ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રી કોરોના પૉઝિટિવ, અન્ય ત્રણ લોકો પણ આઇસોલેટ - BBC TOP NEWS

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી કોરોના પૉઝિટિવ મળી આવ્યા
ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી કોરોના પૉઝિટિવ મળી આવતાં બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા એટલે કે BCCIના મેડિકલ સ્ટાફે મુખ્ય કોચ રવિ શાસ્ત્રી સહિત સપોર્ટ સ્ટાફના અન્ય ત્રણ લોકોને પણ આઇસોલેશનમાં રાખવાનો નિર્ણય લીધો છે.
મેડિકલ સ્ટાફના આ નિર્ણયને પગલે હેડ કોચ રવિ શાસ્ત્રી સહિત આગમચેતીનાં પગલાંના ભાગરૂપે બૉલિંગ કોચ બી. અરુણ, ફિલ્ડિંગ કોચ આર. શ્રીધર ફિઝિયોથૅરપીસ્ટ નીતિન પટેલને પણ આઇસોલેશનમાં રહેવું પડશે.
આ તમામના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યાં છે અને તેમને સૂચના અપાઈ છે કે મેડિકલ ટીમ દ્વારા આગળની સૂચના ન મળે ત્યાં સુધી તેમણે ટીમ માટેની હોટલમાં જ રહેવાનું રહેશે અને તેમણે ભારતીય ટીમ સાથે ક્યાંય ટ્રાવેલ કરવાનું રહેશે નહીં.
BCCIના સચિવ જય શાહ દ્વારા જારી કરાયેલ નિવેદન મુજબ ટીમ ઇન્ડિયાના તમામ સભ્યોનાં શનિવારે સાંજે અને રવિવારે સવારે લૅટરલ ફ્લૉ ટેસ્ટ કરાયાં હતાં. જે લોકોના રિપોર્ટ નૅગેટિવ આવ્યા છે તેમને ઓવલ ખાતે ચાલી રહેલા ચોથી ટેસ્ટ મૅચના ચોથા દિવસમાં રમવાની પરવાનગી અપાઈ હતી.
ગુજરાતમાં કોરોનાના કેસોમાં એક જ દિવસમાં 60 ટકાનો વધારો
ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં શુક્રવારે સાંજની સ્થિતિ પ્રમાણે 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસમાં 60 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
શુક્રવારે સાંજે જાહેર થયેલા આંકડા પ્રમાણે 24 કલાકમાં ગુજરાતમાં 16 કોરોનાના કેસ નોંધાયા હતા અને ભાવનગરમાં એક વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ થયું હતું.
એ સિવાય 17 લોકો કોરોનામાંથી સાજા થયા હતા, જેથી રાજ્યમાં કોરોનાના ઍક્ટિવ કેસની સંખ્યા 149 થઈ ગઈ છે.
કોરોનાના નવા 16 કેસમાં ચાર અમદાવાદમાં, ચાર વડોદરામાં, ત્રણ ભાવનગરમાં, સુરત જિલ્લા અને સિટીમાં બે-બે અને મહીસાગરમાં એક કેસ નોંધાયો હતો.
ગુજરાતમાં પાંચ કોરોનાના દર્દી વૅન્ટિલેટર પર છે અને કુલ મૃતકાંક 10,082 થઈ ગયો છે.
કેરળમાં કોરોના વચ્ચે નિપાહ વાઇરસથી ફફડાટ, 12 વર્ષના કિશોરનું મૃત્યુ
ઇમેજ સ્રોત, STR
નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરોલૉજીની લૅબોરેટરીમાં સૅમ્પલ મોકલવામાં આવ્યા છે.
કેરળના કોઝિકોડ જિલ્લાની એક ખાનગી હૉસ્પિટલમાં નિપાહ વાઇરસથી સંક્રમિત 12 વર્ષના એક કિશોરનું મૃત્યુ થઈ ગયું છે.
હિંદુસ્તાન ટાઇમ્સ અખબારના એક અહેવાલ મુજબ કોઝિકોડમાં નિપાહ વાઇરસથી સંક્રમિત કિશોરની એક ખાનગી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.
નિપાહ વાઇરસના કેસને જોતાં શનિવાર રાત્રે કેરળમાં આરોગ્ય વિભાગની એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. 2018માં કેરળમાં નિપાહ વાઇરસે કેટલાય લોકોનો ભોગ લીધો હતો.
અલ્લપુઝામાં સ્થિત નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરોલૉજીની લૅબોરેટરીમાં સૅમ્પલ મોકલવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે કેરળમાં કૉન્ટૅક્ટ ટ્રેસિંગ સહિત અન્ય પગલાં લેવામાં આવી રહ્યાં છે. હાલ ચિંતાની કોઈ વાત નથી, પરંતુ સતર્કતાની ખૂબ જરૂર છે.
રવિવાર સવારે આરોગ્યમંત્રી વીણા જ્યૉર્જે પણ કોઝિકોડની મુલાકાત લીધી હતી.
નિપાહ વાઇરસથી મૃત્યુ પામનાર કિશોરના સંબંધીઓ અને તેના સંપર્કમાં આવેલા બધા લોકોને ક્વોરૅન્ટીનમાં મોકલી દેવામાં આવ્યા છે.
કોઝિકોડમાં સતર્કતા વધારવામાં આવી છે અને કેન્દ્રીય આરોગ્યમંત્રાલયની ટીમ પણ શહેરની મુકાલાત લેશે.
19 મે 2018ના દિવસે કેરળમાં નિપાહ વાઇરસનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. તારીખ પહેલી જૂન 2018થી લઈને અત્યાર સુધીમાં કેરળમાં નિપાહ વાઇરસથી 17 મૃત્યુ અને 18 કન્ફર્મ કેસ નોંધાયાં છે.
ટોક્યો પૅરાલિમ્પિકમાં IAS સુહાસ યતીરાજને સિલ્વર મેડલ
ઇમેજ સ્રોત, ANI
એસએલ 4 પુરુષ સિંગલ્સમાં સુહાસ યતિરાજ ફ્રાન્સના લુકાસ સામે 15-21, 21-17, 21-15 પૉઇન્ટ્સથી હારી ગયા.
ઉત્તર પ્રદેશના નોઇડાના જિલ્લા કલેકટર સુહાસ યતિરાજ ટોક્યો પૅરાલિમ્પિકમાં એસએલ 4 ફાઇનલમાં લુકાસ મઝુર સામે હારી ગયા હતા. તેમણે ભારતને પૅરાબૅડમિન્ટનમાં સિલ્વર મેડલ ભારતને અપાવ્યો.
એસએલ 4 પુરુષ સિંગલ્સમાં સુહાસ યતિરાજ ફ્રાન્સના લુકાસ માઝુર સામે 15-21, 21-17, 21-15 પૉઇન્ટ્સથી હારી ગયા.
પૅરાબૅડમિન્ટન ખેલાડી સુહાસ યતિરાજે ટોક્યો ટોક્યો ઑલિમ્પિક્સના છેલ્લા દિવસે ભારત માટે મેડલ જીત્યો હતો.
તેઓ આઈએએસ અધિકારી પણ છે અને તેઓ ઉત્તર પ્રદેશના ગૌતમબુદ્ધનગરના જિલ્લા કલેક્ટર પણ છે.
સુહાસના ખભે નોઇડાના જિલ્લાધિકારીની જવાબદારી એવા સમયે આવી, જ્યારે કોરોનાની બીજી લહેર દરમિયાન નોઇડામાં પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી અને પૅરાલિમ્પિક્સ માટે ક્વૉલિફાઈ પણ કરવાનું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુહાસ યતિરાજને ટોક્યો પૅરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતવા પર અભિનંદન આપતાં ટ્વીટ કર્યું, "સેવા અને રમતગમતનું અદ્ભુત મિલન. સુહાસ યતિરાજે પોતાના શાનદાર પ્રદર્શનથી દેશના સપનાને સાકાર કર્યું છે."
પ. બંગાળમાં એક અઠવાડિયામાં BJPના ત્રણ ધારાસભ્યો TMCમાં જોડાયા
ઇમેજ સ્રોત, ANI
સોમેન રૉય ભાજપ છોડીને મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસ પાર્ટી સાથે જોડાઈ ગયા છે.
પશ્ચિમ બંગાળમાં વધુ એક ધારાસભ્ય સોમેન રૉય ભાજપ છોડીને મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસ પાર્ટી સાથે જોડાઈ ગયા છે.
બે દિવસ પહેલાં ભાજપના બે અન્ય ધારાસભ્ય પણ તૃણમૂલ કૉંગ્રેસ પક્ષમાં જોડાઈ ગયા હતા.
સોમેન રૉય કોલકાતામાં વરિષ્ઠ પાર્ટી નેતા પાર્થા ચેટરજીની હાજરીમાં સત્તાવાર રીતે ટીએમસીમમાં જોડાયા છે.
તેઓ આ વર્ષે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તર દિનાજપુર જિલ્લામાં કાલિયાગંજ વિધાનસભા બેઠકથી જીત્યા હતા.
આ અઠવાડિયામાં પહેલાં જ ભાજપ ધારાસભ્ય તન્મય ઘોષ અને બિસ્વજિત દાસે પણ ટીએમસીનો છેડો પકડી લીધો હતો.
ભાજપે આ ધારાસભ્યોને કાયદાકીય નોટિસ ફટકારી હતી. ભાજપ પક્ષપલટો કરનાર ધારાસભ્યોને પક્ષપલટાવિરોધી કાયદા હેઠળ વિધાનસભામાંથી સસ્પેન્ડ કરાવવા માટે પગલાં લઈ શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો