શિવાજીનાં એ પુત્રવધૂ જેમણે મુગલોને હંફાવી મરાઠા સામ્રાજ્યનું રક્ષણ કર્યું
- ઓંકાર કરંબેળકર
- બીબીસી મરાઠી
તારાબાઈ, તારારાણી, મહારાણી તારારાણી, મુગલમર્દિની તારારાણી, વગેરે જેવાં અનેક નામોથી વિખ્યાત આ મહારાણીએ કરેલાં કામોની નોંધ લીધા વિના મરાઠા સામ્રાજ્યનો ઇતિહાસ અધૂરો જ રહે. મરાઠી ભાષામાં આ બહાદુર રાણીનું વર્ણન તેમને ભદ્રકાલી સાથે સરખાવીને કરવામાં આવે છે. કોણ હતાં તારારાણી?
તારારાણી છત્રપતિ શિવાજી મહારાજના સરસેનાપતિ હંબીરરાવ મોહિતેનાં પુત્રી હતાં. તેમનાં લગ્ન શિવાજી મહારાજના પુત્ર રાજારામ મહારાજ સાથે થયાં હતાં. આયુષ્યના 25મા વર્ષે વૈધવ્ય આવ્યું, છતાં આ રાણી ડગમગ્યાં ન હતાં.
ઇમેજ સ્રોત, AKSHAY LAD COLLECTION
મહારાણી તારારાણીનું તૈલચિત્ર
તેમણે મરાઠી સામ્રાજ્ય સંભાળ્યું હતું. તેઓ મુગલો, સ્વરાજ્યના હિતશત્રુઓને સતત ટક્કર આપતાં રહ્યાં હતાં. તેમણે જીવનકાળમાં અનેક વિદ્રોહ-લડાઈઓનો સામનો કરવો પડ્યો હતો. પતિના અવસાન પછી 61 વર્ષ સુધી તેઓ મરાઠા સામ્રાજ્યમાં ઉતાર-ચડાવના સાક્ષી બન્યાં હતાં.
છત્રપતિ શિવાજી મહારાજ, છત્રપતિ સંભાજી મહારાજ અને છત્રપતિ રાજારામ મહારાજ પછી પણ મરાઠા સામ્રાજ્યનો સૂર્ય ઝળહળતો રાખવા માટે તારારાણીએ સતત પ્રયાસ કર્યા હતા. તેઓ અનેક યુદ્ધ લડ્યાં હતાં. આ તેમનાં 86 વર્ષના દીર્ઘાયુષ્યની સમીક્ષાનો પ્રયાસ છે.
શિવાજી મહારાજની વંશાવલી
સૌપ્રથમ આપણે મુખ્ય નામોની સમીક્ષા કરીશું, જેથી કોઈ અવરોધ વિના વાંચવામાં સરળતા રહેશે.
- છત્રપતિ શિવાજી મહારાજના બે પુત્ર - છત્રપતિ સંભાજી અને છત્રપતિ રાજારામ
- સંભાજી મહારાજના છ પુત્ર - શાહુ (આ શાહુ મહારાજ અને કોલ્હાપુરના શાહુ મહારાજ બન્ને અલગ છે તે યાદ રાખવું)
- છત્રપતિ રાજારામને પહેલાં પત્ની તારાબાઈ દ્વારા છત્રપતિ શિવાજી (દ્વિતીય) અને બીજાં પત્ની રાજસબાઈ દ્વારા છત્રપતિ સંભાજી (દ્વિતીય) એમ બે પુત્રો હતા.
રાજારામ મહારાજ જિંજી પહોંચ્યા
ઇમેજ સ્રોત, Getty Images
રાયગઢનો કિલ્લો
1680માં શિવાજી મહારાજના નિધન પછી છત્રપતિ સંભાજી મહારાજે સ્વરાજ્યનો કારભાર સંભાળ્યો હતો. સમ્રાટ ઔરંગઝેબે 1689માં છત્રપતિ સંભાજી મહારાજની અત્યંત નિર્દય રીતે હત્યા કરી નાખી હતી.
એ પછી ઔરંગઝેબે મોરચો રાયગઢ તરફ વાળ્યો હતો. સંભાજી મહારાજનાં પત્ની યેસુબાઈ, તેમના પુત્ર શાહુ અને રાજારામ મહારાજ એ વખતે રાયગઢમાં હતા. રાજારામ મહારાજે એપ્રિલ-1689માં રાયગઢ છોડવાનો નિર્ણય કર્યો હતો અને પ્રતાપગઢ ગયા હતા.
આ તરફ ઔરંગઝેબની ફોજે રાયગઢ કબજે કરીને યેસુબાઈ તથા શાહુને કેદ કર્યા હતા.
રાજારામ મહારાજ પ્રતાપગઢ, પન્હાલા, વિશાળગઢ અને રાંગણા માર્ગે દક્ષિણમાં ગયા હતા અને જીજી પહોંચ્યા હતા. તેમનાં પત્ની તારાબાઈ, રાજસબાઈ ત્યારે વિશાળગઢમાં જ હતા. રાજારામ મહારાજ અને તારાબાઈના પુત્ર શિવાજી (દ્વિતીય)નો જન્મ વિશાળગઢમાં થયો હતો.
જિંજીની ઘેરાબંધી અને સાતારા
ઇમેજ સ્રોત, Getty Images
જિંજીનો કિલ્લો
જિંજી આજે તામિલનાડુનો હિસ્સો છે. જિંજીના અજેય ગણાતા કિલ્લા પર રાજારામ મહારાજે સ્વરાજ્યની પુનર્સ્થાપના કરી હતી અને આઠ પ્રધાનોની નિમણૂક કરી હતી.
એ પછી રાજારામ મહારાજે તેમના પરિવારજનોને બોલાવી લીધા હતા. એ મુજબ તેમનાં પત્ની તારાબાઈ, રાજસબાઈ અને અંબિકાબાઈ વિશાળગઢ છોડીને રાજાપુરથી હોનાવર જળમાર્ગે તથા ત્યાંથી પાલખીમાં બેસીને જિંજી સુધી પહોંચ્યાં હતાં.
એ સમયના સંદર્ભે વિચારીએ તો રાણીઓનો પ્રવાસ અત્યંત જોખમી અને રોમાંચક હશે, તેમાં કોઈ શંકા નથી. એ પ્રવાસનું વર્ણ ઇંદ્રજિત સાવંત સંપાદિત અને રંગુબાઈ જાધવલિખિત 'મોગલમર્દિની તારાબાઈ' પુસ્તકમાં કરવામાં આવ્યું છે.
ઔરંબઝેબે રાજારામ મહારાજને પકડવા માટે ઝુલ્ફિકાર ખાન મારફત અનેક વર્ષો સુધી જિંજીના કિલ્લાને ઘેરી રાખ્યો હતો. 1692થી શરૂ થયેલી આ ઘેરાબંધી મરાઠા સૈન્યના ગોરીલાયુદ્ધને કારણે સફળ થઈ શકી ન હતી.
1967માં રાજારામ મહારાજે જિંજી છોડ્યું, પછીના વર્ષે જિંજીનો કિલ્લો ઔરંગઝેબના હાથમાં આવ્યો હતો.
રાજારામ મહારાજ, તારાબાઈ, શિવાજી (દ્વિતીય), રાજસબાઈ તથા તેમના જિંજીમાં જન્મેલા પુત્ર સંભાજી (દ્વિતીય) તથા અંબિકાબાઈ સ્વરાજ્યમાં પહોંચ્યાં હતાં અને રાજારામ મહારાજે સાતારામાં રાજધાનીની સ્થાપના કરી હતી.
1697 પછી અમાત્યપદ રામચંદ્રપંત બાવડેકર પાસે હતું, નીલકંઠ મોરેશ્વર પિંગળેને પેશવાનું, શ્રીકરાચાર્ય કાલગાંવકરને પંડિતરાવનું તથા શંકરાજી નારાયણ ગાડેકરને સચિવનું પદ આપવામાં આવ્યું હતું, જ્યારે કાન્હોજી આંગ્રે સૈન્યના વડા બન્યા હતા.
રાજારામ મહારાજ અને ઔરંગઝેબ વચ્ચેનો સંઘર્ષ ચાલુ જ રહ્યો હતો. એ ધમાચકડીમાં 3 માર્ચ, 1700ના દિવસે રાજારામ મહારાજનું સિંહગઢમાં અવસાન થયું હતું.
તેમના નિધનના સમાચાર મળતાં જ અંબિકાબાઈ વિશાળગઢ પર સતી થઈ ગયાં હતાં. એ પછી એપ્રિલમાં ઔરંગઝેબે સાતારા તથા સજ્જનગઢના કિલ્લાઓ કબજે કર્યા હતા.
તારાબાઈની કહાણી
ઇમેજ સ્રોત, Getty Images
સિંહગઢમાંની રાજારામ મહારાજની સમાધિ
તારાબાઈનો જન્મ એક યોદ્ધા પિતા એટલે કે શિવાજી મહારાજના સરસેનાપતિ હંબીરરાવ મોહિતેને ત્યાં થયો હતો. તેમને લશ્કરી શિક્ષણનો અનુભવ બાળપણમાં જ થઈ ગયો હશે.
રાજારામ મહારાજના મૃત્યુ વખતે તેમની વય 25 વર્ષની હશે. તેમના પુત્ર શિવાજી (દ્વિતીય) બહુ નાના હતા. 1701માં તારાબાઈએ તેમના પુત્ર શિવાજી (દ્વિતીય)નો પન્હાલામાં રાજ્યાભિષેક કરાવ્યો હતો અને રાજ્યનો કારભાર સંભાળ્યો હતો.
ઔરંગઝેબ એક પછી એક કિલ્લાઓ સર કરતા હતા, જ્યારે તારાબાઈ રામચંદ્રપંત અમાત્ય, પરશુરામપંત પ્રતિનિધિ અને ધનાજી જાધવ સેનાપતિ વગેરેની મદદથી સ્વરાજ્યનું રક્ષણ કરતાં હતાં. તેમણે સિંહગઢ, રાજગઢ, પન્હાલા, પાવનગઢ, વસંતગઢ અને સાતારાનો કિલ્લો ફરી જીતી લીધો હતો.
1707માં ઔરંબઝેબના મોત પછી શાહુ મહારાજનો છુટકારો થયો હતો. એ પછી શાહુ મહારાજ અને તારારાણી વચ્ચે રાજગાદી બાબતે વિવાદ શરૂ થયો હતો.
શાહુ મહારાજ મુક્ત થઈને આવ્યા, એ પછી તારારાણીના તમામ સરદારોએ શાહુ મહારાજ સાથે હાથ મિલાવ્યો હતો.
તેથી શાહુ મહારાજની સ્થિતિ મજબૂત થઈ ગઈ હતી. આખરે ધનાજી જાધવે શાહુ મહારાજ સાથે હાથ મિલાવ્યો અને પછી પરિસ્થિતિ પલટાઈ ગઈ હતી.
ભરૂચમાં વેપારી કોઠીઓ સ્થાપનાર ડચ પ્રજાનો અમૂલ્ય 'ખજાનો' અહીં દબાયેલો છે
શાહુ મહારાજે તારારાણીના કબજા હેઠળના પન્હાલા પર હુમલો કર્યો હતો.
એ પછી થોડા સમય માટે તારારાણી રાંગળાના કિલ્લામાં રહેવા ચાલ્યા ગયાં હતાં. 1708માં સાતારામાં શાહુ મહારાજે સત્તા સંભાળી હતી. 1708ની 12 જાન્યુઆરીએ સાતારામાં શાહુરાજેનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો.
થોડા સમય પછી તારારાણીએ પન્હાલા તથા વિશાલગઢ ફરી જીતી લીધાં અને 1710માં પન્હાલામાં કોલ્હાપુર રાજ્યનો પાયો નાખ્યો હતો. આ રીતે એક સ્વતંત્ર રાજ્યનું નિર્માણ શરૂ થયું હતું.
પન્હાલામાં પોતાના પુત્ર શિવાજી (દ્વિતીય)ને ગાદી પર બેસાડીને કારભાર શરૂ કર્યો હતો. પન્હાલામાં તેમનો વાડો એટલે કે ભવ્ય નિવાસસ્થાન આજે પણ જોવા મળે છે.
જોકે, આ બધું સરળતાથી ચાલવાનું ન હતું. 1714 સુધી પરિસ્થિતિ યથાવત્ રહી હતી. રાજારામ મહારાજનાં બીજાં પત્ની રાજસબાઈ અને તેમના પુત્ર સંભાજી (દ્વિતીય)એ, તારારાણીને અચાનક બાજુ પર હડસેલીને રાજ્યનો કારભાર પોતાના હાથમાં લઈ લીધો હતો.
તારારાણી અને શિવાજી(દ્વિતીય)ને પન્હાલામાં નજરકેદમાં રાખવામાં આવ્યાં હતાં. શિવાજી(દ્વિતીય)નું નજરકેદ દરમિયાન જ 1727માં મૃત્યુ થયું હતું.
મરાઠા સામ્રાજ્યમાં બે ભાઈ વચ્ચે ઝઘડો અને તારારાણી કેદમાં
ઇમેજ સ્રોત, AKSHAY LAD/FACEBOOK
પન્હાલાસ્થિત મહારાણી તારાબાઈનો વાડો યાને કે નિવાસ્થાન
સાતારાના શાહુ અને કોલ્હાપુરના સંભાજી વચ્ચે અનેક વર્ષો સુધી સત્તાસંઘર્ષ ચાલ્યો હતો. છત્રપતિ શાહુ મુગલોના તાબામાંથી છૂટીને આવ્યાનાં 23 વર્ષ પછી બન્ને વચ્ચેનો સંઘર્ષ થંભ્યો હતો.
નાની-મોટી લડાઈઓ, કોલ્હાપુર દરબારના લોકો દ્વારા દરબાર છોડવો અને એકમેકના પ્રદેશો પર હુમલા જેવી ઘટનાઓ તે સમયમાં બનતી રહી હતી.
એ પહેલાં શાહુ મહારાજે 1728માં મુંગીશેવગાવના નિઝામ પાસે કબૂલ કરાવી લીધું હતું કે તેઓ (શાહુ મહારાજ) જ મરાઠી રાજ્યના નેતા છે. મરાઠી રાજ્યના શાહુ રાજા સિવાયના બીજા કોઈ ઉત્તરાધિકારીનો પોતે સ્વીકાર કરશે નહીં, એવું વચન પણ નિઝામે આપ્યું હતું.
1730માં શાહુ મહારાજ તરફથી શ્રીનિવાસરાવ પ્રતિનિધિએ સંભાજી રાજા પર હુમલો કર્યો હતો. એ યુદ્ધમાં સંભાજી રાજાનો પરાજય થયો હતો. તેમાં તારાબાઈ, રાજસબાઈ, સંભાજી રાજાનાં પત્નીઓ, ભગવંતરાવ અમાત્ય અને ઈચલકરંજીકર વ્યંકટરાવ ઘોરપડેને કેદમાં લેવામાં આવ્યાં હતાં.
એ પૈકીના રાજસબાઈ અને સંભાજી રાજાનાં પત્નીઓને પન્હાલા મોકલવામાં આવ્યાં હતાં, જ્યારે અન્યોને સતારા લઈ જવામાં આવ્યાં હતાં.
પોતે જે તારાબાઈ સાથે લાંબા સમય સુધી લડતા રહ્યા હતા એ તારાબાઈને ફરી કોલ્હાપુર મોકલવાનો વિચાર શાહુ રાજાનો હતો, પણ "તમારી નજીક રહી શકાય એટલે હું કેદી જ બની રહેવા ઇચ્છું છું," એવું તારાબાઈએ કહ્યું પછી તેમને સાતારામાં જ રાખવામાં આવ્યાં હતાં.
સાતારા કિલ્લામાંના રાજવાડાનું સમારકામ કરવામાં આવ્યું હતું અને તેઓ ત્યાં રહેવા લાગ્યાં હતાં. (સંદર્ભઃ મરાઠી રિયાસત ખંડ-3, ગોવિંદ સખારામ સરદેસાઈ)
તારાબાઈનો આ નિર્ણય પણ મરાઠા સત્તા માટે મહત્વનો હતો. તેઓ કોલ્હાપુર રહેવા ગયાં હોત તો ઇતિહાસ બદલાઈ ગયો હોત.
જે પન્હાલા-કોલ્હાપુર ગાદી માટે આટલાં વર્ષ એકલપંડે પ્રયાસ કર્યા હતા એ ગામ તેમણે છોડવું પડ્યું હતું. સતારના જે શાહુ રાજા સત્તા માટે વર્ષો સુધી દાવો કરતા રહ્યા હતા, એમના આશ્રયમાં રહેવાનો સમય આવ્યો હતો.
વારણેની ઐતિહાસિક સંધિ અને સાતારામાં રાજવંશ ફરી સત્તા પર
ઇમેજ સ્રોત, Getty Images
પન્હાલાનો કિલ્લો
શાહુ અને સંભાજી એ બન્ને રાજાઓ વચ્ચે 1731ની 27 ફેબ્રુઆરીએ કર્હાડ અને જખીણવાડી ખાતે બેઠક યોજાઈ હતી.
સંભાજી રાજાને લઈને શાહુ મહારાજ સાતારા આવ્યા હતા. સંભાજીનો મુકામ બે મહિના સુધી સાતારાના અદાલત વાડામાં હતો. એ વખતે 1731ની 13 એપ્રિલે બન્ને વચ્ચે થયેલી સંધિને 'વારણેની સંધિ' કહેવામાં આવે છે.
એ સંધિ અનુસાર એકમેકના પ્રદેશની સીમા નક્કી કરવામાં આવી હતી અને બન્ને રાજાઓએ એકમેકના અધિકારીઓને હઠાવવા સહિતના નિર્ણય લીધા હતા.
ઇમેજ સ્રોત, AMIT RANE
અંજિક્યતારા કિલ્લો, સાતારા
સાતારામાં શાહુ મહારાજના વારસદાર બાબતે સમસ્યા સર્જાઈ ત્યારે તારાબાઈએ અજ્ઞાતવાસમાં રહેતા તેમના પૌત્ર રામરાજેને શાહુ મહારાજ દ્વારા દત્તક લેવામાં આવે તેવા પ્રયાસ કર્યા હતા.
એ મુજબ રામરાજે જ સાતારાના વંશજ બન્યા હતા. એટલે કે તારાબાઈએ કોલ્હાપુર છોડીને જવું પડ્યું, પરંતુ સાતારામાં પોતાનો રાજવંશ સ્થાપિત કરવામાં તેઓ સફળ થયાં હતાં.
1749ની 25 ડિસેમ્બરે શાહુ રાજાનું મૃત્યુ થયું હતું. એ પછી રામરાજે સાતારાની ગાદી સંભાળી હતી.
રામરાજે પેશવાની સલાહને અનુસરતા હોવાનું થોડા સમય પછી ધ્યાનમાં આવ્યા બાદ તારારાણીએ, રામરાજે ખરા વારસદાર નથી એમ કહીને 1750માં કારભાર પોતાના હાથમાં લઈ લીધો હતો, પણ પેશવાએ સૈન્ય મારફત બળપ્રયોગ કરતાં તેમણે ફરી કારભાર છોડી દીધો હતો.
નાનાસાહેબ પેશવા અને તારારાણી વચ્ચે જોરદાર સંઘર્ષ થયો હતો.
પાનીપતનું યુદ્ધ અને ઇસ્લામિક ઇતિહાસકારોની નોંધ
ઇમેજ સ્રોત, AMIT RANE
અંજિક્યતારા કિલ્લો, સાતારા
1761ની 14 જાન્યુઆરીએ પાનીપતમાં મરાઠી સેન્યએ ભૂંડી હારનો સામનો કરવો પડ્યો હતો. એ પરાજયના આઘાતને કારણે 1761ની 23 જૂને નાનાસાહેબનું નિધન થયું હતું.
એ પછી 1761ની ચોથી ડિસેમ્બરે તારાબાઈનું અવસાન થયું હતું.
રાજારામ મહારાજના મૃત્યુને પગલે સર્જાયેલી પરિસ્થિતિમાં તારાબાઈએ જે અતુલ્ય શૌર્ય, સાહસ અને હોશિયારી દેખાડ્યાં હતાં તેની મુસ્લિમ ઇતિહાસકારોએ સરાહના કરી છે.
ઇતિહાસકાર ખાફીખાને લખ્યું છે, "તારાબાઈના માર્ગદર્શનમાં મરાઠા આંદોલને ગતિ પકડી હતી. તેમણે રાજ્યનો સમગ્ર કારભાર પોતાના હાથમાં લઈ લીધો હતો અને સેનાપતિની નિમણૂક તથા બીજા જરૂરી ફેરફાર કર્યા હતા, ગામડાંઓને સંગઠિત કર્યાં હતાં અને મુગલપ્રદેશમાં આક્રમણની યોજના બનાવી હતી."
"તેમણે દક્ષિણના છ પ્રાંતોમાં આક્રમણ માટે સૈન્ય મોકલવાની વ્યવસ્થા કરી હતી. તેમણે માલવાના સિરોંજ અને મંદસોર માટે પણ આવી વ્યવસ્થા કરી હતી."
"તેમણે તેમના સૈન્યના અધિકારીઓને એ હદે પોતાના બનાવી લીધા હતા કે ઔરંગઝેબે તેની કારકિર્દીના અંતે મરાઠાઓના વિનાશ માટે કરેલા તમામ પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા." (સંદર્ભઃ ઇન્ડિયા અન્ડર ઔરંગઝેબ, જદુનાથ સરકાર)
1699થી 1701 સુધી ઔરંગઝેબની સતત જીતનાં પરિણામે સર્જાયેલા સંકટમાંથી મરાઠા સામ્રાજ્યને બચાવવાનું બધું શ્રેય તારાબાઈના ચરિત્ર તથા શાસન કરવાની તેમની કુશળતાને આપવું પડે.
રામચંદ્ર પંત અમાત્ય બાવડેકરના વંશજ નીલ પંડિત બાવડેકરે બીબીસી મરાઠી સાથે વાત કરતાં કહ્યું હતું કે "તારારાણી આક્રમક રાજનેતા હતાં. તેઓ રાજકારણને સારી રીતે જાણતાં હતાં. તેથી તેઓ રાજ્યનો કારભાર સારી રીતે ચલાવી શક્યાં અને મુશ્કેલીમાંથી માર્ગ કાઢી શક્યાં."
ગુજરાત સહિતના પ્રદેશોમાં મરાઠા સૈન્ય ઘુસાડી ટક્કર આપી
ઇમેજ સ્રોત, FACEBOOK/CHHATRAPATI UDAYANRAJE BHONSLE
સાતારાના શાહુ મહારાજની સમાધિ
આવું જ મંતવ્ય ઇતિહાસના અભ્યાસુ યશોધન જોશીએ પણ બીબીસી મરાઠી સાથેની વાતચીતમાં વ્યક્ત કર્યું હતું.
તેમણે કહ્યું હતું કે "મહારાણી તારારાણી મરાઠા ઇતિહાસની એક અદ્ભુત ઘટના છે. તેઓ છત્રપતિ શિવાજી મહારાજથી માંડીને પાનીપત સુધીના લાંબા કાળખંડના સાક્ષી બન્યાં હતાં."
"યુદ્ધના મેદાનમાં ક્યારેય હાર ન સ્વીકારનારા તારારાણી કૌટુંબિક કલહ સામે હારી ગયાં હતાં. તારારાણીને મરાઠા ઇતિહાસની મોટી કરુણાંતિકા પણ કહી શકાય. આલમગીર વિરુદ્ધ યુદ્ધમેદાન ગજવી ચૂકેલાં તારારાણીના આયુષ્યનો એક મોટો હિસ્સો નજરકેદમાં પસાર થયો હતો."
તેમણે ઉમેર્યું હતું કે "શાહુ મહારાજના મૃત્યુ પછી રામરાજેને દત્તક લેવાના પ્રકરણમાં તારારાણીએ રાજકાજને પોતાના હાથમાં લેવાનો વધુ એક પ્રયાસ કર્યો હતો, પરંતુ એ પ્રયાસ સફળ થયો ન હતો."
"જોકે, મરાઠાઓની પડતીના સમયમાં મરાઠા સરદારોને સ્વરાજ્યના રક્ષણની પ્રેરણા આપવામાં તેમણે કદી પાછી પાની નહોતી કરી."
ઝલકારી બાઈ : એ દલિત મહિલા જેઓ ઝાંસીનાં રાણી સાથે મળીને અંગ્રેજો સામે લડ્યાં
તારારાણી અસાધારણ ધીરજ ધરાવતા શાસક હતાં, એવો અભિપ્રાય ઇતિહાસના અભ્યાસુ અને પ્રાધ્યાપક સુરેશ શિખરેએ વ્યક્ત કર્યો હતો.
બીબીસી મરાઠી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે "25 વર્ષની એક વિધવા રાણી મુગલ બાદશાહ ઔરંગઝેબ સામે સંઘર્ષ કરવા ઊભી થઈ હતી અને સતત સાત વર્ષ સુધી સંઘર્ષ કર્યો અને દુશ્મનની તમામ યોજના નિષ્ફળ બનાવી હતી."
"આ મરાઠા ઇતિહાસની એક અસામાન્ય ઘટના છે, તેવી જ રીતે અખંડ ભારતના લોકો માટે ગર્વ અને ઉત્સાહપ્રેરક છે. આઝાદીની લડાઈમાં એક યૌદ્ધા તરીકેની તેમની ભૂમિકા દૈદિપ્યમાન છે. મહારાણી તારાબાઈ તેજસ્વી હતાં."
સુરેશ શિખરેએ કહ્યું હતું કે "તેમણે વૈધવ્યના દુઃખને ગળી જઈને મરાઠા રાજ્યની પડતી અટકાવવા હાથમાં સત્તાનાં સૂત્રો તથા તલવાર લીધી હતી અને ઔરંગઝેબનો લશ્કરી પડકાર સ્વીકાર્યો હતો."
"તેમણે અસાધારણ ધૈર્ય દાખવીને મરાઠા રાજ્યના કારભારની તમામ જવાબદારી સંભાળી હતી. તેમણે મુગલ દળોને ભગાડવા માટે આક્રમણ વલણ અપનાવ્યું હતું. વર્હાડ, ખાનદેશ, ગુજરાત, માળવા વગેરે જેવા મુગલ પ્રદેશોમાં પોતાનું સૈન્ય ઘુસાડ્યું હતું અને મુગલ સત્તાધીશોને હંફાવ્યા હતા."
"કાબુલથી બંગાળ સુધી અને કાશ્મીરથી કાવેરી સુધી ફેલાયેલા સામ્રાજ્યના બાદશાહ સામે સતત 25 વર્ષ સુધી લડતા રહીને તેમણે મરાઠા રાજ્યને જીવંત રાખ્યું એ મરાઠાઓના સ્વાતંત્ર્યના યુદ્ધના છેલ્લા તબક્કાની વિશિષ્ટતા છે."
"તેમણે ઔરંગઝેબ સામે નિર્ણાયક યુદ્ધ ન કર્યું, પણ મૃત્યુ સુધી તેની સાથે ગેરિલા યુદ્ધ લડ્યાં અને આખરે તેને હરાવ્યો. જે બાદશાહ ઔરંગઝેબ મહારાષ્ટ્રને ગુલામ બનાવવા અધીરો હતો એને મહારાષ્ટ્રની માટીમાં જ દફનાવ્યો."
ઇમેજ સ્રોત, FACEBOOK/CHHATRAPATI UDAYANRAJE BHONSLE
મહારાણી તારારાણીની સમાધિ
પન્હાલામાંનો તારારાણીનો વાડો આજે પણ સારી રીતે જાળવી રાખવામાં આવ્યો છે. કિલ્લાના ભવ્ય દરવાજા 300 વર્ષ પછી પણ અડીખમ છે. દરવાજા પર મહાદેવની પ્રતિમા આજે પણ ચમકી રહી છે.
પથ્થરની મોટી દીવાલો પરની સીડી ભૂતકાળની ભવ્યતાની સાખ પૂરે છે. વાડાના બીજા માળ પરનું લાકડીનું નકશીકામ આજે પણ ઉત્તમ સ્થિતિમાં છે.
વાડાના ચોક નજીક જેલની કોટડીઓ તથા દરવાજા જોવા મળે છે. તેમાંનો પથ્થરનો સ્તંભ તેની તાકાતનો દ્યોતક છે. બારીની ઉપર ગણેશજીની કોતરેલી મૂર્તિ છે. વાડાના પરિસરમાંનું છત્રપતિ શિવાજી મહારાજનું અને મહાદેવનું મંદિર પણ છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો