ગુજરાતમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી ડ્રગ્ઝ કઈ રીતે આવે છે?

 • જયદીપ વસંત
 • બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાં છેલ્લાં અમુક વર્ષોથી અલગઅલગ માર્ગો થકી, ખાસ તો દરિયાઈ માર્ગેથી ઘણી વખત ડ્રગ્ઝ પકડાયું છે.

પોલીસ કહે છે કે છેલ્લાં ઘણાં વર્ષોથી પોલીસનો બંદોબસ્ત વધવાથી અને બાતમીદારોનું નેટવર્ક સારી રીતે ગોઠવવાથી લગભગ બધાં જ કન્સાઇન્મેન્ટ પોલીસે પકડી પાડ્યાં છે.

26 જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ્ઝ પ્રતિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે જાણીએ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી ડ્રગ્ઝ કઈ રીતે ગુજરાત સુધી પહોંચે છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

થોડા સમય પહેલાં મુંદ્રા અને દેવભૂમિ દ્વારકા બાદ મોરબીમાંથી ડ્રગ્ઝનો મોટો જથ્થો પકડાયો હતો. અગાઉ ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડિનાર પાસેથી ડ્રગ્સ પકડાયું હતું, જે કરોડો રૂપિયાનો જથ્થો હોવાનું જાણવા મળ્યું હતું.

એ પહેલાં કચ્છના મુંદ્રા પૉર્ટ પરથી ડિપાર્ટમેન્ટ ઑફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ)એ બે અલગ-અલગ કન્ટેઇનરમાંથી ત્રણ હજાર કિલોગ્રામ હેરોઇન જપ્ત કર્યું હતું, જેની બજારકિંમત 15 હજાર કરોડ રૂપિયા હોવાના અહેવાલો હતા.

અદાણીએ આ મામલે કહ્યું હતું કે, 16 સપ્ટેમ્બરે ડીઆરઆઈ અને કસ્ટમ અધિકારીઓએ હેરોઇનનો મોટો જથ્થો ઝડપી પાડ્યો એનો અમે આભાર માનીએ છીએ. પોર્ટ ઑપરેટરની ભૂમિકા માત્ર બંદરનુ સંચાલન કરવાની હોય છે.

આ કન્ટેઇનરમાં અફઘાનિસ્તાનના ટૅલ્ક પથ્થર હોવાની જાહેરાત કરવામાં આવી હતી, જે ઈરાનના બંદર અબ્બાસ પૉર્ટથી ગુજરાતના મુંદ્રા પૉર્ટ ખાતે મોકલાયું હતું. ડીઆરઆઈને તેમાં ડ્રગ્સ હોવાની ચોક્કસ બાતમી મળી હતી.

તે પહેલાં અન્ય એક કાર્યવાહીમાં ભારતીય કૉસ્ટગાર્ડ તથા ગુજરાત એટીએસ દ્વારા દરિયાઈસીમામાં સંયુક્ત ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં રૂપિયા અઢીસો કરોડની બજારકિંમત ધરાવતું 50 કિલોગ્રામ જેટલું હેરોઇન ઝડપાયું હતું.

અગાઉ સોનું-ચાંદી, ઘડિયાળો કે ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓની દાણચોરી માટે પંકાયેલો ગુજરાતનો દરિયાકિનારો વર્ષ 1993ના બૉમ્બે-બ્લાસ્ટ સમયે ચર્ચામાં આવ્યો હતો. એ વખતે પોરબંદર ખાતે આરડીએક્સ અને હથિયાર ઉતારવામાં આવ્યાં હતાં.

છેલ્લાં કેટલાંક વર્ષોથી અલગ-અલગ મૉડસ ઑપરેન્ડી મારફત દરિયાઈ માર્ગે ગુજરાતમાં ડ્રગ્સને ઘુસાડવામાં આવે છે, જે જમીનમાર્ગે ઉત્તર ભારત સહિત સમગ્ર દેશમાં પહોંચાડવામાં આવે છે; એટલું જ નહીં, તે પશ્ચિમી દેશો સુધી પણ પહોંચાડવામાં આવે છે.

પાઉડરમાં 'પાઉડર'

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

ડીઆરઆઈને બાતમી મળી હતી કે ઈરાનના બંદર અબ્બાસ પૉર્ટ ખાતેથી આવી રહેલા કન્સાઇનમૅન્ટ આવી રહ્યું છે, જેમાં નશાકારક પદાર્થ છે. જેના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

'પાઉડર'ના નામથી ચર્ચિત નશાકારક પદાર્થ હેરોઇનને ભારતમાં લાવવા માટે ટૅલ્કમ પાઉડર સ્ટૉનનો ઉપયોગ કરવામાં આવતો હતો.

તપાસથી બચવા માટે તેને ટૅલ્કમ પાઉડરની વચ્ચે ગૂણોમાં છૂપાવવામાં આવ્યો હતો. આ અંગે ડીઆરઆઈ અને કસ્ટમ જેવી એજન્સીઓના સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું:

"ગુપ્ત બાતમીના આધારે ડીઆરઆઈની ટીમે મુંદ્રા પૉર્ટ ખાતે જઈને કન્સાઇન્મૅન્ટની જાતતપાસ હાથ ધરી હતી. બિલ ઑફ ઍન્ટ્રીમાં તે ટૅલ્કમ પાઉડરના સેમિ-સ્ટૉન હોવાનું જણાવવામાં આવ્યું હતું."

"કન્સાઇન્મૅન્ટની અંદર 20 કિલોગ્રામની ગૂણોમાં ત્રણ સ્તરમાં તેને છૂપાવવામાં આવ્યો હતો. સૌથી ઉપરના સ્તરમાં ટૅલ્કમના સેમિ-સ્ટોન હતા. તે પછી થોડો પાઉડર છૂપાવવામાં આવ્યો હતો અને સૌથી નીચે હેરોઇન છૂપાવવામાં આવ્યું હતું, જેમાં બે હજાર 999 કિલોગ્રામ હેરોઇન ઝડપાયું છે."

"કન્સાઇન્મૅન્ટ મંગાવનાર મચ્છાવરમ્ સુધાકર તથા ગોવિંદરાજુ દુર્ગા પૂર્ણ વૈશાલીની ડીઆરઆઈ દ્વારા 17મી સપ્ટેમ્બરે ચેન્નાઈથી ધરપકડ કરવામાં આવી હતી અને બન્ને પતિ-પત્ની છે. ચેન્નાઈની મેટ્રોપોલિટીન કોર્ટમાં બંનેને રજૂ કરવામાં આવ્યાં હતાં અને ટ્રાન્ઝિટ રિમાન્ડ ઉપર તેમને ગુજરાત લાવવામાં આવ્યાં હતાં."

"કચ્છની વિશેષ એનડીપીએસ કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવ્યાં હતાં અને તેમના 14 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. તેમના 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે."

ગોસ્વામીએ ઉમેર્યું હતું કે ડીઆરઆઈની તપાસ ચાલુ છે અને 30મી સુધી તેઓ એજન્સીની કસ્ટડીમાં રહેશે. ડીઆરઆઈ દ્વારા અમદાવાદ, ચેન્નાઈ, દિલ્હી, ગાંધીધામ સહિત અલગ-અલગ શહેરોમાં દરોડા પાડીને તપાસ હાથ ધરવામાં આવી હતી.

ટૅલ્કમ પાઉડરની વચ્ચે હેરોઇનને છૂપાવીને લાવવાની મૉડસમ ઑપરેન્ડી નવી નથી.

આ પહેલાં જુલાઈ મહિનામાં મુંબઈના નાહ્વા શેવા (Nhava Sheva) બંદર ખાતે 300 કિલોગ્રામ જેટલું ડ્રગ્સ ડીઆરઆઈ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું.

વીડિયો કૅપ્શન,

ડાંગ: અહીં લોકો જીવના જોખમે એક લાકડાંના સહારે નદી ઓળંગવા કેમ મજબૂર છે?

એ ખેપને પણ ભારતમાં લાવવા માટે ટૅલ્કમ પાઉડર સ્ટૉનની આડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને એ ખેપ પણ ઈરાનના બંદર અબ્બાસ પૉર્ટ ખાતેથી આવી હોવાનું બહાર આવ્યું છે.

ટૅલ્કમ પાઉડર ઉપરાંત જેઠીમધના નામે પણ દેશમાં ડ્રગ્સ ઘૂસાડવાનો પ્રયાસ થતો રહે છે.

થોડા સમય પહેલાં ઝડપાયેલી એક ખેપમાં પ્લાસ્ટિકના પાઇપને જેઠીમધ (મૂલેઠી)નાં લાકડાંના આકારમાં રંગવામાં આવ્યા હતા અને તેના પોલાણમાં હેરોઇન છૂપાવવામાં આવ્યું હતું. સોમવારે સાત ઈરાનીઓ સાથેની બોટને ઝડપી લેવામાં આવી હતી.

એટીએસ તથા કૉસ્ટગાર્ડ દ્વારા મધદરિયે આ ઑપરેશનને પાર પાડવામાં આવ્યું હતું અને ક્રૂના સભ્યોને પોરબંદર લાવ્યા હતા, જ્યાં તેમની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી હતી.

ઑપરેશન સાથે સંકળાયેલા એટીએસના એસીપી ભાવેશ રોજિયાએ જણાવ્યું, "બોટમાંથી 30 કિલોગ્રામ હેરોઇન ઝડપાયું છે, જેની બજારકિંમત 150 કરોડ રૂપિયાની આસપાસ થવા જાય છે."

ગુજરાત ટ્રાન્ઝિટ રૂટ

ઇમેજ સ્રોત, Getty Images

અગાઉ ગુજરાતના સલાયા, ઓખા, અને માંડવી જેવા સૌરાષ્ટ્રનાં બંદરો ઉપર સોનું, ઘડિયાળો કે ઇલેક્ટ્રૉનિક સામાન દાણચોરીથી લાવવામાં આવતો હતો. જેને 'ઢો' તરીકે ઓળખાતા નાના દેશી જહાજમાં લાવવામાં આવતો હતો.

વર્ષ 1993માં પોરબંદરના ગોસાબારા બંદર ખાતે આરડીએક્સ તથા હથિયારોની ખેપ ઊતરી હતી, જેનો ઉપયોગ તત્કાલીન બૉમ્બેમાં વિસ્ફોટો કરવા માટે થયો હતો. છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતનો ઉપયોગ ટ્રાન્ઝિટ રૂટ તરીકે કરવામાં આવે છે.

અગાઉ કચ્છ, પંજાબ અને રાજસ્થાનની સરહદો ઉપર સુરંગ કે પાઇપવાટે નશાકારક પદાર્થો દેશમાં ઘૂસાડવામાં આવતા હતા.

તાજેતરનાં વર્ષોમાં ગુજરાતના દરિયાકિનારાના માર્ગે ભારતમાં મોટાપાયે નશાકારક પદાર્થો ઘૂસાડવાના પ્રયાસ સામે આવ્યા છે.

2018માં દરિયાઈ માર્ગે 500 કિલોગ્રામ હેરોઇન ભારતમાં ઠાલવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. જેના તાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા સાથે પણ જોડાયેલા હતા.

આ ડ્રગ્સની ખેપને કારમાર્ગે કચ્છમાંથી ઊંઝા મોકલવામાં આવી હતી, જ્યાંથી જીરું ભરેલી ટ્રકમાં લાકડાંની આડમાં છૂપાવીને ડ્રગ્સને પંજાબ મોકલવામાં આવ્યું હતું.

મૂળ કચ્છના નાના જહાજે મધદરિયે કથિત રીતે પાકિસ્તાની જહાજ પાસેથી ડ્રગ્સની ડિલિવરી લીધી હતી અને તેને ભારતમાં ઘૂસાડ્યું હતું.

એપ્રિલ-2021માં પણ વધુ એક ખેપ પકડાઈ હતી અને તેને પણ પંજાબ મોકલવાની હતી. અંતે આ કેસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ને સોંપી દેવામાં આવ્યો હતો.

ગુજરાત 1600 કિલોમીટર જેટલો દરિયાકિનારો ધરાવે છે, જે દેશમાં સૌથી લાંબો છે. લગભગ 30 હજાર કરતાં વધુ બોટ તથા નાનાં જહાજો ગુજરાતમાં નોંધાયેલાં છે. આથી, ખુલ્લા દરિયામાં આંતરરાષ્ટ્રીય જળસીમામાં તેમની પ્રવૃત્તિઓ ઉપર નજર રાખવી મુશ્કેલ બની રહે છે.

એસીપી રોજિયાના જણાવ્યા પ્રમાણે, "અફઘાનિસ્તાનમાં મોટા પાયે અફીણનું ઉત્પાદન થાય છે, જેમાંથી હેરોઇન બનાવીને તેને ભારતમાં ઘૂસાડવા માટે પ્રયાસ થતા રહે છે."

"ગુજરાત અને પંજાબની સરહદ સીલ થઈ ગઈ છે. વધુમાં એલઓસી માર્ગે વેપાર પણ બંધ થઈ ગયો છે. એટલે ડ્રગ્સને ઘૂસાડવા માટે અન્ય માર્ગો પર નજર દોડાવવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય જળસીમામાં ભારત અને પાકિસ્તાનની બોટો સાથે જ માછીમારી કરતી હોય છે, એટલે તેમની ઉપર નજર રાખવી મુશ્કેલ બની રહે છે."

"ડ્રગ્સને ભારતમાં લાવવામાં સફળ મળે તો તેને અલગ-અલગ સ્થળોએ મોકલી દેવામાં આવે છે અને પછી તેને એક-બે કિલોગ્રામના નાના-નાના જથ્થામાં ખાડી કે પશ્ચિમી દેશોમાં મોકલવામાં આવે છે, એવું અગાઉની તપાસમાં બહાર આવ્યું છે."

સુરક્ષા એજન્સીઓ, નૅવી, કૉસ્ટગાર્ડ વગેરે મળીને માછીમારી સમુદાયમાં બાતમીદારોના નેટવર્ક, દરિયામાં સામાન્ય રીતે વપરાશમાં લેવામાં આવતી રેડિયો ફ્રિક્વન્સી પર નજર રાખે છે અને કેન્દ્રીય ગુપ્તચર સંસ્થાઓની બાતમીના આધારે, ભારત તરફ આવતો જથ્થો આંતરવાના પ્રયાસો કરે છે.

અફઘાનિસ્તાન, તાલિબાન અને ડ્રગ્સ

ગુજરાતમાં તાજેતરના સમયમાં જે કોઈ ડ્રગ્સની રિકવરી થઈ છે, તેનાં મૂળ પાકિસ્તાન, અફઘાનિસ્તાન કે ઈરાન સાથે હોવાનો દાવો સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવ્યો છે.

ડીઆરઆઈનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તપાસમાં અફઘાન નાગરિકોનાં નામ પણ બહાર આવી રહ્યાં છે અને તેમના વિશે પણ તપાસ હાથ ધવામાં આવી હતી.

સુરક્ષા એજન્સી સાથે સંકળાયેલા લોકો અફઘાનિસ્તાનમાં સત્તાપરિવર્તનને કારણે ડ્રગ્સની હેરફેરમાં વધારો થયો છે કે કેમ તેને નજીકથી જોઈ રહ્યા છે.

તાલિબાન માટે અફીણના ખેડૂતો પાસેથી ખંડણી તથા હેરફેર કરનારાઓ પાસેથી રકમની વસુલાત આવકનો મુખ્ય સ્રોત છે.

યુનાઇટેડ નેશન્સ ઑફિસ ઓન ડ્રગ્સ ઍન્ડ ક્રાઇમના રિપૉર્ટ પ્રમાણે, વિશ્વમાં અફીણના કુલ ઉત્પાદનમાંથી 80 ટકા ઉત્પાદન અફઘાનિસ્તાનમાં થાય છે. જેમાં શુદ્ધિકરણ દ્વારા હેરોઇન સહિતના આદત પડી જાય તેવા નશાકારક પદાર્થ બનાવી શકાય છે.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા, જો કોઈ વ્યક્તિ પાસેથી પાંચ ગ્રામ સુધીનું હેરોઇન પકડાય તો તેને 'ઓછો જથ્થો' માનવામાં આવે છે.

જ્યારે અઢીસો ગ્રામ કે તેથી વધુના જથ્થાને મોટો જથ્થો માની તેમાં વેપારનું તત્ત્વ હોવાનું માનવામાં આવે છે.

ગુજરાત અને ડ્રગ્સ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

મુંદ્રા પૉર્ટનું સંચાલન અદાણી પૉર્ટ ઍન્ડ સેઝ અંતર્ગત કરવામાં આવે છે

એપ્રિલ મહિનામાં ગુજરાત એટીએસ (ઍન્ટિ ટૅરરિસ્ટ સ્ક્વૉડ) તથા ઇન્ડિયન કૉસ્ટગાર્ડે મળીને કચ્છના જખૌ બંદર પાસેથી આઠ પાકિસ્તાની સહિતની બોટને ઝડપી લીધી હતી. જેમાંથી 30 કિલોગ્રામ હેરોઇન મળી આવ્યું હતું.

માર્ચ-2019માં 100 કિલોગ્રામ હેરોઇન સાથે નવ ઈરાનીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. એટીસએસ તથા કૉસ્ટગાર્ડે મળીને એ ઑપરેશનને પાર પાડ્યું હતું.

મે-2019માં ડીઆરઆઈને બાતમી મળી હતી કે પાકિસ્તાની બોટ ડ્રગ્સ સાથે નીકળી છે. ત્યારે કૉસ્ટગાર્ડ સાથે મળીને કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 218 કિલોગ્રામ બ્રાઉન હેરોઇન ઝડપાયું હતું. આ ખેપ પંજાબમાં પહોંચાડવાની હતી.

વર્ષ 2017માં કૉસ્ટગાર્ડે ભારતીય દરિયાઈ સીમામાં 1500 કિલોગ્રામ હેરોઇન ઝડપી લીધું હતું, જેની કિંમત રૂ. 3500 કરોડ અંદાજવામાં આવી હતી.

31 ડિસેમ્બર 2014ના હથિયારોથી ભરેલી બોટને આંતરવામાં આવી હતી, બાદમાં બોટમાં રહેલા લોકોએ બોટને આગ લગાડી દેતા તે ડૂબી ગઈ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

ગુજરાતમાં ક્યારે ક્યાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

 • 25 એપ્રિલ 2022, 280 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
 • 23 એપ્રિલ 2022, વડોદરામાંથી 7 લાખથી વધુનું ડ્રગ્સ ઝડપાયું
 • 21 એપ્રિલ 2022, કંડલા પૉર્ટ પરથી 250 કિલો ડ્રગ્સ ઝડપાયું
 • 3 માર્ચ 2022, અમદાવાદ ઍરપૉર્ટ પરથી 60 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું
 • 13 ફેબ્રુઆરી 2022, અરબી સમુદ્રમાંથી 800 કિલો ડ્રગ્સ ઝડપાયું
 • 15 નવેમ્બર 2021, મોરબીમાંથી 600 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
 • 10 નવેમ્બર 2021, દ્વારકામાંથી 65 કિલોનું ડ્રગ્સ ઝડપાયું
 • 10 નવેમ્બર 2021, સુરતમાંથી 5.85 લાખનું ડ્રગ્સ ઝડપાયું
 • 16 સપ્ટેમ્બર 2021, કચ્છના મુંદ્રા પૉર્ટ પરથી 3 હજાર કરોડનું ડ્રગ્સ જપ્ત

(આ અહેવાલ સૌથી પહેલા 22 સપ્ટેમ્બર 2021ના રોજ પ્રકાશિત કરાયો હતો)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો