નરેન્દ્ર મોદીએ કોરોનાકાળમાં જે સ્વાસ્થ્યકર્મીઓને બિરદાવ્યા હતા, તેઓ હવે નિરાશ કેમ છે? BBC Investigation

  • જુગલ આર પુરોહિત
  • બીબીસી સંવાદદાતા

બાવીસ વર્ષીય માલતી ગંગવાર અને 56 વર્ષનાં સુજાતા ભાવેમાં ખાસ કશી સમાનતા નથી પણ તેમની વચ્ચે એક સમાનતા એ છે કે આ બન્ને મહિલાઓએ સ્વાસ્થ્ય કર્મચારી તરીકે કાર્યરત તેમના પરિવારજનોને કોવિડ-19માં ગુમાવ્યા છે.

સરકારે તેમની પડખે ઊભા રહેવાનું વચન આપ્યું હતું, પરંતુ એ જ સરકારના તેમની સાથેના વ્યવહારથી આ બન્ને મહિલાઓ નિરાશ છે, જે એમના વચ્ચેની બીજી સમાનતા છે.

ઇમેજ સ્રોત, ANI

કોવિડ-19 મહામારી શરૂ થઈ ત્યારે સ્વાસ્થ્ય કર્મચારીઓ અને તેમના પરિવારજનોને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અંગત રીતે વખાણ્યા હતા. તેમાંથી પ્રેરણા લઈને સામાન્ય નાગરિકો પણ થાળીઓ વગાડતા, દીવડા પ્રગટાવતા જોવા મળ્યા હતા અને સૈન્ય દ્વારા સ્વાસ્થ્ય કર્મચારીઓ પર હેલિકૉપ્ટરમાંથી ફૂલોની પાંખડીઓનો વરસાવવામાં આવી હતી.

એ સ્વાસ્થ્ય કર્મચારીઓના પરિવારોની વર્તમાન હાલત કેવી છે તે જાણવા માટે બીબીસીએ મહિનાઓ સુધી તપાસ કરી હતી અને ડૉક્ટર્સ, મેડિકલ ઍસોસયેસન્શ, ભૂતપૂર્વ સનદી અધિકારીઓ, કર્મશીલો તેમજ છેક નીચલા સ્તરે કાર્યરત સ્વાસ્થ્ય કર્મચારીઓના પરિવારજનો સાથે વાતચીત કરી હતી.

આ તપાસના ભાગરૂપે રાઇટ ટુ ઇન્ફૉર્મેશન ઍક્ટ-2005 હેઠળ અરજીઓ કરીને સત્તાવાર માહિતી માગવામાં આવી હતી અને જાહેર દસ્તાવેજોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

માલતીએ અમને શું જણાવ્યું?

ઇમેજ સ્રોત, Jugal Purohit

ઇમેજ કૅપ્શન,

માલતી ગંગવાર

આ તપાસયાત્રામાં અમારું પહેલું સ્થાન હતું દિલ્હીથી 250 કિલોમીટર દૂર ઉત્તર પ્રદેશમાં બરેલી નજીક આવેલું એક ગામ. એ ગામમાં હું માલતીને મળ્યો હતો.

પોતાના ઘરના આંગણામાં બેસીને માતાના મૃત્યુની ઘટના પછીના સમયને સંભારતાં માલતીએ કહ્યું હતું, "આરોગ્ય વિભાગના કર્મચારીઓ સહિતના અનેક લોકોના ફોન આવ્યા હતા. બીજા આરોગ્ય કર્મચારીઓએ મને મારી માતાની જગ્યાએ નોકરી સ્વીકારી લેવા વિનંતી કરી હતી. વીમાના પૈસાની વાત થઈ હતી. એ બધા બહુ મદદરૂપ જણાતા હતા. નોકરી માટે એક ફૉર્મ ભરવા તેમણે મને કહ્યું હતું અને મેં એમ કર્યું હતું, પરંતુ એ પછી શું થયું તેની મને ખબર નથી."

માલતીનાં માતા શાંતિદેવી પ્રમાણિત સામાજિક આરોગ્ય કાર્યકર એટલે કે આશાવર્કર તરીકે કામ કરતાં હતાં. વાઇરસનો ચેપ લાગવાને કારણે શાંતિદેવી મૃત્યુ પામ્યાં તેને લગભગ ચાર મહિના થયા.

ઇમેજ સ્રોત, Jugal Purohit

ઇમેજ કૅપ્શન,

શાંતા દેવીનું કાર્ડ

તેમના પરિવારજનોએ મને જણાવ્યું હતું કે તેમણે વહીવટીતંત્રની મદદ એકથી વધુ વખત માગી છે, પરંતુ અત્યાર સુધી પરિવારની કોઈ વ્યક્તિને નોકરી કે આર્થિક વળતર મળ્યું નથી.

શાંતિદેવી દેશની જાહેર આરોગ્ય વ્યવસ્થાના ગ્રામ્ય સ્તરનાં પ્રતિનિધિ હતાં. તેમના પરિવારજનોને જણાવ્યા મુજબ, શાંતિદેવીએ લગભગ 25 વર્ષ સુધી નજીવા વળતર સાથે કામ કર્યું હતું.

શાંતિદેવીના ભાઈએ કહ્યું હતું, "પરિવારની આર્થિક પરિસ્થિતિ બહુ સારી ન હતી. અમને જે મળતું હતું એ મદદકારક હતું."

સુજાતા ભાવે સાથે શું થયું હતું?

બીજી તરફ મુંબઈમાં સુજાતા ભાવે પોતાની પરિસ્થિતિને બહેતર બનાવવાના પ્રયાસ કરી રહ્યાં છે.

તેમના પતિ ચિતરંજન ભાવે કાન, આંખ, ગળા (ઈએનટી)ના ડૉક્ટર હતા. કોરોના વાઇરસને કારણે તેમનું 2020ની પહેલી જૂને મૃત્યુ થયું હતું.

ડૉ. ભાવેના પરિવારજનોના જણાવ્યા મુજબ, તેઓ દર્દીઓને ચકાસતા હતા ત્યારે સત્તાવાળાઓએ તેમને કોઈ પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ્ (પીપીઈ) કિટ્સ કે કોવિડ સંબંધી તાલીમ આપી ન હતી.

સુજાતાએ કહ્યું હતું, "શરૂઆતમાં તેઓ દર્દીઓની તપાસ ઑનલાઇન કરતા હતા, પરંતુ તેમને સંતોષ થતો ન હતો, કારણ કે આંખ, નાક અને ગળાની તકલીફવાળા દર્દીની તપાસ વીડિયો કૉલથી કરવાનું મુશ્કેલ હોય છે. તેઓ અમને સતત કહેતા હતા તેમણે દર્દીઓને વ્યક્તિગત રીતે તપાસવા જોઈએ. પછી તેમણે એવું કરવાનો નિર્ણય કર્યો હતો."

ઇમેજ સ્રોત, Jugal Purohit

ઇમેજ કૅપ્શન,

ડૉ. ચિત્તરંજન ભાવે

ડૉ. ભાવેએ દર્દીઓને વ્યક્તિગત રીતે તપાસવાનું શરૂ કર્યું તેના થોડા દિવસોમાં જ તેમનામાં કોવિડના લક્ષણો જોવાં મળવાં લાગ્યાં હતાં. તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એ પછી તેમનો પરિવાર તેમને ક્યારેય મળી શક્યો ન હતો. પીડિત પરિવારે વળતર માગ્યું હતું, પણ તેનો સત્તાવાળાઓએ ઇનકાર કર્યો હતો.

મારી સાથે ફોન પર વાત કરતાં સુજાતા ભાવેએ કહ્યું હતું, "ઇનકાર કરવામાં આવ્યો હતો, કારણ કે મારા પતિ સરકાર દ્વારા નિર્ધારિત કોવિડ વોર્ડમાં કામ કરતા ન હતા અને વાસ્તવમાં ખાનગી દવાખાનામાં દર્દીઓનું નિદાન કરતા હતા. પોતે કોની પાસે સારવાર લેવી તેનો નિર્ણય દર્દી સિવાય બીજું કોઈ કઈ રીતે લઈ શકે? પોતાને કોવિડનો ચેપ લાગ્યો છે એની ખબર દર્દીને, તે ડૉક્ટર પાસે જાય ત્યારે હોય એ શક્ય છે. સરકારી ડૉક્ટરોએ જ વાઇરસનો સામનો કર્યો હતો અને ખાનગી તબીબીએ કર્યો ન હતો એવું જરાય નથી. એ અન્યાયી, ભેદભાવપૂર્ણ છે. અમને અપમાનનો અનુભવ થયો હતો."

માલતી અને સુજાતા જેવા બીજા અનેક પરિવારોની સાથે બીબીસીએ વાત કરી હતી.

જોકે, એ પૈકીની જૂજ લોકો ઇન્ટરર્વ્યૂ માટે તૈયાર થયા હતા. અન્યોને ભય હતો કે મીડિયા સાથે વાત કરવાથી સરકારી વળતર મળવાની શક્યતામાં ઘટાડો થશે.

આ પરિવારો શા માટે સંઘર્ષ કરી રહ્યા છે?

ઇમેજ સ્રોત, ANI

2020ની 26 માર્ચે જાહેર કરવામાં આવેલી એક વીમા યોજના સરકારી સહાયના કેન્દ્રમાં છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે જણાવ્યું હતું કે વાઇરસને કારણે મૃત્યુ પામેલા સ્વાસ્થ્ય કર્મચારીઓના પરિવારજનોને વળતર તરીકે વીમા કંપની 50 લાખ રૂપિયા આપશે.

આ યોજનાની જાહેરાત કરતાં નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય કર્મચારીઓ "શ્વેત ગણવેશધારી ઈશ્વર"છે.

"કોવિડ-19 વિરુદ્ધના યુદ્ધમાં મૃત્યુ પામેલા" સ્વાસ્થ્ય કર્મચારીઓ વિશેની માહિતી આ વર્ષના જુલાઈમાં ધારાસભ્યોએ સરકાર પાસેથી માગી ત્યારે સરકારે એવો જવાબ આપ્યો હતો કે આવી કોઈ માહિતી એકત્ર કરવામાં આવી નથી.

સરકારના આ જવાબથી ઘણા લોકો દિગ્મૂઢ થઈ ગયા હતા.

સરકારે એમ પણ જણાવ્યું હતું કે વીમાનો લાભ ઉપરોક્ત યોજનાને આધારે આપવામાં આવી રહ્યો છે.

30 માર્ચ, 2020 અને 16 જુલાઈ, 2021 વચ્ચેની સંબંધિત માહિતી અનુસાર, કોરોનાને કારણે મૃત્યુ પામેલા 921 સ્વાસ્થ્ય કર્મચારીઓના વીમાના દાવાની પતાવટ સરકારે કરી દીધી હતી. સરકારને કુલ 1342 દાવા મળ્યા હતા. બાકીના 421 દાવા વિશેની પ્રક્રિયા ચાલુ હતી અથવા તો તેને ફગાવી દેવામાં આવ્યા હતા.

સરકારે વિલંબ થયાનું સ્વીકાર્યું પણ હતું અને વળતરની પ્રક્રિયાને મે-2021માં વધારે સરળ બનાવી હતી.

આરટીઆઈ ઍક્ટ-2005 હેઠળ અનેક અરજી દાખલ કરીને બીબીસીએ પ્રાપ્ત કરેલી માહિતી દર્શાવે છે કે સરકારે 29 માર્ચ, 2020 અને 8 જુલાઈ, 2021 દરમિયાન વીમા પૉલિસીના પ્રીમિયમ પેટે 663 કરોડથી વધુ રૂપિયા ચૂકવ્યા હતા. એ પૈકીની 70 ટકા રકમ સરકારે ત્રીજી મે, 2021 પછી ચૂકવી હતી.

તમામ આપદાગ્રસ્ત પરિવારો સુધી પહોંચીને તેમને વળતર આપવામાં આવ્યું છે તેની ખબર સરકારને કુલ મૃત્યુઆંકની માહિતી વિના કઈ રીતે પડી? સરકારે આ સવાલનો જવાબ આપ્યો ન હતો.

આરટીઆઈ ઍક્ટ-2005 હેઠળ માહિતી માગવા છતાં સરકારે એ સ્પષ્ટતા કરી ન હતી કે તેણે વીમા યોજનાનું ઘડતર કઈ રીતે કર્યું અને સૌથી વ્યાપક કવરેજવાળી યોજના પસંદ કરવા માટે સ્પર્ધાત્મક બીડ મગાવવામાં આવી હતી કે નહીં?

હવે બીજી બાજુની વાત

ઇમેજ સ્રોત, Getty Images

સરકારે માહિતી એકત્ર કરી ન હોવાથી બીબીસીએ પ્રોફેશનલ મેડિકલ સંસ્થાઓનો સંપર્ક, તેમની પાસેથી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશને મને જણાવ્યું હતું કે કોવિડને કારણે લગભગ 1600 ફરજરત ડૉક્ટર્સ મૃત્યુ પામ્યાં હતાં. ટ્રેઇન્ડ નર્સિસ ઍસોસિયેશન ઑફ ઇન્ડિયાએ કોવિડને કારણે 128 મૃત્યુ થયાનું જણાવ્યું હતું

સરકારે જુલાઈમાં સંસદને જણાવ્યું હતું કે 100થી વધારે આશાવર્કર્સ કોવિડકાળમાં ફરજ બજાવતા મૃત્યુ પામી હતી, પણ એ તો દેશમાં કોવિડની બીજી લહેર આવી એ પહેલાંની વાત છે.

આ મર્યાદિત કવાયત સૂચવે છે કે 1800થી વધારે સ્વાસ્થ્ય કર્મચારીઓ કોવિડ-19ને કારણે મૃત્યુ પામ્યાં હતાં. તેમાં ખાનગી અને સરકારી એમ બન્ને ક્ષેત્રના કર્મચારીઓનો સમાવેશ થાય છે.

કોવિડને લીધે મૃત્યુ પામેલા કૉમ્યુનિટી વર્કર્સ, સ્વયંસેવકો, વૉર્ડ બૉય્ઝ અને હંગામી તથા આઉટસોર્સ્ડ સ્ટાફનો સમાવેશ આ આંકડાઓમાં થતો નથી.

વિસંગતતાની સમજ - સરકારી વિરુદ્ધ ખાનગી

ઇમેજ સ્રોત, Jugal Purohit

ઇમેજ કૅપ્શન,

ડૉ. મધુ રાજપાલ

સરકારી સહાય 900થી વધારે પરિવારો સુધી પહોંચી હતી ત્યારે અત્યંત ચુસ્ત અંદાજ મુજબ, 1800થી વધારે સ્વાસ્થ્ય કર્મચારીઓ કોવિડને કારણે મૃત્યુ પામ્યાં હતાં.

સવાલ એ છે કે કોરોનાથી મૃત્યુ પામેલાં સ્વાસ્થ્ય કર્મચારીઓ અને જે લોકોને વળતર મળ્યું છે તેમની સંખ્યા વચ્ચે આટલો તફાવત કેમ છે?

તેનું કારણ એ છે કે સરકારની વીમા પૉલિસી હેઠળ સાર્વજનિક આરોગ્ય સેવા અને ખાનગી સેવામાં કાર્યરત એવા લોકોને જ વળતર આપવામાં આવે છે, જેમની સેવા સરકારે લીધી હતી.

બીજા શબ્દોમાં કહીએ તો કોવિડ-19ને કારણે એક ખાનગી તબીબનું મોત, કોવિડના દર્દી કે તેના જેવાં લક્ષણ ધરાવતા લોકોના ઈલાજ બાદ થયું હોય તો પણ સરકાર તેની ગણતરી કોવિડથી મૃત્યુ પામેલાં એ સ્વાસ્થ્ય કર્મચારીઓમાં નથી કરતી, જેમને વળતર આપવું જોઈએ.

આગ્રામાં પોતાના ક્લિનિકમાં બેઠેલાં ડૉ. મધુ રાજપાલે મને જણાવ્યું હતું કે સરકારે તેમની સાથે આવો વ્યવહાર ન કરવો જોઈએ.

ઇમેજ સ્રોત, ANI

તેમના પતિ ડૉ. વીકે રાજપાલ એક પ્રાઇવેટ ડૉક્ટર હતા અને તેઓ કોવિડની બીજી લહેરમાં મૃત્યુ પામ્યા હતા.

પોતાનું સર્જિકલ માસ્ક ઠીક કરતાં ડૉ. મધુએ કહ્યું હતું, "મારા પતિ 67 વર્ષના હતા, પરંતુ તેઓ અમારા ક્લિનિકમાં દર્દીઓનું નિદાન કરતા હતા અને પછી દર્દીઓને કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા હતા. અમે અમારા દર્દીઓની અવગણના કરી શકીએ નહીં. મને લાગે છે કે અમને વળતર મળવું જોઈએ. અમે તેના હકદાર છીએ. અમે પરિવાર માટે પૈસા કમાતી મુખ્ય વ્યક્તિને ગુમાવી છે અને તેને કારણે અનેક સમસ્યાઓ સર્જાઈ છે."

ડૉ. મધુએ ઉમેર્યું હતું, "મને લાગે છે કે આવો ભેદભાવ કરવો, સરકારી ડૉક્ટરોને જ વળતર મળશે અને ખાનગી તબીબોને નહીં મળે એવું કહેવું યોગ્ય નથી. સરકારે બધાનું સમાન રીતે ધ્યાન રાખવું જોઈએ."

ડૉ. મધુના જણાવ્યા મુજબ, વળતરના તમામ દસ્તાવેજો તેમણે મોકલી આપ્યા છે, પરંતુ અધિકારીઓ તરફથી હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી.

ડૉ. રાજપાલ અને ડૉ. ભાવેનો સમાવેશ એવા ખાનગી તબીબોમાં થાય છે, જેમણે પોતાનાં માતા-પિતાની સંભાળ લેવાનું પસંદ કર્યું હતું, જ્યારે બીજા લોકો આવું કરવા માટે મજબૂર હતા.

ઍસોસિયેશન ઑફ મેડિકલ કન્સલ્ટન્ટ્સના પદનામિત અધ્યક્ષ ડૉ. નીલિમા વૈદ્ય ભામરેએ મુંબઈથી મારી સાથે વાત કરતાં કહ્યું હતું, "મહાનગરપાલિકાએ એક આદેશ બહાર પાડીને ખાનગી ડૉક્ટર્સને જણાવ્યું હતું કે તેઓ ક્લિનિક્સ નહીં ખુલ્લાં રાખે તો તેમને લાઇસન્સ રદ્દ કરવામાં આવશે. આ ધમકી છે કે નહીં? અમારે અમારો રોજગાર ગુમાવવો પડશે. આવું ઘણી જગાએ થયું હતું, કારણ પોતાની પાસે બુનિયાદી માળખું નથી એવું સરકારને સમજાયું ત્યારે ખાનગી ક્ષેત્રએ જ આગળ આવવું પડે."

ડૉ. નીલિમાએ ઉમેર્યું હતું, "આમ છતાં સરકાર અમારું સન્માન કરવા અને અમને સુવિધાઓ આપવા તૈયાર નથી. આ અન્યાય નથી? અમારે કોર્ટમાં જવું પડશે, કારણ કે સરકાર અમારી વાત સાંભળવા તૈયાર નથી."

સંસદની ચેતવણી

ઇમેજ સ્રોત, Reuters

સંસદે નવેમ્બર-2020માં દેશમાં કોવિડ મહામારી અને તેના પ્રબંધન વિશેનો પોતાનો એક અહેવાલ રજૂ કર્યો હતો. તેમાં દેશમાં જાહેર આરોગ્ય સુવિધાઓના સંદર્ભમાં સેકન્ડરી તથા ટર્શરી આરોગ્યસેવામાં ખાલી પડેલાં અનેક પદો બાબત ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. એ કારણે ખાનગી ક્ષેત્ર પર અને કૉન્ટ્રેક્ટ વર્કર્સ પરની નિર્ભરતા વધી છે.

એ રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે "તમામ સ્વાસ્થ્ય કર્મચારીઓને વીમા કવરેજ, પૂરતું મહેનતાણું અને નાણાકીય પ્રોત્સાહન આપવાની જરૂર છે. મહામારી વિરુદ્ધની લડાઈમાં જે ડૉક્ટરોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે તેમને શહીદ ગણવા જોઈએ અને તેમના પરિવારોને પૂરતું વળતર આપવું જોઈએ."

તેમ છતાં સરકારની નીતિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ભારતીય તબીબજગત આ પરિસ્થિતિ વિશે શું માને છે એ સમજવા માટે હું ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનના મહાસચિવ ડૉ. જયેશ લેલે પાસે પહોંચ્યો હતો.

ઇમેજ સ્રોત, Jugal Purohit

ઇમેજ કૅપ્શન,

ડૉ. જયેશ લેલે

ડૉ. લેલેએ કહ્યું હતું, "સરકારે યોગ્ય કામ કર્યું નથી. સરકારે એકત્ર કરેલી માહિતીમાં નિશ્ચિત રીતે જ થોડી ખામી છે. ગ્રામીણ ક્ષેત્રો સહિતની અમારી 1,700 શાખાઓને ઘણીબધી માહિતી મળી છે. તેની ચકાસણી કરીને અમે વળતર માટે તેને સરકાર પાસે મોકલી આપી છે."

"કોવિડને કારણે મૃત્યુ પામેલાં 1,600 ડૉક્ટર્સમાંથી, અમે જાણીએ છીએ ત્યાં સુધી લગભગ 200ને જ એ મળ્યું છે. બાકીનાના દાવાઓને ફગાવી દેવામાં આવ્યા છે અથવા તો આ પ્રક્રિયા બહુ ધીમી છે કે અમલદારશાહી ચાલી રહી છે. દાવા ફગાવી દેવામાં આવતા હોય તેવા સંજોગોમાં તેઓ વળતરને લાયક છે કે કેમ અને તેમને આ રકમ મળવી જોઈએ કે કેમ એ સુનિશ્ચિત કરવા માટે સરકારે ફરીથી સર્વે કરવો જોઈએ. મહામારીની શરૂઆતના દિવસોમાં મળેલા સમર્થન તથા સંદેશાઓની સરખામણી, આજે આ મૃત સ્વાસ્થ્ય કર્મચારીઓના પરિવારો સાથે જે થઈ રહ્યું છે તેની સાથે કઈ રીતે કરી શકો?"

ડૉ. લેલેએ ઉમેર્યું હતું, "મને બહુ દુઃખ થઈ રહ્યું છે. આપણે વૅક્સિન માટે નાણાં ખર્ચી રહ્યા છીએ, સમગ્ર વિશ્વની સરખામણીએ આપણો મૃત્યુદર ઓછો છે અને આપણા આરોગ્ય કર્મચારીઓ દિવસ-રાત એક કરીને લાખો લોકોની સેવા કરી રહ્યા છે, પરંતુ એમના જ પરિવારજનોની આ રીતે ઉપેક્ષા કરવામાં આવી રહી છે. વડા પ્રધાને ડૉક્ટરોને બહુ સન્માન આપ્યું, પરંતુ એ બધાની શું અસર થઈ?"

સરકાર હવે શું કરી શકે?

ભૂતપૂર્વ આરોગ્ય સચિવ તરીકે કે. સુજાતા રાવ ભારતીય આરોગ્ય વ્યવસ્થાથી બરાબર પરિચિત છે. તેમના કહેવા મુજબ, આ વીમા પૉલિસી બહુ મર્યાદિત લાગે છે.

તેના લાભાર્થીઓમાં એમ્બ્યુલન્સ કર્મચારીઓ અને કૉન્ટ્રેક્ટ વર્કર્સની ઉપરાંત સ્મશાનમાં કામ કરતા લોકોનો પણ સમાવેશ કરવો જોઈએ. આ વીમાની પાત્રતાનો માપદંડ વધારે ઉદાર હોવો જોઈએ.

તેમાં જે લોકોને સર્વોચ્ચ અગ્રતા આપવી જોઈતી હતી અને જેમના પર વધારે ધ્યાન આપવાની જરૂર હતી તે આપણા આરોગ્ય કર્મચારીઓ છે. સરકારનું દિલ મોટું હોવું જોઈએ. કર્મચારી ખાનગી ક્ષેત્રના હોય કે જાહેર ક્ષેત્રના, હું ખરેખર તેમની વચ્ચે કોઈ ભેદભાવ નહીં રાખું.

મૃત આરોગ્ય કર્મચારીઓની ગણતરીને દુરસ્ત કરવાની અને મૃતકોના પરિવારજનોને બહેતર તથા વધારે પ્રભાવી વળતર આપવા માટે વર્તમાન નીતિમાં સુધારા કરવામાં આવશે કે કેમ તેની વિચારણા આરોગ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલય કરી રહ્યું છે કે નહીં એ જાણવા માટે બીબીસી મંત્રાલય પાસે પહોંચ્યું હતું.

અમને અત્યાર સુધી મંત્રાલય પાસેથી એ સવાલોનો જવાબ મળ્યો નથી. તેમનો જવાબ મળતાંની સાથે જ અહીં જણાવવામાં આવશે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો