ઓમિક્રૉનનો ફફડાટ : ગુજરાતમાં કોરોનાના એક જ દિવસમાં 70 નવા કેસ

ગુજરાતમાં ફરી એક વખત કોરોના વાઇરસના નવા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.

ગુરુવારે સાંજે ગુજરાતના આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં 24 કલાકમાં નવા 70 કેસ નોંધાયા છે.

ઇમેજ સ્રોત, Hindustan Times

આ સાથે જ 24 કલાકમાં ગુજરાતમાં 28 કોરોનાના દરદી રિકવર પણ થયા હતા.

ગુજરાતમાં અત્યારે કોરોનાના કુલ ઍક્ટિવ કેસની સંખ્યા 454 છે.

ગુજરાતમાં સતત વધી રહેલા કેસ

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ બુધવારે ગુજરાતમાં કોરોનાના નવા 67 કેસ નોંધાયા હતા, આ પૈકી એક તૃતીયાંશ કેસ અમદાવાદમાં નોંધાયા હતા.

સુરત સિટીમાં 11, વડોદરા અને જામનગરમાં સાત-સાત અને સુરતમાં ચાર કેસ સામે આવ્યા હતા.

અખબાર લખે છે કે નિષ્ણાતો કહે છે કે કોરોના વાઇરસ સંક્રમણમાં મૃત્યુદર ઓછો છે, છતાં સાવચેત રહેવાની જરૂર છે.

રોહિત શર્મા વન ડેના કૅપ્ટન, કોહલી માત્ર ટેસ્ટ ટીમના કૅપ્ટન

ઇમેજ સ્રોત, Kai Schwoerer

ઇમેજ કૅપ્શન,

રોહિત શર્મા એકદિવસીય ટીમના કૅપ્ટન, કોહલી માત્ર ટેસ્ટ ટીમના કૅપ્ટન

દક્ષિણ આફ્રિકા સાથે સિરીઝ માટે ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી તેની સાથે બીસીસીઆઈએ રોહિત શર્માને કૅપ્ટન બનાવવાની જાહેરાત કરી. એટલે હવે વિરાટ કોહલી ટી20ની સાથે-સાથે વન ડેમાં પણ રોહિત શર્માની કપ્તાનીમાં રમશે.

જોકે દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ ટીમનું નેતૃત્વ વિરાટ કોહલી જ કરશે અને રોહિત શર્મા ટીમના નવા વાઇસ કૅપ્ટન હશે.

ભારતીય ચયનકર્તાઓએ દક્ષિણ આફ્રિકામાં રમાનાર ત્રણ ટેસ્ટમૅચની સિરીઝ માટે 18 સભ્યોની ટીમની જાહેરાત કરી. ચયનકર્તાઓએ ટીમની કપ્તાનીમાં તો ફેરફાર નથી કર્યા પરંતુ વાઇસ કૅપ્ટનની જગ્યા રોહિત શર્માએ લીધી હતી.

પત્રકાર જમાલ ખાશોગીની હત્યાના મામલામાં પકડાયેલ વ્યક્તિને છોડવામાં આવી

ઇમેજ સ્રોત, AFP

ફ્રાન્સના અધિકારીઓએ પત્રકાર જમાલ ખાશોગીની હત્યાના મામલામાં પકડાયેલી સાઉદી વ્યક્તિને છોડી દીધી છે. અધિકારીઓએ કહ્યું કે આ વ્યક્તિને ખોટી ઓળખના આધારે પકડવામાં આવી હતી.

33 વર્ષીય ખાલિદ અલોતૈબીની તુર્કીમાં જારી વૉરન્ટના આધાર પર મંગળવારના પેરિસના એક ઍરપૉર્ટથી ધરપકડ કરવામાં આવી હતી. આ નામના એક સાઉદી સૈનિક (રૉયલ ગાર્ડ)ને અમેરિકા ખાશોગીની હત્યાના આરોપીઓમાંથી એક માને છે.

અધિકારીઓનું કહેવું છે કે આને કારણે અલોતૈબીની ધરપકડ કરી હતી.

તુર્કીના ઇસ્તાંબુલમાં સાઉદી વાણિજ્ય દૂતાવાસની અંદર વર્ષ 2018માં જમાલ ખાશોગીની હત્યા કરી નાખવામાં આવી હતી. અમેરિકામાં રહેનારા સાઉદી પત્રકાર ખાશોગી સાઉદી સરકારના આલોચક હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો