કોરોનાકાળમાં મોદી સરકારના કરોડોના જાહેરાતખર્ચ બાબતે અર્જુન મોઢવાડિયા અને ઈસુદાન ગઢવીએ શું કહ્યું?

બીબીસી ગુજરાતી દ્વારા કરાયેલ એક RTI અરજીના જવાબમાં જાણવા મળ્યું હતું કે નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી કેન્દ્રની ભાજપ સરકારે કોરોનાકાળમાં પોતાની મહાત્ત્વાકાંક્ષી યોજના આયુષ્યમાન ભારત-PMJAYના પ્રચાર માટે માત્ર 2.49 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ જ સમયમાં અલગ અલગ સરકારી યોજનાના પ્રચારમાં 212 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

જેમ કે, વિવાદિત કૃષિકાયદાની પ્રસિદ્ધિ માટે 2.73 કરોડ, સિટિઝનશિપ ઍમેન્ડમૅન્ટ ઍક્ટ (CAA)ની પ્રસિદ્ધિ માટે 1.40 કરોડ અને નૅશનલ પૉપ્યુલેશન રજિસ્ટર (NPR)ની પ્રસિદ્ધિ માટે 8.97 લાખ રૂપિયાનો ખર્ચ કરાયો છે.

નોંધનીય છે કે આ તમામ કાયદાઓ અને નિર્ણયો અંગે દેશમાં મોટા પાયે આંદોલનો થયાં હતાં. વળી, આ જ સમયમાં દેશમાં કોરોના મહામારીનો કેર હતો અને સરકારે કોરોનાની મહામારીમાં આયુષ્યમાન ભારત - PMJAY (AB-PMJAY)ના સ્થાને ઉપરોક્ત વિવાદિત નિર્ણયો પર ખર્ચ કરવાનું ઠરાવ્યું હતું.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

કેન્દ્ર સરકારે કોરોનાકાળમાં જાહેરાત પાછળ 212 કરોડ રૂપિયા ખર્ચ્યા

અહીં નોંધનીય છે કે AB-PMJAYએ ગરીબ અને વંચિત વર્ગના લાભાર્થીઓને હૉસ્પિટલમાં દાખલ થવાના કિસ્સામાં પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર મફત આપવાની જોગવાઈ કરતી યોજના છે. જેમાં કોરોના માટેની સારવાર અને ટેસ્ટિંગના લાભ પણ સામેલ કરાયા હતા.

કેન્દ્ર સરકારે એક એપ્રિલ, 2020થી 20 જાન્યુઆરી, 2021 સુધીના સમયગાળામાં ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ માધ્યમો થકી પોતાની યોજનાઓ અને નિર્ણયોની જાહેરાત પાછળ 212 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કર્યો હતો.

સરકારના આ વલણ અંગે બીબીસી ગુજરાતીએ ગુજરાતના રાજકારણીઓનો મત જાણવાનો પ્રયાસ કર્યો હતો.

'મોદીને માત્ર છબિ ચમકાવવામાં જ રસ' - ઈસુદાન ગઢવી

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન,

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ કોરોનામાં મોદી સરકારના જાહેરાતખર્ચ અંગે શું બોલ્યા?

આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતા અને ભૂતપૂર્વ પત્રકાર ઈસુદાન ગઢવીએ કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાકાળ દરમિયાન કરાયેલ ખર્ચના હેતુ અંગે શંકા વ્યક્ત કરતાં સરકારની ટીકા કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, "લોકોને જેની જરૂરિયાત છે, જે લોકો ગરીબ છે જેમની પાસે માહિતી મેળવવાનાં માધ્યમોનો અભાવ છે તેની સરકારે ઉપેક્ષા કરી છે. આયુષ્યમાન ભારત જેવી યોજનાની જાહેરાત માટે માત્ર 2.49 લાખ જ્યારે અન્ય યોજનાઓની જાહેરાતો માટે 212 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે."

"આ નરેન્દ્ર મોદીની ફિતરત રહી છે. લોકોને જેની જરૂરિયાત હોય છે તેની તેમને બિલકુલ દરકાર હોતી નથી."

તેઓ સરકારના જાહેરાતખર્ચ અંગે આગળ વાત કરતાં જણાવે છે કે, "મારું માનવું છે કે સરકારે આયુષ્યમાન ભારત યોજનાના લાભ વધુ લોકો સુધી પહોંચે એવા પ્રયાસો આ મહામારીમાં કરવાની જરૂર હતી. પરંતુ સરકારે તેવું ન કર્યું."

આ સિવાય તેઓ સરકારી જાહેરાત પર થયેલા કરોડોના ખર્ચને વખોડતાં આગળ કહે છે કે, "જો સરકારે પોતાની જાહેરાતનો મોહ છોડીને આ મહામારીમાં જાહેરાતો પર થયેલ ખર્ચ માટેનાં નાણાં લોકોને મેડિકલ ઑક્સિજન મળી રહે તે માટે પ્લાન્ટ બનાવવામાં વાપર્યાં હોત તો આજે કેટલાય લોકોના જીવ બચાવી શકાયા હોત."

તેઓ કહે છે કે, "આ સરકારને અને ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પોતાની પ્રસિદ્ધિ થાય એ વાતમાં જ રસ છે ના કે લોકોની સુખાકારી સુનિશ્ચિત કરવામાં."

ઈસુદાન કોરોનામાં આયુષ્માન ભારત - PMJAYની જાહેરાતની જરૂરિયાત બાબતે વાત કરતાં જણાવે છે કે, "કોરોનાના કારણે કેટલાય લોકો આ કાર્ડ ધરાવતાં હોવા છતાં સારવાર ન મળી હોય એમ બની શકે, પરંતુ મહામારીની ગંભીર પરિસ્થિતિમાં પણ લોકો સુધી લોકોપયોગી યોજનાની જાણકારી ન પહોંચાડી અને પોતાની જાહેરાત અને પ્રસિદ્ધિ માટે ખર્ચ કરવાનું વલણ નરેન્દ્ર સરકારે અપનાવ્યું, તે દુ:ખદ છે."

તેઓ નરેન્દ્ર મોદીની સરકારને દેશ માટે ખતરારૂપ ગણાવે છે અને કહે છે કે, "આ સરકારની પ્રાથમિકતાઓ જુદી છે. ગરીબોને અનાજ મળે તો તે માટેની કોથળીઓ પર પણ નરેન્દ્ર મોદીનો ફોટો છાપવામાં આવે છે. તેમના આ વલણ પરથી અંતે એટલું કહી શકાય કે તેમના રાજમાં દેશ ખતરામાં છે. તેમાં પણ ખાસ કરીને ગરીબો, મધ્યમ વર્ગના લોકો અને ખેડૂતો."

"સરકાર પાસે દેશને વિભાજિત કરવા માટે પૈસા છે, લોકોના જીવ બચાવવા નથી"

ઇમેજ કૅપ્શન,

ગુજરાત કૉંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશાધ્યક્ષ અર્જુન મોઢવાડિયા

ગુજરાત કૉંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશાધ્યક્ષ અને વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, "CAA અને NPR એ સરકારના ભારતના નાગરિકોને વિભાજિત કરતા સરકારના નિર્ણયો છે. આ સરકાર પાસે દેશને વિભાજિત કરવા માટેના પૈસા છે, પરંતુ દેશને જિવાડવા માટેની યોજનાનો પ્રચાર-પ્રસાર કરવા આ સરકાર પાસે પૈસા નથી. જે અત્યંત દુ:ખદ બાબત છે."

તેઓ કહે છે કે, "જો આ યોજનાની માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવી હોત તો લોકોને ખૂબ લાભ થઈ શક્યો હોત."

તેઓ CAAને વખોડતાં આગળ કહે છે કે, "આ કાયદો બિલકુલ બિનજરૂરી છે, તેના વગર આજ સુધી દેશ ચાલતો જ હતો. અને આગળ પણ ચાલશે. પહેલાં પણ બહારના દેશોથી આવેલા લોકોને નિરાશ્રિતોને આપણી નાગરિકતા અપાતી. તેથી આ કાયદાના પ્રચાર માટે માત્ર રાજકારણ કરવા માટે ખર્ચ કરાયો છે. અને એ પણ એવું રાજકારણ જેનાથી દેશ વિભાજિત થાય. પરંતુ બીજી તરફ જરૂરી યોજનાઓના પ્રચાર-પ્રસાર માટે કેન્દ્ર સરકારે બિલકુલ ધ્યાન આપ્યું નથી."

નોંધનીય છે કે જ્યારે બીબીસી ગુજરાતીએ કોરોનાકાળમાં કેન્દ્ર સરકારના જાહેરાતખર્ચ અંગે ભાજપનો અભિપ્રાય જાણવા માટે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા નલીન કોહલીનો સંપર્ક સાધ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે, "લોકો સુધી લાખો કરોડ રૂપિયાની યોજનાઓના લાભ પહોંચાડવા માટે સરકારે અમુક કરોડ રૂપિયા જાહેરાત પાછળ ખર્ચવા પડે છે."

જ્યારે અમે તેમને કોરોના દરમિયાન વિવાદિત કાયદા અને નિર્ણયો પાછળ ખર્ચ કરવાના સરકારના તર્ક વિશે વાત કરવા જણાવ્યું તો તેમણે આ અંગે સ્પષ્ટતા કરવાનો કે જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો.

આયુષ્યમાન ભારત અને અન્ય યોજનાઓની જાહેરાતનો બીબીસી ગુજરાતીનો અહેવાલ

Please wait

વડા પ્રધાનની મહત્ત્વાકાંક્ષી યોજના 'આયુષ્યમાન ભારત - પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના' (AB-PMJAY)ના પ્રચાર માટે કોવિડ-19ની પ્રથમ લહેર દરમિયાન, એટલે કે પહેલી એપ્રિલથી 20 જાન્યુઆરી 2021 સુધીમાં માત્ર 2.49 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ માહિતી બીબીસી ગુજરાતીના ઇન્વેસ્ટિગેશનથી સ્પષ્ટ થઈ છે.

અમારા પત્રકાર અર્જુન પરમારે આયુષ્યમાન યોજના વિશે જાગૃતિ માટે રોગચાળાના પ્રથમ તબક્કા દરમિયાન કેટલા પ્રયાસો અને કેટલો ખર્ચ કરવામાં આવ્યો તે અંગે માહિતી અધિકારની અરજી (RTI) કરી હતી.

RTI અરજીના પ્રતિસાદમાં જાણવા મળ્યું કે એપ્રિલ 2020થી જાન્યુઆરી 2021 દરમિયાન સરકારની જુદી-જુદી યોજનાઓના પ્રચાર માટે 212 કરોડ રૂપિયા જાહેરખબર પાછળ ખર્ચવામાં આવ્યા, પરંતુ તેની સામે માત્ર 2.49 લાખ રૂપિયાનો ખર્ચ આયુષ્યમાન ભારતની યોજનાની જાહેરખબરો માટે કરવામાં આવ્યો હતો.

ઇમેજ સ્રોત, NHA/Twitter

ઇમેજ કૅપ્શન,

તાજેતરમાં 18 ઑગસ્ટે PMJAY યોજના અંતર્ગત બે કરોડ લાભાર્થીઓને સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પડાઈ હોવાની જાહેરાત કરવામાં આવી હતી

2020-21ના ઇકૉનૉમિક સર્વે પ્રમાણે 2019માં ભારતનો ઇન્સ્યૉરન્સનો દર 3.76 ટકા હતો, જે વૈશ્વિક સરેરાશ 7.23 ટકા કરતાં ઘણો ઓછો છે.

ટકાવારીની દૃષ્ટિએ જોઈએ તો કુલ જાહેરખબરોમાંથી આ પ્રમાણ માત્ર 0.01% જેટલું થયું.

આયુષ્યમાન ભારત યોજનાની જાહેરાત 2018ના અંદાજપત્રમાં તે વખતના નાણા પ્રધાન અરુણ જેટલી દ્વારા કરાઈ હતી.

PMJAY એ આયુષ્યમાન ભારત યોજના હેઠળ બીજા તબક્કાની યોજના હતી, જેની શરૂઆત PM મોદીએ સપ્ટેમ્બર 2018માં ઝારખંડથી કરાવી હતી.

તેને વિશ્વની સૌથી મોટી સરકારી આરોગ્ય સંબંધિત યોજના ગણાવાઈ હતી અને PM મોદીના સમર્થકો તેને 'મોદીકૅર'ના નામે ઓળખાવતા હતા.

યોજનાની જાહેરાત કરતી વખતે કહેવાયું હતું કે તેની હેઠળ 50 કરોડ કરતાં વધુ લોકોને આવરી લેવાશે અને દરેક પરિવારને વર્ષે પાંચ લાખનો આરોગ્ય વીમો મળશે.

સરકારી આંકડા મુજબ આ યોજના હેઠળ હાલમાં 10.74 કરોડ પરિવારોને આવરી લેવાયા છે અને વ્યક્તિગત રીતે 50 કરોડથી વધુને તેનો લાભ મળે છે. ભારતની કુલ વસતિ પૈકી 40% વસતિને આ યોજના અંતર્ગત આવરી લેવાઈ છે.

ભારતમાં જાહેર આરોગ્યની સુવિધા બહુ ખરાબ સ્થિતિમાં છે. તેની પાછળ GDPના માત્ર 1%ની ફાળવણી કરવામાં આવે છે, જે દુનિયામાં સૌથી ઓછી છે.

4 એપ્રિલ 2020થી કોવિડ-19 ટેસ્ટિંગ અને સારવારને પણ PMJAY હેઠળ આવરી લેવાયાં હતાં. આયુષ્યમાન ભારતમાં કોવિડ-19 ટેસ્ટિંગ અને સારવારનો પણ સમાવેશ કરવામાં આવ્યો. સમગ્ર અહેવાલ આપ અહીં ક્લિક કરીને વાંચી શકો છો.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો