ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની આજે શપથવિધિ, ક્યા સમાજને મળશે કેટલું સ્થાન?

  • ટીમ બીબીસી ગુજરાતી
  • નવી દિલ્હી

સોમવારે ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 17મા મુખ્ય મંત્રીપદના શપથ લીધા. ગત શનિવારે વિજય રૂપાણીએ મંત્રીમંડળ સાથે રાજીનામું આપ્યું, ત્યારથી જ આગામી મંત્રીમંડળ અંગે કયાસ લગાડવાના શરૂ થઈ ગયા હતા.

ઇમેજ સ્રોત, Bhupendra Patel/fb

ઇમેજ કૅપ્શન,

ભૂપેન્દ્ર પટેલે 13 સપ્ટેમ્બરે ગુજરાતના નવા મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ ગુરુવારે દોઢ વાગ્યે યોજાશે.

ગુજરાતના મુખ્ય મંત્રીના કાર્યાલય દ્વારા અંગેની જાણકારી આપવામાં આવી છે.

આ પહેલાં મંત્રીમંડળ બુધવારે શપથ લેશે એવી વાત હતી.

ઔપચારિક રીતે કોને મંત્રીમંડળમાં સામેલ કરવા, કોને કયું ખાતું સોંપવું, ખાતાની ફેરબદલ તથા કોને મંત્રીપદેથી હઠાવવા એ મુખ્ય મંત્રીનું અધિકારક્ષેત્ર હોય છે.

છતાં પ્રથમ વખત મુખ્ય મંત્રી અને ધારાસભ્ય બનેલા ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ મુદ્દે બહુ સીમિત અધિકાર હશે એમ માનવામાં આવે છે.

સૌરાષ્ટ્રમાં જામનગર, દેવભૂમિ દ્વારિકા, રાજકોટ તથા જૂનાગઢ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની પરિસ્થિતિને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે, જેના કારણે મંત્રીમંડળ અંગે અંતિમ નિર્ણય લેવામાં સમય લાગી શકે છે.

જોકે, આગામી મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે તે અંગે કેન્દ્રીય સ્તરેથી જ નિર્ણય લેવામાં આવશે, જેમાં ગુજરાત ભાજપના ઇનપુટ્સ લેવામાં આવશે.

આગામી કૅબિનેટ ઉપર નજર કરતાં પહેલાં એક નજર વિજય રૂપાણીના મંત્રીમંડળ તથા તેનાં ઘટકો અને લાક્ષણિકતા પર પણ કરવી રહી.

નાયબ મુખ્ય મંત્રી કોણ?

ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રીપદ પરથી શનિવારે વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું, એ સાથે કૅબિનેટના તમામ સભ્યોએ પણ રાજીનામાં આપી દીધાં હતાં.

હવે નવી કૅબિનેટનું ગઠન થાય ત્યારે કેટલાંક પદો પર ખાસ નજર રહેશે.

સૌથી પહેલો પ્રશ્ન એ રહેશે કે નાયબ મુખ્ય મંત્રી કોને બનાવવામાં આવે છે.

નીતિન પટેલ અત્યાર સુધી ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી હતા, હવે તેમને ફરીથી પદ સોંપવામાં આવે છે કે કોઈ નવા ચહેરાને ભાજપ લઈ આવે છે, એ જોવાનું રહેશે.

રાજકીય વિશ્લેષકો ટીવી ચેનલોની ડિબેટમાં એવી શક્યતા વ્યક્ત કરતા હતા કે આ વખતે બે નાયબ મુખ્ય મંત્રીની પસંદગી કરાય, એવી શક્યતા છે.

જ્ઞાતિગત સમીકરણની દૃષ્ટિએ શક્યતા એવી પણ છે કે મુખ્ય મંત્રીનું પદ પાટીદારને આપ્યું છે, તો નાયબ મુખ્ય મંત્રીનું પદ કોઈ બિનપાટીદાર જ્ઞાતિમાંથી આવતી વ્યક્તિને આપવામાં આવી શકે છે.

પ્રદીપસિંહ જાડેજા

ઇમેજ સ્રોત, PRADIPSINH JADEJA@FB

ઇમેજ કૅપ્શન,

પ્રદીપસિંહ જાડેજા

વિજય રૂપાણીની સરકારમાં નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ બાદ ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાનું સ્થાન મહત્ત્વનું રહ્યું હતું, સાથે જ તેમની પાસે અન્ય મહત્ત્વનાં મંત્રાલયો પણ હતાં.

પ્રદીપસિંહ જાડેજા વટવા બેઠક પરથી ધારાસભ્ય છે.

ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી આ નવી સરકારમાં તેમની ભૂમિકા શું રહેશે, એની પર સૌની નજર રહેશે.

આર. સી. ફળદુ

ઇમેજ સ્રોત, Facebook/@RCFaldu

ઇમેજ કૅપ્શન,

આર. સી. ફળદુ

વિજય રૂપાણી સરકારના કૃષિમંત્રી અને ભાજપના પીઢ નેતાઓમાંથી એક એવા આર. સી. ફળદુ એટલે કે રણછોડભાઈ ચનાભાઈ ફળદુને શું જવાબદારી સોંપવામાં આવશે, એની પર સૌની નજર રહેશે.

જ્યારે મુખ્ય મંત્રીના નામની જાહેરાત થવાની બાકી હતી, ત્યારે સંભવિત દાવેદારોમાં વિશ્લેષકોએ આર. સી. ફળદુનું નામ પણ રાખ્યું હતું.

ફળદુ હાલમાં જામનગરની બેઠક પરથી ધારાસભ્ય છે.

વિજય રૂપાણી

ઇમેજ સ્રોત, FACEBOOK/VIJAY RUPANI

ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી રાજકોટ-પશ્ચિમની બેઠક પરથી ધારાસભ્ય છે. 2016માં આનંદીબહેને રાજીનામું આપ્યું, તે પછી તેમને ગુજરાતના શાસનની ધૂરા સોંપવામાં આવી હતી. તેમને અમિત શાહ કૅમ્પના માનવામાં આવે છે.

આનંદીબહેનની ભલામણ એવા નીતિન પટેલને અવગણીને રૂપાણીને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા. 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ ભાજપ સ્પષ્ટ હતું કે આગામી મુખ્ય મંત્રીની જવાબદારી વિજય રૂપાણીને જ સોંપવામાં આવશે.

જોકે, કોરોનાકાળ દરમિયાન સરકારની કામગીરી, બેરોજગારી તથા મોંઘવારી જેવા મુદ્દાને કારણે સત્તાવિરોધી મોજું ઊભું થયું હતું, જે સુનામી ન બને તે માટે ભાજપ દ્વારા નેતૃત્વમાં પરિવર્તન કરવામાં આવ્યું છે.

રૂપાણી જૈન સમુદાયના હતા, જેની રાજ્યમાં વસતિ માંડ બે ટકા જેટલી છે. આગામી મુખ્ય મંત્રી પાટીદાર સમુદાયનો હશે તે નિશ્ચિત જ હતું.

રૂપાણીના સ્થાને ઘાટલોડિયાની બેઠક પરથી ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. તેમને આનંદીબહેન પટેલ કૅમ્પના માનવામાં આવે છે. એટલે સુધી કે તેમની પરંપરાગત બેઠક પરથી જ ભૂપેન્દ્ર પટેલ ચૂંટાઈ આવ્યા છે.

ભૂપેન્દ્ર પટેલની પસંદગીને અમિત શાહ કૅમ્પ માટે આંચકારૂપ માનવામાં આવે છે, જોકે તેમની શપથવિધિમાં હાજર રહીને બંને જૂથ એક જ હોવાનો સંદેશ આપવાનો પ્રયાસ પણ થયો.

નીતિન પટેલ

2017ની વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ નીતિન પટેલે પોતાના પદ અંગે સરાજાહેર આક્રોશ વ્યક્ત કર્યો હતો, જેના કારણે તેમને નાયબ મુખ્ય મંત્રીનું પદ આપવામાં આવ્યું હતું.

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન શરૂ થયું, ત્યારથી પાટીદારોના આક્રોશને શાંત કરવા, તેના ઉપર રાજકીય પ્રહાર કરવા તથા ઉકેલ શોધવા માટે પણ નીતિન પટેલ જ આગળ રહ્યા હતા.

એટલે સુધી કે તાજેતરના નેતૃત્વપરિવર્તન સમયે પણ તેમણે જાહેરમાં રેસમાં ન હોવાની વાત કરી હતી, પરંતુ અંદરખાને તેમને આશા હતી એવું માનવામાં આવે છે.

નવા મુખ્ય મંત્રીની જાહેરાત બાદ નીતિન પટેલની બૉડી લૅંગ્વેજમાં તથા મહેસાણા પહોંચીને સમર્થકોને તેમણે જે સંબોધન કર્યું, તેમાં આ વાત ઉડીને આંખે વળગી હતી.

ગુજરાતના મુખ્ય મંત્રીનું પદ પાટીદારને આપવામાં આવ્યું છે, એટલે હવે નાયબ મુખ્ય મંત્રીનું પદ આપવામાં જ નહીં આવે અને જો અપાશે તો તે પાટીદાર તો નહીં જ હોય, તે નિશ્ચિત છે.

લાંબા સમય સુધી ગુજરાતમાં નાયબ મુખ્ય મંત્રીની નિમણૂક થતી જ ન હતી, પરંતુ પટેલને બનાવવામાં આવ્યા હતા.

આથી, આગામી મંત્રીમંડળમાં બે નાયબ મુખ્ય મંત્રી હશે, જેમાંથી એક ઓબીસી (અધર બૅકવર્ડર ક્લાસ) તથા એક એસટી (શિડ્યુલ્ડ ટ્રાઇબ)ના હશે, તેવી ચર્ચા કેટલા અંશે ખરી ઠરે છે તે પણ જોવું રહે.

2011ની વસતિગણતરી પ્રમાણે ગુજરાતમાં એસસી સમાજની વસતિ 13.4 ટકા છે. જ્યારે એસટી સમુદાયની વસતિ 19.2 ટકા છે.

કૅબિનેટમાં કોણ-કોણ?

આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત ભાજપ તથા કેન્દ્રીય ભાજપના મોવડીમંડળ સમક્ષ પાટીદાર અને ક્ષત્રિય વગેરે જ્ઞાતિગત સમીકરણોને ધ્યાને લેવાનાં રહેશે.

આ સિવાય ઓબીસી (તેમાં પણ કોળી તથા આહીર) અને શિડ્યુલ્ડ કાસ્ટ તથા શિડ્યુલ્ડ ટ્રાઇબ વગેરે જેવાં સમીકરણ ધ્યાને લેવાનાં રહેશે.

રૂપાણી સરકારની કૅબિનેટમાં નીતિન પટેલ (નાયબ મુખ્ય મંત્રી, આરોગ્ય, નાણા, નર્મદા અને કલ્પસર, માર્ગનિર્માણ), આરસી ફળદુ (કૃષિ, મત્સ્ય, પરિવહન, ગ્રામીણ વિકાસ), ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (શિક્ષણ, ન્યાય, સંસદીય બાબતો, નાગરિક ઉડ્ડયન, મીઠું), કૌશિક પટેલ (મહેસૂલ) સૌરભ પટેલ (ઊર્જા), ગણપતભાઈ વસાવા (આદિવાસી, જંગલ, ગ્રામ્ય, મહિલા અને બાળકલ્યાણ), જયેશ રાદડિયા (ખાદ્યાન્ન અને નાગરિક પુરવઠા), દિલીપ ઠાકોર (શ્રમ અને રોજગાર, યાત્રાધામવિકાસ) ઈશ્વરભાઈ પરમાર (સામાજિક ન્યાય અને સશક્તીકરણ), કુંવરજી બાવળિયા (પશુપાલન, ગ્રામીણ વિકાસ અને જળસંશાધન), જવહાર ચાવડા (મત્સ્ય અને પર્યટન) મંત્રી હતા.

આમ મુખ્ય મંત્રી સહિત જોવામાં આવે તો કુલ 12 કૅબિનેટ દરજ્જાના મંત્રી હતા. જેમાંથી પાંચ પાટીદાર હતા. (નીતિન પટેલ, કૌશિક પટેલ, આરસી ફળદુ, સૌરભ પટેલ, જયેશ રાદડિયા), જ્યારે કુલ સાત સવર્ણ (રૂપાણી અને ચુડાસમા સહિત) કૅબિનેટ મંત્રી હતા.

અનુસૂચિત જનજાતિ (વસાવા) તથા અનુસૂચિત જાતિ (ઇશ્વર પરમાર)ના એક-એક તથા અન્ય પછાત વર્ગના ત્રણ (બાવળિયા, ચાવડા તથા ઠાકોર) મંત્રી હતા. રાદડિયા, બાવળિયા તથા ચાવડા કૉંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે.

રાજ્યકક્ષાના મંત્રીઓના પૉર્ટર્ફોલિયો

ઇમેજ સ્રોત, INFORMATION DEPARTMENT/ CMO

ગુજરાતની કુલ 182 વિધાનસભા બેઠકમાંથી અનુસૂચિત જાતિ માટે 13 અનુસૂચિત જનજાતિ માટે 27 બેઠક અનામત રાખવામાં આવી છે, જ્યારે 142 બેઠક બિનઅનામત છે.

રૂપાણી સરકારમાં 11 ધારાસભ્યોને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા હતા. જેનું વિશ્લેષણ કરીએ તો :

પ્રદીપસિંહ જાડેજા (ગૃહમંત્રી, ઊર્જા, સંસદીય બાબતો, સરહદસુરક્ષા), પરષોત્તમ સોલંકી (માછીમારી), બચુભાઈ ખાબડ (ગ્રામીણ વિકાસ અને પશુપાલન), જયદ્રથસિંહ પરમાર (કૃષિ અને પંચાયત), ઇશ્વરસિંહ પટેલ (પરિવહન), વાસણભાઈ આહીર (પર્યટન તથા આર્થિક અને સામાજિક પછાત કલ્યાણ), વિભાવરીબહેન દવે (મહિલા બાળકલ્યાણ અને શિક્ષણ), રમણભાઈ પાટકર (જંગલ તથા ટ્રાયબલ વિકાસ), કિશોર (કુમાર) કાનાણી (આરોગ્ય), યોગેશ પટેલ (નર્મદા અને શહેરીવિકાસ), ધર્મેન્દ્રસિંહ જાડેજા (ખાદ્યાન્ન, નાગરિક પુરવઠા) બાબતોના મંત્રી હતા.

રૂપાણી સરકારમાં બે પાટીદાર (પટેલ અને કાનાણી), ત્રણ ક્ષત્રિય (પ્રદીપસિંહ જાડેજા, જયદ્રથસિંહ પરમાર તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા) અને એક બ્રાહ્મણ (દવે) એમ છ સવર્ણ ધારાસભ્ય રાજ્યકક્ષાના મંત્રી હતા. જ્યારે ઓબીસી સમાજના ચાર (સોલંકી, ખાબડ, આહીર, ઇશ્વરસિંહ) મંત્રી હતા. પાટકર એસટી સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા હતા.

આમ સમગ્ર મંત્રીમંડળ ઉપર નજર કરવામાં આવે તો સાત પાટીદાર, ચાર ક્ષત્રિય, એક જૈન તથા એક બ્રાહ્મણ એમ કુલ 13 સવર્ણ મંત્રી હતા. જ્યારે એસટી સમુદાયના બે, એસસી સમુદાયના એક તથા અન્ય પછાત વર્ગના સાત મંત્રી હતા.

મહિલા મંત્રી અને પ્રતિનિધિત્વ

આ સિવાય મહિલાઓને સ્થાન મળે તે પણ જોવાનું રહેશે. 2011ની વસતિ પ્રમાણે ગુજરાતમાં દર એક હજાર પુરુષોએ મહિલાઓની સંખ્યા 919ની છે.

આમ તો અત્યારસુધી તેમનું પ્રતિનિધિત્વ પ્રતીકાત્મક કે ટોકનરૂપ જ રહ્યું છે. રૂપાણી સરકારમાં વિભાવરીબહેન દવે મંત્રી હતાં. જેઓ ભાવનગર જિલ્લાનાં છે. બ્રાહ્મણ સમાજનાં દવે એકમાત્ર મંત્રી હતાં.

દવે મહિલા અને બાળકલ્યાણ, શિક્ષણ (પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક) તથા યાત્રાધામ વિકાસના રાજ્યકક્ષાનાં મંત્રી હતાં.

મહિલા અને બાળકલ્યાણ મંત્રાલયના કૅબિનેટ કે રાજ્યકક્ષાના મંત્રી તરીકે કોઈ મહિલાને જ નિમવામાં આવે છે.

હાલ ગુજરાત વિધાનસભામાં 182માંથી 14 મહિલા ધારાસભ્ય છે, જેમાંથી ભાજપનાં 11 તથા કૉંગ્રેસનાં ત્રણ ધારાસભ્યનો સમાવેશ થાય છે.

છેલ્લા દોઢ દાયકા દરમિયાન આનંદીબહેન પટેલ (ઘાટલોડિયા, અમદાવાદ) અને વસુબહેન ત્રિવેદી (જામનગર) જેવાં મહિલાઓને રાજ્યના મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો