામડાંમાં પોતાનું વર્ચસ્વ વધારવા માગતા હતા.

ભણેલા દલિતો સામે નારાજગી

ઇમેજ કૅપ્શન,

પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલા અનિલકુમારનું સ્મારક

બીજી બાજુ દલિતોમાં અભ્યાસ વધ્યો હતો અને તેના કારણે સરકારી નોકરીઓમાં તેમને સ્થાન મળવા લાગ્યું હતું. તે વખતે જુદીજુદી સરકારી નોકરીઓમાં 100 જેટલા એસસી સમુદાયના લોકો હતા.

આ ઉપરાંત તેમાંના કેટલાક રેલવે કૉન્ટ્રેક્ટનું કામ કરવા લાગ્યા હતા અને તેમની સમૃદ્ધિ પણ વધી હતી.

બીજું કે રેડ્ડી અને તેલાગાનાં ખેતરોમાં ભાગિયા તરીકે માલા અને માડિગા લોકો કામ કરવા લાગ્યા હતા એટલે તેમને પણ સારી આવક થતી હતી. તાલુકા પંચાયતના પ્રમુખની જગ્યા પણ હવે એસસી અનામત બની હતી.

ભણેલા દલિત યુવાનો હવે સામાજિક પ્રથાઓ સામે સવાલો ઉઠાવતા થયા હતા. આ બધી બાબતો ઉચ્ચ જ્ઞાતિના લોકોને પસંદ પડી રહી નહોતી.

ઇમેજ કૅપ્શન,

ચુંદુરુની એસસી સમુદાયની વસાહત

આવા તંગ વાતાવરણ વચ્ચે સસ્તા અનાજના દુકાનદાર ગોલામૂડી યાકૂબ પર 5 ઑગસ્ટે હુમલો થયો હતો. ગામમાં પોલીસ છાવણી ગોઠવાયેલી હતી, છતાં દુકાનદાર પર હુમલો થયો તેનાથી ઉશ્કેરણી થઈ હતી.

"તે વખતે મને સંદેશ મળ્યો હતો કે બધા દુકાનદારોની બેઠક મળવાની છે. મારે પણ હાજર રહેવાનું હતું. બીજું કે મારે કોઈની સાથે ઝઘડો નહોતો એટલે હું નચિંત થઈને બેઠકમાં હાજર રહેવા નીકળ્યો હતો. હું એ વિસ્તારમાંથી પસાર થઈને આગળ વધ્યો ત્યારે અચાનક 60 જેટલા લોકોએ મારા પર હુમલો કરી દીધો," એમ યાકૂબ યાદ કરતા કહે છે.

"નજીકના ઘર પાસે વડીલો બેઠા હતા, હું ત્યાં દોડી ગયો. હું હાથ જોડીને તેમને સમજાવી રહ્યો હતો કે મારે કોઈની સાથે કોઈ ઝઘડો નથી, પણ તેમાંના એક જણે મારા પગ પર કુહાડો મારી દીધો. બીજાએ મને છરીનો ઘા માર્યો. મેં બૂમાબૂમ કરી ત્યારે નજીક છાવણીમાં રહેલી પોલીસ દોડી આવી અને હુમલાખોરો નાસી ગયા. મને તેનાલી હૉસ્પિટલ લઈ જવાયો હતો," એમ યાકૂબ કહે છે.

તે વખતે બે એસસી લોકોને અનામત પ્રમાણે સસ્તા અનાજની દુકાન ફાળવવામાં આવી હતી. આજે પણ યાકૂબ દુકાન ચલાવીને જ પોતાનું ગુજરાન ચલાવે છે.

ઇમેજ કૅપ્શન,

ચુંદુરુ હત્યાકાંડ માર્યા ગયેલા રાજા મોહનનાં માતા કોટિરત્નમ

આ રીતે દુકાનદાર પર હુમલો થયો તેના કારણે ઉશ્કેરાયેલા દલિતોએ રેડ્ડી સમુદાયના એક માણસ પર હુમલો કરી દીધો.

એ માણસ અપંગ હતો અને તેના કારણે ઘવાયો. તેને તેનાલી હૉસ્પિટલ લઈ જવાયો હતો, પણ ત્યાં તેનું મોત થયું. આના કારણે બંને જ્ઞાતિ વચ્ચે ઉગ્રતા વધી ગઈ.

આ અગાઉ એવો પણ આક્ષેપ થયો હતો કે વિજય પાલ નામના યુવાને રેડ્ડી કોમની મહિલાની છેડતી કરી છે. તેના કારણે હવે રેડ્ડી અને તેલાગા લોકો એકઠા થઈ ગયા અને જ્ઞાતિના લોકોને સાથે આવીને હુમલો કરવા ઉશ્કેરણી કરી.

"આ બધુ યોજના મુજબ થયું હતું. 6 ઑગસ્ટે સવારે તેમણે હુમલો કર્યો હતો. પોલીસનો સાથ હોય તો જ આવો ઘાતક હુમલો થઈ શકે," એમ એમ. સુબ્બારાવે બીબીસીને જણાવ્યું. સુબ્બારાવે ચુંદુરુ હત્યાકાંડનો ભોગ બનેલા લોકો માટે આંદોલન ચલાવ્યું હતું.

"તે લોકોએ અમે ભાગમાં જમીનો વાવવા આપી હતી તે પાછી લેવાનું શરૂ કર્યું. અમને ખેતમજૂરીનું કામ આપવાનુંય બંધ કરી દીધું. દુકાનોમાંથી અમને વસ્તુઓ પણ આપવામાં આવતી નહોતી. આવા બહિષ્કારને અમે સહન કરી રહ્યા હતા, છતાંય 5 ઑગસ્ટે બનાવ બન્યો હતો. તે પછી પોલીસે પગલાં લેવાની જરૂર હતી. તેના બદલે પોલીસે કશું નથી એમ કહીને પગલાં લીધાં નહીં. તે પછી 6 ઑગસ્ટે સવારે અમારા કેટલાક આગેવાનો તેનાલી ગયા હતા. તે પછી રાત્રે 9 વાગ્યે પોલીસ અમારા વિસ્તારમાં આવી હતી.

વીડિયો કૅપ્શન,

વિશ્વ આદિવાસી દિવસ : તાપીમાં વાંસની કળાને જીવંત રાખવા આદિવાસી બહેનો કરી રહી છે સંઘર્ષ

સુબ્બારાવના જણાવ્યા અનુસાર હુમલો કરનારાને પોલીસ પકડી લેશે તેવી વાત હતી એટલે મોટા ભાગના પુરુષો ખેતરમાં ભાગી ગયા હતા.

"પુરુષો અને મોટા ભાગના શિક્ષિત યુવાનો મોડુકૂરુ જતા રહ્યા અને કેટલાક રેલવે ટ્રેક પર નાસી ગયા હતા. વસાહતમાંથી ભાગીને તેઓ ખેતરોમાં ગયા, પણ ત્યાં છુપાયેલા રેડ્ડી અને તેલાગાએ ખેતરોમાં તેમને પકડી લીધા. આ બધું યોજના મુજબ જ થયું હતું. હુમલાને કારણે બુમરાણ મચી હતી, પણ પોલીસે જરાય ધ્યાન આપ્યું નહોતું. ઊલટાની એવી મજાક કરી કે કામ ચાલી રહ્યું છે એટલે ગીતડાં ગવાઈ રહ્યાં છે. આ રીતે 8 લોકોની હત્યા કરી દેવામાં આવી," એમ સુબ્બારાવ જણાવે છે.

આ હુમલામાં આઠ દલિતો માર્યા ગયા, જેમાં દેવરાપલ્લી જયરાજુ, મંડલુ રમેશ, રુબેન, જલાદી ઇમાન્યુલ, જલાદી મુથૈયા, મલેલા સુબ્બા રાવ, જલાદી ઇસાક, અંગલકુડુરુ રાજામોહનનો સમાવેશ થતો હતો.

આ લોકોના મૃતદેહોને ગુણોમાં નાખીને તુંગભદ્રા નદીના નાળામાં ફેંકી દેવામાં આવ્યા હતા. ત્રણ દિવસ સુધી મૃતદેહોની શોધખોળ ચાલતી રહી હતી.

આખરે બહુ ખરાબ રીતે વિકૃત થઈ ગયેલા મૃતદહોને બહાર કાઢવામાં આવ્યા. તે પછી અંતિમવિધિના મામલે પણ વિવાદ થયો.

ન્યાય માટે આંદોલન અને ગોળીબાર

ઇમેજ કૅપ્શન,

ચુંદુરુની શાળા

જિલ્લા કલેક્ટર અને નાગાર્જુન અને જિલ્લા પોલીસવડા આર.પી. મીણાએ દખલગીરી કરીને અંતિમવિધિ કરાવવી પડી હતી.

ગામના મુખ્ય રસ્તાની બાજુમાં સામૂહિક અંતિમવિધિ કરવામાં આવી હતી. આજે જોકે તે જગ્યા જાળવણીના અભાવે અવાવરું જેવી છે. જોકે દર છઠ્ઠી ઑગસ્ટે શ્રદ્ધાંજલિ માટેનો કાર્યક્રમ અહીં યોજાય છે.

ચુંદુરુના અમરતાલુરુ પોલીસ સ્ટેશને આ માટેના કેસ નોંધવામાં આવ્યા હતા. એસસી, એસટી ઍટ્રોસિટી ઍક્ટ-89ની કલમો 148, 302, 207,. 201, અને 140 હેઠળ ફરિયાદો નોંધાઈ હતી.

જોકે આરોપીઓની ધરપકડ કરવામાં આવી નહોતી. આરોપીઓને છાવરવામાં આવી રહ્યા છે તેના વિરોધમાં દેખાવો થયા અને ન્યાયની માગણીઓ થઈ. દલિત મહાસભાના કટ્ટી પદ્મ રાવની આગેવાનીમાં દેખાવો થયા હતા.

તે વખતે નેદુરુમલ્લી જનાર્દન રેડ્ડી મુખ્ય મંત્રી હતા. તેમણે ચુંદુરુની મુલાકાત લઈને સાંત્વના આપી હતી, પણ ચુંદુરુ પીડિત સમિતિએ તેમનો વિરોધ કર્યો હતો.

વીડિયો કૅપ્શન,

કૃષ્ણમ્માલ જગન્નાથન : એ મહિલા જેમણે સેંકડો દલિતોને જમીન અપાવી

ચુંદુરુ પીડિતોને ન્યાય માટે આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે તેની સામે ઑલ પિપલ્સ વૅલફૅર સમિતિના નામે સામું આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું.

આ સંસ્થાએ પોતાની રીતે વિરોધપ્રદર્શનો કર્યા. પરંતુ આ દેખાવોના પગલે ગુન્ટુર એસી કૉલેજ પર હુમલો થયો અને પોલીસે ગોળીબાર કરવો પડ્યો.

આ ઘટના બાદ 107 સાંસદોની સહી સાથેનો પત્ર રાષ્ટ્રપતિને લખવામાં આવ્યો હતો અને આ કેસ ચલાવવા માટે ચુંદુરુમાં અલગ અદાલત સ્થાપવાની માગણી થઈ હતી. હાઈકોર્ટે આદેશ કર્યો હતો કે વિશેષ અદાલતે 12 ડિસેમ્બર, 1991થી કામગીરી શરૂ કરવી, પરંતુ તેનો અમલ થયો નહોતો. છેક ડિસેમ્બર 1994માં અદાલતની કાર્યવાહી શરૂ થઈ હતી.

પીડિતોના જણાવ્યા અનુસાર કેસને ટલ્લે ચડાવવા માટે અનેક રીતે પ્રયાસો થયા હતા. પ્રથમ તો એક આરોપીએ અરજી દાખલ કરી કે તેમની પાસે અદાલતમાં કેસ લડવાના પૈસા નથી. બાદમાં તેમના તરફથી વિરોધ નોંધાવાયો કે ભોગ બનેલા બધા લોકો કંઈ એસસી સમુદાયના નથી, પણ તેઓ ખ્રિસ્તી છે.

આના કારણે ફરિયાદી પક્ષે પોતે એસસી છે તે સાબિત કરવું પડ્યું હતું. આવી આડખીલીઓ છતાં આખરે અદાલતમાં સુનાવણી ચાલી. અદાલત માટે અલગ મકાન પણ બનાવવામાં આવ્યું.

જોકે આરોપીઓ માગણી કરતા રહ્યા હતા કે કેસને ગુન્ટુર લઈ જવામાં આવે, પરંતુ સુનાવણી ચુંદુરુની અદાલતમાં જ ચાલતી રહી.

ઇમેજ કૅપ્શન,

ચુંદુરુ હત્યાકાંડની તપાસ માટે બનેલી કોર્ટની બિલ્ડિંગ

જોકે તપાસ અને સુનાવણી લાંબી ચાલી અને તે દરમિયાન 33 આરોપીઓનાં મૃત્યુ થયાં. તે પછી 179 સામે કાર્યવાહી ચાલી. 79 સાક્ષીઓને તપાસવામાં આવ્યા. 16 વર્ષની લાંબી કાર્યવાહી પછી 31 જુલાઈ 2007ના રોજ ચુકાદો આપવામાં આવ્યો. આરોપીઓમાંથી 123ને પુરાવાના અભાવે છોડી મૂકવામાં આવ્યા.

બાકીનાને ગુનેગાર ઠરાવી 21ને આજીવન કેદ કરવામાં આવી. 35 જણને એક વર્ષની કેદ થઈ. આ ચુકાદા સામે અપીલ કરવામાં આવી અને હાઈકોર્ટમાં પણ આ કેસ સાત વર્ષ ચાલ્યો.

22 એપ્રિલ, 2014ના રોજ હાઈકોર્ટે આખરે ચુકાદો ફેરવી તોળ્યો અને બધા આરોપીઓ ગુનેગાર નથી તેમ જણાવ્યું. જેલમાં રહેલાઓને છોડી મૂકવામાં આવ્યા.

ઇમેજ કૅપ્શન,

અનિલકુમારના પિતા કહે છે કે તેમના દીકરાને વિના વાંકે પોલીસ ગોળીબારમાં મારી નખાયો

હાઈકોર્ટે એવો ચુકાદો આપ્યો હતો કે ચુંદુરુ હત્યાકાંડમાં લગાવાયેલા બધા જ આરોપો પાયાવિહોણા છે. આના કારણે સવાલ એ થયો કે આ લોકો નિર્દોષ હોય તો પછી આઠ જણની હત્યા કોણે કરી? અનેક સંસ્થાઓએ ચુકાદા સામે વાંધા ઉઠાવ્યા હતા અને ઘણાએ તેની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ પણ કરી.

સુપ્રીમ કોર્ટે અપીલ સ્વીકારીને હાઈકોર્ટના ચુકાદા સામે મનાઈહુકમ આપ્યો. હાલમાં પણ સર્વોચ્ચ અદાલતમાં આ કેસ ચાલી રહ્યો છે.

ચુંદુરુ પીડિતો વતી કેસ ફાઇલ કરનારા જલાદી મોસેસે બીબીસીને જણાવ્યું કે "આંધ્ર પ્રદેશ હાઈકોર્ટમાં પાંચ અપીલ કરવામાં આવી હતી, પણ તેને ધ્યાનમાં લીધા વિના જ ચુકાદો આપવામાં આવ્યો હતો. 60 લોકોના સાક્ષીપુરાવા હતા, પણ સૌને જુદીજુદી સજા કરાઈ હતી. કોઈને જનમટીપ તો કોઈને એક જ વર્ષની કેદ. આનો પણ અમે વાંધો ઉઠાવ્યો હતો. બધા જ આરોપીઓને એકસરખી સજા મળવી જોઈએ."

ઇમેજ કૅપ્શન,

ચુંદુરુ કેસમાં જેલમાં ગયેલા ચિડુપુડી રેડ્ડી

મોસેસ કહે છે કે જસ્ટિસ એલ. નરસિમ્હા રેડ્ડીએ આપેલા ચુકાદાથી સૌ નિરાશ થયા હતા, પણ હવે સર્વોચ્ચ અદાલતમાં તેમને ન્યાય મળશે એવી આશા સૌને છે.

30 વર્ષ પહેલાં થયેલા આ હત્યાકાંડ અંગે જાણવા બીબીસીએ રેડ્ડી અને તેલાગા સમુદાયના ઘણા લોકોનો સંપર્ક કર્યો હતો, પણ તેમાંથી કોઈએ પ્રતિસાદ આપ્યો નહોતો. જોકે છેલ્લે તેમાંના એક ચિડૂપુડી પુન્ના રેડ્ડીએ અમારી સાથે થોડી વાત કરી હતી.

"તે દિવસે થયું તેવું થવું જોઈતું નહોતું, આવેશમાં બધું થઈ ગયું. એમનીય ભૂલ નહોતી કે અમારીય નહોતી. અમે હવે એ બધું ભૂલી ગયા છીએ અને સાથે મળીને રહીએ છીએ. અમારી જમીન તેમને વાવવા આપીએ છીએ. અમારાં ખેતરોમાં કામે પણ આવે છે. ભૂતકાળને ઉખેળવાને બદલે સૌએ તેને ભૂલી જવો જોઈએ," એમ તેમણે કહ્યું.

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન,

ચુંદુરુ વિરોધ પ્રદર્શનો થયા હતા તે વખતની તસવીર

પીડિત પરિવારોને અફસોસ છે કે હજી સુધી તેમને અદાલતોમાંથી ન્યાય મળ્યો નથી.

"સરકારે આંદોલન વખતે વચન આપેલું કે દરેક દલિત પરિવારને એક એકર જમીન આપવામાં આવશે, ઘર અપાશે અને ભણેલા યુવાનોને નોકરી અપાશે. પરંતુ માત્ર 57 લોકોને એક-એક એકર જમીન મળી છે. 450 લોકોને અડધો એકર જમીન જ મળી છે. 30 લોકોને હજી સુધી જમીન મળી નથી," એમ સુબ્બારાવે બીબીસીને જણાવ્યું હતું.

"અમને એક-એક જમીન મળી છે અને એક લાખ રૂપિયાનું વળતર મળ્યું. પણ તેનાથી શું મારો દીકરો પાછો આવી જશે? એ પણ વિચિત્ર કહેવાય કે અદાલત કહે છે કે ગુનો થયો જ નથી. આરોપીઓ એમ જ ખુલ્લા ફરી રહ્યા છે, ત્યારે અમે કઈ રીતે અમારાં સંતાનોને ભૂલી જઈએ?" એવો સવાલ અંગલકુડુરુ કોટિરત્નમ પૂછે છે.

આ ઘટના પછી જ તાલુકા પંચાયતમાં દલિત પ્રમુખ ચૂંટી શકાયા હતા. ચુંદુરુ ઘટના પછી ગામડાંમાં દલિતોની એકતા વધી હતી. આ ઘટનાના રાષ્ટ્રીય સ્તરે પડઘા પડ્યા હતા. તેના કારણે દલિત પ્રમુખ બની શક્યા હતા. એસસી, એસટી ઍક્ટ પ્રમાણે પ્રથમ વાર ગામમાં કોઈ અદાલત બનાવાઈ હતી અને ત્યાં જ કાર્યવાહી ચાલી હતી. અસરગ્રસ્તોને ન્યાય માટે સહાય યોજના જાહેર કરવામાં આવી હતી," એમ જાણીતા દલિત આંદોલનકારી કટ્ટી પદ્મ રાવ કહે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો