મહંત નરેન્દ્રગીરી આપઘાત કેસ : બુલેટ ચલાવવાથી વિદેશમાં જેલમાં જવા સુધી, કોણ છે આનંદગીરી?

  • અનંત પ્રકાશ
  • બીબીસી સંવાદદાતા

ઉત્તર પ્રદેશ પોલીસે મંગળવારે અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગીરીની કથિત આત્મહત્યાના મામલે તેમના શિષ્ય આનંદગીરી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી દીધી.

આ ફરિયાદમાં બાઘંબરી મઠના વ્યવસ્થાપક અમરગીરીએ આરોપ લગાવ્યો કે મહંત નરેન્દ્રગીરી પાછલા કેટલાક સમયથી આનંદગીરીના કારણે તણાવમાં હતા, જેથી તેમણે પોતાનો જીવ લઈ લીધો.

ઇમેજ સ્રોત, FACEBOOK/ANANDGIRIYOGA

ઇમેજ કૅપ્શન,

નિરંજન આખાડાના સંત અને બાઘંબરી મઠના મહંત નરેન્દ્રગીરી તથા તેમના શિષ્ય આનંદગીરી વચ્ચે લાંબા સમયથી વિવાદ હતો

પોલીસે આ મામલે આનંદગીરી સહિત કેટલાક અન્ય લોકોને હિરાસતમાં લઈને પૂછપરછ કરી છે. જણાવી દઈએ કે મહંત નરેન્દ્રગીરી પાસે એક કથિત સ્યુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં આનંદગીરીનો ઉલ્લેખ હતો.

નિરંજન આખાડાના સંત અને બાઘંબરી મઠના મહંત નરેન્દ્રગીરી તથા તેમના શિષ્ય આનંદગીરી વચ્ચે વિવાદનો સિલસિલો એક લાંબા સમયથી ચાલતો રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે હિંદુ ધર્મમાં હાલ કુલ 13 અખાડા છે. જેમાં આવાહન આખાડો, અટલ અખાડો, મહાનિર્વાણી અખાડો, આનંદ અખાડો, નિર્મોહી અખાડો, દશનામી આખાડો, નિરંજની અને જૂના અખાડાને પ્રમુખ અખાડા ગણવામાં આવે છે.

આ અખાડા પોતપોતાની પંરપરામાં શિષ્યને દીક્ષા આપે છે અને તેમને ઉપાધિ આપે છે. નરેન્દ્રગીરી અને આનંદગીરી નિરંજની અખાડા સાથે જોડાયેલા હતા. ગત કેટલાંક વર્ષોથી બાઘંબરી મઠની જવાબદારી તેઓ સંભાળી રહ્યા હતા.

કોણ છે આનંદગીરી?

ઇમેજ સ્રોત, FACEBOOK/ANANDGIRIYOGA

ઇમેજ કૅપ્શન,

બાઘંબરી મઠની જમીન મામલે વિવાદ થયા બાદ ગુરુ અને શિષ્યએ એકબીજા પર જાહેરમાં આરોપ લગાવ્યા

લાંબી કદ-કાઠી, લાંબા વાળ અને ફ્રૅન્ચ દાઢી રાખનારા યોગગુરુ આનંદગીરીનો જન્મ 21 ઑગસ્ટ, 1980ના રોજ રાજસ્થાનમાં થયો હતો.

તેઓ લગભગ 10 વર્ષની ઉમંરે નરેન્દ્રગીરીના સંપર્કમાં આવ્યા, જે તેમને હરિદ્વાર લઈ ગયા.

આનંદગીરી એક ઇન્ટરવ્યૂમાં જણાવે છે કે તેમણે માત્ર દસ વર્ષની ઉમંરે ઘર છોડી દીધું હતું. અને એ બાદ તેઓ કેટલાંક વર્ષો સુધી ઉત્તરાખંડમાં રહ્યા અને પછી પ્રયાગરાજ પહોંચી ગયા.

પાસપૉર્ટમાં માતાના નામે હિંદુ દેવી પાર્વતી અને પિતાના સ્થાને ગુરૂનું નામ લખનારા આનંદગીરીનો દાવો છે કે તેઓ બ્રિટન અને કૅનેડા સહિત કેટલાક દેશોની સંસદમાં ભાષણ આપી ચૂક્યા છે.

એક યોગગુરુના રૂપમાં ખુદની ઓળખ બનાવવાવાળા આનંદગીરી કેટલાક દેશોની યાત્રા કરી ચૂક્યા છે. પરંતુ જાહેર જીવનમાં તેમણે જે કદ અને દબદબો પ્રાપ્ત કર્યાં, તેમાં પ્રયાગરાજની મહત્ત્વની ભૂમિકા છે.

પ્રયાગરાજ સાથે આનંદગીરીનો સંબંધ

ઇમેજ સ્રોત, FACEBOOK/ANANDGIRIYOGA

ઇમેજ કૅપ્શન,

ભાજપના નેતા અને કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે આનંદગીરી

આનંદગીરીને નજીકથી જાણતા લોકો કહે છે કે પ્રયાગરાજ ક્ષેત્રમાં તેમને એક રૉકસ્ટાર સાધુનો દરજ્જો મળ્યો છે. લોકો તેમને છોટે મહારાજ કહીને પણ બોલાવે છે.

હૅન્ડલ છોડીને બુલેટ ચલાવવા જેવા સ્ટંટ કરી ચૂકેલા આનંદગીરી યુવાઓ વચ્ચે ઘણા લોકપ્રિય છે. સાથે જ તેમની ઓળખ એક યુથ આઇકન, સ્ટાઇલ આઇકન અને ડાયનેમિક ગુરુની રહી છે.

જોકે પ્રયાગરાજ અને બાઘંબરી મઠને સમજનારા વરિષ્ઠ પત્રકાર રતિભાન ત્રિપાઠી માને છે કે આનંદગીરીનો મૂળ પરિચય સંત નરેન્દ્રગીરીના શિષ્યના રૂપમાં જ છે.

ઇમેજ સ્રોત, SANJAY KANOJIA/AFP VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન,

'આનંદગીરીનો મૂળ પરિચય સંત નરેન્દ્રગીરીના શિષ્યના રૂપમાં જ છે'

તેઓ કહે છે, "સુદર્શન વ્યક્તિત્વવાળા આનંદગીરી કિશોરાવસ્થામાં જ નરેન્દ્રગીરી સાથે રહ્યા. નરેન્દ્રગીરી હંમેશાં ઓછું બોલતા હતા. તેઓ ઘણા પ્રસંગે શિષ્ય આનંદગીરીને બોલવાની તક આપતા હતા."

"આનંદગીરીને નરેન્દ્ર ગીરીના સૌથી નિકટના શિષ્યોમાંથી એક માનવામાં આવે છે અને જ્યારે કોઈ પણ પરિસ્થિતિ આનંદ તેમના ગુરુનો બચાવ કરતા જોવા મળતા. વાતચીત કરવામાં કુશળ આનંદગીરીએ પોતાને ધીમે-ધીમે એક યોગગુરુ તરીકે સ્થાપિત કર્યાં."

પ્રયાગરાજ શહેરમાં આનંદગીરીનો દબદબો કેવો હતો કે તે તેમની ફેસબુક પ્રોફાઇલ પર લાગેલી તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે.

કેટલીક તસવીરોમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને કેન્દ્રીય મંત્રીઓ તેમની સામે હાથ જોડીને ઊભા જોવા મળે છે.

પોતાના ઇન્ટરવ્યૂમાં તેઓ રાજ્યના ઉપ-મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યને કેશવ કહીને સંબોધતા હતા.

રતિભાન ત્રિપાઠી આ દબદબાનું કારણ જણાવતા કહે છે, "આનંદગીરી પ્રયાગરાજમાં હનુમાનજી મંદિરમાં પ્રમુખ ભૂમિકામાં રહ્યા છે. મોટા હનુમાનજી પ્રયાગરાજમાં નગર દેવતાના રૂપમાં પ્રતિષ્ઠિત છે અને અહીં દેશવિદેશના જાણીતા લોકો દર્શન કરવા આવે છે."

મંદિરમાં આવતા જાણીતા લોકોને દર્શન કરાવવાથી લઈને આરતી કરાવવા જેવાં કામોમાં પોતાના ગુરુ નરેન્દ્રગીરી સાથે તેઓ હાજર રહેતા હતા. આમ મોટામોટા લોકો સાથે સીધી વાતચીત અને તાલમેલ બન્યો."

વીડિયો કૅપ્શન,

પ્રતીક ગાંધીએ ‘રાવણલીલા’ ‘ભવાઈ’બની એ વિશે શું કહ્યું?

ઑસ્ટ્રેલિયામાં યૌનઉત્પીડનનો આરોપ

ઇમેજ સ્રોત, FACEBOOK/ANANDGIRIYOGA

ઇમેજ કૅપ્શન,

આનંદગીરીને નિકટથી જાણતા લોકો કહે છે કે તેમની અને નરેન્દ્રગીરી વચ્ચે ઘણા આત્મીય સંબંધ રહ્યા છે

દેશ વિદેશમાં યોગ શિખવાડવા માટે જતા આનંદગીરી પર આવી જ એક વિદેશયાત્રા દરમિયાન યૌનઉત્પીડનનો આરોપ લાગ્યો હતો.

રતિભાન ત્રિપાઠી કહે છે, "તેઓ લોકોને યોગ શીખવાડવા માટે વિદેશ જતા હતા. લગભગ બે-ત્રણ વર્ષ પહેલાં તેઓ ઑસ્ટ્રેલિયા ગયા હતા, જ્યાં એક મહિલાએ તેમની પર ખોટી રીતે સ્પર્શ કરવાનો આરોપ લગાવ્યો હતો."

"આ મામલે તેમની ધરપકડ થઈ અને તેઓ જેલમાં પણ રહ્યા. પછી કાનૂની રૂપે છૂટીને બહાર આવ્યા. તેઓ કુંભમેળામાં ગુરુજીના શિષ્યના રૂપમાં ઘણા સક્રિય રહ્યા."

ગુરુ નરેન્દ્રગીરી સાથે વિવાદ

ઇમેજ સ્રોત, FACEBOOK/ANANDGIRIYOGA

ઇમેજ કૅપ્શન,

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સાથે આનંદગીરી

આનંદગીરીને નિકટથી જાણતા લોકો કહે છે કે તેમની અને નરેન્દ્રગીરી વચ્ચે ઘણા આત્મીય સંબંધ રહ્યા છે.

પરંતુ બાઘંબરી મઠની જમીન મામલે વિવાદ થયા બાદ ગુરુ અને શિષ્યે એકબીજા પર જાહેરમાં આરોપ કર્યા.

આનંદગીરીએ મહંત નરેન્દ્રગીરી પર આરોપ લગાવ્યો કે તેઓ મઠની જમીનો ખાનગી સ્તરે વેચી રહ્યા છે. આ મામલે તેમણે વડા પ્રધાન, રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રીને પત્ર લખીને તપાસ કરવાની અપીલ કરી હતી.

આ મામલે નિરંજન અખાડા સહિત તમામ સાધુસંતોએ નરેન્દ્રગીરીનું સમર્થન કર્યું. કહેવાય છે કે ત્યાર બાદ તેમને બાઘંબરી મઠ અને નિરંજન અખાડાથી કાઢી મુકાયા હતા.

નરેન્દ્રગીરીની માફી માગી

ઇમેજ સ્રોત, FACEBOOK/ANANDGIRIYOGA

ઇમેજ કૅપ્શન,

ઉત્તરાખંડના પૂર્વ મુખ્ય મંત્રી તીરથસિંહ રાવત સાથે આનંદગિરિ

જોકે કેટલાક સમય બાદ આનંદગીરીએ નરેન્દ્રગીરી પાસે માફી માગી લીધી, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા.

કહેવાય છે કે નેરન્દ્રગીરીએ ત્યાર બાદ પણ આનંદગીરીને બાઘંબરી મઠ અને હનુમાન મંદિરમાં પરત ન ફરવા દીધા.

અખાડા પરિષદને નિકટથી સમજનારા વરિષ્ઠ પત્રકાર રવિ ઉપાધ્યાય માને છે કે આ માટે આનંદગીરીની મહત્ત્વકાંક્ષા જવાબદાર છે.

તેઓ કહે છે, "એમાં કોઈ બેમત નથી કે આનંદગીરી એક ડાયનેમિક અને મહત્ત્વકાંક્ષી વ્યક્તિ છે. અંગ્રેજી અને હિંદી ભાષામાં નિપુણ આનંદગીરી અધિકારીઓથી લઈ નેતાઓ સાથે સંપર્કમાં હતા."

"જો કોઈને મંદિરમાં આરતીથી લઈને દર્શન કરવા હોય તો તેઓ સીધો જ આનંદગીરીનો સંપર્ક કરતા હતા. આથી મોટા લોકો સાથે તેમના સંબંધો હતા."

"એ સાથે જ તેમણે યોગગુરુના રૂપમાં ખુદને સ્થાપિત કરીને ગંગાસેના બનાવી અને માઘમેળાના માધ્યમથી પોતાનો પ્રભાવ ક્ષેત્ર પર ફેલાવવાનો પ્રયાસ કર્યો. "

"એવું પણ માનવામાં આવે છે કે આ વાત નરેન્દ્રગીરીના અન્ય શિષ્યોને પસંદ ન આવી અને તેમણે નરેન્દ્રગીરીની કાન ભંભેરણી કરવાનું શરૂ કરી દીધું. તેનાથી શિષ્ય અને ગુરુમાં ધીમે ધીમે અંતર વધવા લાગ્યું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો