નરેન્દ્ર મોદી સરકારે દેશની મિલકતો કેમ ભાડે આપવા કાઢી છે?

  • ટીમ બીબીસી ગુજરાતી
  • નવી દિલ્હી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં વારાણસીના એક કાર્યક્રમમાં પ્રાઇવેટાઇઝેશનને અફવા ગણાવી હતી, તેમણે કહ્યું હતું કે તેમની સરકાર રેલવેનું ખાનગીકરણ નથી કરી રહી.

તેમની આ વાતનો ઉલ્લેખ અત્યારે એટલા માટે કરાઈ રહ્યો છે કે હાલમાં જ કેન્દ્ર સરકારે નેશનલ મૉનિટાઇઝેશન પાઇપલાઇનની જાહેરાત કરી.

આ યોજનામાં ખાનગીકરણનું નામ નથી પણ આ યોજના એવી જ લાગે છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે એક નિવેદનમાં કહ્યું કે આ પાઇપલાઇન હેઠળ નાણાકીય વર્ષ 2022થી 2025 સુધી છ લાખ કરોડ રૂપિયાની ઍસેટ લીઝ પર અપાશે.

આ યોજના હેઠળ મોદી સરકાર બ્રાઉન ફિલ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઍસેટ્સ દ્વારા નાણાં એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે અને આગામી ચાર વર્ષમાં છ લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

આમાં રસ્તો, પરિવહન અને રાજમાર્ગ, રેલવે, વીજળી, ટેલિકૉમ્યુનિકેશન, ખાદ્ય તથા સાર્વજનિક વિતરણ, માઇનિંગ, કોલસો અને હાઉઝિંગ ઍન્ડ અર્બન અફેર્સ મંત્રાલયોથી જોડાયેલી ઍસેટ સામેલ છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે નેશનલ મૉનિટાઇઝેશન પાઇપલાઇનને લૉન્ચ કરતાં સ્પષ્ટતા કરી કે સરકાર માત્ર અંડર-યૂટિલાઇઝ્ડ ઍસેટ્સ (પૂરતો વપરાશ ન થતો હોય તેવી)ને જ ભાડે આપીને પૈસા કમાશે.

આનો હક સરકારની પાસે રહેશે અને ખાનગી ક્ષેત્રના ભાગીદારને નક્કી કરેલી સમયમર્યાદા પછી અનિવાર્યપણે પાછી આપવી પડશે.

તેમણે વધુમાં જણાવ્યું કે "અમે કોઈ જમીન નથી વેચી રહ્યા. નેશનલ મૉનિટાઇઝેશન પાઇપલાઇનમાં બ્રાઉનફિલ્ડ ઍસેટની વાત કહેવામાં આવી છે જેમને વધારે સારી રીતે મૉનિટાઇઝ કરવાની જરૂર છે."

"ખાનગી ભાગીદારી સાથે અમે આને સારી રીતે મૉનિટાઇઝ કરી રહ્યા છીએ. મૉનિટાઇઝશનથી મળનારાં સંસાધનોનો ઉપયોગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં થશે."

કેન્દ્ર અને વિપક્ષ વચ્ચે આ પાઇપલાઇનને લઈને આરોપ-પ્રત્યારોપ ચાલુ છે.

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે કૉંગ્રેસ સરકારે 70 વર્ષમાં જે કંઈ રચ્યું હતું તેને મોદી સરકાર વેચી રહી છે.

ક્યાંથી પૈસા લાવશે સરકાર?

આની પહેલાં નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે કહ્યું હતું કે 2025 સુધી નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનનો 14 ટકા ભાગ એટલે છ લાખ કરોડ રૂપિયા રોડ, રેલવે અને પાવર વગેરેમાંથી આવશે.

એનડીટીવીના અહેવાલ મુજબ અમિતાભ કાંતે કહ્યું હતું, "વિવિધ કેન્દ્રીય મંત્રાલયો અને જાહેરક્ષેત્રના ઉદ્યોગોની ઍસેટને નક્કી કરવામાં આવી છે. અને મૉનિટાઇઝેશનનાં વિવિધ મૉડલનો ઉપયોગ કરવામાં આવશે."

આ અહેવાલ મુજબ અમિતાભ કાંતે કહ્યું કે જાહેરક્ષેત્રના ઉદ્યોગો, જેમ કે એનએચએઆઈ, એનટીપીસી, પાવરગ્રિડ, ગેલની ઍસેટને મૉનિટાઇઝ કરવામાં આવશે.

વીડિયો કૅપ્શન,

ભારતના આ સ્થળે આવેલું છે એવું રેલવે સ્ટેશન જ્યાં મહિલાઓ સંભાળે જે બધું કામ

સરકાર મુજબ આ ખાનગીકરણ નથી, પરંતુ આ ઍસેટ મૉનિટાઇઝેશન છે. જેના અંતર્ગત સરકારની મિલકત ખાનગી કંપનીઓને ચાર વર્ષ માટે આપવામાં આવશે.

આ યોજના હેઠળ સરકાર સૌથી વધારે આવક રોડ લીઝ પર આપીને મેળવશે, જેમાં સરકારને કુલ 1.6 લાખ કરોડ રૂપિયા મળશે.

રેલવે દ્વારા 1.52 લાખ કરોડની આવક મેળવશે. જેમાં 90 પેસેન્જર ટ્રેન, 400 રેલવે સ્ટેશન, 741 કિલોમિટર કોંકણ રેલવે, 15 રેલવે સ્ટેડિયમ, 265 ગોડાઉન, ચાર હિલ રેલવેનું સંચાલન ખાનગી કંપની પાસે જઈ શકે છે.

આ ઉપરાંત 25 ઍરપૉર્ટના સંચાલનમાં ખાનગી કંપનીઓને ભાગીદારી મળશે.

અમદાવાદ, વારાણસી, ચેન્નાઈ, નાગપુર, ઉદયપુર સહિતનાં ઍરપૉર્ટ આ લિસ્ટમાં સામેલ છે.

ટેલિકૉમક્ષેત્ર દ્વારા સરકારે 35 હજાર કરોડની આવક મેળવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. તેમજ પાવર ટ્રાન્સમિશન, ફાઇબર નેટવર્ક, તેલ-ગૅસ પાઇપલાઇન દ્વારા પણ સરકાર આવક મેળવશે.

દેશનાં કેટલાંક સ્ટેડિયમનું સંચાલન ખાનગી કંપનીને આપીને પણ સરકાર 11,450 કરોડ રૂપિયાની આવક મેળવશે.

જ્યાં સરકાર આને ખાનગીકરણ માનવાનો ઇનકાર કરે છે ત્યારે વિપક્ષ તેની ટીકા કરી રહ્યો છે.

મૉનિટાઇઝેશન પર વિપક્ષના આરોપ

ઇમેજ સ્રોત, Ani

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે નેશનલ મૉનિટાઇઝેશન પાઇપલાઇન પૉલિસી પર કહ્યું કે છેલ્લાં 70 વર્ષમાં જે સંસાધન બનાવવામાં આવ્યાં હતાં, સરકાર તેને વેચી રહી છે.

રાહુલ ગાંધીએ ભૂતપૂર્વ કેન્દ્રીયમંત્રી પી. ચિદંબરમ સાથે એક પ્રેસ-કૉન્ફરન્સ સંબોધી હતી.

તેમણે કહ્યું કે, "ભાજપ દાવો કરે છે કે છેલ્લાં 70 વર્ષમાં કોઈ કામ નથી થયું, પરંતુ આ વર્ષોમાં જે રાષ્ટ્રીય મિલકતો બનાવવામાં આવી છે, તેને વેચવામાં આવી રહી છે."

"ભારતની પૂંજી વેચવામાં આવી રહી છે, આ તમારા ભવિષ્ય પર આક્રમણ છે. નરેન્દ્ર મોદીજી પોતાના બે-ત્રણ ઉદ્યોગપતિ મિત્રો સાથે ભારતના યુવાઓ પર આક્રમણ કરી રહ્યા છે. તમે આ વાત સારી રીતે સમજી લો."

રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે મોદી સરકારની આ ખાનગીકરણની યોજનાનો ઉદ્દેશ અર્થવ્યવસ્થાનાં મુખ્ય ક્ષેત્રોમાં એકાધિકાર પેદા કરવાનો અને નોકરીઓ ખતમ કરવાનો છે.

રાહુલ ગાંધીના આરોપનો જવાબ આપતાં સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, "વર્ષ 2008માં જ્યારે કેન્દ્રમાં કૉંગ્રેસની સરકાર હતી ત્યારે નવી દિલ્હી રેલવે સ્ટેશનના સંદર્ભમાં એક આરએફપી જાહેરાત કરવામાં આવી હતી."

"શું રાહુલ ગાંધીનો એ આરોપ છે કે જે તેમની માતાની આગેવાની હેઠળ જે સરકાર હતી તે દેશને વેચવાનો પ્રયાસ કરી રહી હતી."

તેમણે કહ્યું કે "પારદર્શિતા સાથે જે સરકારે રાષ્ટ્રની તિજોરી ભરવાનું કામ કર્યું અને તેને કૉંગ્રેસના લૂંટારાથી સુરક્ષિત કરનાર સરકાર પર છાંટા ઉડાવવાનો રાહુલ ગાંધીનો પ્રયાસ છે."

તો નાણામંત્રી નિર્મલા સીતારમણે સામો આરોપ મૂકતાં કહ્યું કે, "રાહુલ ગાંધી મનમોહનસિંહના 2008ના નવી દિલ્હી રેલવે સ્ટેશન માટેના રિક્વેસ્ટ ફૉર પ્રપોઝલ પર કેમ ચૂપ હતા."

તેમણે પ્રશ્ન કર્યો કે, "શું રાહુલ ગાંધી મૉનિટાઇઝેશનનો અર્થ સમજે છે? પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહની સરકાર શું 2008માં નવી દિલ્હી રેલવે સ્ટેશન માટે રિક્વેસ્ટ ફૉર પ્રપોઝલ નહોતી લાવી?"

"હું રાહુલ ગાંધીને પૂછવા માગું છું કે હવે રેલવે સ્ટેશન કોના નામે છે જીજાજી?"

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો