અહીં ઠાઠમાઠથી જીવે છે દુનિયાના મોસ્ટ વૉન્ટેડ હૅકર્સ

  • જો ટાઇડી
  • બીબીસી સાયબર સંવાદદાતા

અમેરિકાની જાસૂસી સંસ્થા એફબીઆઈની મોસ્ટ વૉન્ટેડ સાયબર અપરાધીઓની યાદી પર નજર નાખીએ તો મોટા ભાગનાં રશિયન નામ મળશે. તેમાંથી અમુક લોકો તો કથિત રીતે ત્યાંની સરકાર માટે કામ કરે છે અને તેમને બહુ સામાન્ય પગાર મળે છે.

બીજી બાજુ, અન્ય કેટલાક ઑનલાઇન ચોરી તથા રેન્સમવૅર (રેન્સમવૅર એટલે એવા સોફ્ટવૅર જે તમારી કમ્પ્યૂટર સિસ્ટમ કે નેટવર્કને તાબામાં લઈ લે છે અને ખંડણીની રકમ ચૂકવ્યા બાદ જ તે ખામી દૂર થાય છે) હુમલા કરીને પુષ્કળ કમાણી કરે છે.

જો તેઓ રશિયાની બહાર નીકળ્યા, તો તેમને ઝડપી લેવામાં આવશે, પરંતુ રશિયામાં તેમને પુષ્કળ છૂટછાટો મળેલી છે.

આ કથિત ક્રિમિનલ્સ સુધી પહોંચવા માટે પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે મને એક બિલાડી દેખાઈ. જે કોઈક ઘરમાંથી ફેંકવામાં આવેલા માંસના ટુકડાને ચાટી રહી હતી.

જ્યારે તે લોચાને ઘરમાંથી ફેંકવામાં આવ્યો હતો, ત્યારે જ તે કંકાળ બની ગયો હતો. હવે તેમાં બિલાડી માટે કંઈ વધ્યું ન હતું. એ બિલાડીને જોઈને મને મનમાં જ વિચાર આવ્યો કે, "કદાચ અમે અમારો સમય વેડફી રહ્યા છીએ."

કારણ કે આસપાસનો માહોલ જોઈને લાગતું ન હતું કે મોસ્કોથી 700 કિલોમીટર દૂર આવા જૂનવાણી વિસ્તારમાં એક કથિત કરોડપતિ ગુનેગાર અંગે કોઈ સગડ મળશે, પરંતુ મેં મારા કૅમેરામૅન તથા દુભાષિયા સાથે પ્રયાસ ચાલુ રાખ્યા.

'દરવાજો ખખડાવ્યો અને...'

મેં એક ઘરનો દરવાજો ખખડાવ્યો એટલે એક યુવકે દરવાજો ખોલ્યો તથા એક મહિલાએ ઉત્સુકતાવશ રસોડામાંથી અમારી પર નજર નાખી. મેં એ યુવકને આઇગર ટુરાશેવ વિશે પૂછતાં તેણે કહ્યું, "આઇગર ટુરાશેવ? ના, આ નામની કોઈ વ્યક્તિને હું નથી ઓળખતો."

આથી મેં તેમને પૂછ્યું, "આ સરનામું તેમના પરિવારના નામે નોંધાયેલું છે, તમે કોણ છો?"

થોડા સમય માટે તેમની સાથે મૈત્રીપૂર્ણ રીતે વાતચીત થઈ, પરંતુ જ્યારે અમે તેમને જણાવ્યું કે અમે બીબીસી સંવાદદાતા છીએ, ત્યારે માહોલ અચાનક જ બદલાઈ ગયો.

એ યુવકે તરત જ મને કહ્યું કે, "તે ક્યાં છે, એ હું તમને નહીં જણાવું. તમારે તેને શોધવાનો પ્રયાસ ન કરવો જોઈએ, તમારે અહીં આવવું જોઈતું ન હતું."

ડરના ઓછાયામાં રાત

ઇમેજ સ્રોત, National Crime Agency

ઇમેજ કૅપ્શન,

યાકુબેટ્સની ગાડી ઉપર રશિયન ભાષાનો એક શબ્દ લખેલો છે, જેનો મતલબ 'ચોર' એવો થાય છે

એ રાત્રે હું બરાબર ઊંઘી ન શક્યો. આખી રાત મારા મનમાં સુરક્ષાક્ષેત્રના નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલી સલાહો અને ચેતવણીઓ ફરી રહી હતી.

કેટલાક લોકોએ કહ્યું હતું કે મોસ્ટ વૉન્ટેડ સાયબર ક્રિમિનલ્સને તેમના જ દેશમાં શોધવાનું કામ ખૂબ જ જોખમી છે.

મને જણાવવામાં આવ્યું હતું કે, "તેમની પાસે હથિયારબંધ ગાર્ડ્સ હોઈ શકે છે. અને તમારી હત્યા કરીને ખાડામાં દાટી દેશે."

કેટલાક લોકોએ જણાવ્યું કે કોઈ મુશ્કેલી ઊભી નહીં થાય, કારણ કે તેઓ માત્ર કમ્પ્યૂટરના જાણકાર હોય છે.

જોકે બધાયે એક વાત ચોક્કસથી કહી હતી કે અમે તેમની નજીક સુદ્ધાં પહોંચી નહીં શકીએ.

અમેરિકાને કારણે મળી પ્રસિદ્ધિ

ઇમેજ સ્રોત, ALEXANDER SHCHERBAK

ઇમેજ કૅપ્શન,

બ્રિટનની નેશનલ ક્રાઇમ એજન્સી પાસેથી આ ગૅંગનો એક વીડિયો મળ્યો છે, જેમાં મૅક્સિમ સહિત અન્યોને કસ્ટમાઇઝ લૅમ્બર્ગિની ચલાવતા, ઢગલો નાણાં સાથે સ્મિત કરતા તથા પાળતુ સાવજને રમાડતાં જોઈ શકાય છે.

બે વર્ષ પહેલાં એક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન અમેરિકાની ગુપ્તચર સંસ્થા એફબીઆઈ દ્વારા રશિયાના હેકિંગ ગ્રૂપ ઇવિલ કૉર્પના નવ સભ્યોનાં નામ જાહેર કર્યાં હતાં.

જેમાં આઇગર ટુરાશેવ તથા આ ગૅંગના કથિત વડા મૅક્સિમ યાકુબેટ્સનો સમાવેશ થતો હતો. તેમની પર 40 કરતાં વધુ દેશોમાં 100 મિલિયન ડૉલર કરતાં વધુની રકમ ચોરવાનો/ઉઘરાવવાનો આરોપ છે.

પીડિતોમાં નાના વ્યવસાયિકોથી લઈને ગાર્મિન જેવી બહુરાષ્ટ્રીય કંપનીઓ, સખાવતી સંસ્થાઓ તથા સ્કૂલ પણ સામેલ હતાં. આ એવાં નામો છે કે જેમના વિશે આપણે જાણીએ છીએ.

અમેરિકાના ન્યાયતંત્રના જણાવ્યા પ્રમાણે, આ લોકોની મદદથી બૅંક લૂંટનારા અપરાધીઓ રેન્સમવૅર તથા હેકિંગ દ્વારા નાણાં તફડાવે છે. એફબીઆઈની જાહેરાતને કારણે એ સમયે 32 વર્ષીય મૅક્સિમ યાકુબેટ્સને ખૂબ જ પ્રસિદ્ધિ મળી.

બ્રિટનની નેશનલ ક્રાઇમ એજન્સી પાસેથી આ ગૅંગનો એક વીડિયો મળ્યો છે, જેમાં મૅક્સિમ સહિત અન્યોને કસ્ટમાઇઝ લૅમ્બર્ગિની ચલાવતા, ઢગલો નાણાં સાથે સ્મિત કરતાં તથા પાળતુ સાવજને રમાડતાં જોઈ શકાય છે.

એફબીઆઈએ બે શખ્સો સામે આરોપ દાખલ કર્યા છે તથા તેમાં ઘણાં વર્ષોની મહેનત છે. જેમાં ગૅંગના પૂર્વ સભ્યોના ઇન્ટરવ્યૂ તથા ફોરેન્સિક પુરાવાનો પણ સમાવેશ થાય છે.

અમુક માહિતી વર્ષ 2010 આસપાસની છે, જે સમયે રશિયાની પોલીસ અને અમેરિકાની પોલીસ વચ્ચે સારું એવું સામંજસ્ય હતું અને માહિતીનું આદાન-પ્રદાન થતું હતું. હવે એવા દિવસો નથી રહ્યા. રશિયાની સરકાર તેના નાગરિકો ઉપરના આરોપોને નકારે છે.

એટલું જ નહીં હૅકરોને તેમની રીતે કામ કરવાની છૂટ મળેલી છે. એટલું જ નહીં સુરક્ષા એજન્સીઓ દ્વારા તેમને કામ પર પણ રાખવામાં આવે છે.

મૅક્સિમનાં વૈભવી લગ્ન

ઇમેજ કૅપ્શન,

યાકુબેટ્સનાં લગ્નની તસવીર

મૅક્સિમને શોધવાના અમારા પ્રયાસો મોસ્કોથી બે કલાકના અંતરે આવેલા એક ગોલ્ફકોર્સથી શરૂ થયા હતા. 2017માં અહીં ખૂબ જ ખર્ચાળ લગ્ન થયું હતું.

રેડિયો ફ્રી યુરોપ/ રેડિયો લિબર્ટીને આ લગ્નના વીડિયો મળ્યા હતા, જેને વ્યાપકપણે શૅર કરવામાં આવ્યા હતા. લગ્નનું વીડિયો શૂટિંગ કરતી કંપની દ્વારા તેને તૈયાર કરવામાં આવ્યો હતો.

આ વીડિયોમાં યાકુબેટ્સનો ચહેરો નજરે નથી પડતો, પરંતુ ભવ્ય લાઇટ શૉ દરમિયાન રશિયાના વિખ્યાત સંગીતકારોને લાઇવ મ્યુઝિક પર ડાન્સ કરતા જોઈ શકાય છે.

વેડિંગ પ્લાનર નતાલિયાએ યાકુબેટ્સનાં લગ્ન અંગે કોઈ ચોક્કસ માહિતી તો ન આપી, પરંતુ તેમણે કેટલીક વિશિષ્ટ જગ્યાઓ દેખાડી, જેમાં તળાવના કિનારે પહાડોને તોડીને બનાવવામાં આવેલી વિશિષ્ટ ઇમારત પણ સામેલ હતી.

તેમણે કહ્યું, "આ અમારો ખાસ રૂમ છે, નવયુગલો અહીં રોમૅન્સ કરવું કે તસવીરો પડાવવાનું પસંદ કરે છે."

જ્યારે મને આ જગ્યા દેખાડવામાં આવી રહી હતી, ત્યારે મેં મનમાં જ હિસાબ માંડ્યો કે મને જેટલા ખર્ચનું અનુમાન જણાવવામાં આવ્યું છે, તેના કરતાં વધુ જ ખર્ચો થયો હશે.

મને એવું જણાવવામાં આવ્યું હતું કે લગ્નની પાછળ અઢી લાખ ડૉલરનો ખર્ચ થયો હશે, પરંતુ મને લાગે છે કે લગ્નમાં પાંચથી છ લાખ ડૉલરનો ખર્ચ થયો હશે.

આઇગરની અય્યાશીવાળી જિંદગી

ઇમેજ સ્રોત, VALERY SHARIFULIN

ઇમેજ કૅપ્શન,

મૉસ્કોના આ વિસ્તારમાં આઇગરની કચેરી

40 વર્ષીય આઇગર ટુરાશેવ લોકોની નજરથી છુપાઈને નથી રહેતા. બીબીસી રશિયન સેવામાં મારા સાથી સાયબર રિપોર્ટર ઑન્ડ્રી જખારોવને સાર્વજનિક રીતે ઉપલબ્ધ માહિતી સંશાધનોમાંથી તેમના નામે નોંધાયેલી ત્રણ કંપનીઓ મળી.

આ તમામ કંપનીઓના કાર્યાલય મૉસ્કોના વિખ્યાત ફેડરેશન ટાવરમાં છે. જે શહેરના નાણાંકીય વિસ્તારમાં આવેલી શાનદાર બહુમાળી ઇમારત છે.

આ ઇમારતનાં રિસેપ્શનિસ્ટ પાસેથી જ્યારે આ કંપનીઓના નંબર માગ્યા, ત્યારે તે પરેશાન જણાઈ, કારણ કે તેની પાસે આ કંપનીઓના નામની સામે કોઈ નંબર ન હતા. કંપનીના નામ સાથે સંકળાયેલો માત્ર એક મોબાઇલ નંબર મળ્યો.

અમે ફોન જોડ્યો અન રાહ જોઈ. લગભગ પાંચ મિનિટ સુધી ફ્રાન્ક સિનાત્રાના ગીતની રિંગટોન વાગતી રહી. તે પછી કોઇકે ફોન ઉપાડ્યો. સામે છેડે રહેલી વ્યક્તિ કોઈ શોરબકોરવાળી જગ્યાએ હોય તેમ જણાયું. જ્યારે એ વ્યક્તિને ખબર પડી કે અમે પત્રકાર છીએ, તો તેણે ફોન કાપી નાખ્યો.

મારા સાથી પત્રકાર ઑન્ડ્રીના જણાવ્યા પ્રમાણે, રશિયામાં ટુરાશેવ સામે કોઈ કેસ નથી, એટલે તેઓ આવી ભવ્ય ઇમારતમાં ઑફિસ રાખી શકે છે.

તેમના માટે નાણાંકીય ક્ષેત્રોની કંપનીઓ વચ્ચે કામ કરવું વધુ સુવિધાજનક છે, કારણ કે આ કંપનીઓમાંથી અમુક ક્રિપ્ટૉકરન્સીમાં વેપાર કરે છે. ઇવિલ કૉર્પ પર આરોપ છે કે તે બિટકૉઇનમાં ખંડણી ઉઘરાવે છે, એક કિસ્સામાં તેમણે એક કરોડ ડૉલરના બિટકૉઇન મેળવ્યા હતા.

બ્લૂમબર્ગ દ્વારા બિટકૉઇનના વિશ્લેષણમાં અનુભવ ધરાવતી ચેઇનાલિસિસ મુજબ, ફેડરેશન ટાવરમાં અનેક એવી ક્રિપ્ટૉ કંપનીઓ કાર્યરત છે, જે સાયબ અપરાધીઓ માટે એટીએમ જેવું કામ કરે છે.

અમે ટુરાશેવ તથા ઇવિલ કૉર્પના અન્ય એક સભ્ય ડેનિસ ગુસેવના નામે નોંધાયેલાં અન્ય બે સરનામાં પર પહોંચવાનો પ્રયાસ કર્યો. ફોન તથા ઇમેઇલ મારફત તેમનો સંપર્ક સાધવાના ખૂબ જ પ્રયાસ કર્યા, પરંતુ કોઈ જવાબ ન મળ્યો.

યાકુબેટ્સના પિતા સાથે મુલાકાત

ઑન્ડ્રી તથા મેં યાકુબેટ્સની ઑફિસ શોધવા માટે ખૂબ જ પ્રયાસ કર્યા. તેઓ પોતાનાં માતાની કંપનીમાં ડાયરેક્ટર હતા, પરંતુ તે સમયે તેમના નામે કોઈ વ્યવસાય ન હતો.

જોકે, અમને કેટલાંક સરનામાં મળ્યાં અને તેઓ કદાચ તેમાંથી કોઈ એક ઠેકાણે રહેતા હોય તેની શક્યતા હતી.

એક રાત્રે અમે આવા જ એક સરનામે પહોંચ્યા. અમે દરવાજો ખખડાવ્યો ત્યારે ઇન્ટરકોમ ઉપર વાત થઈ. જ્યારે મેં મારા વિશે જણાવ્યું તો સામેના છેડે રહેલી વ્યક્તિ હસવા લાગી. તેમણે કહ્યું, "મૅક્સિમ યાયુબેટ્સ અહીં નથી રહેતા. તેઓ લગભગ 15 વર્ષથી અહીં નથી આવ્યા. હું તેમનો પિતા છું."

આ પછી મૅક્સિમના પિતા બહાર આવ્યા, જેના કારણે અમે ચોંકી ગયા અન તેમણે 20 મિનિટ લાંબો ઇન્ટરવ્યૂ આપ્યો. પોતાના દીકરાની સામે અમેરિકાના અધિકારીઓ દ્વારા મૂકવામાં આવેલા આરોપોની તેમણે ભારે ટીકા કરી. સાથે માગ કરી કે અમે તેમના નિવેદનને પ્રકાશિત કરીએ.

તેમણે અમને જણાવ્યું કે તેમના દીકરાની ધરપકડમાં મદદ કરનારી વ્યક્તિને 50 લાખ ડૉલરનું ઇનામ આપવાની અમેરિકાની જાહેરાતે, તેમનું તથા તેમના પરિવારનું જીવન દુષ્કર કરી નાખ્યું છે તથા તેઓ સતત ભયમાં જીવે છે.

ઇમેજ સ્રોત, DIMITAR DILKOFF

તેમણે જણાવ્યું, "અમેરિકનોએ અમારા પરિવાર, અમારા પરિચિતો તથા સંબંધીઓ માટે મુશ્કેલી ઊભી કરી દીધી છે. તેની પાછળનો હેતુ શું છે? અમરિકાનું ન્યાયતંત્ર પણ સોવિયેટ ન્યાયતંત્ર જેવું થઈ ગયું છે. તેની પૂછપરછ નથી કરી. એવી કોઈ પ્રક્રિયાનું પાલન નથી કરવામાં આવ્યું કે જેનાથી ગુનો સાબિત થતો હોય."

પોતાનો દીકરો સાયબર અપરાધી હોવાની વાત પણ તેમણે નકારી કાઢી હતી. જ્યારે મેં તેમને પૂછયું કે તેમના દીકરા કેવી રીતે ધનવાન થઈ ગયા, ત્યારે તેમણે કહ્યું કે લગ્ન માટે થયેલા ખર્ચાને વધારીને રજૂ કરવામાં આવ્યો છે તથા જે કોઈ લક્ઝરી ગાડીઓ આવી હતી, તે બધી ભાડાની હતી.

મૅક્સિમનો પગાર સરેરાશ કરતાં વધુ છે, કારણ કે "તે કામ કરે છે તથા તેના બદલે તેને પૈસા મળે છે. તેની પાસે એક નોકરી છે."

જ્યારે મેં તેમને પૂછ્યું કે તેમના દીકરા શું કામ કરે છે, ત્યારે તેમણે જવાબ આપ્યો, "હું તમને શા માટે જણાવું?" "શું આ સવાલ અમારા અંગત જીવન સાથે જોડાયેલો નથી?"

તેમણે જણાવ્યું કે જ્યારથી અમેરિકાની એજન્સીએ તેમના દીકરા પર આરોપ મૂક્યા છે, ત્યારથી તેમની વચ્ચેનો સંપર્ક કપાઈ ગયો છે અને એટલે જ તેઓ પોતાના દીકરા સાથે અમારી મુલાકાત ન કરાવી શકે.

અમેરિકાના રસ્તે યુરોપ

ઇમેજ સ્રોત, US Department of Justice

ગત વર્ષથી યુરોપિયન સંઘે પણ અમેરિકાની જેમ સાયબર પ્રતિબંધ લાદવાનું શરૂ કરી દીધું હતું.

જેમ-જેમ પશ્ચિમી દેશો સાયબર હુમલાઓ માટે ખુદને તૈયાર કરી રહ્યા છે, તેમ-તેમ જેમની ઉપર સાયબર પ્રતિબંધ લાદવા પડે તેવા રશિયનોની યાદી લાંબી થતી જાય છે.

આ પ્રકારના પ્રતિબંધોને કારણે હેકરોની વિદેશયાત્રા મુશ્કેલ બને છે તથા તેઓ પ્રતિબંધોને કારણે વિદેશમાં રહેલી તેમની સંપત્તિને ફ્રીઝ પણ કરી શકાય છે. આ સિવાય તેઓ પશ્ચિમી દેશોની કંપનીઓ સાથે વેપાર પણ નથી કરી શકતા.

યાકુબેટ્સ તથા તુરાશેવનાં નામો પણ આ યાદીમાં સામેલ છે. અન્ય દેશોની સરખામણીમાં રશિયન નાગરિકો તથા સંસ્થાઓ પર સાયબર પ્રતિબંધ વધુ પ્રમાણમાં લાગી રહ્યા છે.

સરકાર, હેકર અને સંરક્ષણ

ઇમેજ સ્રોત, US Department of Justice

ઇમેજ કૅપ્શન,

FBIની પ્રેસ કૉન્ફરન્સની તસવીર

એવું કહેવાય છે કે આ યાદીમાં સામેલ લોકોના સંપર્ક રશિયાના સત્તાધીશો સાથે છે. જેથી કરીને જાસૂસી ક્ષમતા વિસ્તારી શકાય તથા દબાણ વધારવા માટે હૅકિંગનો ઉપયોગ કરી શકાય.

આમ તો, લગભગ દરેક દેશ એકબીજાનું હૅકિંગ કરે છે, પરંતુ અમેરિકા, યુરોપિયન સંઘ તથા તેમના સાથીઓનો દાવો છે કે કેટલાક રશિયન હુમલા તમામ પ્રકારની સીમાઓ ઓળંગી જાય છે.

કેટલાક લોકો પર યુક્રેનની પાવર ગ્રીડને હૅક કરીને ત્યાં મોટાપાયે અંધકાર ફેલાવવાનો આરોપ છે. બીજી બાજુ, કેટલાક લોકો ઉપર બ્રિટનમાં સેલિસબરી કાંડ (જેમાં રશિયાના પૂર્વ સૈન્ય અધિકારી તથા તેમનાં પુત્રીને ઝેર આપીને મારવાનો પ્રયાસ થયો હતો) બાદ રાસાયણિક રિપોર્ટને હેક કરવાનો પ્રયાસ કરવાનો આરોપ છે.

રશિયાએ આ તમામ આરોપોને રુસોફોબિયા (રશિયાની વિરુદ્ધ ઊભો કરાતો ભય) ઠેરવ્યો છે. દેશોની વચ્ચે હૅકિંગ સંબંધિત કોઈ નિયમ નક્કી નથી, એટલે અમે અમારી તપાસને એવા લોકો ઉપર જ કેન્દ્રિત રાખી, જેમની ઉપર નાણાં માટે હૅકિંગ કરવા માટેનો આરોપ છે.

રશિયનમાં 'રસ' ન લેવો

ઇમેજ સ્રોત, NATIONAL CRIME AGENCY

ઇમેજ કૅપ્શન,

ઇવિલ કૉર્પનો કથિત સભ્ય

શું કથિત હૅકરો ઉપરના સાયબર પ્રતિબંધો અસરકારક છે? યાકુબેટ્સના પિતાની સાથે વાત કરતા લાગ્યું કે તેની અસર થાય છે. કમ સે કમ એમને ગુસ્સો તો આવ્યો જ. જોકે, ઇવિલ કૉર્પ. પર તેની અસર પડી હોય તેમ નથી લાગતું.

સાયબર સિક્યૉરિટી સંશોધનકર્તાઓનો દાવો છે કે આ ટુકડીના સભ્યો હજુ પણ પશ્ચિમી દેશોનાં મુખ્ય ઠેકાણાં પર નિશાન સાધી રહ્યાં છે.

કેટલાક પૂર્વ હૅકરો અને સંશોધનકર્તાઓનું માનવું છે કે રશિયન હેકિંગનો મુખ્ય નિયમ છે કે જે સરકારી હેકર્સ નથી, તેઓ ઇચ્છે તેનું હેકિંગ કરી શકે છે. અગાઉના સોવિયેટ સંઘના ભાગરૂપ કોઈ વિસ્તારને કે જ્યાં રશિયન બોલનાર લોકો રહેતા હોય, તેવા વિસ્તારોને ટાર્ગેટ નથી કરી શકતા.

આ નિયમ પ્રભાવી હોવાનું સાયબર સંશોધકોને લાગે છે. તેમણે એવા મૅલવૅર પણ જોયા છે કે જે રશિયન ભાષાનો ઉપયોગ કરતાં કમ્પ્યૂટર્સને ટાર્ગેટ કરવાનું ટાળતા હોય.

રશિયાના અમુક મીડિયા સમૂહ સ્વતંત્ર રહેવા પામ્યા છે. આવા જ એક સમૂહ 'મેદુજા'માં કામ કરનારા ઇન્વેસ્ટિગૅટિવ રિપોર્ટર લિલિયા યાપારોવાના કહેવા પ્રમાણે, તપાસ એજન્સીઓ માટે આ નિયમ ખૂબ જ લાભકારક છે.

તેઓ કહે છે, "એફએસબી માટે હૅકરોને જેલમાં નાખવા કરતા પોતાના માટે કામે રાખવા વધુ લાભકારક છે. મારા એક સૂત્ર એફએસબીના (ફેડરલ સિક્યૉરિટી સર્વિસ, રશિયાની આંતરિક ગુપ્તચર સંસ્થા) પૂર્વ અધિકારી છે. તેમણે જણાવ્યું કે વ્યક્તિગત રીતે તેમણે ઇવિલ કૉર્પના કેટલાક સભ્યોને કામે રાખવાનો પ્રયાસ કર્યો હતો."

અમેરિકાનો દાવો છે કે મૅક્સિમ યાકુબેટ્સ તથા ઇવેજિન બોગાચેવ સહિત અન્ય હૅકરોએ સીધા જ ગુપ્તચર સંસ્થાઓના હાથ નીચે કામ કર્યું છે. બોગાચેવની પર 30 લાખ ડૉલરનું ઇનામ છે. વીડિયોમાં દેખાતા યાકુબેટ્સના સસરા એફએસબીના પૂર્વ ઉચ્ચ અધિકારી છે.

આ અંગે રશિયાની સરકારને પૂછ્યું કે હૅકરો તેમના દેશમાં કેવી રીતે છૂટથી પોતાના કામોને અંજામ આપી શકે છે, તેના જવાબમાં કોઈ પ્રતિક્રિયા મળી નથી.

આ વખતે જિનિવા શીખર મંત્રણા દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને આ અંગે પૂછ્યું, ત્યારે તેમણે આ અહેવાલોને નકારી કાઢ્યા હતા.

તેમણે એવો આરોપ મૂક્યો હતો કે સૌથી વધુ સાયબર હુમલાનું ઉદ્દગમસ્થાન અમેરિકામાં હોય છે. પુતિને ઉમેર્યું કે તેઓ અમેરિકા સાથે મળીને સ્થિતિને સુધારવાની દિશામાં પ્રયાસ કરશે.

ઇવિલ કૉર્પ અને કારનામાં

  • વર્ષ 2009માં ઇવિલ કૉર્પ. વિશે માહિતી બહાર આવી, તેણે કથિત રીતે Cridex, Dridex, Bugat જેવા Zeusની મદદથી લોકોની બૅન્કિંગ લૉગઇન સંબંધિત માહિતી મેળવી અને તેમનાં ખાતાંમાંથી પૈસા કાઢ્યા હતા.
  • વર્ષ 2012માં ઇવિલ કૉર્પના સભ્યો વિરુદ્ધ નેબ્રાસ્કામાં એક કેસ દાખલ કરવામાં આવે છે, જેમાં તેમના ઑનલાઇન નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, કારણ કે તેમની ઓળખ છતી નહોતી થઈ. (યાકુબેટ્સ કથિત રીતે 'એક્કા'ના નામથી ઓળખાય છે.)
  • 2017માં ઇવિલ કૉર્પ પર પૈસા લઈને રેન્સમવૅર આપવાનો આરોપ લાગ્યો હતો. કોઈ પણ વ્યક્તિ તેમના રેન્સમવૅરનો ઉપયોગ કરી શકે છે.
  • 2019માં યાકુબેટ્સ, યુટારેસવ સહિત સાત અન્ય શખ્સો સામે ખટલો માંડવામાં આવે છે અને પ્રતિબંધ લાદવામાં આવ્યા. યાકુબેટ્સની ધરપકડમાં મદદ કરી શકે તેવી માહિતી આપનારને 50 લાખ ડૉલર આપવાની જાહેરાત કરવામાં આવી છે.
  • 2019માં ઇવિલ કૉર્પ ઉપર અન્ય બ્રાન્ડના ઉન્નત સંસ્કરણવાળા DoppelPaymer, Grief, WastedLocker, Hades, Phoenix તથા Macaw જેવા રેન્સમવૅર બજારમાં મૂક્યાં.

જેવા સાથે તેવા

ઇમેજ સ્રોત, SOPA IMAGES

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

ગત છ મહિના દરમિયાન અમેરિકા તથા તેના સાથી દેશો સાયબર પ્રતિબંધોથી આગળ વધીને વધુ આક્રમક વ્યૂહરચના પર કામ કરી રહ્યા છે.

તેમણે સાયબર ગુનેગારોની ગૅંગો પર વળતા પ્રહાર કરવાનું શરૂ કર્યું છે તથા કેટલાકને તાત્કાલિક ધોરણે સફળતાપૂર્વક ઑફલાઇન કરવામાં સફળતા મેળવી છે.

આરઇવિલ તથા ડાર્ક સાઇડે ફોરમ પર જણાવ્યું કે કાયદેસરની કાર્યવાહીને કારણે તેઓ નિષ્ક્રિય થઈ રહ્યા છે. બે કિસ્સામાં અમેરિકાના સરકારી હેકરોને અનેક મિલિયનના બિટકૉઇન પરત મેળવવામાં સફળતા મળી છે.

ઇન્ટરપૉલ તથા અમેરિકાના ન્યાયતંત્રના સંયુક્ત ઑપરેશનમાં કેટલાક હૅકરોને દક્ષિણ કોરિયા, કુવૈત, રોમાનિયા તથા યુક્રેનમાંથી ઝડપી લેવામાં સફળતા મળી છે.

જોકે સાયબરક્ષેત્રના નિષ્ણાતોનું કહેવું છે કે વધુ મોટી સંખ્યામાં આવા જૂથો અસ્તિત્વમાં આવી રહ્યા છે તથા દર અઠવાડિયે હુમલા થઈ રહ્યા છે તથા જ્યાર સુધી હૅકરો રશિયામાં બેસીને ખુલ્લેઆમ આ પ્રકારના કૃત્યોને અંજામ આપે છે, ત્યાર સુધી આ બધું અટકશે નહીં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો