ગુજરાત ગ્રામપંચાયત ચૂંટણી : અહીં કોઈ ઉમેદવારે ફૉર્મ ન ભર્યું અને મતદાન પણ નહીં થાય, પણ કેમ?

  • ભાર્ગવ પરીખ
  • બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાં ગ્રામપંચાયતની ચૂંટણી 19 ડિસેમ્બરે થવાની છે, લગભગ બધાં ગામોમાં સરપંચની ચૂંટણી માટે ઉમેદવારોનાં ફૉર્મ ભરાઈ ગયાં છે; પણ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નાનકડા ગામ ટુંકીવાજુના આદિવાસી મતદારોએ નેતાઓને લોઢાના ચણા ચાવવા મજબૂર કરી દીધા છે.

પંચમહાલના નાનકડા એવા આદિવાસી ગામમાં એક એવો નિર્ણય કરાયો કે ગ્રામપંચાયતની ચૂંટણીમાં બે વૉર્ડમાં એક પણ ઉમેદવાર ઊભા ન રહી શક્યા.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ગુજરાતના આ ગામના લોકોએ ગ્રામપંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કેમ કર્યો?

કારણ કે ગામના બે વૉર્ડની મતદારયાદીમાં ફેરફાર થયો, યાદીમાં મતદારોનાં નામો આ વર્ષે અચાનક બદલાઈ ગયાં.

આ ગામના વૉર્ડ નંબર છ અને સાતના મતદારોનાં નામ ઊલટસૂલટ થઈ ગયાં છે. મતદારોએ મતદારયાદી સુધારવાની માગ કરી હતી, સુધારો ન કરાતાં વૉર્ડના લોકો ચૂંટણીમાં ભાગ લઈ રહ્યા નથી.

વિરોધ છતાં સાંભળનાર ન હોઈ લેવાયો નિર્ણય

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

આ ગામના લોકોનું કહેવું છે કે મતદારયાદી બદલવા સામે વિરોધ કર્યો પણ એમનું સાંભળવાવાળું કોઈ ન હતું

આ ગામના લોકોએ મતદારયાદી બદલવા સામે વિરોધ કર્યો પણ તેમની માગણી અંગે કોઈ નિવેડો ન આવ્યો.

'અમારા વૉર્ડમાં કોઈ રાજકીય પક્ષના લોકોએ ના આવવું', આ જાહેરાત સાથે પણ અહીંના લોકોએ વિરોધ કર્યો પણ એની કોઈ અસર થઈ નહીં.

ગામના યુવાન જસુ ડામોરે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમારું ગામ નાનું છે, અમારા બે વૉર્ડનાં ફળિયાઓમાં ઘણી સમસ્યા હતી અને અમે જ્યારે તકલીફોની વાત કરતા ત્યારે અમને જવાબ મળતો હતો કે 'અન્યને વોટ આપ્યો છે, તો ત્યાં જઈને ફરિયાદ કરો.'"

તેઓ આગળ કહે છે કે, "અમારા ગામના વૉર્ડ નંબર છ અને સાતના મતદારોમાંથી મોટાભાગનાએ નક્કી કર્યું કે આ વખતે સરપંચ એમની મરજીનો થવો જોઈએ, જેથી ગામના વિકાસનાં કામો સરખી રીતે થાય અને લોકોની તકલીફોનો નિષ્પક્ષ રીતે નિકાલ લાવી શકાય."

'મતદારયાદીમાં પણ નામ બદલાયાં'

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

શું આવો વિરોધ મતદારોની જાગૃતિમાં વધારાની નિશાની છે?

ડામોર કહે છે, "અમારા બે વૉર્ડ સરપંચ નક્કી કરવા માટે નિર્ણાયક હતા, અમારા હાથમાં નવી મતદારયાદી આવી તો ખબર પડી કે જે મતદારો બોલકા હતા, એમને બે વૉર્ડમાં વહેંચી દેવાયા હતા."

"જેથી અમે ચૂંટણીમાં નિર્ણાયક મતદાર ન બની શકીએ, અમે આનો વિરોધ કર્યો પણ કોઈ સાંભળનાર ન હતું."

ગામના અગ્રણી અને વૉર્ડ નંબર સાતના રહેવાસી ભલાભાઈ રાઠવાએ કહ્યું, "જે રીતે નવી મતદારયાદી બનાવાઈ છે, એના કારણે અમે ધારીએ એ વ્યક્તિને ચૂંટી નહીં શકીએ."

ભલાભાઈ જણાવે છે કે, "બીજા લોકો ખુલ્લેઆમ વિરોધ કરવા તૈયાર ન હતા, એટલે અમે બે વૉર્ડના લોકોએ શપથ લીધા કે જ્યાં સુધી મતદારયાદીમાં સુધારો ન થાય, ત્યાં સુધી ચૂંટણી ન થવી જોઈએ."

"એટલે અમે પંચાયતની ઑફિસની બહાર ઊભા રહ્યા અને કોઈને ફૉર્મ ભરવા ન દીધાં. જેના કારણે અમારા આ બે વૉર્ડમાં કોઈ ઉમેદવાર ફોર્મ ભરી નથી શક્યો."

આ મામલે સેફોલોજિસ્ટ એમ. આઈ. ખાને કહ્યું કે, "આ આદિવાસીઓમાં આવેલી જાગૃતિનું પરિણામ છે."

"ભૂતકાળમાં લોકો ચૂંટણી સમયે રાજકારણીઓનો બહિષ્કાર કરતા હતા, તો લોકો નોટાનો ઉપયોગ કરતા હતા પણ ગુજરાતમાં આવો અનોખો વિરોધ પહેલીવાર થયો છે, જે બતાવે છે કે મતદારોમાં જાગૃતિ આવી રહી છે અને એ લોકશાહી માટે સારી નિશાની છે."

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો