ન્યૂઝીલૅન્ડની ટીમને ભારતમાંથી મોકલાઈ હતી 'આતંકી હુમલાની ધમકી', પાકિસ્તાનનો દાવો – Top News

પાકિસ્તાનના માહિતી અને પ્રસારણમંત્રી ફવાદ ચૌધરીએ આરોપ મૂક્યો છે કે ન્યૂઝીલૅન્ડની ક્રિકેટ ટીમને જે ડિવાઇઝથી ધમકી અપાઈ હતી, એનો સંબંધ ભારત સાથે હતો.

તેમણે બુધવારે ઇસ્લામાબાદ ખાતે એક પત્રકારપરિષદમાં આ વાત કરી હતી.

ઇમેજ સ્રોત, CHAUDHRY FAWAD HUSSAIN/FACEBOOK

ઇમેજ કૅપ્શન,

ફવાદ ચૌધરીએ જણાવ્યું કે 24 ઑગસ્ટે ન્યૂઝીલૅન્ડના ઓપનર માર્ટિન ગુપ્ટિલનાં પત્નીને ધમકી સાથેનો એક ઈમેલ મળ્યો હતો.

ફવાદ ચૌધરીએ કહ્યું, "આ સમગ્ર મામલો ત્યારે શરૂ થયો જ્યારે કોઈએ તહરિક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ના ઉગ્રવાદી એહસુલ્લાહ અહેસાન હોવાનો દાવો કરતી એક બનાવટી પોસ્ટ લખી."

તેમણે ઉમેર્યું કે ઑગસ્ટમાં અહેસાનના નામે કરાયેલી બનાવટી પોસ્ટમાં કહેવાયું હતું કે ન્યૂઝીલૅન્ડની સરકારે પોતાની ટીમને પાકિસ્તાન ન મોકલવી જોઈએ, કેમ કે ત્યાં તેને 'નિશાન બનાવાશે'

તેમણે કહ્યું કે આ બનાવટી પોસ્ટ બાદ ભારતીય સમાચાર વેબસાઇટ 'ધ સંડે ગાર્ડિયન'ના બ્યૂરો ચીફ અભિનંદન મિશ્રાએ એક બનાવટી ખબર છાપી અને દાવો કર્યો કે ન્યૂઝીલૅન્ડની ટીમ પર પાકિસ્તાનમાં આતંકી હુમલો થઈ શકે છે.

ફવાદ ચૌધરીએ કહ્યું, "રસપ્રદ વાત એ છે કે અભિનંદન મિશ્રાના અફઘાનિસ્તાનના પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહ સાથે ગાઢ સંબંધ છે."

માર્ટિન ગુપ્ટિલનાં પત્નીને મળી હતી ધમકી

ઇમેજ સ્રોત, MARTIN GUPTIL/FACEBOOK

ઇમેજ કૅપ્શન,

માર્ટિન ગુપ્ટિલનાં પત્ની

ચૌધરીએ જણાવ્યું કે 24 ઑગસ્ટે ન્યૂઝીલૅન્ડના ઓપનર માર્ટિન ગુપ્ટિલનાં પત્નીને ધમકી સાથેનો એક ઈમેલ મળ્યો હતો.

ફવાદ ચૌધીરના મતે, "જ્યારે અમે એની તપાસ કરી તો જાણવા મળ્યું કે આ ઈમેલ કોઈ સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે નથી જોડાયેલો અને જે આઈડી પરથી તેને મોકલવામાં આવ્યો છે, તેના પરથી આ એક જ મેલ કરાયો હતો."

ચૌધરીનું કહેવું છે કે ઈમેલ 'પ્રોટોનમેલ' નામની એક સુરક્ષિત સર્વિસ પરથી મોકલવામાં આવ્યો હતો.

તેમણે એવું પણ કહ્યું, "આ ઈમેલ અંગે વધારે જાણકારી ઉપલબ્ધ નથી અને અમે ઇન્ટરપોલની પણ મદદ માગી છે."

જોકે, આ પહેલાં પાકિસ્તાનનાં અખબારોએ ન્યૂઝીલૅન્ડના મીડિયાને ટાંકીને સમાચાર છાપ્યા હતા કે પાંચ દેશની ગુપ્તચર સંસ્થાઓના ઇનપુટ બાદ ન્યૂઝીલૅન્ડની સરકારે ક્રિકેટ પ્રવાસ રદ કરવાનો નિર્ણય લીધો હતો.

અમિત શાહના મંત્રાલયે કહ્યું, 'હિંદુ ધર્મ ખતરામાં છે એનો કોઈ પુરાવો નથી'

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

અમિત શાહના ગૃહ મંત્રાલય પાસે દેશમાં હિંદુ ધર્મ સામે કથિત ખતરા અંગે પુરાવાઓની માગણી આરટીઆઈ ઍક્ટ હેઠળ કરવામાં આવી હતી

ભારતીય જનતા પાર્ટીના નેતૃત્ત્વવાળી કેન્દ્ર સરકારે હિંદુ ધર્મને કોઈ ખતરો હોવા અંગેની કોઈ માહિતી ન હોવાનું કહ્યું છે.

અમિત શાહના ગૃહ મંત્રાલયે કહ્યું છે કે 'હિંદુ ધર્મ પર કોઈ કથિત ખતરો છે એવા કોઈ પુરાવા નથી.'

ગૃહ મંત્રાલયના અધિકારીએ નાગપુરના એક આરટીઆઈ કાર્યકર્તા મોહનિશ જબલપુરેને માહિતી અધિકાર કાયદા હેઠળ થયેલી અરજીના જવાબમાં આપી છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર 13 ઑગસ્ટના રોજની મોહનીશ જબલપૂરે નામની વ્યક્તિએ હિંદુ ધર્મ પર કથિત ખતરાના પુરાવાઓની માગણી કરતી અરજી ગૃહ મંત્રાલયને કરી હતી.

એક મહિના પછી ગૃહ મંત્રાલયના આંતરિક સુરક્ષાના મુખ્ય માહિતી અધિકારી (CPIO) વી. એસ રાણાએ જવાબ આપ્યો કે તેમને આવી કોઈ બાબતની માહિતી નથી અને તેમની પાસે એવા કોઈ પુરાવા પણ નથી.

આરટીઆઈ અરજીના જવાબમાં કહેવામાં આવ્યું કે, આરટીઆઈ ઍક્ટ અનુસાર જાહેર માહિતી અધિકારી માત્ર એ જ માહિતી પૂરી પાડી શકે જે તેની પાસે હોય કે તેના ક્ષેત્રમાં આવતી હોય, કથિત હિંદુ ધર્મ ખતરામાં હોવાનો કોઈ પુરાવા ન તો તેમની જાણમાં છે કે ન તેમણે પ્રોસેસ કર્યા છે. આ અંગે કોઈ માહિતી ન હોવાથી અરજી રદ ગણવામાં આવે છે.

આઈપીએલમાં કોરાનાની એન્ટ્રી, સનરાઇઝર્સના નટરાજન સંક્રમિત

ઇમેજ સ્રોત, Getty Images

19 તારીખે યુએઈમાં આઈપીએલ શરૂ થઈ, પરંતુ માત્ર 3 દિવસ બાદ તેમાં કોરોનાનો મામલો સામે આવ્યો છે.

'સનરાઇઝર્સ હૈદરાબાદ'ના ફાસ્ટ બૉલર ટી. નજરાજન આઈપીએલ શરૂ થયા બાદ પહેલા ખેલાડી છે જેઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

વળી આજે સનરાઇઝર્સે દિલ્હી કૅપિટલ સામે મૅચ રમવાની છે.

ટી. નટરાજન સંક્રમિત થતા કેટલાક ખેલાડીઓ અને સ્ટાફને ક્વૉરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

જેમાં વિજય શંકર, ટીમ મૅનેજર વિજય કુમાર, ફિઝીયો શ્યામ સુંદર, ડૉક્ટર વન્નન, મૅનેજર તુષાર ખેડકર, નેટ બૉલર પી. એ ગણેશન પણ સામેલ છે.

બીજી તરફ કહેવાય છે કે આનાથી મૅચ પર કોઈ અસર નહીં પડે અને તમામના આરટીપીસીઆર ટેસ્ટ કરાયા છે તથા મૅચ તેના નિર્ધારિત સમયે રમાશે.

પણ આઈપીએલમાં ફરીથી કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે.

ડેબિટ-ક્રેડિટ કાર્ડમાં ઑટો પેમેન્ટના નિયમ બદલાશે, તમને શું અસર થશે?

પહેલી ઑક્ટોબરથી ઑટો ડેબિટ સિસ્ટમમાં મોટાપાયા પર ફેરફાર થવાનો છે અને નવી ઑટો ડેબિટ સિસ્ટમ લાગુ થવા જઈ રહી છે.

આ નિયમ હેઠળ બૅન્ક, ડેબિડ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, યુપીઆઈ, પેટીએમ, ફોનપે જેવા ડિજિટલ પેમેન્ટ પ્લૅટફૉર્મે ગ્રાહક/ખાતાધારકના ખાતામાંથી ઑટોમેટિક હપ્તો કે બિલ કાપી લેતા પહેલાં દર વખતે ખાતાધારકની મંજૂરી લેવી પડશે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

હાલ બૅન્ક લૉન કે કોઈ સ્કીમનો હપ્તો ઓટો ડેબિટ મોડથી કાપે છે અને દર વખતે ગ્રાહકની મંજૂરી નથી લેતી પણ હવે તેણે એસએમએસથી મંજૂરી લેવી પડશે.

‘ઇકૉનૉમિક ટાઇમ્સ’ના અહેવાલ મુજબ હવે બૅન્કે આ માટે પોતાની સિસ્ટમમાં એ રીતે ફેરફાર કરવાનો છે કે એક વખત મંજૂરી મળ્યા પછી તેઓ વારંવાર તમારા નાણાં ન કાપતા ન રહે.

રિઝર્વ બૅન્ક અગાઉ જ કહી ચૂકી છે કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, યુપીઆઈ કે પ્રીપેઇડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (પીપીઆઈ)નો ઉપયોગ કરનારાને ‘રિકરિંગ ટ્રાન્ઝેક્શન્સ’ માટે વધારાનું ઑથેન્ટિકેશન જરુરી ગણાશે.

ટો ડેબિટ શું છે?

ઑટો ડેબિટ એટલે કે તમે મોબાઇલ ઍપ કે ઇન્ટરનેટ બૅન્કિંગ દ્વારા વીજળી, ગેસ, એલઆઇસી સહિતના કોઈ ખર્ચા/પ્રીમિયમને ઓટો ડેબિટ મોડમાં રાખ્યો હોય, તો એક નિશ્ચિત તારીખે આ રકમ આપમેળે તમારા ખાતામાંથી કપાઈ જતી હોય છે.

હવે ઑટો ડેબિટનો નવો નિયમ લાગુ પડશે, તો તમારી બિલ ચૂકવણીની પદ્ધતિ પર અસર પડશે. આ સગવડનો લાભ લેવા માટે તમારો ઍક્ટિવ મોબાઇલ નંબર બૅન્કમાં અપડેટ થવો જરુરી છે. આમ કરવું જરુરી એટલા માટે છે કેમ કે મોબાઇલ નંબર પર જ ઑટો ડેબિટ સાથે જોડાયેલ નોટિફિકેશન એસએમએસ દ્વારા મોકલવામાં આવશે.

નવો નિયમ લાગુ થયા પછી બૅન્કોએ ચૂકવણીની અંતિમ તારીખના પાંચ દિવસ પહેલાં નોટિફિકેશન મોકલવું પડશે. પેમેન્ટના 24 કલાક પહેલાં ‘રિમાઇન્ડર’ મોકલવું પડશે. રિમાઇન્ડરમાં પેમેન્ટની રકમ અને તારીખની જાણકારી હશે.

તેમા ઓપ્ટ આઉટ કે પાર્ટ-પેનો વિકલ્પ પણ હશે. અહેવાલ અનુસાર જો ગ્રાહક/ખાતાધારક મંજૂરી નહીં આપે તો ઓટો ડેબિટ પેમેન્ટ ‘ફેઇલ’ થઈ જશે.

આ ઉપરાંત પાંચ હજારથી વધારે રકમની ચૂકવણી પર ઓટીપી અનિવાર્ય કરી દેવાયો છે.

રિઝર્વ બૅન્કે બૅન્કો સાથે થતી છેતરપિંડી રોકવા અને ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ માર્ગદર્શિકા જારી કરી છે. હાલની વ્યવસ્થા મુજબ બૅન્ક ગ્રાહક પાસેથી એક વખત મંજૂરી લઈને દર મહિને કોઈ જાણકારી આપ્યા વગર ગ્રાહકના ખાતામાંથી રકમ કાપી લે છે.

અમેરિકામાં ગેરકાયદે વસતા ભારતીયોને ગ્રીન કાર્ડ મળવાની યોજના પર બ્રેક?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

જો બાઇડન સરકાર અમેરિકામાં ગેરકાયદે વસતા તમામ વિદેશીઓને કાયદેસર કરીને તેઓની પાસેથી ટૅક્સ ઉઘરાવવાની એક યોજના બનાવી હતી

પીએમ મોદી હાલ અમેરિકાની ત્રણ દિવસીય મુલાકાતે ગયા છે. ત્યાં તેઓ જો બાઇડન સાથે બેઠક કરશે. દરમિયાન એવા સમયે જ બાઇડનની એક યોજના પર બ્રેક લાગી હોવાના સમાચાર આવ્યા છે.

અમેરિકામાં ગેરકાયદે રહેતા ઇમિગ્રન્ટ્સ જેમાં ભારતીયો પણ સામેલ છે તેમને સ્થાયી વસવાટ આપવા મામલેની યોજના પર બ્રેક લાગી ગઈ છે.

‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ના રિપોર્ટ મુજબ લાખોની સંખ્યામાં અન્ય દેશોના નાગરિકોને કાયદેસરના નાગરિકો બનાવી તેઓને ગ્રીનકાર્ડ આપવા માટે અમેરિકાની જો બાઇડન સરકારે ઇમિગ્રેશન રિફોર્મ્સ નામનો એક ખરડો અમેરિકાની સંસદમાં દાખલ કર્યો હતો.

પરંતુ આ ખરડો સંસદની સેનેટમાં (ઉપલું ગૃહ)માં પસાર થઈ શક્યો નહોતો, તેથી ગેરકાયદે રહેતાં લોકોને ગ્રીનકાર્ડ આપવાની બાઇડન સરકારની યોજના ઉપર હાલ એક બ્રેક વાગી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે જો બાઇડન સરકાર અમેરિકામાં ગેરકાયદે વસતા તમામ વિદેશીઓને કાયદેસર કરીને તેઓની પાસેથી ટૅક્સ ઉઘરાવવાની એક યોજના બનાવી હતી અને તે અનુસાર અમેરિકાના હાલના ઇમિગ્રેશનના કાયદાઓમાં સુધારા સાથેનો ખરડો સંસદમાં દાખલ કર્યો હતો પરંતુ સેનેટમાં તે પસાર થઈ શક્યો નહીં.

સેનેટર એલિઝાબેથ મૅકડોનોએ સરકારની આ હિલચાલને ફગાવી દીધી હતી,

સત્તાધારી ડૅમોક્રેટ પક્ષના સાંસદ અને ગૃહની બંધારણ અને નાગરિક અધિકારોની પેટા સમિતિના વાઇસ ચૅરમૅન ડેબ્રા રોસે કહ્યું હતું કે સેનેટના નિર્ણયથી તેમને ઘણી નિરાશા થઈ છે.

કૃષિ કાયદાના વિરોધમાં 27મીએ ખેડૂતોનું ફરી ભારત બંધનું એલાન

ઇમેજ કૅપ્શન,

ખેડૂતો છેલ્લા એક વર્ષથી આંદોલન કરી રહ્યા છે. પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ નથી આવ્યો.

ખેડૂતો દ્વારા દેશભરમાં ફરી એકવાર ભારત બંધની જાહેરાત કરવામાં આવી છે.

27મી સપ્ટેમ્બરના રોજ દેશભરના ખેડૂતોએ ભારત બંધનું એલાન કર્યું છે. ખેડૂતોનું આ ભારત બંધ નવા કૃષિ કાયદાઓના વિરોધમાં છે.

ત્રણેય નવા કૃષિ કાયદાઓને પસાર કર્યાને એક વર્ષથી વધુનો સમય વીતી ગયો છે. ખેડૂતો આ કાયદાઓની વિરૂદ્ધમાં દિલ્હીની સરહદે છેલ્લા એક વર્ષથી વિરોધપ્રદર્શન કરી રહ્યા છે.

‘દૈનિક જાગરણ’ના અહેવાલ મુજબ દરમિયાન સંયુક્ત કિસાન મોર્ચાએ 27મી સપ્ટેમ્બરના રોજ દેશભરમાં ભારત બંધની જાહેરાત કરી છે. સંયુક્ત કિસાન મોર્ચા ઉપરાંત અનેક અન્ય ખેડૂત સંગઠનો પણ આ વિરોધપ્રદર્શનમાં સામેલ થશે. કિસાન સંગઠને કહ્યું હતું કે ભારત બંધ શાંતિપૂર્ણ રહેશે.

27મી સપ્ટેમ્બરના સવારે છ વાગ્યાથી ભારત બંધ શરૂ કરવામાં આવશે અને સાંજે ચાર વાગ્યા સુધી જારી રહેશે.

આ દરમિયાન અનેક પ્રકારની અવરજવર પર પ્રતિબંધ રહેશે. કેંદ્ર અને રાજ્ય સરકારના કાર્યાલયો, બજારો, દુકાનો, કારખાના, સ્કૂલો, કૉલેજો અને અન્ય શૈક્ષણિક સંસૃથાઓને ખોલવાની અનુમતી આપવામાં નહીં આવે.

ભારત બંધ દરમિયાન એંબ્યુલંસ અને ફાયર સહિતની ઇમર્જન્સી સેવાઓને અનુમતી આપવામાં આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો