વિજય રૂપાણીનાં પુત્રી રાધિકાની ઇમોશનલ ફેસબુક પોસ્ટ, 'સ્વામીનારાયણ મંદિર પર હુમલા વખતે પપ્પા મોદીજી કરતાં પહેલાં પહોંચ્યા હતા'

11 સપ્ટેમ્બર એ દિવસ હતો જ્યારે વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્ય મંત્રી પદેથી રાજીનામું આપીને સૌને ચોંકાવી દીધા હતા.

વિજય રૂપાણીએ મુખ્ય મંત્રીનું પદ છોડ્યા બાદ હવે ભૂપેન્દ્ર પટેલે તેમનું સ્થાન લીધું છે અને રાજ્યના નવા મુખ્ય મંત્રી તરીકે શપથગ્રહણ કર્યા છે.

ઇમેજ સ્રોત, FB/ Radhika Rupani

ઇમેજ કૅપ્શન,

દીકરી સાથે વિજય રૂપાણી

આ સમગ્ર ઘટનાક્રમની વચ્ચે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ચર્ચાનું કેન્દ્ર બની છે. આ પોસ્ટ વિજય રૂપાણીનાં દીકરી રાધિકા રૂપાણીએ લખી છે.

પોતાની પોસ્ટને રાધિકા રૂપાણીએ કૅપ્શન આપ્યું છે : વિજય રૂપાણી- એક દીકરીની નજરે...

શું છે પોસ્ટમાં?

ઇમેજ સ્રોત, FB/ Radhika Rupani

ઇમેજ કૅપ્શન,

પરિવાર સાથે વિજય રૂપાણી

રાધિકા રૂપાણીએ આ પોસ્ટ આ પ્રમાણે લખી છે:

કાલે બહુ બધા રાજકીય વિશ્લેષકોએ વિજયભાઈનાં કામો અને તેમના ભાજપના કાર્યકાળની ઝીણવટથી વાતો કરી. એમનો ખૂબખૂબ આભાર.

એમના મતે પપ્પાનો કાર્યકાળ એક કાર્યકર્તાથી શરૂ થયો અને પછી ચૅરમૅન, મેયર, રાજ્યસભાના સભ્ય, ટૂરીઝમના ચૅરમૅન, ભાજપ અધ્યક્ષ, મુખ્ય મંત્રી વગેરેથી સિમિત થયો. પણ મારી નજરે પપ્પાનો કાર્યકાળ 1979 મોરબી હોનારતથી ચાલુ કરીને અમરેલી અતિવૃષ્ટિ, કચ્છ ભૂકંપ, સ્વામીનારાયણ મંદિર પર આતંકવાદી હુમલો, ગોધરાકાંડ, બનાસકાંઠાની અતિવૃષ્ટિ, તૌકતે, કોરોના(સુધીનો છે)માં પણ પપ્પા બધે ખડેપગે ઊભા રહ્યા છે.

આજે પણ મને યાદ છે કે કચ્છના ભૂકંપ વખતે મારા ભાઈ ઋષભને શાળાના સભ્ય સાથે ઘરભેગો કરી એ પોતે રાજકોટમાં ભૂકંપની અસર જોવા અને મદદ કરવા નીકળી ગયા હતા.

પોતાના ભત્રીજાના લગ્નને સેકંડ પ્રાયોરિટી ગણીને ભૂકંપના બીજા દિવસે ભચાઉના ઇન્ચાર્જ તરીકે જવાબદારી સ્વીકારી હતી. મને અને મારા ભાઈને એકએક દિવસ સાથે લઈ જઈ ભૂકંપની વાસ્તવિકતા સમજાવી હતી અને રાહતફંડમાં લોકો સાથે બેસાડીને જમાડ્યા હતા.

નાનપણમાં અમે રવિવાર ક્યારેક રેસકોર્સની પાળીએ (ગયાં નહોતાં) કે થિયેટર માણ્યું નહોતું. મમ્મી-પપ્પા અમને ભાજપના કોઈ પણ બે કાર્યકરોનાં ઘરે લઈ જતાં. આ એમનો રિવાજ હતો. સ્વામીનારાયણ મંદિરના હુમલા વખતે મોદીજી પહેલાં મારા પિતાએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. મને સાથે લઈ ગયા હતા જેથી અમે વાસ્તવિકતા અને લોકસંવાદને અનુભવીએ. બહુ ઓછા લોકોને ખબર હશે કે તૌકતે અને કોરોના મહાસંકટ સમયે રાત્રે 2.30 વાગ્યા સુધી જાગીને સીએમ ડેશબૉર્ડ અને કૉલથી પપ્પાએ બધી વ્યવસ્થા કરી હતી. લોકો વચ્ચે અને લોકસેવા એ જ એમનો મંત્ર છે.

વર્ષો સુધી અમારા ઘરના સિમ્પલ પ્રોટોકોલ હતા.

  • કોઈનો પણ, રાત્રે 3 વાગ્યે (પણ) કૉલ આવે તો નમ્રતાથી જ વાત કરવી.
  • ઘરે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમયે આવે, પપ્પા હાજર હોય કે ના હોય, પાણી અને ચા-નાસ્તો કરાવવાનાં જ.
  • હંમેશાં સાદો પહેરવેશ અને સાદો સ્વભાવ રાખવો.
  • પહેલાં ભણવાનું અને પછી મોજમજા.

અમારાં ભણતરમાં પણ મમ્મી-પપ્પાનો ખૂબ ફાળો રહ્યો. પ્રોફેશનલ કે માસ્ટર ડિગ્રી અમારા ઘરમાં ફરજિયાત હતી. અમે ભણી અને પગભર થઈએ પછી જ અમને અન્ય વસ્તુઓ વિશે વિચારવાની પરવાનગી હતી. આજે અમે બંને ભાઈ-બહેન અમારાં ફિલ્ડમાં સેટલ થઈ ગયાં છીએ. અમે 'ડાઉન ટૂ અર્થ' છીએ. તેનો બધો શ્રેય અમારાં માતાપિતાને જાય છે.

આજે પણ મને યાદ છે કે રાજકોટમાં રોડ પર પપ્પા સાથે સ્કૂટર પર જતાં હોઈએ અને જો રોડ પર ક્યાંક કોઈ અકસ્માત કે ઝઘડો થયો હોય તો સ્કૂટર ઊભું રાખીને પપ્પા ભીડ વચ્ચે જતા, જરૂરી સૂચનો આપતા, ઍમ્બ્યુલન્સ મગાવતા. એમનો એ સ્વભાવ આજકાલનો નથી. એ એમનો જન્મજાત સ્વભાવ છે. હંમેશાં સ્પષ્ટ વિચાર અને લોકોને મદદ કરવાનો સ્વભાવ.

કાલે મેં એક ન્યૂઝ હેડલાઇન વાંચી - Vijaybhai's Soft spoken image worked against him.

મારે એક સવાલ પૂછવાનો છે કે શું રાજકારણીઓએ સંવેદનશીલતા, શાલીનતા ન રાખવાં જોઈએ? શું એ એવો ગુણ નથી જે આપણા નેતામાં હોવો જરૂરી છે? સમાજના બધાં સ્તરના લોકો આવીને સહજતાથી મળી શકે એવું વ્યક્તિત્વ એટલે Soft Spoken Image?

જ્યાં જ્યાં દાદાગીરી કે ગુનાની વાત છે, ત્યાં એમણે કડક પગલાં ભર્યાં છે. સીએમ ડેશબૉર્ડથી માંડીને લૅન્ડ ગ્રેબિંગ ઍક્ટ, લવ જેહાદ, GUJCOCA, દારૂબંધી એનાં સબૂત છે. પણ આખો દિવસ ગંભીર અને ભારે મુખમૂદ્રા સાથે ફરવું એ જ નેતાની નિશાની છે?

અમારા ઘરમાં ઘણી વખત ચર્ચા થઈ છે કે જ્યારે આટલો બધો ભ્રષ્ટાચાર, નકારાત્મકતા ભારતીય રાજકારણમાં પ્રચલિત છે, ત્યારે સાદું વ્યક્તિત્વ અને સાદો સ્વભાવ- તે સર્વાઈવ કરી શકશે? શું તે પૂરતું છે? પણ હંમેશાં પપ્પાએ એક જ વાત કરી છે કે રાજકારણ અને નેતાની ઇમેજ ભારતીય ફિલ્મો અને જૂની વિચારધારાથી ગુંડા અને સ્વછંદી લોકો જેવી બનાવી દેવામાં આવી છે.

આપણે એ જ દૃષ્ટિકોણ બદલવાનો છે. પપ્પાએ ક્યારેય જૂથબંધી કે કાવાદાવાને સમર્થન આપ્યું નથી. એ જ એમની ખાસિયત છે. જે કોઈ રાજકીય વિશેષજ્ઞ વિચારતા હોય કે વિજયભાઈનો કાર્યકાળ સમાપ્ત, (એમના માટે) અમારાં મતે ઉપદ્રવ કે પ્રતિકાર કરતાં RSS અને ભાજપના સિદ્ધાંતો પ્રમાણે સરળતાથી સત્તાના લોભ વગર પદ છોડવું એ બીજી કોઈ વસ્તુ કરતાં વધારે હિંમતવાન (પગલું )છે.

જય હિંદ, ભારતમાતાની જય

રાધિકા રૂપાણી

રાધિકા રૂપાણીની પોસ્ટ પર લોકોની પ્રતિક્રિયા

ઇમેજ સ્રોત, FB/Radhika Rupani

ઇમેજ કૅપ્શન,

પરિવાર સાથે વિજય રૂપાણી

રાધિકા રૂપાણીની પોસ્ટના અનેક લોકો વખાણ કરી રહ્યાં છે. લોકોએ કૉમેન્ટ કરીને કંઈક આ રીતે પ્રતિક્રિયાઓ આપી છે.

રણજીતસિંહ નામના એક ફેસબુક યૂઝરે લખ્યું છે, "અત્યાર સુધીમાં આટલા સરળ અને સંવેદનશીલ મુખ્ય મંત્રી તો શું કોઈ રાજકારણી જોયા નથી. વિજયભાઈ પ્રત્યેના તમારા લેખથી સન્માનમાં ખૂબ વધારો થયો છે."

ઇમેજ સ્રોત, Facebook

દાસ ગોવિંદ નામના એક યૂઝર લખે છે, "વિજયભાઈની વિનમ્રતા, સાદગી અને સહિષ્ણુતા, કપટ-ચતુરાઈ વગરનું જીવન એ સમાજ માટે પ્રેરણાદાયી છે."

ઇમેજ સ્રોત, facebook

કરશન ગોંડલિયા નામના એક યૂઝરે લખ્યું છે, "તેમનું કામ ખૂબ સારું છે. તમારા પર ગર્વ છે."

અત્યાર સુધી શું-શું થયું?

આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં નેતૃત્વપરિવર્તનની વાતો થઈ રહી હતી અને 11 સપ્ટેમ્બરે વિજય રૂપાણીએ રાજ્યના મુખ્ય મંત્રીના પદેથી રાજીનામું આપી દીધું હતું.

વિજય રૂપાણીએ શનિવારે રાજ્યના મુખ્ય મંત્રી તરીકે રાજીનામું આપી દીધું હતું. એ બાદ નવા મુખ્ય મંત્રી કોણ બનશે એને લઈને રાજકીય વિશ્લેષકો અટકળો બાંધી રહ્યા હતા.

જોકે, 12 સપ્ટેમ્બરે ભૂપેન્દ્ર પટેલનું નામ મુખ્ય મંત્રી તરીકે જાહેર કરાયું હતું અને 13 સપ્ટેમ્બરે તેમણે મુખ્ય મંત્રીના પદના શપથ લીધા હતા.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો