Teacher's Day : જ્યારે સર્વપલ્લી રાધાકૃષ્ણને તાનાશાહ સ્ટાલિનને રોકડું પરખાવી દીધું

પાંચ સપ્ટેમ્બરનો દિવસ ભારતમાં શિક્ષકદિન તરીકે ઉજવાય છે અને આજના દિવસે લોકો પોતાના શિક્ષકો અને જીવનમાં તેમનું યોગદાનને યાદ કરે છે.

શિક્ષકોના સન્માનમાં વિશ્વ શિક્ષકદિન પાંચ ઑક્ટોબરના ઉજવાય છે, ત્યાં જ ભારતમાં આ એક મહિના પહેલાં પાંચ સપ્ટેમ્બરના પૂર્વ રાષ્ટ્રપતિ અને શિક્ષણવિદ ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે ઉજવાય છે. ડૉ રાધાકૃષ્ણનો જન્મ પાંચ સપ્ટેમ્બર 1888ના થયો હતો.

કોણ હતા ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન?

ઇમેજ સ્રોત, Bachrach/Getty

ઇમેજ કૅપ્શન,

ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન

ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ મદ્રાસ (ચેન્નાઈ)થી 40 કિલોમિટર દૂર તામિલનાડુમાં આંધ્રપ્રદેશ પાસે આવેલી સરહદ નજીક તિરુતન્નીમાં થયો હતો.

એક મધ્યવર્ગીય બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા રાધાકૃષ્ણનના પિતા શ્રી વીર સામૈય્યા તાલુકા અધિકારી હતા.

પ્રેસિડેન્ટ્સ ઑફ ઇન્ડિયા, 1950-2003માં જનકરાજ જયે લખ્યું છે કે, હિંદુ રીતિ-રિવાજોનું પાલન કરનાર આ પરિવાર મૂળ રૂપથી સર્વપલ્લી ગામનો હતો. રાધાકૃષ્ણનના દાદાએ ગામ છોડીને તિરુતન્નીમાં વસવાનો નિર્ણય કર્યો હતો.

આઠ વર્ષની ઉંમર સુધી રાધાકૃષ્ણન તિરુતન્નીમાં રહ્યાં અને ત્યાર બાદ તેમના પિતાએ તેમને ક્રિશ્ચિયન મિશનરી સ્કૂલમાં દાખલ કરાવ્યા.

ત્યાર બાદ તેમણે તિરુપતિની લૂથેરિયન મિશનરી હાઈસ્કૂલ, પછી વૂર્ચસ કૉલેજ વેલ્લૂર અને મદ્રાસ ક્રિશ્ચિયન કૉલેજમાં અભ્યાસ કર્યો.

16 વર્ષની ઉંમરમાં તેમનાં લગ્ન તેમનાં જ એક દૂરનાં સંબંધી સાથે થઈ ગયાં. 20 વર્ષની ઉંમરમાં તેમણે એથિક્સ ઑફ વેદાંત પર થીસિસ લખી જે 1908માં પ્રકાશિત થઈ હતી.

બહુ ઓછી ઉંમરમાં રાધાકૃષ્ણને શિક્ષણકાર્ય શરૂ કરી દીધું. 21 વર્ષની ઉંમરમાં તેઓ મદ્રાસ પ્રેસિડન્સી કૉલેજમાં ફિલોસૉફી વિભાગમાં જુનિયર લેક્ચરર બની ગયા હતા.

તેઓ આંધ્રપ્રદેશ યુનિવર્સિટી અને બનારસ હિંદુ યુનિવર્સિટીના ઉપ કુલપતિ રહ્યા અને દસ વર્ષ સુધી દિલ્હી યુનિવર્સિટીના કુલપતિ રહ્યા. તેઓ બ્રિટિશ ઍકેડેમીમાં ચૂંટાયેલા પ્રથમ ભારતીય ફૅલો હતા અને 1948માં સંયુક્ત રાષ્ટ્રની શિક્ષણ, વિજ્ઞાન અને સાંસ્કૃતિક સંસ્થા યૂનેસ્કોના ચૅરમૅન બન્યા હતા.

કેમ ઉજવાય છે શિક્ષકદિન?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ, ઇંગ્લૅન્ડનાં મહારાણી એલિઝાબેથ દ્વિતીય અને તેમના પતિ ડ્યૂક ઑફ એડિનબરા પ્રિન્સ ફિલિપ તથા ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ સાથે ઉપરાષ્ટ્રપતિ ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન

ભારતમાં વર્ષ 1962થી શિક્ષકદિન ઊજવવામાં આવે છે. એ વર્ષે મેમાં ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને દેશના બીજા રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળ્યો હતો. એ પહેલાં 1952થી 1962 સુધી તેઓ દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા.

એક વખત ડૉક્ટર રાધાકૃષ્ણનના મિત્રોએ તેમને વિનંતી કરી કે તેઓ તેમનો જન્મદિન ઊજવવાની મંજૂરી આપે.

ડૉ રાધાકૃષ્ણનનું માનવું હતું કે, દેશનું ભવિષ્ય બાળકોનાં હાથમાં છે અને તેમને સારા માણસ બનાવવામાં શિક્ષકોનું મોટું યોગદાન છે.

તેમણે પોતાના મિત્રોને કહ્યું કે તેઓ એ વાતથી પ્રસન્ન થશે જો તેમના જન્મદિવસે શિક્ષકોને યાદ કરવામાં આવે. ત્યાર બાદ 1962થી દર વર્ષે પાંચ સપ્ટેમ્બરના શિક્ષકદિન ઉજવાય છે.

વીડિયો કૅપ્શન,

ગુજરાતના એ શિક્ષક જેણે ભૂકંપમાં પડી ગયેલી શાળાને સ્માર્ટ બનાવી

ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનથી જોડાયેલી કેટલીક વાતો

ઇમેજ સ્રોત, J. WILDS/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન,

ડૉ રાધાકૃષ્ણનનું માનવું હતું કે દેશનું ભવિષ્ય બાળકોના હાથમાં છે અને તેમને સારા માણસ બનાવવામાં શિક્ષકોનું મોટું યોગદાન છે.

જાણીતા કવિ રામધારીસિંહ દિનકરે પોતાના પુસ્તક સ્મરણાંજલિમાં લખ્યું છે, જ્યારે રાધાકૃષ્ણન મૉસ્કોમાં ભારતના રાજદૂત હતા, તો ઘણા દિવસો સુધી સ્ટાલિન તેમને મળવા માટે રાજી ન થયા. અંતે જ્યારે બંનેની બેઠક થઈ તો ડૉક્ટર રાધાકૃષ્ણને સ્ટાલિનને કહ્યું, "અમારા દેશમાં એક રાજા હતા જે ખૂબ અત્યાચારી અને ક્રૂર હતો. તેણે રક્તરંજીત રસ્તે પ્રગતિનો માર્ગ પ્રશસ્ત કર્યો હતો પરંતુ એક યુદ્ધમાં તેને અંતર્જ્ઞાન થયું અને ત્યારથી તેમણે ધર્મ, શાંતિ અને અહિંસાનો રસ્તો પકડી લીધો. તમે પણ એ રસ્તે કેમ નથી આવી જતા?"

ડૉક્ટર રાધાકૃષ્ણનની આ વાતનો સ્ટાલિને કંઈ જવાબ ન આપ્યો. તેમના ગયા પછી સ્ટાલિને પોતાના અનુવાદકને કહ્યું, "આ વ્યક્તિ રાજનીતિ નથી સમજતી, તેઓ માત્ર માનવતાની ભક્ત છે."

ઇમેજ સ્રોત, Getty Images

ઉપરાષ્ટ્રપતિ તરીકે સર્વપલ્લી રાધાકૃષ્ણન ચીન ગયા હતા તો માઓએ તેમના નિવાસ ચુંગ નાન હાઈના આંગણાની વચ્ચોવચ્ચ જઈને તેમનું સ્વાગત કર્યું.

એ સમયે જેવા બંનેએ હાથ મિલાવ્યા કે રાધાકૃષ્ણનએ માઓનો ગાલ થપથપાવી દીધો.

માઓ ગુસ્સો કે પછી આશ્ચર્ય વ્યક્ત તે પહેલાં જ ભારતના ઉપરાષ્ટ્રપતિએ જબરદસ્ત પંચલાઇન કહી, "અધ્યક્ષશ્રી, પરેશાન ન થાઓ. મેં સ્ટાલિન અને પોપ સાથે પણ આ જ કર્યું હતું."

ભારતના પૂર્વ વિદેશમંત્રી નટવરસિંહ એ સમયે ચીનમાં ભારતના દૂતાવાસમાં અધિકારી હતા. તેમણે બીબીસી સંવાદદાતા રેહાન ફઝલને જણાવ્યું કે આ મુલાકાત સમયે તેઓ ત્યાં હાજર હતા.

વીડિયો કૅપ્શન,

એ દાદી જે યૂટ્યુબ પર શીખવે છે ગુજરાતી વ્યાકરણ અને જોડણીના પાઠ

ભોજન સમયે માઓએ ખૂબ ચપળતાથી ચોપસ્ટિકથી પોતાની થાળીમાંથી એક કોળિયો રાધાકૃષ્ણનની થાળીમાં મૂકી દીધો.

માઓને એ નહોતી ખબર કે રાધાકૃષ્ણન શાકાહારી હતા. સામે રાધાકૃષ્ણને પણ માઓને એ જાણ ન થવા દીધી કે તેમણે એવું કંઈક કર્યું છે જે ચલાવી શકાય એમ ન હતું.

તે સમયે રાધાકૃષ્ણનની આંગળમાં ઈજા થયેલી હતી. ચીનની યાત્રા પહેલાં કંબોડિયાની યાત્રા દરમિયાન તેમના સહાયકની ભૂલને કારણે તેમનો હાથ કારના દરવાજા વચ્ચે આવી ગયો હતો અને તેમની આંગળીનું હાડકું તૂટી ગયું હતું.

માઓએ રાધાકૃષ્ણનની આંગળી પર થયેલી ઈજાને જોતાં જ તુરંત ડૉક્ટરને બોલાવ્યા અને તેમને ફરીથી પાટો બંધાવ્યો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો