શ્રીનગરમાં પોલીસની બસ પર ઉગ્રવાદી હુમલો, બે લોકોનાં મૃત્યુ - BBC Top News

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ઝેવન વિસ્તારમાં એક પોલીસવાહન પર ઉગ્રવાદીઓએ હુમલો કર્યો છે.

જમ્મુ-કાશ્મીર પોલીસે જાણકારી આપી છે કે હુમલામાં ઘાયલ થયેલા એક એએસઆઈ સહિત બે પોલીસકર્મીઓનાં મૃત્યુ થયાં છે

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન,

જમ્મુ-કાશ્મીર પોલીસે જાણકારી આપી છે કે હુમલામાં ઘાયલ થયેલા એક એએસઆઈ સહિત બે પોલીસકર્મીઓનાં મૃત્યુ થયાં છે

કાશ્મીર ઝોન પોલીસે ટ્વીટ કરીને ઉગ્રવાદી હુમલાની પુષ્ટિ કરી છે.

જમ્મુ-કાશ્મીર પોલીસે જાણકારી આપી છે કે હુમલામાં ઘાયલ થયેલા એક એએસઆઈ સહિત બે પોલીસકર્મીઓનાં મૃત્યુ થયાં છે.

આ પહેલાં પોલીસના અધિકૃત ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી હતી, "શ્રીનગરના પાંથા ચોક વિસ્તારમાં ઝેવન પાસે ચાર ઉગ્રવાદીઓએ પોલીસના વાહન પર ગોળીબાર કર્યો. હુમલામાં 14 જવાન ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને હૉસ્પિટલમાં દાખલ કરાવાયા છે."

ઓમિક્રૉન વૅરિયન્ટથી યુકેમાં એક વ્યક્તિના મૃત્યુની પુષ્ટિ

ઇમેજ સ્રોત, SOPA Images

ઇમેજ કૅપ્શન,

બોરિસ જૉનસને લોકોને બૂસ્ટર ડોઝ લેવાની વિનંતી કરી

યુકેના વડા પ્રધાન બોરિસ જૉનસને પુષ્ટિ કરી છે કે યુકેમાં કોરોના વાઇરસના ઓમિક્રૉન વૅરિયન્ટથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

બોરિસ જૉનસને કહ્યું કે નવા વૅરિયન્ટને કારણે લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવાની પણ જરૂર પડી રહી છે.

તેમણે આગળ કહ્યું કે આનાથી બચવાનો રસ્તો છે કોરોના રસીનો બૂસ્ટર ડોઝ લેવો.

લંડનમાં રસીકરણ કેન્દ્રની મુલાકાત લેતા તેમણે કહ્યું કે લોકોએ એ વિચાર ત્યજી દેવો જોઈએ કે ઓમિક્રૉન એ હળવો વૅરિયન્ટ છે.

રવિવારે તેમણે દેશમાં બધા વયસ્કોને બૂસ્ટર ડોઝ આપવાનું લક્ષ્ય નક્કી કર્યું.

તેમણે જણાવ્યું કે ઓમિક્રૉનથી હૉસ્પિટલમાં દાખલ કરવાની પણ જરૂર પડી રહી છે અને ઓછામાં ઓછી એક વ્યક્તિનું ઓમિક્રૉનથી મૃત્યુ થયું છે.

"એટલે મને લાગે છે કે આ વૅરિયન્ટ વાઇરસનું હળવું સ્વરૂપ છે, મને લાગે છે કે આ વિચારને આપણે વધુ પડતું મહત્ત્વ ન આપવું જોઈએ અને એ વાત ધ્યાને લેવી જોઈએ કે આ કેટલી ઝડપથી લોકોમાં ફેલાય છે."

કાશી-વિશ્વનાથ કૉરિડોરનું ઉદ્ઘાટન, મોદીએ કહ્યું - 'હુમલાખોરોએ કાશીને નષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો પણ કાશી અવિનાશી છે'

ઇમેજ સ્રોત, TWITTER/SHEHZAD_IND

ઇમેજ કૅપ્શન,

નરેન્દ્ર મોદીએ કાશી-વિશ્વનાથ કૉરિડોરનું ઉદ્ઘાટન કર્યું

કાશી-વિશ્વનાથ કૉરિડોરનું ઉદ્ઘાટન કરતાં વારાણસીમાં પોતાના સંબોધનની શરૂઆત 'હર હર મહાદેવ' સાથે કરી.

તેમણે કહ્યું કે, "વડીલો અને દિવ્યાંગો માટે કાશી વિશ્વનાથ મંદિર સુધી પહોંચવું મુશ્કેલ હતું. પરંતુ હવે કાશી વિશ્વનાથ કૉરિડોર પ્રૉજેક્ટને કારણે તેઓ મંદિર સુધી પહોંચી શકશે. તે લોકો જેટીથી સીધા ઘાટ પર આવી શકે છે. ઘાટ પર એસ્કેલેટરથી પણ જઈ શકાય છે."

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન,

'નવો ઇતિહાસ રચાયો છે' - મોદી

કાશી વિશ્વનાથધામ પ્રૉજેક્ટનું ઉદ્ઘાટન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "નવો ઇતિહાસ રચાયો છે, આપણે તેના સાક્ષી છીએ એ સૌભાગ્યની વાત છે".

આ અવસર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કાશી-વિશ્વનાથધામનું આ નવું પરિસર માત્ર એક ભવ્ય ભવન જ નથી પરંતુ આ ભારતની સનાતન સંસ્કૃતિનું પ્રતીક છે.

તેમણે કહ્યું કે આ પરિસર ભારતની આધ્યાત્મિક આત્માનું, પ્રાચીનતા અને પંરપરાઓનું પ્રતીક છે

વડા પ્રધાન મોદીએ કહ્યું કે પહેલાં જે મંદિરવિસ્તાર માત્ર ત્રણ હજાર વર્ગફીટમાં હતો તે હવે પાંચ લાખ વર્ગફીટ થઈ ગયો છે. આ કારણે હવે મંદિર અને મંદિર પરિસરમાં 50થી 75 હજાર શ્રદ્ધાલુ આવી શકે છે.

કાશી-વિશ્વનાથ કૉરિડોરનું ઉદ્ઘાટન કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે "હુમલાખોરોએ કાશી શહેરને નષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો. ઔરંગઝેબની કટ્ટરતાનું સાક્ષી આ શહેર બન્યું છે. તેણે તલવારથી સંસ્કૃતિ બદલવાનો પ્રયત્ન કર્યો, સભ્યતાને તેની કટ્ટરતાથી કચડી નાખવાનો પ્રયત્ન કર્યો. પરંતુ આ દેશની માટી જ આખી દુનિયાથી અલગ છે."

"જો ઔરંગઝેબ આવ્યો તો શિવાજી ઊભા થયા. જો સલાર મસૂદ આવ્યો તો રાજા સુહેલદેવ જેવા બહાદુર લડવૈયાએ તેને એકતાની તાકાત બતાવી. અને જો બ્રિટિશ રાજની વાત કરીએ તો કાશીના નિવાસીઓ જાણે છે કે હેસ્ટિંગ્સનું શું થયું"

મોદીએ કાશી-વિશ્વનાથ કૉરિડોરનું નિર્માણ કરનાર શ્રમિકોનું અભિવાદન કર્યું

કાશી-વિશ્વનાથ કૉરિડોરના ઉદ્ઘાટન પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાશી વિશ્વનાથધામના નિર્માણમાં કામ કરવાવાળા શ્રમિકો પર ફૂલોની વર્ષા કરીને તેમનું અભિવાદન કર્યું હતું.

તેમણે પોતાના ભાષણમાં પણ આ કૉરિડોરના નિર્માણમાં કાર્ય કરનાર લોકોનો આભાર વ્યક્ત કર્યો.

ઓમિક્રૉન વૅરિયન્ટ વૅક્સિનની અસર ઘટાડે છે, વધુ ઝડપથી પ્રસરે છે : WHO

ઇમેજ સ્રોત, Andriy Onufriyenko

રવિવારના રોજ વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું કે ઓમિક્રૉન વૅરિયન્ટ ડેલ્ટા કરતાં વધારે સંક્રામક છે અને વૅક્સિનની અસરને ઘટાડે છે.

જોકે, આ વૅરિયન્ટથી સંક્રમિત લોકોમાં કોરોનાનાં હળવાં લક્ષણો જોવા મળતાં હોવાનું પ્રારંભિક ડેટામાં જાણવા મળ્યું છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા પ્રમાણે, ઓમિક્રૉન વૅરિયન્ટ 9 ડિસેમ્બર સુધીમાં વિશ્વના 63 દેશોમાં પ્રસર્યો છે.

આ 63 દેશો પૈકી તેની સૌથી વધુ સંક્રામકતા દક્ષિણ આફ્રિકામાં જોવા મળી છે, જ્યાં ડેલ્ટા વૅરિયન્ટના વધારે કેસ નથી.

પંરતુ ચોંકાવનારી બાબત એ પણ છે કે ડેલ્ટા વૅરિયન્ટના વધારે પડતા કેસ ધરાવતા યુકે જેવા દેશોમાં પણ ઓમિક્રૉન વૅરિયન્ટના મોટી સંખ્યામાં કેસ જોવા મળ્યા છે.

હરનાઝ સંધુ બન્યાં મિસ યુનિવર્સ, 21 વર્ષ બાદ ભારતીયના શિરે તાજ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતનાં હરનાઝ સંધુએ 70મી મિસ યુનિવર્સ પ્રતિયોગિતાનો ખિતાબ જીત્યો છે.

21 વર્ષીય સંધુ મૂળ પંજાબનાં છે અને મૉડલિંગની સાથે-સાથે પબ્લિક ઍડમિનિસ્ટ્રેશનમાં ઉચ્ચ અભ્યાસ કરી રહ્યાં છે.

પોતાની જીત બાદ હરનાઝે કહ્યું કે,"હું પરમાત્મા, મારાં માતાપિતા અને મિસ ઇન્ડિયા સંગઠનની ખૂબ આભારી છું, જેમણે મને માર્ગદર્શન આપ્યું અને સહકાર આપ્યો. 21 વર્ષ બાદ આ ગૌરવશાળી તાજ ભારત માટે લાવવો એ મારા માટે ગર્વની બાબત છે."

આ પહેલાં વર્ષ 2000માં લારા દત્તાએ મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો.

ઇઝરાયલના ઍલિયટમાં આયોજિત આ પ્રતિયોગિતામાં મૅક્સિકોનાં પૂર્વ મિસ યુનિવર્સ ઍન્ડ્રિયા મેજાએ હરનાઝ સંધુને તાજ પહેરાવ્યો હતો.

આ સિવાય તેમણે ફૅમિના મિસ ઇન્ડિયા પંજાબ 2019 જેવા ઘણા ખિતાબ જીત્યા છે અને ઘણી પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

અમેરિકાના કેન્ટકીમાં વાવાઝોડાને લીધે 100થી વધુ લોકોનાં મોતની આશંકા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

મેફિલ્ડના એક રહેવાસી ધ્વસ્ત થયેલા ઘરમાંથી સામાન શોધી રહ્યા છે.

અમેરિકાના કેન્ટકી રાજ્યમાં આવેલા ભયાનક વાવાઝોડાને પગલે અત્યાર સુધીમાં 100થી વધુ લોકોનાં મોત થયાં હોવાની આશંકા છે.

રાજ્યના ગવર્નર એન્ડી બેશિયરે આ વાવાઝોડાને કેન્ટકીના ઇતિહાસનું સૌથી ખરાબ વાવાઝોડું ગણાવ્યું હતું.

તેમના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી 80 મોતની પુષ્ટિ થઈ છે, પરંતુ શનિવારની સવારથી કોઈ વ્યક્તિ જીવિત મળ્યું નથી.

કેન્ટકીમાં હાલ બચાવકર્મીઓ કાટમાળ હઠાવવાની અને લોકો સુધી રાહત સામગ્રી પહોંચાડવાની કામગીરી કરી રહ્યા છે. 300થી વધુ લોકો રાહતકામગીરીમાં જોડાયા છે.

રાષ્ટ્રપતિ જો બાઇડને કેન્ટકી માટે ફંડ જાહેર કરવાની સાથે સ્ટેટ ઇમર્જન્સી જાહેર કરી છે. તેમણે પણ આ વાવાઝોડાને ઇતિહાસનું સૌથી મોટું વાવાઝોડું ગણાવ્યું હતું.

રાષ્ટ્રપતિ બાઇડન દ્વારા જાહેર કરવામાં આવેલું ફંડ કેન્ટકી સિવાય મિસૉરી, આરકંસાસ, ઇલિનૉય, ટૅનેસી અને મિસિસિપી માટે પણ ઉપલબ્ધ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો