અભિનેતા સોનુ સૂદનું અરવિંદ કેજરીવાલ સાથે આવવું શેનો સંકેત છે? - Top News

સોનુ સુદ અને અરવિંદ કેજરીવાલ

ઇમેજ સ્રોત, TWITTER@AAMAADMIPARTY

સોનુ સૂદ હાલના સમયમાં સામાજિક કાર્યો માટે સમાચારમાં રહ્યા છે. દિલ્હી સરકારના એક કાર્યક્રમના તેઓ બ્રાન્ડ ઍમ્બેસેડર બનશે તેવી જાહેરાત કરાઈ છે.

આ સમયે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

જોકે સોનુ સૂદ આમ આદમી પાર્ટીમાં જોડાશે કે નહીં એ કશું કહી ન શકાય.

આ કાર્યક્રમમાં જાહેરાત કરાઈ કે તેઓ (સોનુ સૂદ) 'દેશ કે મૅન્ટર' નામના આ કાર્યક્રમના બ્રાન્ડ ઍમ્બેસેડર હશે, જેના માધ્યમથી બાળકોનાં ભવિષ્ય અંગે માર્ગદર્શન અપાશે.

આમ આદમી પાર્ટીની દિલ્હી સરકાર આ કાર્યક્રમની શરૂઆત સપ્ટેમ્બર મહિનાના મધ્યથી કરશે.

સોનુ સૂદે પત્રકારોના સવાલનો જવાબ આપતા કહ્યું કે તેમનો રાજકારણમાં આવવાનો કોઈ ઇરાદો નથી અને તેમના બ્રાન્ડ ઍમ્બેસેડર બનવાને અને રાજકારણને કોઈ સંબંધ નથી.

પત્રકારપરિષદમાં અરવિંદ કેજરીવાલને પૂછવામાં આવ્યું કે શું સોનુ સૂદ સાથે કોઈ રાજકીય ચર્ચા થઈ છે.

તેના પર તેમણે કહ્યું કે "ના-ના, અમારી વચ્ચે કોઈ રાજકીય ચર્ચા નથી થઈ."

તો સોનુ સૂદે પણ કહ્યું કે "બાળકોનાં ભવિષ્યનો મુદ્દો રાજકારણથી પણ મોટો છે. મને ઘણા સમયથી રાજકારણ સાથે જોડાવવાનો મોકો મળે છે, પણ મારી કોઈ રુચિ નથી. મારો એવો કોઈ ઇરાદો નથી. જેના વિચાર સારા હોય, એને દિશા જરૂર મળી જાય છે."

કેરળ બાદ મહારાષ્ટ્રમાં પણ કોરોના સંક્રમણમાં વધારો, ત્રીજી લહેરની આશંકા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ત્રીજી લહેરની આશંકા વચ્ચે મહારાષ્ટ્ર અને કેરળમાં કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે

ભારતમાં અનેક રાજ્યોમાં કોરોના વાઇરસના નવા કેસની સંખ્યા 50થી પણ ઓછી નોંધાઈ રહી છે ત્યારે મહારાષ્ટ્ર અને કેરળમાં કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં ગુરુવારે સતત બીજા દિવસે પાંચ હજારથી વધારે કેસ નોંધાયા હતા. ગુરુવારે મહારાષ્ટ્રમાં 5,108 નવા કોવિડના કેસ અને મુંબઈમાં 398 કેસ નોંધાયા છે.

રાજ્યમાં હાલ 6,442,788 કેસ છે અને 50,393 ઍક્ટિવ કેસ છે, જેમાંથી સૌથી વધારે કેસ પુણેમાં નોંધાયા છે.

પુણેમાં 13,085 કેસ અને થાણેમાં 7,092 કેસ નોંધાયા છે.

રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા રાજ્ય સરકાર આવનારા દિવસોમાં રાજ્યમાં થનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો પાછી ઠેલવા રાજ્યના ચૂંટણીપંચને વિનંતી કરી શકે છે, જેથી કોરોના સંક્રમણને વધતું અટકાવી શકાય.

ઑગસ્ટ મહિનામાં ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષનો સૌથી ઓછો વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ગુજરાતમાં આ વખતે અગાઉનાં વર્ષો કરતાં બહુ ઓછો વરસાદ અત્યાર સુધીમાં વરસ્યો છે

ઑગસ્ટના પ્રથમ 26 દિવસમાં ગુજરાતમાં માત્ર 54 મિલીમિટર વરસાદ નોંધાયો છે, જે વર્ષના આ સમયમાં પડતા સરેરાશ વરસાદના 15 ટકા જેટલો છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ 2020માં આ સમયગાળામાં 543 મિલીમિટર અને 2019માં 400 મિલીમિટર વરસાદ પડ્યો હતો.

જીડીએસએમએ મુજબ આ છેલ્લાં પાંચ વર્ષનો આ સૌથી ઓછો વરસાદ છે.

ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે ગુજરાતમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં સૌથી ઓછો વરસાદ આ વર્ષે પડ્યો છે. રાજ્યના 200 જેટલા ડૅમોમાં ખૂબ ઓછું પાણી છે.

જોકે તેમણે કહ્યું કે સરદાર સરોવર ડૅમમાં ગત વર્ષ કરતાં ઘણું ઓછું પાણી છે અને નર્મદામંત્રી તરીકે હું એટલું કહી શકું કે નર્મદા ડૅમનું પાણી રાજ્યના ચાર કરોડથી વધારે લોકોને પીવા મળી રહે તે માટે છે.

ભાવિના પટેલ પૅરાલિમ્પિકમાં મહિલા સિંગલ્સ ટેબલ ટેનિસના આગલા રાઉન્ડમાં પ્રવેશ્યાં

વીડિયો કૅપ્શન,

અકસ્માત બાદ પગમાં ખોડ રહી ગઈ હોવા છતાં પૅરાલિમ્પિકમાં પહોંચનારા સંદીપ ચૌધરી

ભારતનાં પૅરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે ગ્રેટ બ્રિટનનાં મેગન શૅકલટનને 3-1થી હરાવીને ગ્રૂપ-એની મહિલા સિંગસ મૅચમાં એક સારી શરૂઆત કરી હતી.

તેમણે ટોક્યો પૅરાલિમ્પિક્સ રમતોત્સવમાં ગ્રેટ બ્રિટનનાં ખેલાડીને હરાવીને આગલા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે.

અમદાવાદમાં સફાઈકામદારોનાં મૃત્યુ મામલે એકની અટકાયત

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH

ઇમેજ કૅપ્શન,

અમદાવાદના બોપલ વિસ્તારમાં એક ગટરમાં ઊતરતાં ત્રણ સફાઈકામદારોનાં મૃત્યુ થયાં છે- પ્રતીકાત્મક તસવીર

અમદાવાદના બોપલ વિસ્તારમાં એક ગટરમાં ઊતરતાં ત્રણ સફાઈકામદારોનાં મૃત્યુ થયાં છે.

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ ગટરમાં ઝેરી ગૅસથી શ્વાસ રુંધાતા આ ત્રણેય લોકોનું મૃત્યુ થયું હતું. પોલીસ મુજબ કૉન્ટ્રૅક્ટર દ્વારા આ સફાઈકામદારોને કોઈ સુરક્ષાનાં ઉપકરણ નહોતાં આપવામાં આવ્યાં.

પોલીસે સુપરવાઇઝર હિંમત પટેલની અટકાયત કરી હતી. પોલીસે મુખ્ય કૉન્ટ્રૅક્ટર સંકેત પટેલ અને હિંમત પટેલની વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની કલમ 304 હેઠળ કેસ નોંધ્યો છે.

પોલીસ મુજબ અમદાવાદના બોપલ વિસ્તારમાં દિલ્હી પબ્લિક સ્કૂલની સામે અમદાવાદ અર્બન ડેવલપમૅન્ટ ઑથૉરિટી દ્વારા ગટર પાઇપલાઇનનું કામ ચાલી રહ્યું છે. ઑથૉરિટીએ યોગી કન્સ્ટ્રક્શન કંપનીને આ કામ સોંપ્યું હતું, જેના મુખ્ય કૉન્ટ્રૅક્ટર સંકેત પટેલ હતા. સંકેત પટેલે આ કામ માટે સબ કૉન્ટ્રૅક્ટર તરીકે હિંમત પટેલને રોક્યા હતા.

અખબાર લખે છે કે હિંમત પટેલે ગટર પાઇપલાઇનની સફાઈ માટે ત્રણ સફાઈકામદારોને બોલાવ્યા હતા.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો