જનરલ બિપિન રાવતનું ખાલી પડેલું સીડીએસનું પદ કોને મળશે?

  • સરોજ સિંહ
  • બીબીસી સંવાદદાતા

જનરલ બિપિન રાવત ભારતના પહેલા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) હતા.

માર્ચ 2023 સુધી સીડીએસ તરીકેની જવાબદારીનો કાર્યભાર તેમણે સંભાળવાનો હતો.

હેલિકૉપ્ટર દુર્ઘટનામાં જનરલ બિપિન રાવતનું મૃત્યુ થયું હોવાની સત્તાવાર જાહેરાત થયાના તુરંત બાદ બુધાવારે સાંજે કૅબિનેટ કમિટી ઑન સિક્યૉરિટી (સીસીએસ)ની બેઠક મળી હતી.

ઇમેજ સ્રોત, Hindustan Times

સુરક્ષા બાબતોની મંત્રીમંડળીય સમિતિ (સીસીએસ)ની બેઠકમાં ઉપસ્થિત સૌને સેનાપ્રમુખે હેલિકૉપ્ટર દુર્ઘટનાની તાજા સ્થિતિની જાણકારી આપી હતી. આ બેઠક પૂરી થતાની સાથે જ જનરલ બિપિન રાવતના ઉત્તરાધિકારી વિશે ચર્ચા થવા માંડી.

ભારતના હવે પછીના સીડીએસ કોણ હશે? ક્યાં સુધીમાં એમના નામની જાહેરાત થશે? પૂર્ણકાલીન હશે કે પછી આગામી એક વર્ષ માટે? - આ બધા સવાલો અંગે ભારત સરકાર તરફથી કોઈ માહિતી પ્રસારિત નથી થઈ.

આ બધી બાબતો અંગે સોશિયલ મીડિયા પર અલગ-અલગ અનુમાનો થઈ રહ્યાં છે.

બીબીસીએ આ અંગે સુરક્ષા ક્ષેત્ર સાથે સંકળાયેલા વરિષ્ઠ નિવૃત્ત અધિકારીઓ પાસેથી એમના મત જાણ્યા.

જનરલ બિપિન રાવત ક્યારે અને કઈ રીતે બન્યા સીડીએસ?

જાણકારો કહે છે કે સીડીએસની પસંદગીપ્રક્રિયા અને પદની યોગ્યતા વિશે કેન્દ્ર સરકારે કોઈ રૂલ બુક સાર્વજનિક નથી કરી.

જનરલ બિપિન રાવત ભારતના પહેલા સીડીએસ હશે એવી જાહેરાત 20 ડિસેમ્બર 2019એ કેન્દ્ર સરકાર તરફથી પ્રસારિત કરાયેલી પ્રેસનોટના માધ્યમથી કરવામાં આવી હતી, જેમાં એને કેન્દ્ર સરકારનો નિર્ણય જણાવાયો હતો.

જનરલ રાવતનો કાર્યકાળ પૂરો થવામાં હજી લગભગ એક વર્ષ કરતાં વધારે સમય બાકી હતો. કદાચ એમના નિવૃત્તિકાળની નજીક કેન્દ્ર સરકાર એના (સીડીએસની નિમણૂકના) નિયમો અંગે કશી તૈયારી કરત.

પરંતુ આ દુર્ઘટનાના કારણે હવે સીડીએસનું પદ ખાલી થયું છે.

જાણકારો માને છે કે મોદી સરકાર દ્વારા સુરક્ષા ક્ષેત્રે કરાયેલાં પરિવર્તનોમાં આ એક સૌથી મહત્ત્વપૂર્ણ પરિવર્તન હતું, એ કારણે આ પદને વધારે દિવસો સુધી ખાલી પણ રાખી શકાશે નહીં.

એના મહત્ત્વનું અનુમાન આપણે એ વાત દ્વારા પણ કરી શકીએ કે આ નવા પદનો ઉલ્લેખ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2019માં લાલ કિલ્લા પરથી અપાયેલા 15 ઑગસ્ટના ભાષણમાં કર્યો હતો અને એ જ વર્ષે ડિસેમ્બરના છેલ્લા દિવસે એમને હોદ્દો સંભાળવાનો આદેશ અપાયો હતો.

આમ જુઓ તો કારગિલ યુદ્ધ પછી આવું કોઈ પદ હોવું જોઈએ એવી ચર્ચાઓ કરવામાં આવતી હતી. પાછળથી પૂર્વ કૅબિનેટ સચિવ નરેશચંદ્રની અધ્યક્ષતાવાળી સમિતિએ પણ એની ભલામણ કરી હતી.

જનરલ બિપિન રાવતના અકાળ મૃત્યુને કારણે હવે આ પદ પર કોણ, કઈ રીતે અને કોની નિયુક્તિ થશે, એ મુદ્દે ભારતમાં ઘણા લોકો સવાલ પૂછે છે.

સીડીએસની જવાબદારી

ઇમેજ સ્રોત, Twitter/@NarendraModi

ઇમેજ કૅપ્શન,

સીડીએસ જનરલ બિપિન રાવત અને નરેન્દ્ર મોદી, વડા પ્રધાન મોદીએ આ તસવીર ટ્વીટ કરીને બિપિન રાવતના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો.

સીડીએસની મુખ્ય જવાબદારી અંગે જાણકારી આપતાં કેન્દ્ર સરકારે કહેલું કે સીડીએસનું કામ ભૂમિદળ, વાયુદળ અને નૌકાદળનાં કામકાજમાં સારો તાલમેળ બેસાડવાનું અને દેશની સૈન્યશક્તિને વધારે મજબૂત કરવાનું હશે.

એમની જવાબદારી સુરક્ષામંત્રીના મુખ્ય સૈન્ય સલાહકાર તરીકેની છે, ત્રણે સેનાઓની બાબતો એમને અધીન હશે. ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (ડીએસી) અને ડિફેન્સ પ્લાનિંગ કમિશન (ડીપીસી) જેવા સુરક્ષા મંત્રાલયના સમૂહમાં સીડીએસનું સ્થાન હશે.

લેફ્ટનન્ટ જનરલ સતીશ દુઆ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફના પ્રમુખપદ પર હતા, હવે સેવાનિવૃત્ત છે.

બીબીસી સાથેની વાતચીતમાં એમણે સ્પષ્ટ કહ્યું કે આ પદ માટે યોગ્યતા, નિયુક્તિ અને હવે પછી કોણ હશે જેવી બાબતો માટે અત્યારે હાલ તો કોઈ પૉલિસી સાર્વજનિક નથી.

એ કારણે, લેફ્ટનન્ટ જનરલ (રિટાયર્ડ) સતીશ દુઆએ કહ્યું કે, નવા સીડીએસની પસંદગીની ચોક્કસ પ્રક્રિયા જણાવવી મુશ્કેલ છે.

પોતાના અનુભવોના આધારે તેમણે કહ્યું કે, "સુરક્ષા મંત્રાલયે કૅબિનેટ કમિટી ઑન સિક્યૉરિટીને સૂચનરૂપે નવા સીડીએસનાં નામની એક યાદી મોકલવી જોઈએ."

એ યાદીને કૅબિનેટની અપૉઇન્ટમેન્ટ કમિટીમાં પણ પાસ કરાવવી પડે. જોકે અંતિમ નિર્ણય સીસીએસની બેઠકમાં લેવાશે, જેના અધ્યક્ષ ખુદ વડા પ્રધાન હોય છે.

આ યાદીમાં સૂચવાયેલાં નામો પર માત્ર સુરક્ષા મંત્રાલય અને સેનાની ત્રણે પાંખો તરફથી જ ઈનપુટ નહીં લેવાય, બલકે, ઇન્ટેલિજન્સ એજન્સી અને ચાર મોટાં મંત્રાલયો જે સીસીએસના સદસ્ય હોય છે એમનો મત પણ જાણવામાં આવશે.

આ યાદીને તૈયાર કરવામાં સામાન્ય રીતે સિનિયૉરિટીનું ધ્યાન રાખવામાં આવે છે. આ પદ પર કામ કરનાર વ્યક્તિએ ત્રણે સેના સાથે કામ કરવાનું હોય છે તેથી, નવા સીડીએસ આ ત્રણે સેનામાંથી કોઈ પણ સેનામાંથી નિયુક્ત થઈ શકે છે.

સીડીએસ માટેની યોગ્યતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

15 ઑગસ્ટ 2019, સ્વતંત્રતા દિવસની 73મી જયંતીએ લાલ કિલ્લા પરથી અપાયેલા ભાષણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આર્મી, નેવી અને ઍરફૉર્સ વચ્ચે સારા સમન્વય માટે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફનું પદ બનાવવાની ઘોષણા કરી હતી

જ્યારે જનરલ રાવતને સીડીએસ પદ પર નીમવામાં આવ્યા ત્યારે તેઓ સેનાપ્રમુખ હતા અને નિવૃત્તિની નજીક હતા. સીડીએસ પદ પર ત્રણ વર્ષ માટે તેમની નિમણૂક થઈ હતી અને નિવૃત્તિની સમયમર્યાદા વધારીને 65 વર્ષ કરવામાં આવી હતી.

એ કારણે જાણકારો માને છે કે, સીડીએસ પદ માટે વયમર્યાદા 65 વર્ષ છે અને એનો કાર્યકાળ ત્રણ વર્ષનો હોઈ શકે.

આ દૃષ્ટિકોણથી જોવા જઈએ તો સેનાની ત્રણે પાંખના વડા આ પદ માટે યોગ્ય ગણાશે, કેમ કે સૈન્યવડાની નિવૃત્તિ વયમર્યાદા 62 વર્ષ હોય છે.

આ જોતાં આર્મી ચીફ, નેવી ચીફ અને ઍરફોર્સ ચીફ, ત્રણે નવા સીડીએસ પદના દાવેદાર બની શકે છે.

સિનિયૉરિટીના આધારે જોઈએ તો ભારતની ત્રણે સેનાના વડામાં લેફ્ટનન્ટ મનોજ મુકુંદ નરવણે સૌથી વરિષ્ઠ છે.

જોકે હવે આ પદ પર નવા વ્યક્તિ કોણ આવશે એ વિશે અંતિમ નિર્ણય મોદી સરકારે જ કરવાનો છે.

પદ એક, જવાબદારી ત્રણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

વાસ્તવમાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ એકસાથે ત્રણ જવાબદારીઓ સંભાળતા હતા.

એક હકીકત એ પણ છે કે દુર્ઘટનામાં જનરલ બિપિન રાવતના આકસ્મિક મૃત્યુના કારણે એકસાથે ત્રણ હોદ્દા ખાલી થયા છે.

વાસ્તવમાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ એકસાથે ત્રણ જવાબદારીઓ સંભાળતા હતા.

પહેલી સીડીએસની જવાબદારી.

બીજી, ચૅરમૅન, ચીફ ઑફ સ્ટાફ કમિટી અને ત્રીજી જવાબદારી સચિવ, ડીએમએની હતી. ડીએમએ અર્થાત્ ડિપાર્ટમેન્ટ ઑફ મિલિટરી અફેર્સ. જે સુરક્ષા મંત્રાલય અંતર્ગત આવનારો સૈન્ય બાબતોનો વિભાગ છે.

ઍર ચીફ માર્શલ (રિટાયર્ડ) અરૂપ રાહા પાંચ વર્ષ પહેલાં સેવાનિવૃત્ત થયા છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "મારી સમજ એવી છે કે, સીડીએસના પદ પર નિયુક્ત થવા માટે ઇન્ટિગ્રેટેડ સર્વિસમાં કામ કર્યાનો અનુભવ હોવો જોઈએ. આ દૃષ્ટિકોણથી ત્રણે સેનાના વડામાંથી કોઈ પણ આ પદ પર નિયુક્ત થઈ શકે છે. ત્રણ સેનાપ્રમુખ ચીફ ઑફ સ્ટાફ કમિટી (સીઓએસસી)માં હોય છે અને એમાંથી એક એના ચૅરમૅન હોય છે. જેમની પાસે સીઓએસસીનો અનુભવ નહીં હોય એમના માટે સીડીએસનું પદ સંભાળવું થોડું મુશ્કેલ બની શકે."

ઇમેજ સ્રોત, NurPhoto/Getty

ઇમેજ કૅપ્શન,

ઍરચીફ માર્શલ (રિટાયર્ડ) અરૂપ રાહા પાંચ વર્ષ પહેલાં સેવાનિવૃત્ત થયા છે.

જોકે સીડીએસનું પદ બન્યા પછી સીડીએસને જ સીઓએસસીના પ્રમુખ બનાવી દેવાયા હતા.

તેમણે આગળ એમ પણ જણાવ્યું કે સીઓએસસીના સદસ્ય ના હોય તે પણ સીડીએસ પદ પર કામ કરી શકશે. ખાલી અનુભવ મેળવવામાં થોડો વધુ સમય લાગશે, એટલું જ.

ઍર ચીફ માર્શલ (રિટાયર્ડ) અરૂપ રાહાના જણાવ્યા અનુસાર, સીડીએસના કાર્યમાં માત્ર સેના વચ્ચે તાલમેળ બેસાડવો એટલું જ નહીં, પણ સરકારની સાથોસાથ નોકરશાહી સાથે પણ કામ કરવાની જરૂર પડે છે. આ કારણે સરકાર ઇચ્છે તો સીડીએસની નિમણૂક માટેની યાદી મોટી પણ કરી શકે, જેમાં વાઇસ ચીફને પણ તક આપી શકાય.

હકીકતમાં સેનાની ત્રણે પાંખની જેમ સીડીએસના હોદ્દા પછીના બીજા પદક્રમાંકે કોઈ કામ નહોતું કરતું.

આ કારણે નવા સીડીએસનું નામ પહેલેથી નક્કી નથી.

આર્મી, ઍરફોર્સ અને નેવી ઉપરાંત એક ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ (આઇડીએસ) સર્વિસ પણ હોય છે, જેવા વિશે બહુ ઓછા લોકોને ખબર છે. કારગિલ યુદ્ધ પછી એ બની છે અને હવે આ સર્વિસ બન્યાને 20 વર્ષ થઈ ગયાં છે.

લેફ્ટનન્ટ જનરલ (રિટાયર્ડ) સતીશ દુઆ આ જ આઇડીએસના પ્રમુખ રહી ચૂક્યા છે. તેમણે કહ્યું કે, બીજી સેનાઓના વડા 4 સ્ટાર જનરલ રૅન્કમાં આવે છે, જ્યારે આઇડીએસના પ્રમુખને 'ચીફ'નો દરજ્જો નહોતો બલકે 'વાઇસ ચીફ'નો દરજ્જો હતો. મતલબ કે તેઓ 3 સ્ટાર જનરલ રૅન્કમાં આવતા હતા.

સીડીએસનું પદ પણ બાકીના સેનાપ્રમુખોની જેમ જ 4 સ્ટાર જનરલ રૅન્કનું રખાયું હતું અને વેતન અને વધારાની સુવિધાઓ કોઈ પણ બીજા સેનાપ્રમુખ જેટલાં જ હતાં.

આ કારણે જાણકારોમાં મતમતાંતર છે કે આઇડીએસના વાઇસ ચીફને પણ આ પદ માટે યોગ્ય માની શકાય કે નહીં? જોકે, મોદી સરકાર એવું કરવાનો વિચાર કરે તો એમને એવા અધિકારીઓને બઢતી આપવી પડશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો