પૅરાલિમ્પિક ગેમ્સ જાપાન : વિકલાંગ ખેલાડીઓ માટે શું હોય છે નિયમો અને આ રમતોત્સવનો ઇતિહાસ શું છે

  • ટીમ બીબીસી ગુજરાતી
  • નવી દિલ્હી
પૅરાલિમ્પિક સ્પર્ધામાં શારીરિક રીતે વિકલાંગ ઍથ્લીટ ભાગ લે છે

ઇમેજ સ્રોત, Naomi Baker

ઇમેજ કૅપ્શન,

પૅરાલિમ્પિક સ્પર્ધામાં શારીરિક રીતે વિકલાંગ ઍથ્લીટ ભાગ લે છે

જાપાનની રાજધાની ટોક્યો, ભવ્ય ઑલિમ્પિક રમતોત્સવના આયોજન બાદ પૅરાલિમ્પિક રમતોત્સવ શરૂ થઈ ગયો છે. ઑલિમ્પિકની જેમ દર ચાર વર્ષે તેનું આયોજન કરવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય પૅરાલિમ્પિક કમિટી દ્વારા તેનું આયોજન કરવામાં આવે છે.

25મી ઑગસ્ટથી શરૂ થયેલો પૅરાલિમ્પિક પાંચ સપ્ટેમ્બર સુધી ચાલશે જેમાં શારીરિક રીતે વિકલાંગ ઍથ્લીટ ભાગ લે છે.

ભારતને પૅરાલિમ્પિકમાં અત્યાર સુધી ચાર સુવર્ણ, ચાર રજત તથા ચાર કાંસ્ય એમ કુલ 12 પદક મળ્યાં છે. ચાલુ વર્ષની સ્પર્ધામાં ભારતના 54 ખેલાડીઓની ટુકડી ભાગ લઈ રહી છે. દેવેન્દ્ર ઝઝરિયા તથા મયપ્પન થંગવેલ્લુ વધુ એક વખત ભારતને સુવર્ણપદક અપાવવા માટે સજ્જ છે.

1972માં જર્મની ખાતે 50 મીટરની ફ્રી-સ્ટાઇલ મુરલીકાંત પેટકરે સુવર્ણપદક જીત્યો હતો.

પૅરાલિમ્પિક રમતોનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, iStock

ઇમેજ કૅપ્શન,

પૅરાલિમ્પિક સ્પર્ધાના ચિહ્નમાં લાલ, વાદળી તથા લીલો એમ ત્રણ રંગ સામેલ

'પૅરાલિમ્પિક' શબ્દનો મતલબ 'સમાંતર ઑલિમ્પિક' એવો થાય છે. ઑલિમ્પિક રમતોત્સવની સમાંતર આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.

આ રમતોત્સવની વિભાવના સર લુડવિગ ગટ્ટમૅન (Sir Ludwig Guttman) દ્વારા રજૂ કરવામાં આવી છે. આ યહૂદી તબીબ નાઝી જર્મનીમાંથી ઇંગ્લૅન્ડ હિજરત કરી ગયા હતા અને સ્ટૉક માન્ડવિલે (Stoke Mandville)માં કરોડરજ્જુની ઈજાની સારવારમાં લાગી ગયા.

પૅરાલિમ્પિક સૌપ્રથમ વખત વર્ષ 1948માં બ્રિટન ખાતે યોજાયો હતો, જે 'સ્ટૉક માન્ડવિલે ગેઇમ્સ' તરીકે ઓળખાયો હતો. જેમાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વિકલાંગ બનેલા સૈનિકોએ પણ ભાગ લીધો હતો. 16 પુરુષ સભ્યો ઉપરાંત કેટલીક મહિલાઓએ પણ તેમાં ભાગ લીધો હતો.

1960થી આ સ્પર્ધાને 'પૅરાલિમ્પિક રમતોત્સવ' તરીકે ઓળખવામાં આવે છે. એ રોમમાં આયોજિત એ સ્પર્ધામાં 23 દેશના 400 ખેલાડીઓએ ભાગ લીધો હતો.

ઇન્ટરનેશનલ પૅરાલિમ્પિક કમિટીની સ્થાપના વર્ષ 1989માં કરવામાં આવી હતી, જે પૅરાલિમ્પિક રમતોનું આયોજન કરે છે.

પૅરાલિમ્પિકમાં સફેદ પૃષ્ઠભૂમિ ઉપર લાલ, વાદળી તથા લીલા રંગનાં ત્રણ ચિહ્ન અંકિત કરવામાં આવ્યાં છે, લેટિન ભાષામાં તેનો મતલબ "હું ગતિશીલ છું" (I move) એવો થાય છે.

આ રમતોત્સવનો હેતુ દુનિયાભરના વિકલાંગ ઍથ્લીટને એકસાથે લાવવાનો અને તેમની ક્ષમતાઓને વધારવાનો છે.

ટોક્યો પૅરાલિમ્પિકની સાથે-સાથે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

આ વખત 160 દેશના ચાર હજાર 400 જેટલા પૅરાલિમ્પિક ખેલાડીઓ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે

ટોક્યો ખાતે બીજી વખત પૅરાલિમ્પિક રમતોનું આયોજન થઈ રહ્યું છે. આ પહેલાં વર્ષ 1964માં ટોક્યો ખાતે પૅરાલિમ્પિક રમતોનું આયોજન થયું હતું. આ વખત 160 દેશના ચાર હજાર 400 જેટલા પૅરાલિમ્પિક ખેલાડીઓ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે.

અફઘાનિસ્તાનના બે વિકલાંગ ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર હતા, પરંતુ ત્યાં પ્રવર્તમાન સ્થિતિને કારણે તેઓ આ રમતોત્સવમાં ભાગ નહીં લઈ શકે.

ઑલિમ્પિકની જેમ, આ સ્પર્ધામાં પણ 'રૅફ્યૂજી ટીમ' ભાગ લેશે, જેમાં છ ખેલાડીઓ સામેલ છે. કોરોના પ્રોટોકોલને કારણે ઑલિમ્પિક રમતોની જેમ જ પૅરાલિમ્પિક રમતોના આયોજન દરમિયાન સ્ટેડિયમોમાં દર્શકો નહીં હોય.

આયોજકો ટેલિવિઝન દ્વારા રેકૉર્ડ સંખ્યામાં દર્શકો સુધી પહોંચવા માટે છે. વર્ષ 2016ના પૅરાલિમ્પિકને ચાર અબજ 10 કરોડ દર્શકોએ જોયો હતો.

ભારતમાં 'ડીડી સ્પૉર્ટ્સ' તથા 'યુરોસ્પૉર્ટ્સ ઇન્ડિયા' પર જોઈ જોઈ શકાય છે, સાથે જ 'સોની લીવ' ઍપ પર પણ તેનું સ્ટ્રિમિંગ થનારું છે.

વિકલાંગતાનું ગ્રેડિંગ

ઇમેજ કૅપ્શન,

પલક કોહલી

શારીરિક વિકલાંગતાના આધારે પૅરાલિમ્પિક પૅરાઍથ્લીટ અલગ-અલગ ખેલમાં ભાગ લઈ શકે છે.

પૅરાખેલાડીઓની શારીરિક સ્થિતિના આધારે તેમનું વર્ગીકરણ કરવામાં આવે છે.

ધારો કે, શૉટપુટ માટે પાંચ ખેલાડી ભાગ લઈ રહ્યા છે, જેમાંથી બેના હાથમાં અને ત્રણની બાહુઓમાં વિકલાંગતા છે, તો તેમને અલગ-અલગ શ્રેણીમાં રાખવામાં આવશે, જેથી કરીને સ્પર્ધા દરમિયાન દરેકને સમાન તક મળી રહે.

પૅરાલિમ્પિક રમતો માટે અલગ-અલગ 10 પ્રકારની વિકલાંગતાને ધ્યાને લેવામાં આવે છે. (જેમ કે, સ્નાયુઓની દુર્બળતા, સાંધાઓની નિષ્ક્રિયતા, કોઈ અંગ ન હોવું, પગની લંબાઈમાં તફાવત, ઓછી હાઇટ, હાયપર ટોનિયા એટલે કે જકડાઈ ગયેલા સ્નાયુ, શરીરમાં હલચલનો અભાવ, એથેટોસિસ એટલે કે હાથપગની આંગળીઓની મંદ ગતિ, દૃષ્ટિ મર્યાદા તથા શીખવામાં અવરોધ.) આમ શારીરિક, દૃષ્ટિ કે બૌદ્ધિક વિકલાંગતાને ધ્યાન પર લેવામાં આવે છે.

અમુક રમતોમાં તમામ પ્રકારની વિકલાંગતા ધરાવનારા ખેલાડીઓ ભાગ લઈ શકે છે. જ્યારે અમુક રમતોમાં ચોક્કસ પ્રકારની વિકલાંગતા ધરાવતા ખેલાડીઓ જ ભાગ લઈ શકે છે.

દરેક કિસ્સામાં ખેલાડીની શારીરિક વિકલાંગતાને ચકાસવમાં આવે છે. અમુક નિયમો એવી રીતે બનાવવામાં આવ્યા છે, જેથી તમામ ખેલાડીઓ માટે જીતની સંભાવના સમાન રહે.

પૅરાલિમ્પિક રમતોમાં ભાગ લેનારા ઍથ્લીટની વિકલાંગતાને ધ્યાને લઈને તેમને કેટલીક વિશેષ સુવિધા અને સવલત આપવામાં આવે છે.

જેમ કે સાઇકલિંગની સ્પર્ધામાં ભાગ લેતા પૅરા-ઍથ્લિટ્સને રૂટનું માર્ગદર્શન કરવા માટે સાથે-સાથે ગાઇડ રનર્સ આપવામાં આવે છે, જેમને 'પાઇલટ' તરીકે ઓળખવામાં આવે છે.

દૃષ્ટિમર્યાદા ધરાવતા તરવૈયાને મદદ કરવા માટે ટૅપર્સ હોય છે, જે ખેલાડીના માથા કે શરીરનો સ્પર્શ કરે છે, જેથી કરીને તેમને વળાંક અથવા તો સ્પર્ધાસમાપ્તિ અંગે જણાવી શકે.

પસંદગીની પ્રક્રિયા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

આ વખતે પૅરાલિમ્પિકમાં ભારત સર્વશ્રેષ્ઠ દેખાવ કરશે એવી આશા છે

સામાન્ય રમતોની જેમ જ પૅરાલિમ્પિક માટે પણ લઘુતમ પાત્રતા માપદંડ હોય છે, જેમ કે શૉટપુટ માટે 10 મીટર, જેવલિન થ્રો માટે 40 મીટર જેવા લક્ષ્યાંક નક્કી કરવામાં આવે છે.

આ માપદંડ ઇન્ટરનેશનલ પૅરાલિમ્પિક કમિટી દ્વારા નક્કી કરવામાં આવે છે. જો ખેલાડી તેને હાંસલ કરી લે તો તેની પસંદગી થાય જ, તે જરૂરી નથી.

આઈપીસી દ્વારા દરેક દેશને એક ક્વોટા આપવામાં આવે છે, જેથી વધુ સંખ્યામાં ખેલાડી ભાગ ન લઈ શકે. જો ક્વોટા કરતાં વધુ સંખ્યામાં ખેલાડીઓ લઘુતમ પાત્રતા માપદંડ ઉપર પાર ઊતરતા હોય તો દરેક દેશ આ ખેલાડીઓની વચ્ચે ફાઇનલ સિલેક્શન કરાવે છે. આ સિવાય વર્લ્ડ રૅન્કિંગના આધારે પણ તેમની પસંદગી કરવામાં આવે છે.

પૅરાલિમ્પિકની રમતો

ચાલુ વર્ષે પૅરાલિમ્પિકમાં 22 રમતો સામેલ કરવામાં આવી છે. બૅડમિન્ટન તથા ટીકવૂન્ડો (Taekwondo)ની રમતને પ્રથમ વખત પૅરાલિમ્પિકમાં સામેલ કરવામાં આવી છે.

આ સિવાય તીરંદાજી, ઍથ્લીટિક્સ, બૅડમિન્ટન, બોસિયા, સાઇકલિંગ (રોડ તથા ટ્રૅક), હૉર્સબેક રાઇડિંગ, હોડી ચલાવવી, ફૂટબૉલ 5-અ-સાઇડ, ગૉલબૉલ, જૂડો, પાવરલિફ્ટિંગ, હલેસાથી ચલાવનારી બોટ, સિટિંગ વોલીબૉલ, શૂટિંગ પૅરાસ્પૉર્ટ, સ્વિમિંગ, ટેબલટેનિસ, ટીકવૂન્ડો, ટ્રાયથ્લૉન, વ્હિલચૅર બાસ્કેટબૉલ, વ્હીલચૅર ફૅન્સિંગ, વ્હિલચૅર રગ્બી, વ્હિલચૅર ટેનિસને સામેલ કરવામાં આવ્યાં છે.

'F' એટલે કે ફિલ્ડ ઉપર રમવામાં આવતા ખેલ શૉટપુટ, જેવલિન થ્રો, ડિસકસ થ્રો, જેમાં વિકલાંગતાના આધારે 31 શ્રેણીઓ હોય છે. બીજી બાજુ, 'T' એટલે કે ટ્રૅક પર રમવામાં આવતી રમતો, જેમ કે રેસ તથા જંપ, જેમાં 19 શ્રેણી હોય છે.

આમાં નંબર બદલાતો રહે છે, જેમ કે એફ-32,33,34,35....વગેરે. તેનો મતલબ છે કે જેમ આંકડો મોટો તેમ વિકલાંગતા વધુ.

આ સિવાય રગ્બી, ફૅન્સિંગ તથા ટેબલ ટેનિસ જેવી વ્હિલચૅરની રમતો પણ સામેલ છે. જેને ડબલ્યુએચ-1 કે ડબલ્યુએચ-2 એમ બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે.

જે રમત ઊભાં-ઊભાં રમવામાં આવે છે તે 'S' એટલે કે સ્ટેન્ડિંગથી શરૂ થાય છે.

જો 'S' ની સાથે 'L' પણ લખવામાં આવ્યું હોય તો તેનો મતલબ છે કે ખેલાડીને શરીરના નીચેના ભાગમાં (લોઅર લિમ્બમાં) તકલીફ છે. અને જો 'S'ની સાથે 'U' લખેલું હોય તો તેનો મતલબ છે કે ખેલાડીને શરીરના ઉપરના ભાગ (અપર લિમ્બમાં) તકલીફ છે.

ભારતના રમતવીરો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ભારતીય પૅરાલિમ્પિક સંઘનાં વડાં દીપા મલિક

ભારતના 54 ખેલાડીઓની ટુકડી નવ સ્પર્ધામાં ભાગ લઈ રહી છે. કોઈ ખેલાડી બસ નીચે કચડાઈ ગયો હતો, તો વીજળીનો આંચકો લાગવાથી કોઈકની બાહુઓએ કામ કરવાલાયક ન રહી, કોઈકને જન્મથી જ બાહુ ન હતી, તો કોઈ પોલિયોનો ભોગ બન્યું છે. કોઈને સંપૂર્ણ દૃષ્ટિમર્યાદા છે, તો કોઈકને આંશિક દૃષ્ટિમર્યાદા છે.

જેમાંથી દેવેન્દ્ર ઝઝરિયા (જેવલિન થ્રો, એફ-46), મરિયપ્પન થાંગવેલુ (હાઈ જમ્પ ટી-63)ને આ વખતે પણ પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.

2016ના રિયો ઑલિમ્પિક દરમિયાન ભારતે બે ગોલ્ડ મેડલ, એક રજત પદક તથા એક કાંસ્ય પદક જીત્યાં હતાં.

આ વખતે આ આંકડો વધવાની શક્યતા છે. કારણ કે લગભગ 20 જેટલા ખેલાડી અલગ-અલગ રમતના વૈશ્વિક રૅન્કિંગમાં પહેલા, બીજા કે ત્રીજા ક્રમ પર છે.

સંદીપ ચૌધરી (જેવલિન થ્રો, એફ-64) તથા સુંદરસિંહ ગુર્જર (જેવલિન થ્રો એફ-46)માં વર્લ્ડ ચૅમ્પિયન છે.

તીરંદાજી (જ્યોતિ બલિયાન, રાકેશ કુમાર, હરવિંદર સિંહ, શ્યામ સુંદર સવામી, વિવેક ચિકારા)

ઍથ્લીટિક્સ ખેલાડી: અજિતસિંહ, અરવિંદ, રણજિત ભાટી, વરુણસિંહ ભાટી, એકતા ભયાન, દેવેન્દ્ર ઝઝરિયા, ધરમબીર, સુંદરસિંહ ગુર્જર, ભાગ્યશ્રી જાધવ, યોગેશ ખાટૂનિયા, અમિતકુમાર સોરાહા, શરદકુમાર, કશીશ લકરા, નવદીપ, નિશાદકુમાર, પ્રવીણકુમાર, રામપાલ, સોમન રાણા, સંદીપ, સીમરન શર્મા, ટેકચંદ, મયપ્પન થાંગવેલ્લુ, વિનોદકુમાર.

બૅડમિન્ટન: પ્રમોદ ભગત, પલક કોહલી, સુહાસ લાલિનકારે યથિરાજ, તરૂણ ધિલ્લોન, મનોજ સરકાર, પારુલ પરમાર, ક્રિષ્ના નાગર)-7. સુહાસ આઈએએસ (ઇન્ડિયન ઍડમિનિસ્ટ્રૅટિવ સર્વિસીઝ) ઓફિસર છે. તેઓ ઉત્તર પ્રદેશના નોઇડાના ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ છે.

હલેસાહોડી સ્પર્ધા- પ્રાચી યાદવ

પાવરલિફ્ટિંગ - જયદીપ, સકીના ખાતૂન

શૂટિંગ - આકાશ, સિદ્ધાર્થ બાબુ, દીપક, રૂબિના ફ્રાન્સિસ, અવની લેખારા, મનીષ નરવાલ, રાહુલ જાખડ, દીપેન્દરસિંહ, સિંઘરાજ, સ્વરૂપ ઉનહાલકર

તરણસ્પર્ધા -સુયશ જાધવ, નિરંજન મુકુંદન

ટીકવૂન્ડો - અરુણા તંવર

ટેબલ ટેનિસ - ભાવિનાબહેન પટેલ, સોનલબહેન પટેલ

ભારતીય ખેલાડીઓને સુવિધા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

છેલ્લાં અમુક વર્ષ દરમિયાન ભારતના પૅરાખેલાડીઓને મળતી સુવિધાઓમાં વધારો થયો છે, છતાં હજુ અમુક મુશ્કેલીઓ રહેલી છે

છેલ્લાં અમુક વર્ષ દરમિયાન ભારતના પૅરાખેલાડીઓને મળતી સુવિધાઓમાં વધારો થયો છે, છતાં હજુ અમુક મુશ્કેલીઓ રહેલી છે, છતાં પડકારો તથા સંશાધનોની અછત હજુ પણ પ્રવર્તમાન છે. જે સ્ટેડિયમમાં સામાન્ય ખેલાડીઓ તૈયારી કરે છે, ત્યાં જ પૅરાખેલાડીઓ પણ વિશેષ કૉચ સાથે તૈયારી કરે છે.

ભારતીય પૅરાલિમ્પિક સંઘનાં વડાં દીપા મલિકના કહેવા પ્રમાણે, "પૅરાલિમ્પિક ખેલાડીઓની તૈયારી, વિદેશપ્રવાસ તથા તેમને સુવિધાઓ આપવા માટે ભારત સરકારે રૂ. 17 કરોડનો ખર્ચ કર્યો છે."

મલિકનું કહેવું છે કે કેન્દ્ર સરકારની TOPS યોજનાને કારણે ખેલાડીઓને ખૂબ જ લાભ થયો છે. કોરોનાની મહામારી દરમિયાન લાદવામાં આવેલા લૉકડાઉનની વચ્ચે પણ ખેલાડીઓને લાખો રૂપિયાની વ્હિલચૅર, ટેબલટેનિસના વિશિષ્ટ ટેબલ, વગેરે પહોંચાડવામાં આવ્યા હતા.

દીપાનું માનવું છે કે હાલમાં ભારતીય ખેલાડીઓને સારા કૉચ તથા સારી તાલીમની તાતી જરૂર છે.

(આ અહેવાલમાં પીટીઆઈના વરિષ્ઠ ખેલ પત્રકાર અમનપ્રિતસિંહના ઇનપુટ્સ સામેલ છે.)

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો