ડીઝલના ભાવવધારાથી માછીમારો પરેશાન, કહ્યું, 'ગુજરાતમાં માછીમાર સમાજ ઇતિહાસ બની જશે'

  • અજય શીલુ
  • બીબીસી ગુજરાતી માટે
ગુજરાતમાં માછીમારો શા માટે અનુભવી રહ્યા છે સમસ્યા?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ગુજરાતમાં માછીમારો શા માટે અનુભવી રહ્યા છે સમસ્યા? (પ્રતીકાત્મક તસવીર)

પાછલા લગભગ દોઢ વર્ષથી સતત કોરોનાની પરિસ્થિતિ, કુદરતના કેર સમાં વાવાઝોડાં અને હવે મોંઘવારીના કારણે ગુજરાતના માછીમારો પોતે કફોડી સ્થિતિમાં મૂકાયા હોવાનો દાવો કરી રહ્યા છે.

નોંધનીય છે કે પાછલા અમુક મહિનાઓથી કેન્દ્ર સરકાર પર સતત પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાના કારણે ટીકાની પાત્ર બની રહી છે. પેટ્રોલિયમ પેદાશોના ભાવવધારાને લીધે લગભગ તમામ જીવનજરૂરી વસ્તુઓના ભાવો પર અસર પડી છે. આવું જ કંઈક માછીમારી ઉદ્યોગ સાથે પણ બની રહ્યું છે.

ગુજરાત દેશનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય છે. તેથી અહીં સ્વાભાવિકપણે લાખો લોકો માછીમારી અને તેને સંલગ્ન વ્યવસાયો સાથે જોડાઈને પોતાની રોજીરોટી રળે છે. પરંતુ પાછલા કેટલાક સમયથી માછીમારી અને તેની સાથે સંલગ્ન વ્યવસાયમાં જોડાયેલા લોકો ભારે આર્થિક સંકટમાં મુકાયા હોવાનો સ્થાનિક આગેવાનો દાવો કરે છે.

તાજેતરમાં ડીઝલના ભાવવધારાની માછીમારીના વ્યવસાય પરની ગંભીર અસરો વિશે વિગતવાર જાણવા માટે બીબીસી ગુજરાતીએ આ વ્યવસાય સાથે સંકળાયેલા કેટલાક લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

'માછીમાર સમાજ બની જશે ઇતિહાસ'

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

કોરોના, વાવાઝોડું અને હવે ડીઝલના ભાવવધારાથી પરેશાન હોવાનો દાવો કરી રહ્યા છે ગુજરાતના માછીમારો

પોરબંદર બોટ ઍસોસિયેશનના પ્રમુખ મુકેશ પંજરી તાજેતરના ડીઝલના ભાવવધારાના કારણે માછીમારીના વ્યવસાય પર પડેલી અસરો વિશે વાત કરતાં કહે છે કે, "હાલ પોરબંદરથી સમુદ્રમાં જતી બોટો પૈકી માત્ર 40 ટકા બોટો જ સમુદ્રમાં ગઈ છે. તેનું દેખીતું કારણ છે ડીઝલના ભાવમાં થયેલ અસામાન્ય વધારો."

તેઓ જણાવે છે કે પાછલા ઘણા સમયથી કુદરતનો માર વેઠી રહેલા માછીમારો ગત વખતે પણ નુકસાનમાં રહેલા પરંતુ આ વખત તો તેમનો ધંધો જ પડી ભાંગવાનો છે.

મુકેશ પંજરી જણાવે છે કે, "સમગ્ર ગુજરાતમાં અને પોરબંદરમાં લાખો લોકોની રોજગારી માછીમારીના ઉદ્યોગ સાથે સંકળાયેલી છે. આ વખત જો રાહત માટેનાં પગલાં નહીં લેવામાં આવે તો કરોડો રૂપિયાનું નુકસાન થવાની શક્યતા છે. અને બની શકે કે માછીમારીનો ઉદ્યોગ અને માછીમાર સમાજ એક ઇતિહાસની વાત બની જાય."

તેમનો દાવો છે કે ડીઝલના ભાવવધારાના કારણે આ વખત દરેક ટ્રિપ પર એકથી દોઢ લાખ રૂપિયા સુધીનો વધારાનો ખર્ચ થવાની સંભાવના છે. અને કુદરતી અને માનવસર્જિત કારણોસર દરિયામાંથી મળતો માછલીનો જથ્થો અને ગુણવત્તા ઘટી જવાના કારણે પણ આ નુકસાનમાં ઘણો વધારો થવાની સંભાવના છે.

મુકેશ પંજરી જણાવે છે કે, "હાલ જોખમ ખેડીને વધુ ભાવ હોવા છતાં સમુદ્રમાં ગયેલા માછીમારો પોતાની સંપત્તિ અને દાગીના ગીરો મૂકીને મૂડીની વ્યવસ્થા કરીને સમુદ્રમાં ગયા છે. જો સરકાર જલદી જ રાહતનાં પગલાં નહી ભરે તો પહેલાંથી દેવાની સ્થિતિમાં ફસાયેલ સમાજની સ્થિતિ વધુ કફોડી બની જશે"

'લાખો પરિવારોની રોજીરોટીનો પ્રશ્ન'

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

માછીમાર આગેવાનોના મતે હાલ માત્ર 40 ટકા બોટો જ સમુદ્રમાં ગઈ છે (પ્રતીકાત્મક તસવીર)

પોરબંદરના માછીમાર સમાજના આગેવાન જીવન જુંગી હાલમાં ડીઝલના ભાવવધારાના કારણે સર્જાયેલી પરિસ્થિતિની ગંભીરતા જણાવતાં કહે છે કે, "સમગ્ર ગુજરાતમાં 23 હજાર કરતાં વધુ એંજિન સંચાલિત બોટ છે. પરંતુ હાલ પોરંબદરની જેમ જ માત્ર 40 ટકા જ બોટ સમુદ્રમાં માછીમારી માટે ગઈ છે. તેથી ગુજરાતનો માછીમાર સમાજ ભારે મુશ્કેલીમાં સપડાયો હોય તેવું લાગે છે. "

"ગુજરાતમાં લાખો લોકો આ માછીમારી અને તેની સાથે સંલગ્ન વ્યવસાયો સાથે જોડાયેલા છે. માછીમારી ગુજરાતને વિદેશી હૂંડિયામણ પણ રળી આપે છે. પરંતુ પાછલાં અમુક વર્ષોથી ગુજરાતમાં માછીમારીની પ્રવૃત્તિ સતત નુકસાનકારક સાબિત થઈ રહી છે. અને આ વખત તો સંપૂર્ણ નુકસાન થાય એવી ભીતિ સેવાઈ રહી છે."

સામાન્ય રીતે માછીમારી સિઝનનો પ્રારંભ એક ઑગસ્ટે થતો હોય છે પરંતુ આ વર્ષે એક સપ્ટેમ્બરથી શરૂ કરવા ફિશરીઝ કમિશનર ગાંધીનગર દ્વારા પરિપત્ર કરવામા આવ્યો હતો. જે બાદ માછીમારોએ પોતાના વ્યવસાયની શરૂઆત કરી હતી.

પરંતુ માછીમારો માટે આ સિઝનમાં કથિત સૌથી મોટી સમસ્યા છે ડીઝલ પરનો ભાવવધારો. ડીઝલનો ભાવવધારો થતાં માછીમારોથી આર્થિક હાલત કફોડી બની હોવાનો દાવો કરાઈ રહ્યો છે.

નોંધનીય છે કે ગત વર્ષે ઑગસ્ટ મહિનામાં ડીઝલનો ભાવ 76.75 રૂપિયા પ્રતિ લિટર હતો જે આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં 95.52 રૂપિયા થયો છે. એટલે આ વર્ષે માછીમારોને ડીઝલ પર એક લિટરે લગભગ 19 રૂપિયા જેટલો ભાવ વધારો સહન કરવાનો વારો આવ્યો છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો