નાગાલૅન્ડમાં 13 લોકોના માર્યા જવા પર સેના સામે લોકોમાં રોષ- ગ્રાઉન્ડ રિપોર્ટ

  • નીતિન શ્રીવાસ્તવ
  • બીબીસી સંવાદદાતા, નાગાલૅન્ડના મોનથી

માટીની દીવાલો અને ટીનની છતવાળા નાના ઘરની બહાર સાત નાગા મહિલા ચૂપચાપ બેઠાં છે.

અંદરના રૂમમાં પલંગ પર બેઠેલાં મહિલા થોડી વાર માટે પોતાના મોબાઇલમાં કેટલીક તસવીરો જોઈને કંપી ઊઠે છે.

ઇમેજ કૅપ્શન,

લગ્નના દસ દિવસ પછી મોંગલોંગે તેમના પતિ હોકુપને દફનાવ્યા છે.

જેની સાથે ઘર માંડવાના કૉલ અપાયા હતા, હવે તે માત્ર યાદ બનીને રહી ગયા. લગ્નના દસ દિવસ પછી મોંગલોંગે તેમના પતિ હોકુપને દફનાવ્યા અને મોંગલોંગ દરરોજ કબર પર હિબિસ્કસનું ફૂલ ચડાવવા જાય છે.

25 વર્ષીય મોંગલોંગે કહ્યું, "રાત્રે બાર વાગ્યે મેં તેને મોબાઇલ પર મૅસેજ કર્યો, શું તમે જીવતા છો ને? જ્યારે કોઈ જવાબ ન મળ્યો ત્યારે મેં ફોન કર્યો, ત્યારે સામેથી તેના મિત્રે ઉપાડીને કહ્યું, તેના હાથમાં ગોળી વાગી છે. મેં જીદ કરી એટલે પતિને ફોન આપ્યો. તેમણે કહ્યું ગોળી વાગી છે. પછી બધું ખતમ થઈ ગયું. હવે આગળ મારું શું થશે?"

શું થયું હતું?

વીડિયો કૅપ્શન,

NAGALANDમાં હિંસા વિશે ગ્રાઉન્ડ રિપોર્ટ -INDIA

હોકુપના મૃત્યુના કલાકો પહેલાં 4 ડિસેમ્બરે ભારતીય સેનાના ગોળીબારમાં હોકુપના ગામના છ કામદારો માર્યા ગયા હતા.

નાગાલૅન્ડના મ્યાનમારની સરહદે આવેલા મોન જિલ્લામાં સૈન્યની એક પેટ્રોલિંગ ટુકડીએ કોલસાની ખાણમાંથી પાછા ફરતા કામદારોના જૂથને ઉગ્રવાદીઓ સમજીને તેમના પર ગોળીબાર કર્યો.

સેનાએ તેને "ઓળખવામાં ભૂલનો કેસ" ગણાવ્યો છે, પરંતુ સ્થાનિક લોકો સેનાના આ દાવાને સતત નકારી રહ્યા છે.

મોન જિલ્લામાં આ ઘટનાના કેટલાક કલાકો બાદ ઓટિંગ ગામના ગુસ્સે ભરાયેલા લોકોએ આર્મી કૅમ્પ પર હુમલો કર્યો. સેનાની ગોળીનો ભોગ બનેલા તમામ છ યુવાનો આ ગામના હતા.

અથડામણ દરમિયાન આઠ ગ્રામજનો ઉપરાંત એક સૈનિકનું પણ મોત થયું હતું. ગંભીર રીતે ઘાયલ બે યુવકોની દિબ્રુગઢના આસામ મેડિકલમાં સારવાર ચાલી રહી છે પણ હૉસ્પિટલ પ્રશાસને તેમને મળવા દીધા ન હતા.

તણાવ

ઇમેજ કૅપ્શન,

પૂર્વોત્તરનાં ઘણાં રાજ્યોની જેમ અહીં પણ ભારતીય સેનાને વિશેષ સત્તા આપતો કાયદો AFSPAના દુરુપયોગના આરોપ લાગતા રહે છે.

આસામના સોનારીથી નાગાલૅન્ડ સરહદમાં પ્રવેશતાની સાથે જ તણાવ સ્પષ્ટ દેખાય છે.

સુરક્ષા વધારી દેવામાં આવી છે અને અમે સૈનિકોની મોનના નાગા કાઉન્સિલના વડા સાથે વાત કરાવી તે પછી જ બીબીસીની ટીમને પ્રવેશની મંજૂરી આપી.

ઓટિંગ ગામ સુંદર ટેકરીઓ વચ્ચે ઘણી ઊંચાઈએ આવેલું છે અને ત્યાં સુધી જવાનો મોટા ભાગનો રસ્તો કાં તો કાચો છે અથવા તો તૂટેલો-ફૂટેલો છે.

આ વિસ્તારના લોકો કોનયાક જનજાતિના છે અને ખ્રિસ્તી ધર્મમાં માને છે.

અમે પહોંચતાની સાથે જ અમને ગામના પહેલા કબ્રસ્તાનમાં લઈ જવાયા, જ્યાં 13 નવી કબરોમાં માર્યા ગયેલા યુવાનોને દફનાવવામાં આવ્યા હતા.

ઇમેજ કૅપ્શન,

તિંગાઈ કોનયાક

આધેડ વયનાં એક મહિલા બીજી કબર પર રડતાં બોલી રહ્યાં હતાં, "મારો પુત્ર નાંગફો બે વર્ષનો હતો ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું. મેં મજૂરી કરીને તેને ઉછેર્યો અને આશા હતી કે હવે તે મારો આધાર બનશે."

કબ્રસ્તાનમાંથી પાછા ફરતી વખતે તિંગાઈ કોનયાક સાથે મુલાકાત થઈ, તિંગાઈ અહીથી બે કલાકના અંતરે તિરુમાં રહે છે, પરંતુ ઓટિંગ તેનું જન્મસ્થળ છે.

તેણે કહ્યું, "હું તિરુથી તિજીત જઈ રહ્યો હતો, હું ત્યાં પહોંચ્યો ત્યાં પરિવારના સભ્યોએ ફોન કર્યો કે દારૂગોળાનો અવાજ આવી રહ્યો છે તે તમે ક્યાં છો અને સલામત છો? અમે કહ્યું કે અમે બીજા રસ્તેથી આવ્યા છીએ. જો અમે પણ એ જ રસ્તેથી આવ્યા હોત તો આજે જીવતા ન હોત."

હજુ થોડા દિવસો પહેલાં સુધી તો અહીં ક્રિસમસની તૈયારીઓ થઈ રહી હતી, સર્વત્ર ઉજવણીનો માહોલ હતો. અમને ઓટિંગના ચર્ચની ઉપર ચમકતા તારાઓ અને સાન્ટા કટઆઉટ જોવા મળ્યા હતા.

ઇમેજ કૅપ્શન,

નેનવાંગ

પરંતુ અચાનક થયેલી હિંસાએ બધાને હતપ્રભ બનાવી દીધા છે. ઓટિંગ ગામમાં કેટલાક પરિવારો એવા છે જેમનું ભવિષ્ય અંધકારમય જણાય છે.

તિરુની કોલસાની ખાણમાં કામ કરતા જોડિયા ભાઈઓ થાપુવાંગ અને લોંગવાંગ જેની ઉપર સેનાની ટુકડીએ ગોળીબાર કર્યો હતો તે ટ્રકમાં સવાર હતા. તેમનો ભાઈ નેનવાંગ વિકલાંગ છે.

નેનવાંગે કહ્યું, "બંનેની કમાણીથી અમારો પરિવાર ચાલતો હતો. હુમલો કરીને નિર્દોષ મજૂરોને મારી નાખવામાં આવ્યા. મારે બીજું કંઈ જોઈતું નથી, બસ મારા ભાઈઓને પાછા લાવી આપો."

ભારતીય સેના અને રાજ્ય સરકારની ઉચ્ચ સ્તરીય તપાસ ચાલી રહી છે, જ્યારે કેન્દ્ર સરકારે પણ આ મામલે દુખ વ્યક્ત કર્યું છે.

આ ઘટના પછી ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં જણાવ્યું હતું કે, "નિર્ણય લેવામાં આવ્યો છે કે તમામ સુરક્ષા એજન્સીઓએ એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે ભવિષ્યમાં બળવાખોરો સામે ઑપરેશન ચલાવતી વખતે આવી દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના ફરી ન બને."

ઇમેજ કૅપ્શન,

ગામલોકો સાથે બીબીસી સંવાદદાતા નીતિન શ્રીવાસ્તવ

નાગાલૅન્ડમાં લાંબા સમયથી ઉગ્રવાદ અને વંશીય હિંસા જોવા મળી છે.

રાજ્યમાં 1950ના દશકથી સશસ્ત્ર સંઘર્ષ ચાલી રહ્યો છે અને આ આંદોલનની માગ છે કે નાગા લોકોનો પોતાનો સ્વાયત્ત પ્રદેશ હોય. જેમાં નાગાલૅન્ડ ઉપરાંત તેનાં પડોશી રાજ્યો આસામ, મણિપુર, અરુણાચલ પ્રદેશ તેમજ મ્યાનમારના તમામ નાગા વસ્તીવાળા વિસ્તારોને પણ સામેલ કરવામાં આવે.

પૂર્વોત્તરનાં ઘણાં રાજ્યોની જેમ અહીં પણ ભારતીય સેનાને વિશેષ સત્તા આપતો કાયદો AFSPAના દુરુપયોગના આરોપ લાગતા રહે છે.

AFSPA એટલે કે આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ ઍક્ટ વિવાદાસ્પદ કાયદો છે જે સુરક્ષાદળોને બળવાખોરોની તલાશી અને ધરપકડના અધિકારો આપે છે.

આ કાયદો જે સૈનિકોથી કોઈ કાર્યવાહી દરમિયાન ભૂલથી અથવા જરૂરી સંજોગોમાં નાગરિકો માર્યા જાય તો સૈનિકોને પણ રક્ષણ આપે છે.

ઇમેજ કૅપ્શન,

મોબાઇલમાં લગ્નની તસવીર

ટીકાકારો કાયદાને "નકલી હત્યાઓ" માટે દોષી ઠેરવે છે અને કહે છે કે તેનો વારંવાર દુરુપયોગ થાય છે.

મોન જિલ્લામાં બનેલી તાજેતરની ઘટના બાદ ઉત્તર-પૂર્વ ભારતમાં AFSPA ઍક્ટને પાછો ખેંચવાની માગ તીવ્ર બની રહી છે.

ઓટિંગ ગામમાં અમારી મુલાકાત મોન જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના નેતા હોસિયા કોનયાક સાથે થઈ, તેઓ પીડિત પરિવારોને મળવા આવ્યા હતા.

તેમણે કહ્યું, "અમે જાણીએ છીએ કે સુરક્ષાદળો માણસની સુરક્ષા માટે છે. ગૃહમંત્રી અમિત શાહને કહેવા માગું છું કે આ સુરક્ષા કાયદો અને ગુપ્તચર ઈનપુટ્સ સંપૂર્ણ નિષ્ફળ છે. આ કાયદાના છત્ર હેઠળ નિર્દોષ જનતાને સીધી જ મારી નાખવામાં આવે છે."

હિંસા બાદ આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠન હ્યુમન રાઈટ્સ વોચે પણ ભારત સરકારને વિવાદાસ્પદ AFSPA કાયદો પાછો ખેંચવાની અપીલ કરી છે.

દરમિયાન, કેન્દ્ર અને રાજ્ય સરકારોએ પીડિત પરિવારોને લાખો રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. પણ જેઓ બીજાની ભૂલનો ભોગ બન્યા છે, તેમની ખોટ ક્યારેય પૂરી નહીં શકાય.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો