જનરલ બિપિન રાવત પર પીએમ નરેન્દ્ર મોદીને આટલો ભરોસો કેમ હતો?

  • રજનીશકુમાર
  • બીબીસી સંવાદદાતા

ભારતના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું આઠમી ડિસેમ્બરે તામિલનાડુના કુન્નૂરમાં હવાઈદળના હેલિકૉપ્ટરની દુર્ઘટનામાં મૃત્યુ થયું છે.

જનરલ રાવત અંગે શોકસંદેશો ટ્વીટ કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "જનરલ બિપિન રાવત એક શાનદાર સૈનિક હતા. સાચા દેશભક્ત, જેમણે સૈન્યના આધુનિકીકરણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી."

"વ્યૂહાત્મક અને યુદ્ધકૌશલસંબંધી બાબતોમાં એમનો દૃષ્ટિકોણ 'અતુલ્ય' હતો. તેઓ નથી રહ્યા એથી હું અત્યંત દુઃખી થયો છું. ભારત તેમના યોગદાનને ક્યારેય ભૂલશે નહીં."

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

31 ડિસેમ્બર 2016એ જ્યારે જનરલ બિપિન રાવતને ભૂમિદળની કમાન સોંપવામાં આવી ત્યારે જ સમજાઈ ગયું હતું કે વડા પ્રધાન મોદીને તેમના પર ખૂબ જ ભરોસો છે

31 ડિસેમ્બર 2016એ જ્યારે જનરલ બિપિન રાવતને ભૂમિદળની કમાન સોંપવામાં આવી ત્યારે જ સમજાઈ ગયું હતું કે વડા પ્રધાન મોદીને તેમના પર ખૂબ જ ભરોસો છે.

જનરલ રાવત ભૂમિદળના પ્રમુખ બન્યા એ કોઈ સામાન્ય પ્રક્રિયા નહોતી. એમનાથી સિનિયર બે વરિષ્ઠ અધિકારીઓની ઉપેક્ષા કરીને એમને સેનાનું નેતૃત્વ સોંપાયું હતું.

જો પારંપરિક પ્રક્રિયાથી સેનાપ્રમુખની નિયુક્તિ થઈ હોત તો, વરિષ્ઠતાના ક્રમાંકે ત્યારના ઇસ્ટર્ન કમાન્ડના પ્રમુખ જનરલ પ્રવીણ બક્ષી અને દક્ષિણ કમાન્ડના પ્રમુખ પી. મોહમ્મદ અલી હારિજનો વારો હતો.

જનરલ રાવત માટે વરિષ્ઠતાની ઉપેક્ષા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

મોદી સરકારે સિનિયૉરિટીના બદલે એ બંનેના જુનિયર જનરલ રાવતને પસંદ કર્યા

પરંતુ મોદી સરકારે સિનિયૉરિટીના બદલે એ બંનેના જુનિયર જનરલ રાવતને પસંદ કર્યા. ત્યારે કોઈ નિષ્ણાતે કહેલું કે જનરલ રાવત ભારતના સુરક્ષાસંબંધી વર્તમાન પડકારો સામે ઝીંક ઝીલવામાં સમર્થ છે.

તે સમયે ભારતની સામે ત્રણ મોટા પડકારો હતા : સરહદપારના આતંકવાદને અંકુશમાં રાખવો, પશ્ચિમ છેડે છદ્મ યુદ્ધને રોકવું અને પૂર્વોત્તર ભારતમાં ઉગ્રવાદની લગામ ખેંચવી.

ત્યારે જનરલ રાવત વિશે એમ કહેવાયું હતું કે છેલ્લા ત્રણ દાયકાથી અથડામણોવાળાં ક્ષેત્રોમાં લશ્કરી અભિયાનોને સફળ કરવા માટે એમની પાસે પૂરતો અનુભવ છે.

જનરલ રાવતને ઉગ્રવાદ અને લાઇન ઑફ કન્ટ્રોલના પડકારોનો સામનો કરવાનો પણ એક દાયકાનો અનુભવ હતો.

પૂર્વોત્તર ભારતમાં ઉગ્રવાદને કાબૂમાં કરવા અને મ્યાંમારમાંના વિદ્રોહીઓના કૅમ્પ્સને નષ્ટ કરવામાં પણ જનરલ રાવતની ભૂમિકા મહત્ત્વપૂર્ણ મનાય છે. 1986માં જ્યારે ચીન સાથેનો તણાવ વધી ગયેલો ત્યારે જનરલ રાવત સરહદ પરની એક બટાલિયનના કર્નલ કમાન્ડિંગ હતા.

કહેવાય છે કે જનરલ રાવતની કરિયરના આ અનુભવોના કારણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રભાવિત થયા હતા અને એમને સૈન્યનું નેતૃત્વ સોંપવામાં સિનિયૉરિટીની પરવા ન કરી.

જોકે, ભારતની સેનામાં પ્રમુખની નિયુક્તિ કરવામાં વરિષ્ઠતાની ઉપેક્ષા કરનારા નરેન્દ્ર મોદી પહેલા વડા પ્રધાન નથી.

એમના પહેલાં 1983માં તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ પણ લેફ્ટનન્ટ જનરલ એસ.કે. સિન્હાની વરિષ્ઠતાની પરવા કર્યા વિના એમના જુનિયર લેફ્ટનન્ટ જનરલ એ. એસ. વૈદ્યને સેનાની કમાન સોંપી હતી.

ઇન્દિરા ગાંધીના એ ફેંસલાના વિરોધમાં જનરલ એસ.કે. સિન્હાએ રાજીનામું આપ્યું હતું.

ઇન્દિરા ગાંધીએ 1972માં પણ આવું જ કરેલું. ત્યારે એમણે ખૂબ જ લોકપ્રિય લેફ્ટનન્ટ જનરલ એસ. ભગતની સિનિયૉરિટીની ઉપેક્ષા કરીને એમના જુનિયર લેફ્ટનન્ટ જનરલ જી.જી. બેવૂરને સેનાનું નેતૃત્વ સોંપ્યું હતું.

લાલ કિલ્લા પરથી સીડીએસની ઘોષણા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

15 ઑગસ્ટ 2019, સ્વતંત્રતા દિવસની 73મી જયંતીએ લાલ કિલ્લા પરથી અપાયેલા ભાષણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આર્મી, નેવી અને ઍરફૉર્સ વચ્ચે સારા સમન્વય માટે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફનું પદ બનાવવાની ઘોષણા કરી હતી

15 ઑગસ્ટ 2019, સ્વતંત્રતા દિવસની 73મી જયંતીએ લાલ કિલ્લા પરથી અપાયેલા ભાષણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આર્મી, નેવી અને ઍરફૉર્સ વચ્ચે સારા સમન્વય માટે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફનું પદ બનાવવાની ઘોષણા કરી હતી.

ત્યારે પીએમ મોદીએ કહેલું, "સમયસર સુધારાની જરૂર છે. સૈન્યવ્યવસ્થામાં સુધાર માટે ઘણા રિપૉર્ટ મળ્યા છે."

"આપણાં લશ્કરની ત્રણે પાંખ વચ્ચે તાલમેલ તો છે પણ આજે જે રીતે દુનિયા બદલાઈ રહી છે, આજે જે રીતે તકનીક આધારિત વ્યવસ્થાઓનું નિર્માણ થઈ રહ્યું છે, એમાં ભારતે પણ ટુકડાઓમાં ન વિચારવું જોઈએ."

"ત્રણે સેનાએ એકસાથે રહેવું પડશે. વિશ્વમાં બદલાયેલા યુદ્ધના સ્વરૂપ અને સુરક્ષા અનુસાર આપણું સૈન્ય હોવું જોઈએ. આજે અમે નિર્ણય કર્યો છે કે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફની વ્યવસ્થા કરીશું અને સીડીએસ સેનાની ત્રણે પાંખ વચ્ચે સમન્વય (તાલમેલ) સ્થાપવાનું કામ કરશે."

પીએમ મોદીએ આ જવાબદારી માટે પણ જનરલ રાવત પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. ભારતમાં પહેલી વાર ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ પદની વ્યવસ્થા કરવામાં આવી અને એ પદ મળ્યું જનરલ બિપિન રાવતને.

31 ડિસેમ્બર 2019એ જનરલ રાવત સેનાપ્રમુખના પદ પરથી નિવૃત્ત થયા અને એમને સીડીએસની નવી જવાબદારી મળી ગઈ. જનરલ રાવત જ્યારે સેનાપ્રમુખ બનેલા ત્યારે થોડાક જ મહિનામાં ડોકલામમાં ચીન સાથે તણાવની સ્થિતિ ઊભી થઈ હતી.

ડોકલામ ભુતાનમાં છે અને ત્યાં ચીન પોતાનું સૈન્યથાણું (બૅઝ) બનાવતું હતું. ભારતે ત્યાં પોતાના સૈનિકોને તહેનાત કરી દીધા અને કહેવાય છે કે એ સેનાપ્રમુખ જનરલ રાવતની આક્રમક લશ્કરી રણનીતિનો ભાગ છે.

અઢી મોરચે તૈયારી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

જનરલ રાવતે ડોકલામ સંકટ દરમિયાન કહેલું કે યુદ્ધ માટે ભારત અઢી મોરચે તૈયાર છે

જનરલ રાવતે ડોકલામ સંકટ દરમિયાન કહેલું કે યુદ્ધ માટે ભારત અઢી મોરચે તૈયાર છે. અહીં અઢી મોરચાનો અર્થ ચીન, પાકિસ્તાન અને ભારતના આંતરિક વિદ્રોહીઓ એવો છે. જનરલ રાવતના આ નિવેદન પછી ચીન તરફથી આકરી આપત્તિ આવી હતી.

પરંતુ જનરલ રાવતના નિવેદનમાં ઘણી વાર વિરોધાભાસ હતો. ઘણા સુરક્ષા વિશેષજ્ઞો માને છે કે જો તમારી પૂરતી તૈયારી હોય તો પણ બે મોરચે પડકારોનો સામનો કરવો આસાન કામ નથી, એટલા માટે કૂટનીતિનો સહારો લેવો પડે છે.

દુનિયાના ઇતિહાસમાં જ્યારે પણ કોઈ દેશે બે મોરચે લડાઈ લડી છે તો એના માટે મુશ્કેલીઓમાં વધારો થયો છે અને આસાન નથી રહ્યું.

પીએમ મોદી જનરલ રાવત પર આટલો ભરોસો કેમ કરતા હતા?

આમ પુછાતાં સુરક્ષા વિશ્લેષક રાહુલ બેદીએ કહ્યું કે, "બિપિન રાવતને સીડીએસની જવાબદારી ત્યારે સોંપાઈ હતી જ્યારે એ પદ પર નિયુક્તિના કોઈ નિયમ નહોતા. એ કારણે પણ, જનરલ રાવતને આ પદ સોંપવું મહત્ત્વનું હતું અને સરળ પણ."

"જનરલ રાવતને સેનામાં સુધારા, ડિફેન્સ ઇકૉનૉમી અને સેનાની ત્રણે પાંખ વચ્ચે સમન્વય માટે સીડીએસ બનાવાયા હતા. હજી એમનો એક વર્ષનો કાર્યકાળ બાકી હતો."

"પીએમ મોદીના ભરોસાનું એક મોટું કારણ વૈચારિક સમાનતા પણ હોઈ શકે છે. જનરલ રાવત લાગલાગટ રાજકીય નિવેદનો આપતા હતા અને એ નિવેદનોમાં જે વિચારો પ્રગટ થતા હતા એ બીજેપીની વિચારધારાની નજીકના દેખાતા હતા."

"એ ઉપરાંત, જનરલ રાવત દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે નજીકનો સંબંધ ધરાવતા હતા. પીએમ મોદી અજિત ડોભાલનું પણ ખાસ્સું ધ્યાન રાખે છે."

2016માં પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં સર્જિકલ સ્ટ્રાઇક થઈ તેમાં પણ જનરલ રાવતની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોવાનું મનાય છે.

ભારતના જાણીતા યુદ્ધનીતિ વિશેષજ્ઞ બ્રહ્મા ચેલાનીએ જનરલ રાવતના મૃત્યુ વિશે ટ્વિટ કરીને લખ્યું છે, "છેલ્લા 20 મહિનાથી હિમાલયન ફ્રન્ટ પર ચીનની આક્રમકતાના કારણે યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ છે, આવા સમયે જનરલ રાવતનું મૃત્યુ અત્યંત દુઃખદ છે."

"જનરલ રાવત સીધું અને સ્પષ્ટ બોલતા હતા. જ્યારે સરકાર તરફથી ચીનનું નામ લેવામાં પણ સંકોચ કરાતો હતો ત્યારે જનરલ રાવત ચીનનું નામ લઈને બોલતા હતા."

જનરલ રાવતનાં વિવાદિત નિવેદન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

નિષ્ણાતોના મતે જનરલ રાવતનાં નિવેદનો ત્યારે જ અટક્યાં હશે જ્યારે સરકાર તરફથી એમને બંધ કરવાનું કહેવામાં આવ્યું હોય

જનરલ બિપિન રાવતે 26 ડિસેમ્બર 2019એ કહેલું, "નેતા એ છે જે સાચી દિશામાં લોકોનું નેતૃત્વ કરે છે. યુનિવર્સિટી અને કૉલેજના વિદ્યાર્થીઓની મોટી સંખ્યા જે રીતે વિરોધ-પ્રદર્શન કરે છે એનાથી શહેરોમાં હિંસા અને આગ લગાડવાના બનાવો વધી રહ્યા છે. નેતૃત્વ આવું ન હોવું જોઈએ."

જનરલ રાવતના આ નિવેદન સામે વિપક્ષી પાર્ટીઓ તરફથી આકરી પ્રતિક્રિયાઓ થઈ હતી.

સીપીએમ મહાસચિવ સીતારામ યેચૂરીએ સખત વાંધો ઉઠાવીને કહેલું કે, "જનરલ રાવતના આ નિવેદનથી એ સ્પષ્ટ થઈ જાય છે કે મોદી સરકારમાં સ્થિતિ એટલી બગડી ગઈ છે કે સેનાના ઉચ્ચ પદ પર બેઠેલા વ્યક્તિ પોતાની સંસ્થાગત ભૂમિકાની સીમાઓનું ઉલ્લંઘન કરે છે."

"આવી સ્થિતિમાં એવો સવાલ થાય એ વાજબી છે કે આપણે સૈન્યનું રાજનીતિકરણ કરીને પાકિસ્તાનના માર્ગે તો નથી ચાલી રહ્યા ને? લોકતાંત્રિક આંદોલનો વિશે આ પહેલાં લશ્કરના કોઈ ઉચ્ચ પદાધિકારીએ આવું નિવેદન કર્યાનું ઉદાહરણ આઝાદ ભારતના ઇતિહાસમાં જોવા નથી મળતું."

યેચૂરીએ સેનાપ્રમુખને એમણે કરેલા નિવેદન બદલ દેશની માફી માગવા કહેલું. સાથે જ સીપીએમએ સરકાર સમક્ષ, આ બાબતને જાણી-સમજી, જનરલની ટીકા કરવાની માગ કરી હતી.

જનરલ રાવતના આ નિવેદન અંગે એઆઇએમઆઇએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ પણ વાંધો ઉઠાવ્યો હતો. એમણે કહેલું કે, "પોતાના હોદ્દાની સીમાઓનું ધ્યાન રાખવું એ જ નેતૃત્વ છે. નાગરિકોની સર્વોચ્ચતા અને જે સંસ્થાના તમે પ્રમુખ છો એની અખંડતાનું રક્ષણ કરવાના વિષયમાં છે."

રાહુલ બેદી જણાવે છે કે જનરલ રાવતનાં નિવેદનો ત્યારે જ અટક્યાં હશે જ્યારે સરકાર તરફથી એમને બંધ કરવાનું કહેવામાં આવ્યું હોય.

જનરલ રાવત ચીનની બાબતમાં ખુલ્લેઆમ બોલતા હતા. તાજેતરમાં જ જનરલ રાવતે કહેલું કે ભારત માટે પાકિસ્તાન નહીં, ચીન ખતરો છે.

ઘણી વાર સરકારને જનરલ રાવતના નિવેદનના કારણે રાજદ્વારી સંબંધોમાં અસ્વાભાવિકતાનો સામનો કરવો પડ્યો છે.

અત્યારે ચીને પૂર્વીય લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણરેખા પર એપ્રિલ 2020 પહેલાંની જે સ્થિતિ હતી તેને બદલી નાખી છે અને આવું જનરલ રાવત સીડીએસ હતા ત્યારે બન્યું છે.

એવી ઘણી બાબતો છે જે હવે પછી આવનારા સીડીએસ માટે મોટા પડકારરૂપ હશે.

જનરલ રાવત ઇઝરાયલ સાથે લશ્કરી સંબંધો વધારવાનો મત ધરાવતા હતા. ઇઝરાયલના વરિષ્ઠ નેતૃત્વ તરફથી એમના મૃત્યુ અંગે દુઃખ પ્રગટ કરતા ઘણા સંદેશા મળ્યા છે. વડા પ્રધાન નેફ્ટાલી બેનૅટથી માંડીને ત્યાંના પૂર્વ વડા પ્રધાન સુધીનાઓએ દુઃખની લાગણી પ્રકટ કરી છે.

ઇઝરાયલના રિટાયર્ડ આર્મી જનરલ બેની ગેંટ્જએ ટ્વિટ કરીને કહ્યું કે, "જનરલ રાવત ઇઝરાયલ ડિફેન્સ ફોર્સના સાચા પાર્ટનર હતા. બંને દેશો વચ્ચે સુરક્ષા સહયોગ વધારવામાં જનરલ રાવતની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી. તેઓ નજીકના ભવિષ્યમાં જ ઇઝરાયલ આવવાના હતા."

ઇઝરાયલની બાબતમાં મોદી સરકાર પણ પહેલાંની સરકારોની તુલનામાં ઘણી અલગ રહી છે. વડા પ્રધાન તરીકે ઇઝરાયલ ગયા હોય તેવી નરેન્દ્ર મોદી પહેલી વ્યક્તિ છે. એમના પહેલાંના વડા પ્રધાનો ઇઝરાયલ જવામાં ખંચકાતા હતા.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો